હોઝિયરી (knitted fabrics) : સૂતર, રેશમ, ઊન અથવા તો સંશ્લેષિત રેસાના એક કે એકાધિક દોરાઓને પરસ્પર ગૂંથીને તૈયાર કરવામાં આવતા કાપડનાં વસ્ત્રો.
હસ્તગૂંથણ
આવા કાપડની વણાટ-ગૂંથણી હાથથી અથવા યંત્રની સહાયથી કરવામાં આવે છે. હસ્તગૂંથણમાં હૂકવાળા સોયા(crochet)નો ઉપયોગ કરવામાં આવે છે. તેને અંકોડીનું ગૂંથણ પણ કહેવાય છે. સામાન્યત: તેનો ઉપયોગ સ્વેટરો ભરવામાં કરવામાં આવે છે.
વિશાળ જથ્થામાં ગૂંથેલ કાપડ તેમજ વસ્ત્રો બનાવવા માટે ગૂંથણયંત્રો(knitting machines)નો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રાચીન કાળમાં ઇજિપ્તમાં કોપ્ટ (Copt) નામની આદિમ જનજાતિ હસ્તગૂંથણની પ્રક્રિયાની જાણકાર હતી તેવી માહિતી ઉપલબ્ધ છે. ઈ. પૂ. 400ના અરસામાં ગ્રીસ અને તેની આસપાસના વિસ્તારમાં પગને ઉષ્મા આપવા મોજાં પહેરવાની પ્રથા પ્રચલિત હતી. આ મોજાં સામાન્યત: ઊનમાંથી તૈયાર કરવામાં આવતાં હતાં. તેના પર પગરખાં પણ પહેરવામાં આવતાં હતાં. ઈ. સ. 400ના અરસામાં પશ્ચિમ યુરોપમાં પાદરીઓમાં પવિત્રતાના ચિહ્ન તરીકે ઊનનાં લાંબાં ચુસ્ત મોજાં પહેરવાની પ્રથા પ્રચલિત હતી. ઈ. સ. 1000 સુધીમાં ક્રમશ: સમગ્ર યુરોપમાં ઉમરાવોએ વ્યાવસાયિક ગૂંથણકારો પાસે ગૂંથાવેલ મોજાંના ઉપયોગની શરૂઆત કરી દીધી હતી.
ઈ. સ. 1589માં વિલિયમ લી (William Lee) નામના અંગ્રેજ પાદરીએ મોજાં ગૂંથી શકાય તેવા યંત્રની શોધ કરી હતી. સોળમી સદીના અંત સુધીમાં ઊન ઉપરાંત રૂ અને રેશમમાંથી બનેલાં મોજાંનો ઉપયોગ યુરોપમાં પ્રચલિત થયો હતો. તેમાં મુખ્યત્વે સ્ત્રીઓના પગ માટે બનતાં ઊન, રૂ અને રેશમનાં ટૂંકાં તેમજ કમર સુધીની લંબાઈનાં મોજાંનો સમાવેશ થતો હતો.
ગૂંથણયંત્ર(knitting machine)ની સહાયથી કાપડમાંથી તૈયાર કરવામાં આવેલ નળાકાર (Hose) આકારનાં વસ્ત્રો (મુખ્યત્વે સ્ત્રીઓના પગ માટેનાં મોજાં) ‘હોઝિયરી’ના નામે પ્રચલિત થયાં હતાં. આવાં મોજાં આરામદાયક, ઉષ્માદાયક, દેખાવે સુંદર, પસીનાની ગંધને દૂર રાખનાર તેમજ પસીનાથી પગરખાંને રક્ષણ આપનાર હોવાથી લોકપ્રિય બન્યાં હતાં. હાલમાં ઉપયોગમાં લેવાતાં પગનાં ચુસ્ત પારદર્શક મોજાં, મુખ્યત્વે ઈ. સ. 1938માં નાયલૉનની શોધ પછી બનાવવામાં આવે છે. જ્યારે રૂ, રેશમ અને ઊનમાંથી બનેલ મોજાં અપારદર્શક હોય છે.
