હૅમરશીલ્ડ, દાગ (જ. 29 જુલાઈ 1905, જૉનકૉપિંગ, સ્વીડન; અ. 18 સપ્ટેમ્બર 1961, એન્ડોલા (Ndola) પાસે, ઉત્તર રહોડેશિયા  હવે ઝામ્બિયા) : સ્વીડનના અર્થશાસ્ત્રી, રાજદ્વારી પુરુષ, રાષ્ટ્રસંઘના બીજા સેક્રેટરી-જનરલ અને વર્ષ 1961ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના મરણોત્તર વિજેતા.

દાગ હૅમરશીલ્ડ

સ્વીડનના પૂર્વપ્રધાનમંત્રી જાલ્મર હૅમરશીલ્ડ(1914–17)ના પુત્ર. ઉપસાલા અને સ્ટૉકહોમ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને સ્ટૉકહોમ યુનિવર્સિટીમાંથી 1930માં ડૉક્ટરેટની પદવી મેળવી. 1934માં સરકારી નોકરીમાં દાખલ થયા. 1933–36ના ગાળામાં સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં પોલિટિકલ ઇકૉનૉમીનું અધ્યાપન કર્યું. 1936–41 દરમિયાન સ્વીડનના નાગરિક પ્રશાસનના અન્ડર સેક્રેટરીના પદ પર કામ કર્યું. 1941–48ના ગાળામાં બૅંક ઑવ્ સ્વીડનના સંચાલક મંડળના ચૅરમૅન રહ્યા અને સાથોસાથ ઘણાં રાજદ્વારી પદો પર કામ કર્યું. 1951માં સ્વીડનના ઉપવિદેશ પ્રધાન બન્યા. 1951–53 દરમિયાન રાષ્ટ્રસંઘમાં સ્વીડનના પ્રતિનિધિ તરીકે કામગીરી કરી. 1953માં રાષ્ટ્રસંઘના પ્રથમ મહામંત્રી ટ્રિગ્વેલી નિવૃત્ત થતાં તેમના સ્થાને રાષ્ટ્રસંઘના મહામંત્રી ચૂંટાયા. સપ્ટેમ્બર 1957માં તેમને આ પદ પર ફરી પાંચ વર્ષ માટે ચૂંટવામાં આવ્યા હતા. શાંત પ્રકૃતિ, કુનેહપૂર્વક કામ કરવાની આવડત અને અત્યંત સક્રિય રાજદ્વારી પુરુષ હોવાથી મહામંત્રીના પદની પ્રતિષ્ઠામાં ટૂંક સમયમાં વધારો કરી શક્યા. 1955માં ચીનના પાટનગર બેજિંગ તથા મધ્ય પૂર્વના દેશોમાં 1956 અને 1958માં ગયેલા પ્રતિનિધિમંડળના નેતા તરીકે જોડાયા અને કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું, જેને કારણે તે પ્રદેશોમાં શાંતિ કરારો પર સહીસિક્કા થઈ શક્યા. તેમના પ્રયાસોથી 1956ની સુએઝ નહેરને લગતી કટોકટી નિવારવાની દિશામાં સક્રિય પગલાં લીધાં. ત્યારબાદ લાઓસ અને લેબનોનમાં તેમની પહેલને કારણે ત્યાંની રાજકીય પરિસ્થિતિને થાળે પાડવા માટે રાષ્ટ્રસંઘના નિરીક્ષકો મોકલવામાં આવ્યા, જે એક સ્તુત્ય પગલું ગણાયું. 1960–61 દરમિયાન કૉંગોમાં ફાટી નીકળેલ આંતરકલહની આંતરરાષ્ટ્રીય અસરને ધ્યાનમાં લઈને હૅમરશીલ્ડે સોવિયત સંઘનો વિરોધ છતાં તે દેશની બાબતમાં રાષ્ટ્રસંઘ વતી અસરકારક નીતિ અખત્યાર કરી અને ત્યાંની પરિસ્થિતિને થાળે પાડવા માટે અને ત્યાં શાંતિ પ્રસ્થાપિત કરવા માટે કૉંગોનો પ્રવાસ ખેડ્યો જે દરમિયાન 18 સપ્ટેમ્બર 1961ના રોજ તેમનું વિમાન ઉત્તર રહોડેશિયામાં દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમનું અવસાન થયું હતું. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે કૉંગોથી વિખૂટા પડવા અને સ્વતંત્ર થવા માગતા કટાંગા પ્રાંતના સરમુખત્યાર અને કૉંગોના લોકલાડીલા નેતા પૅટ્રિક લુમુમ્બાના હત્યારા મોશે ટીશોમ્બે(Moise Tshombe)ના કાવતરાના તેઓ ભોગ બન્યા હતા.

રાષ્ટ્રસંઘના મહામંત્રી તરીકેની તેમની કારકિર્દી નૈતિક તાકાત અને કુનેહપૂર્વકનાં પગલાંનો સહિયારો પુરુષાર્થ ગણવામાં આવ્યો છે અને તે માટે વર્ષ 1961નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક તેમને મરણોત્તર એનાયત કરવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે