હેમેલીઆ : ઉષ્ણ અને ઉપોષ્ણ કટિબંધીય અમેરિકાની સ્થાનિક કાષ્ઠમય ક્ષુપ-સ્વરૂપ ધરાવતી દ્વિદળી પ્રજાતિ. આ પ્રજાતિને રુબીએસી કુળમાં મૂકવામાં આવી છે. Hamelia patens Jacq. syn. H. erecta Jacq. ભારતમાં લાવવામાં આવેલી જાતિ છે અને ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે વિપુલ પ્રમાણમાં ઉછેરવામાં આવે છે.
હેમેલીઆની પુષ્પસહિતની શાખા
તેના છોડ મોટા, સદાહરિત, 2.0 મી. જેટલા ઊંચા હોય છે. છોડની વૃદ્ધિ ધીમી થાય છે. તેની શાખા લાલાશ પડતી, ચોરસ અને રોમિલ હોય છે. પર્ણો નાનાં, લીલા રંગનાં અથવા કથ્થાઈ–લીલા રંગનાં, સાદાં, સંમુખ અને ઉપપર્ણીય (stipulate) હોય છે. તેનો પર્ણસમૂહ (foliage) આકર્ષક હોય છે. પુષ્પ નાનાં, નલિકાકાર, નારંગીલાલ રંગનાં તથા કુંડલિનીરૂપ (helicoid) ગોઠવાયેલાં હોય છે અને લગભગ આખા વર્ષ દરમિયાન (મુખ્યત્વે ઉનાળામાં અને ચોમાસામાં) આવે છે; પરંતુ તેઓ પર્ણો સાથે ભળી જતાં હોવાથી જુદાં તરી આવતાં નથી. પુષ્પ આવી ગયાં પછી બોર જેવાં નાનાં લાલ રંગનાં અનષ્ઠિલ (berry) પ્રકારનાં ખાદ્ય ફળ બેસે છે.
આ છોડને છાંટણી (pruning) કરી વિવિધ આકારો આપી શકાય છે. તેનું સમાકૃન્તન (trimming) કરી સુશોભિત વાડ બનાવવામાં આવે છે. તેની વંશવૃદ્ધિ બીજ કે કટકારોપણ (cutting) દ્વારા થાય છે.
લાલ પુષ્પો બે પેન્ટોઝ ગ્લાયકોસાઇડ, માલ્વિડીન અને પેન્ટુનિડીનનું મિશ્રણ ઉત્પન્ન કરે છે. તેમાં માલ્વિડીન મુખ્ય ઘટક છે. ફળમાંથી બનાવેલું શરબત મરડામાં ઉપયોગી છે. આ વનસ્પતિ વિષાળુ હોય છે.
મ. ઝ. શાહ