ગૂંથણયંત્રો નળાકાર તેમજ સમતલ કાપડનું ઉત્પાદન કરે છે. ક્ષિતિજ સાથે સમાંતર ગૂંથણયંત્ર (flat knitting machine) મહદ્ અંશે એક જ દોરામાંથી નળાકાર કાપડનું ગૂંથણ કરે છે. વાણા (weft) પ્રકારના ગૂંથણમાં કાપડ કાટખૂણે (crosswise) ગૂંથવામાં આવે છે. આ નળાકાર કાપડમાં વિવિધતા પ્રસ્તુત કરવા માટે સપાટ (plain), ધાર (Rib), ઊંધો ટાંકો (purl), નકશી (pattern), દ્વિગૂંથણ (double knitt) વગેરે પ્રકારના ટાંકાનો ઉપયોગ કરવામાં આવે છે. નળાકાર કાપડને ઘાટ કે આકાર આપી વસ્ત્રો બનાવવા માટે ક્વચિત્ ટાંકાઓને કસવામાં (tightening) અથવા તો વિસ્તારવામાં (stretching) આવે છે. આવા ગૂંથેલ કાપડમાંથી સ્વેટર, ટી શર્ટ, શર્ટ, પાટલૂન, પાયજામા, રાત્રિપોશાક, બ્લાઉઝ, સ્કર્ટ, મોજાં તેમજ પુરુષો અને સ્ત્રીઓનાં ઉપવસ્ત્રો વગેરે બનાવવામાં આવે છે.
સમાંતર ગૂંથણયંત્ર (flat knitting machine)
વર્તુળાકાર ગૂંથણયંત્ર(circular knitting machine)માં અનેક દોરાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને દરેક દોરા માટે અલગ સોય હોય છે. આ ગૂંથણયંત્ર તાણા (warp) પ્રકારના ગૂંથણથી મહદ્ અંશે સમતલ કાપડ તૈયાર કરે છે. જે નળાકાર કાપડ કરતાં વધુ ચુસ્ત હોય છે. તેમાં પહોળાઈ વધારવા માટે ટાંકા ઉમેરવામાં આવે છે જ્યારે ઘટાડો કરવા બે કે તેથી વધુ ટાંકાઓ એકસાથે લેવામાં આવે છે. તેમાંથી ચાદરો, બ્લૅન્કેટ, જાજમ, પડદા, સૂટ, બ્લાઉઝ, સ્કર્ટ, લેસ (lace), સ્થિતિસ્થાપક કાપડ (elastic), લેમિનેશન (lamination), ફર્નિચરનાં આવરણો વગેરે બનાવી શકાય છે.
આ ઉદ્યોગને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. કેટલાક એકમો ફક્ત ગૂંથેલ કાપડનું જ ઉત્પાદન કરે છે. કેટલાક ગૂંથેલ કાપડ પર ફક્ત પ્રક્રમણ (processing) કરે છે, જ્યારે અન્ય એકમો ગૂંથેલ કાપડમાંથી વસ્ત્રો તૈયાર કરે છે. વળી કેટલાક મોટા એકમો ત્રણેય પ્રક્રિયા તેમના કારખાનાંમાં જ કરે છે.
ભારતમાં તૈયાર વસ્ત્રોના ઉત્પાદનનો આરંભ અંગ્રેજોના આગમન પછી થયો હતો. કૉલકાતામાં બનેલ સુતરાઉ બનિયનો તેમની ઊંચી ગુણવત્તા માટે પ્રચલિત હતાં. આ ઉદ્યોગ ક્રમશ: મુંબઈ, બૅંગાલુરુ, ચેન્નાઈ, લુધિયાણા વગેરે સ્થળે વિકાસ પામ્યો હતો. ભારત સૂતરનાં ગૂંથેલ વસ્ત્રોનું ઉત્પાદન કરતો એક મહત્વનો દેશ ગણાય છે. સુતરાઉ ગૂંથેલ વસ્ત્રોનું ઉત્પાદન કરતાં અગત્યનાં કેન્દ્રોમાં ચેન્નાઈ, તિરુપુર, બૅંગાલુરુ, હૈદરાબાદ, ત્રિવેન્દ્રમ્, મુંબઈ, સિલ્વાસ, સૂરત, ઇંદોર, ફરીદાબાદ, કાનપુર, ભુવનેશ્વર, રાંચી, કૉલકાતા વગેરે ગણી શકાય.
તિરુપુરમાં આશરે 3600થી વધુ એકમો સુતરાઉ ગૂંથેલાં વસ્ત્રોનું ઉત્પાદન કરે છે. ભારતમાં બનતાં આશરે 55 ટકા ગૂંથેલ વસ્ત્રો તિરુપુરમાં તૈયાર કરવામાં આવે છે. તેથી તિરુપુર ગૂંથેલાં વસ્ત્રોના શહેર તરીકે પ્રસિદ્ધ થયું છે. ત્યાંથી ગણનાપાત્ર જથ્થામાં ગૂંથેલાં વસ્ત્રોની નિર્યાત કરવામાં આવે છે. ઈ. સ. 2007–08ના વર્ષ દરમિયાન આશરે રૂ. 9950 કરોડના વસ્ત્રોની તિરુપુરમાંથી નિર્યાત કરવામાં આવી હતી.
વર્તુળાકાર ગૂંથણયંત્ર (circular machine)
લુધિયાણા અને તેની આસપાસનો વિસ્તાર ઊનનાં તેમજ સંશ્લેષિત દોરાનાં ગૂંથેલ વસ્ત્રો માટેનું મહત્વનું કેન્દ્ર છે. આ એકમો સ્વેટર, જૅકેટ, બ્લૅન્કેટ, કાર્ડિગન, ઓવરકોટ, ટોપીઓ, મફલર, મોજાં વગેરેનું ઉત્પાદન કરે છે. તેનું વાર્ષિક ઉત્પાદન આશરે રૂ. 5000 કરોડથી વધુ અંદાજવામાં આવે છે. તેમાંથી આશરે રૂ. 1000 કરોડની કિંમતનાં વસ્ત્રોની નિર્યાત કરવામાં આવે છે.
ગૂંથેલાં વસ્ત્રોના ઉદ્યોગમાં સમાંતર તેમજ વર્તુળાકાર ગૂંથણ-યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ યંત્રો નાના કદનાં હોય છે, તેથી તેને ઘરમાં વસાવીને પણ તેનો ઉપયોગ થાય છે. એ રીતે કુટિર-ઉદ્યોગ (collage industry) તરીકે પણ તે લોકપ્રિય બન્યો છે.
આ ઉદ્યોગ ભારતભરમાં વિસ્તરેલો છે. જોકે દેશમાં કુલ કેટલાં યંત્રો કાર્યરત છે તેની આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. ઉદ્યોગ સાથે સંકળાયેલ સ્રોતો અનુસાર મુંબઈમાં જ 3000 યંત્રો કુટિર-ઉદ્યોગમાં કાર્યરત છે. કૉલકાતામાં પણ આશરે 1000 યંત્રોનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ, ભાવનગર, મોરબી જેવાં શહેરોમાં આશરે 500 એકમો કાર્યરત હોવાનો અંદાજ મૂકવામાં આવે છે.
ભારતમાંથી ઈ. સ. 2005–06ના વર્ષ દરમિયાન આશરે રૂ. 14,000 કરોડની કિંમતનાં સુતરાઉ, ઊન અને સંશ્લેષિત ગૂંથેલ કાપડનાં વસ્ત્રોની નિર્યાત કરવામાં આવી હતી. ઉદ્યોગ-સ્રોતો અનુસાર તેટલી જ કિંમતનાં ઉત્પાદિત વસ્ત્રો સ્થાનિક બજારમાં વેચાય છે. તેથી ગૂંથેલ વસ્ત્રોના કુલ ઉત્પાદનનો અંદાજ આશરે રૂ. 28,000થી 30,000 કરોડનો મૂકી શકાય.
ભારતમાં બનતાં ગૂંથેલાં વસ્ત્રોની આધારભૂત માહિતી ઉપલબ્ધ ન હોવાને કારણે વિવિધ પ્રકારનાં ગૂંથેલાં વસ્ત્રોની નિર્યાતના આંકડાનો આધાર લઈને કુલ ઉત્પાદનનો અંદાજ ઉદ્યોગના સ્રોતો અનુસાર અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ભારતે ઈ. સ. 2004–05માં આશરે રૂ. 11,000 કરોડનાં ગૂંથેલાં વસ્ત્રોની નિર્યાત કરી હતી, જે ઈ. સ. 2005–06માં વધીને આશરે રૂ. 14,000 થઈ હતી, જે લગભગ 37 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગૂંથેલાં વસ્ત્રોની નિર્યાતની માહિતી નીચેની સારણી 1માં પ્રસ્તુત કરવામાં આવી છે.
