હૅરડ, રૉય ફોબર્સ, સર (જ. 1900; અ. 1978) : સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સના અનુયાયી તથા આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના નિષ્ણાત બ્રિટિશ અર્થશાસ્ત્રી. ઉચ્ચશિક્ષણ ન્યૂ કૉલેજ, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડમાં લીધું. 1922–52ના સળંગ ત્રણ દાયકા દરમિયાન ઑક્સફર્ડ ખાતેની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં અર્થશાસ્ત્રનું અધ્યયન કર્યું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન 1940–42ના ગાળામાં લૉર્ડ ચૉરવેલના સહાયક તરીકે તથા પ્રધાનમંત્રીના કાર્યાલયમાં 1942–45 દરમિયાન સ્ટેટિસ્ટિકલ ઍડ્વાઇઝરના પદ પર કાર્ય કર્યું. 1952માં ન્યૂફિલ્ડરીડર ઑવ્ ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક્સનું પદ ગ્રહણ કર્યું.
જે. એમ. કેઇન્સના વ્યાપારચક્રના સિદ્ધાંતને આધારે હૅરડે વ્યાપારચક્રના વિસ્તૃત અને પરિપૂર્ણ સિદ્ધાંતની રજૂઆત કરી છે, જેમાં તેમણે વ્યાપારચક્રના આગમન માટે ઘણાં સ્થિર અને ગતિશીલ પરિબળોનો નિર્દેશ કર્યો છે. તેમના વિશ્લેષણ મુજબ ગતિશીલ પરિબળોને કારણે અર્થતંત્રમાં ઊથલપાથલ થતી હોય છે, ઉતાર-ચઢાવ આવ્યા કરે છે અને સ્થિર પરિબળોને લીધે અર્થતંત્રમાં સળંગ વિકાસની પ્રક્રિયામાં બાધા ઊભી થતી હોય છે. અર્થતંત્રમાં કેટલાક માળખાગત ફેરફારો દાખલ થયા પછી જ ગતિશીલ પરિબળો સક્રિય બનતાં હોય છે, જે તેમના મતે વ્યાપારચક્રના આગમન માટે જવાબદાર ગણાય. વ્યાપારચક્રના આંતરરાષ્ટ્રીય પાસા પર તેમણે જે પ્રકાશ પાડ્યો છે તે ખરેખર નાવીન્યપૂર્ણ (original) છે.
હૅરડેએ વિપુલ લેખનકાર્ય કર્યું છે : (1) ‘ધ ટ્રેડ સાઇકલ’ (1936), ‘એસે ઇન ડાઇનૅમિક થિયરી’ (1939), ‘ટ્વૉર્ડ્ઝ અ ડાઇનૅમિક ઇકૉનૉમિક્સ’ (1948), ‘ધ લાઇફ ઑવ્ જે. એમ. કેઇન્સ’ (જીવનચરિત્ર અને વિચારસરણી) (1951), ‘પૉલિસી અગેન્સ્ટ ઇન્ફ્લેશન’ (1958), ‘ધ બ્રિટિશ ઇકૉનૉમી’ (1963), ‘રિફૉર્મિંગ ધ વલ્ક્ઝમની’ (1965), ‘ટ્વૉર્ડ્ઝ અ ન્યૂ ઇકૉનૉમિક પૉલિસી’ (1967), ‘ડૉલર-સ્ટર્લિંગ કૉલૅબોરેશન’ (1968), ‘મની’ (1969) તથા ‘ડાઇનૅમિક્સ’ (1973).
ગતિશીલ સિદ્ધાંત અંગેના તેમના નિબંધમાં ગુણક અને ગતિવર્ધનની પ્રક્રિયાઓને ગાણિતિક માળખામાં ઢાળવામાં તેમણે કરેલા પ્રયાસો શકવર્તી ગણાય છે. ત્યારબાદ તેઓ આર્થિક વિકાસની સમસ્યાઓના વિશ્લેષણ તરફ વળ્યા હતા.
ઇંગ્લૅન્ડની શાહી સંસ્થાએ તેમને ‘સર’નો ખિતાબ એનાયત કર્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે