હોઝ પાઇપ (hose pipe)

February, 2009

હોઝ પાઇપ (hose pipe) : પ્રવાહી અને વાયુઓનું વહન કરવા માટે વપરાતી લવચીક (flexible) પાઇપ. પહેલાંના વખતમાં આવી પાઇપ ચામડામાંથી બનાવવામાં આવતી હતી પણ તે સંપૂર્ણપણે સંતોષકારક ન હતી. 19મી સદીમાં કુદરતી રબરે ચામડાની જગા લીધી. તે પછી લાકડાની વળી (pole) અથવા મેન્ડ્રિલ(mandrel)ની મદદથી રબરના પડવાળી લવચીક અને પાણી પ્રવેશી ન શકે તેવી હોઝ પાઇપ બનાવાઈ. તેમાં કંતાન(canvas)નો ઉપયોગ કરી હોઝ પાઇપને વધુ મજબૂત બનાવાઈ. સર્પિલ રીતે (helically) વીંટાળેલા તારની મદદથી તેની દૃઢતા(rigidity)ની માત્રા વધારી શકાય છે. રબર માટે બહિર્વેધન (ઉત્તોદન, extrusion) પ્રવિધિ દાખલ થવાથી કોઈ પણ લંબાઈની હોઝ પાઇપ બનાવવાનું અને તેની ઉપયોગિતામાં વધારો કરવાનું શક્ય બન્યું. સ્તરવાળી હોઝ પાઇપના વલ્કેનીકરણ (vulcanization) માટે સીસા(lead)નું અસ્તર લગાડવામાં આવે છે. ઑટોક્લેવ(પ્રેષતાપનયંત્ર, autoclave, pressure boiler)માં વલ્કેનીકરણ કર્યા બાદ આવરણ(sheath)ને દૂર કરવામાં આવે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સંશ્લેષિત રબરનો વ્યાપક પ્રમાણમાં વિકાસ થયો. તેની રાસાયણિક પ્રતિરોધકતા (resistance) વધુ હતી. પૉલિઇથિલીન(polyethylene)ના વિકાસ સાથે એક નવું ક્ષેત્ર ખૂલ્યું. પીવીસી (Poly Vinyl Chloride, PVC) એ હોઝ પાઇપ બનાવનારાઓ માટે સર્વતોમુખી (versatile) પદાર્થ તરીકે ઉપલબ્ધ બન્યો. પીટીએફઇ(polytetra fluoro ethylene PTFE)ની શોધ થતાં ટેફ્લોન જેવા પ્લાસ્ટિક પદાર્થો બનાવવાનું શક્ય બન્યું. તે રસાયણો સામે ઉત્તમ પ્રતિરોધ ધરાવતું હતું. હવે તો ધાતુની લવચીક હોઝ પાઇપ બનાવવાની રીત પણ વિકસી છે. આ ઉપરાંત ધાતુ અને કૃત્રિમ રેસાવાળા પદાર્થો એકત્રિત કરીને પણ હોઝ પાઇપ બનાવાયા છે; દા. ત., ડેક્રોન (dacron) અને સ્ટેઇનલેસ સ્ટીલના હોઝ પાઇપ પણ બનાવાયા છે. આવા હોઝ પાઇપ પ્રવાહી ઑક્સિજન (L–O2) અને પ્રવાહી નાઇટ્રોજન (L–N2) તથા અન્ય ખૂબ જ નીચા તાપમાન ધરાવતાં પ્રવાહીઓનું વહન કરવા માટેની ક્ષમતા ધરાવે છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