સારણી 1 : ભારતમાં ગૂંથેલાં વસ્ત્રો/હોઝિયરીની નિર્યાત (રૂ. કરોડમાં)
ક્રમ | વસ્ત્રોનું વર્ણન | 2003–04* | 2004–05* | 2005–06* |
1. | ટી-શર્ટ-બનિયન વગેરે | 4,378 | 3,545 | 5,213 |
2. | પુરુષો/બાળકોનાં ખમીસ | 1,847 | 1,854 | 1,901 |
3. | સ્ત્રીઓ/બાલિકાઓનાં ખમીસ અને બ્લાઉઝ | 1,048 | 996 | 1,532 |
4. | સ્ત્રીઓનાં ઉપવસ્ત્રો-ગાઉન વગેરે | 999 | 888 | 941 |
5. | જર્સી, પુલ ઓવર, કાર્ડિગન, વેસ્ટ-કોટ વગેરે | 713 | 723 | 901 |
6. | સ્ત્રીઓ-બાલિકાઓનાં સૂટ, જૅકેટ, પાટલૂન, બ્લેઝર વગેરે | 693 | 687 | 799 |
7. | પુરુષો/બાળકોનાં ઉપવસ્ત્રો, પાયજામા, રાત્રિપોશાક વગેરે | 813 | 764 | 762 |
8. | બાળકોનાં વસ્ત્રો | 52 | 504 | 742 |
9. | પુરુષો-બાળકોનાં સૂટ, જૅકેટ બ્લેઝર, પાટલૂન વગેરે | 458 | 439 | 544 |
10. | પુરુષો-બાળકોનાં ઓવર-કોટ ટોપીઓ વગેરે | 312 | 256 | 267 |
11. | અન્ય વસ્ત્રો | 95 | 109 | 186 |
12. | સ્ત્રીઓના પગનાં અને હાથનાં મોજાં | 164 | 111 | 138 |
13. | વસ્ત્રોનાં ઉપકરણો વગેરે | 98 | 147 | 106 |
14. | રમતગમતનાં વસ્ત્રો (દોડ, તરણ, સ્કીઇંગ વગેરે માટે) | 114 | 75 | 42 |
15. | હાથનાં મોજાં | 41 | 37 | 28 |
16. | સ્ત્રીઓ-બાલિકાઓના ઓવરકોટ, ટોપીઓ વગેરે | 114 | 63 | 17 |
17. | અન્ય ગૂંથેલાં વસ્ત્રો/હોઝિયરી | 10 | 14 | 11 |
કુલ | 11,897 | 11,212 | 14,130 | |
* નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) |
ભારત ટી-શર્ટ, પુલ ઓવર (સ્વેટર), જર્સી, કાર્ડિગન, જૅકેટ, બ્લેઝર, વેસ્ટકોટ, પાટલૂન, ટોપીઓ, હાથપગનાં મોજાં, રાત્રિપોશાક, સ્ત્રીઓનાં બ્લાઉઝ તેમજ ઉપવસ્ત્રો, સહાયક વસ્ત્રો, પગનાં મોજાં (stockings), કોટ-પાટલૂન, રમતગમતમાં ઉપયોગમાં આવે તેવાં વસ્ત્રો વગેરેની નિર્યાત કરે છે.
દેશની ગૂંથેલાં વસ્ત્રોની કુલ નિર્યાતના આશરે 60 ટકા કિંમતનાં વસ્ત્રોની નિર્યાત અમેરિકામાં કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય દેશોમાં જર્મની, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ડેન્માર્ક, આયર્લૅન્ડ, રશિયા, સ્વીડન, મધ્યપૂર્વના દેશો, દક્ષિણ આફ્રિકા વગેરેની ગણના થાય છે.
