હૉટ પ્લેટ (hot plate)

February, 2009

હૉટ પ્લેટ (hot plate) : એક અથવા બે કે ત્રણ તાપન-અવયવો (elements) ધરાવતી વીજળી વડે ચાલતી સગડી (stove) જેવી પ્રયુક્તિ. એકલ (single) એકમ પ્રકારની હૉટ પ્લેટમાં અવરોધક તાર ભરતર (cast) લોખંડની તકતીમાં આવેલા ખાંચાઓ(grooves)માં મૂકેલો હોય છે અને તેને અગ્નિસહ માટી(fire clay)ના સિમેન્ટ અથવા પ્લાસ્ટર ઑવ્ પૅરિસ વડે વિસંવાદિત કરેલો હોય છે. આ તાર નિક્રોમ (nicrome) જેવી મિશ્રધાતુનો બનેલો હોય છે, જેનો વિદ્યુત અવરોધ ઘણો ઊંચો હોઈ તે તપી જઈ ગરમી આપે છે. પ્લેટમાંથી બહાર આવતા તારના છેડા પૉર્સલિનના મણકા (beeds) વડે વિસંવાહિત કરેલ હોય છે અને તેમને પ્લેટની બહારના ભાગની મધ્ય ભાગે આપેલા ટર્મિનલ સાથે જોડેલા હોય છે (આકૃતિ 1).

આકૃતિ 1 : વૈદ્યુતિક હૉટ પ્લેટના ભાગો

તેનો પાયો ભરતર લોખંડ(cast iron)નો હોય છે અને તેને ઍસ્બેસ્ટૉસ અને અબરખ (mica) વડે ઢાંકવામાં આવેલો હોય છે. હૉટ પ્લેટના અન્ય ભાગોમાં સપાટી પરની તકતીની નીચે લોખંડની બંગડી (ring), તેની નીચે ધાતુનો બનેલો મધ્ય ભાગ અને તેની નીચે ઢાંકણ – આ ત્રણ(ત્રણેય ક્રોમિયમ પ્લેટેડ)નો સમાવેશ થાય છે. આ બધા ભાગોને બોલ્ટ (bolt) અને ચાકી (nut) વડે જોડવામાં આવે છે. આ ઉપરાંત તેને પકડવા માટે હૉટ પ્લેટની બંને બાજુએ એબોનાઇટ(ebonite)ના હાથા હોય છે. તેની હેરફેર કરી શકાય તથા વાપરવામાં સરળતા ખાતર હૉટ પ્લેટના નીચેના ભાગે ત્રિપાઈ (tripod stand) પણ રાખવામાં આવે છે. પ્લેટ ચાલુ છે કે બંધ તે દર્શાવતો લૅમ્પ પણ મૂકવામાં આવે છે.

આકૃતિ 2 : બે એકમોવાળી હૉટ પ્લેટ

બે એકમો ધરાવતી પ્લેટમાં ઉષ્માનું નિયંત્રણ ઉષ્મા-ચયન(heat selector) સ્વિચ વડે કરવામાં આવે છે. આ સ્વિચ તાપન- અવયવો(નિક્રોમ તાર)ને વિવિધ રીતે જોડે છે; દા. ત., નિમ્નતમ (lowest) તાપ માટે શ્રેણી(series)માં; મધ્યમ ગરમી માટે પરિપથમાં એક મોટું અને બે નાનાં ગૂંચળાં, જ્યારે ઉચ્ચતમ તાપ માટે સમાંતર (parallel) તાપન-ગૂંચળાં એકથી બે કિલોવૉટ દર(rating)નાં હોય છે.

પીયૂષ જેઠાલાલ મહેતા