હેમિંગ્વે, અર્નેસ્ટ (જ. 21 જુલાઈ 1899, ઑક પાર્ક, ઇલિનોઇસ, યુ.એસ.; અ. 2 જુલાઈ 1961, કેટયસ, ઇડાહો) : અમેરિકન નવલકથાકાર તેમજ વાર્તાકાર. સાહિત્યકાર ઉપરાંત તેમના રોમાંચકારી વ્યક્તિત્વે વિશાળ જનસમાજ પર પ્રભાવ પાડ્યો હતો. તેઓ પત્રકાર હતા અને એક અચ્છા શિકારી હતા. 1954ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના તેઓ વિજેતા હતા. તેમની જાણીતી નવલકથાઓમાં પહેલી નવલકથા ‘ધ સન ઑલ્સો રાઇઝિઝ’(1926)માં પ્રથમ વિશ્વયુદ્ધ પછીની ‘લૉસ્ટ જનરેશન’ – આત્મહારા પેઢી – નું આલેખન છે. નાયક જૅક યુદ્ધમાં થયેલા ઘાને પરિણામે તેનું પુરુષાતન ગુમાવી બેઠો છે, એટલે એક તરુણી બ્રેટ એશલેને ચાહે તો છે, પણ શારીરિક ધરાતલ પર એ પ્રેમ ચરિતાર્થ થઈ શકતો નથી, માનસિક ભૂમિકા સુધી જ સીમિત રહે છે. બ્રેટની લાગણીઓ પણ ઘવાયેલી છે. કથામાં કશું ક્યાંય આપણને લઈ જતું નથી. સૂર્ય ઊગે છે. જ્યાંથી ઊગ્યો છે તે સ્થળે જાણે પાછો જવા. સર્વત્ર રિક્તતા છે. યુદ્ધ પછી થયેલાં મૂલ્યોના ભયંકર હ્રાસનું ચિત્રણ છે, તેમ છતાં આ હારી ગયેલાઓમાં કશુંક મનાય છે, જે તેમને માર્ગ શોધી જીવનમાં અનુકૂળ થઈ ગોઠવાઈ જવા પ્રેરે છે. ‘અ ફેરવેલ ટુ આર્મ્સ’ (1929) નવલકથાકારને ઉત્તમ સર્જકોમાં સ્થાપિત કરે છે. પાંચ વિભાગમાં વિભાજિત આ નવલમાં પહેલા વિભાગમાં યુદ્ધની ભૂમિકા છે, તો બીજા વિભાગમાં, યુદ્ધે યોજેલા બે પ્રેમીઓનાં – નાયક ફ્રેડરિક હેન્રી અને કૅથરિન બર્કલે – મિલન પછીની પ્રેમકથા પ્રધાન છે. ત્રીજા વિભાગમાં ફ્રેડરિક ઇટાલિયન લશ્કરની પીછેહઠમાં સંડોવાયો છે અને પછી અરાજકતામાંથી નાસી જઈ પોતાની ‘આગવી શાંતિ’ શોધી લે છે. ચોથા વિભાગમાં સગર્ભા કૅથરિન સાથે ફ્રેડરિકનું પુનર્મિલન અને તે સાથે કથાનાં બંને કથ્યોનું એકબીજામાં ભળી જવું. પાંચમો વિભાગ સ્વિટ્ઝર્લૅન્ડમાં, એક તટસ્થ દેશમાં ભાગી ગયેલો ફ્રેડરિક. કૅથરિનનું પ્રસૂતિમાં મૃત્યુ અને યુદ્ધસમયની આ કથામાં ફ્રેડરિક એકલો રહી જાય છે. નવલકથાનું શીર્ષક સૂચક છે – તેને ‘શસ્ત્ર’ અને ‘બાહુ’ બંનેને વિદાય આપવી પડે છે. હેમિંગ્વે કેવી રીતે દુનિયામાં અસત્ સાથે સત્–ઉમદા તત્વો, માનવોનો વિનાશ થાય છે તેનું માર્મિક નિરૂપણ કરે છે. જીવનમાં આવતા આઘાતો, પછી વેદના અને મૃત્યુ, ખંડખંડ થતી પાત્રોની લાગણીઓ અને યુદ્ધની વિભીષિકા. ‘ફૉર હુમ ધ બેલ ટૉલ્સ’ (1940) કથાબંધના અભિગમનું નવું પ્રયાણ છે. નવલકથા સમય (માત્ર સિત્તેર કલાક), સ્થળ (એક જ ખીણ), પાત્રોની (ગેરીલા અને એક એજન્ટ) સીમાઓને વળોટી હેમિંગ્વેએ ક્યારેય નહિ પ્રસારેલા એવા વ્યાપ અને સંકુલતામાં વિસ્તરે છે. ફાસિસ્ટ હરોળ પાછળ છાવણીને છિન્નભિન્ન કરવાની લશ્કરી કામગીરી એ કથાનું મુખ્ય વસ્તુ છે. જનરલ ગોલ્ઝ સ્પૅનિશ આંતરવિગ્રહમાં પર્વતોમાં