ભારત યંત્રોથી વણેલા (યંત્રસાળ) કાપડમાંથી બનાવેલ વસ્ત્રોની પણ નિર્યાત કરે છે. તેની સુતરાઉ, સંશ્લેષિત કાપડ, રેશમ, ઊન તેમજ અન્ય કાપડમાંથી બનેલ યંત્રસાળના તેમજ ગૂંથેલા કાપડમાંથી બનેલ વસ્ત્રોની નિર્યાત કરે છે. ઈ. સ. 2005–06માં તેની કુલ નિર્યાત આશરે રૂ. 43,000 કરોડ હતી. તેમાં ગૂંથેલાં વસ્ત્રોની નિર્યાતનો હિસ્સો આશરે રૂ. 14,000 કરોડ (આશરે 33 ટકા) હતો.
ભારતનાં ગૂંથેલ વસ્ત્રોની વિવિધ દેશોમાં નિર્યાતની માહિતી નીચેની સારણી 2માં પ્રસ્તુત કરી છે.
સારણી 2 : ગૂંથેલાં વસ્ત્રોની વિવિધ દેશોમાં નિર્યાત (રૂ. કરોડમાં)
ક્રમ | વસ્ત્રોનું વર્ણન | 2003–04* | 2004–05* | 2005–06* |
1. | અમેરિકા | 1,231 | 1,563 | 2,748 |
2. | જર્મની | 653 | 602 | 1,006 |
3. | ઇંગ્લૅન્ડ | 519 | 569 | 848 |
4. | ફ્રાન્સ | 389 | 560 | 355 |
5. | ઇટાલી | 229 | 260 | 392 |
6. | સંયુક્ત આરબ દેશો (U.A.E.) | 939 | 566 | 317 |
7. | સ્પેન | 136 | 186 | 304 |
8. | ડૅન્માર્ક | 122 | 107 | 183 |
9. | આયર્લૅન્ડ | 62 | 57 | 116 |
10. | સ્વિટ્ઝર્લૅન્ડ | 139 | 128 | 96 |
11. | અન્ય દેશો | 8,578 | 6,614 | 7,765 |
કુલ | 11,897 | 11,212 | 14,130 | |
* નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) |
છેલ્લા બે દસકાથી વિશ્વભરમાં તૈયાર વસ્ત્રોનાં ઉત્પાદન અને વ્યાપારમાં ગણનાપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. તેમાં પણ ગૂંથેલ વસ્ત્રોની માગમાં ઠીક ઠીક વધારો થયો છે. ગૂંથેલ વસ્ત્રોની નિર્યાત કરતા અગ્રગણ્ય દેશોમાં ચીન, હૉંગકૉંગ, ઇટાલી, જર્મની, તુર્કસ્તાન વગેરેની ગણના થાય છે. ભારતનો ક્રમ નિર્યાત કરતા દેશોમાં છઠ્ઠો આવે છે.
ભારતમાં કપાસનું ઉત્પાદન વધુ હોવાને પરિણામે ગૂંથેલા કાપડનાં વસ્ત્રોનું મહત્તમ ઉત્પાદન તેમજ નિર્યાત પણ થાય છે. ભારતમાં ઉત્પાદન તેમજ અન્ય ખર્ચ વિકસેલ દેશોની સરખામણીમાં ઓછો હોવાથી તેની કિંમત સ્પર્ધાત્મક રહી શકી છે; જ્યારે ચીન, હૉંગકૉંગ, ઇટાલી વગેરે દેશો સંશ્લેષિત કાપડ તેમજ ઊનના કાપડનાં વસ્ત્રોની ગણનાપાત્ર જથ્થામાં નિર્યાત કરે છે; પરંતુ ડૉલર રૂપિયાની વિનિમય કિંમત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અગત્યનો ભાગ ભજવે છે; તેથી ડૉલરની સરખામણીમાં રૂપિયાની કિંમતમાં વૃદ્ધિ થાય ત્યારે નિર્યાતને પણ અસર થાય છે. જોકે વિનિમય પર ભારતનો અંકુશ નિમ્ન હોવાથી નિકાસકારોએ હૂંડિયામણના દર પર આધાર રાખવો આવશ્યક બની રહે છે. ભાવો સ્પર્ધાત્મક રાખવા માટે કેન્દ્ર સરકારે આ એકમોને સહાય તેમજ વિવિધ સવલતો પ્રસ્તુત કરવી આવશ્યક બની રહે છે.
વિશ્વભરમાં યંત્રસાળથી બનેલ કાપડ તેમજ ગૂંથેલ કાપડમાંથી બનેલ વસ્ત્રોનો ઉપયોગ ગણનાપાત્ર પ્રમાણમાં થાય છે. આ બંને કાપડનાં વસ્ત્રોની નિર્યાતની માહિતી સારણી 3માં પ્રસ્તુત કરી છે.
સારણી 3 : યંત્રસાળ અને ગૂંથેલ કાપડનાં વસ્ત્રોની નિર્યાત (રૂ. કરોડમાં)
ક્રમ | દેશનું નામ | 2002 | 2003 | 2004 |
1. | ચીન | 2,06,500 | 2,60,300 | 3,09,250 |
2. | હૉંગકૉંગ | 1,21,150 | 1,16,300 | 1,25,500 |
3. | ઇટાલી | 73,250 | 84,250 | 78,300 |
4. | જર્મની | 40,150 | 50,400 | 56,050 |
5. | તુર્કસ્તાન | 40,300 | 51,250 | 56,900 |
6. | ભારત | 30,200 | 32,5s50 | 33,150 |
7. | બેલ્જિયમ | 23,200 | 28,050 | 30,350 |
8. | મેક્સિકો | 38,750 | 36,900 | 28,850 |
9. | ઇંગ્લૅન્ડ | 18,900 | 22,750 | 24,900 |
10. | ઇન્ડોનેશિયા | 20,050 | 20,800 | 22,300 |
11. | અન્ય દેશો | 4,57,650 | 5,01,280 | 5,40,050 |
કુલ | 10,37,900 | 11,84,350 | 13,05,400 |
ઉપરની સારણી દર્શાવે છે કે ઈ. સ. 2004ના વર્ષમાં ચીને તૈયાર વસ્ત્રોની સૌથી વધુ નિર્યાત કરી હતી. વિશ્વવ્યાપારમાં તેનો હિસ્સો આશરે 24 ટકા જેટલો ગણી શકાય; જ્યારે ભારતનો હિસ્સો વસ્ત્રોના વ્યાપારમાં ફક્ત 2.50 ટકા જેટલો હતો. ઈ. સ. 2002 અને ઈ. સ. 2004 દરમિયાન ચીનની તૈયાર વસ્ત્રોની નિર્યાતમાં 50 ટકા વૃદ્ધિની સરખામણીમાં ભારતે ફક્ત 10 ટકા વૃદ્ધિ હાંસલ કરી હતી.
ભારત સરકારે તૈયાર વસ્ત્રોની નિર્યાતને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સવલતો અને અન્ય આકર્ષણો પ્રસ્તુત કર્યાં છે. સરકાર-નિયુક્ત વસ્ત્ર નિર્યાત પ્રોત્સાહન સંઘ (apparel export promotion council – AEPC) વસ્ત્રોની નિર્યાતને ઉત્તેજન પૂરું પાડવા આંતરરાષ્ટ્રીય મેળાઓ, વિવિધ દેશોના પ્રવાસ, વ્યાપારી સંઘો સાથે સભાઓ, વિદેશી ખરીદનારાઓને માટે ભારતની મુલાકાત, ખરીદ-વેચાણ માટેનાં સંમેલનો (buyers-sellers meet) વગેરેનું આયોજન કરે છે.
રાષ્ટ્રીય ફૅશન તકનીકી સંસ્થા (National Institute of Fashion Technology – NIFT) અને વસ્ત્ર-તાલીમ અને અભિકલ્પ કેન્દ્ર (The Apparel Training and Design Centre) ઉદ્યોગના એકમોને વસ્ત્રોનાં ઘાટ અને રૂપરેખા માટે માર્ગદર્શન પૂરાં પાડે છે. કેન્દ્ર સરકાર નિર્યાત માટે અનેક રીતે નાણાકીય સહાય તેમજ સવલતો પણ આપે છે.
ભારત વસ્ત્રોમાં નવીનતા રજૂ કરવાની જૂની પરંપરા ધરાવે છે. તેના કારીગરો અવનવી ભાત તૈયાર કરવામાં માહેર ગણાય છે; તેથી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વૃદ્ધિ કરવાનો પૂરો અવકાશ ભારતમાં દેખાય છે.
જિગીષ દેરાસરી