ગેરીલાઓ સાથે રહી વ્યૂહાત્મક પુલ ઉડાવી દેવા ધારે છે અને તેને માટે રૉબર્ટ જૉર્ડન નામનો અમેરિકન જોડાય છે. કેન્દ્રમાં રહેલા પુલની આસપાસ બીજાં સમકેન્દ્રી વર્તુળો – ઘટનાઓ ચાલ્યાં કરે છે, તો સાથે સાથે યુદ્ધની યુરોપીય ભૂમિકા, અમેરિકન આંતરવિગ્રહ, રોમન ઇતિહાસ અને હોરેશિયસ અને પુલની વાત ગૂંથાતી જાય છે. આમ પ્રત્યવલોકન અને પૂર્વકથન દ્વારા અનેક પાત્રોની સ્મૃતિઓમાં પ્રવેશ કરાવી લેખક કથાના વ્યાપને મહાકાવ્યાત્મક સ્તર પર લઈ જાય છે. આ કરુણ સ્પૅનિશ યુદ્ધકથામાં નિરૂપાયેલા સંઘર્ષ, ક્રૂરતા હેમિંગ્વેનાં નિરીક્ષણ અને અનુભવોની સરજત છે. તે વિધ્વંસની વિરુદ્ધ છે; હેમિંગ્વેનો સંવાદ તો રચાય છે માનવી અને માનવજીવનની મહત્તા સાથે.
અર્નેસ્ટ હેમિંગ્વે
1952માં પ્રકટ થયેલી ‘ધ ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ને તે જ વર્ષનું કથાસાહિત્યનું પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું અને બે વર્ષ પછી નોબેલ પારિતોષિક. આ લઘુનવલમાં નવા જ સંવેદનને આલેખતી ક્યૂબાના એક વૃદ્ધ માછીમાર સાન્તિયાગોની કથા છે. તે ચાળીસ દિવસ સુધી એક કિશોર સાથે દરિયો ખેડ્યા છતાં માછલી પકડ્યા વિના પાછો આવે છે. પછી એકલો જ નીકળી પડે છે. રાક્ષસકાયની માર્લિન માછલીને ગલમાં પકડે છે, પણ બળવાન માર્લિન હોડીને દરિયામાં દૂર ખેંચી જાય છે – બે દિવસ અને બે રાત. પણ સાન્તિયાગોના સામર્થ્ય અને મનોબળ તથા સંઘર્ષની પરાકાષ્ઠા ત્રીજા દિવસની સવારે આવે છે, જ્યારે તે એક ઝાટકે માર્લિનને મારી નાખે છે. કરુણતા ત્યારે સર્જાય છે જ્યારે દરિયાની શાર્ક માછલીઓ માર્લિનને કોતરે છે – ઘેર પાછા આવતાં સાન્તિયાગો પાસે પ્રચંડકાય માછલીના હાડપિંજર સિવાય કશું રહ્યું નથી ! આ તેનો અનુભવ છે જ્યાં તે કહે છે, ‘Man is not made for defeat. A man can be destroyed but not defeated’…. કથામાં ક્રૂસારોહણ અને વૃદ્ધાવસ્થાનાં–યુવાવસ્થાનાં પ્રતીકો અનેક અર્થઘટનો સાથે આવે છે – માનવીનો કુદરત સાથેનો સંઘર્ષ અને કલાકારનો કલા સાથેનો સંઘર્ષ. યાતનાભર્યા સંઘર્ષમાં, શારીરિક સ્તર પર તૂટી જવા છતાં આત્મબળમાં તે અજેય રહે છે.
હેમિંગ્વેની ગદ્યશૈલી વ્યંજનાધર્મી છે. વળી તે reticent અધ્યાહારી – અને પ્રસંગગર્ભ છે – ગદ્ય આંતરિક સુશોભન નહિ રહેતાં સ્થાપત્યકલા જેવું છે – સમગ્રતામાં જોતાં શોભી ઊઠે છે. અલબત્ત, લેખકની કલા વિશે ઘણા વાદવિવાદ થયા છે – છતાં એમનાં આકૃતિવિધાનથી અને સુશ્લિષ્ટ શૈલીથી એમની કૃતિઓ પ્રભાવક નીવડી છે અને તે વૈશ્વિક ભૂમિકાના સાહિત્યકાર બની રહ્યા છે. શિકાર દરમિયાન મૃત ઘોષિત થયેલા, મૃત્યુ અંજલિઓ થયેલી, ફરી એક વાર જીવતા જાહેર થયા – છેવટે બંદૂકની ગોળીથી પોતાના જીવનનો અંત લાવી દીધો હતો.
અનિલા દલાલ