હૃદ્-ધમની (મુકુટધમની) રોગના ભયઘટકો
February, 2009
હૃદ્-ધમની (મુકુટધમની) રોગના ભયઘટકો : હૃદયરોગનો હુમલો અને તેને કારણે મૃત્યુ થવાનું જોખમ કરે તેવાં કારણરૂપ પરિબળો. વ્યાપક સંશોધનને અંતે કેટલાંક પરિબળોને શોધી શકાયાં છે. જો હૃદયરોગનો હુમલો થવા માટે નિશ્ચિત સ્વરૂપે ઓળખાયેલા હોય તો તેમને મહત્તમ ભયઘટકો (major risk factors) કહે છે અને જો તે પૂર્ણપણે નિશ્ચિત ન હોય કે તેમની વ્યાપકતા ઓછી હોય તો તેમને પૂરક ભયઘટકો (contributing risk factors) કહે છે. કેટલાક ભયઘટકોની સારવાર કે નિયંત્રણ શક્ય છે તો કેટલાકની નહિ. વળી કોઈ એક ઘટકનું જેટલું પ્રમાણ વધુ એટલું જોખમ વધુ, જેમ કે રુધિરરસમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ 240 મિગ્રા./ડેસિલિટરથી વધુ હોય તો હૃદયરોગના હુમલાનું જોખમ સૂચવે છે; પરંતુ જો તે 300 મિગ્રા./ડેસિલિટર હોય તો તે જોખમ 245 મિગ્રા./ડેસિલિટર કરતાં વધુ હોય.
મહત્તમ નિયંત્રણરહિત ભયઘટકોમાં વધતી ઉંમર, પુરુષ જાતિ અને આનુવંશિક પરિબળોનો સમાવેશ થાય છે, જ્યારે નિયંત્રણમાં લઈ શકાય તેવા ઘટકો મુખ્યત્વે જીવનશૈલી સાથે સંકળાયેલા હોય છે; દા. ત., ધૂમ્રપાન, લોહીમાં કોલેસ્ટેરોલનું ઊંચું પ્રમાણ, લોહીનું ઊંચું દબાણ, બેઠાડુ જીવન, વધુ પડતું વજન અને મેદસ્વિતા (obesity), મધુપ્રમેહ વગેરે. પૂરક ભયઘટકોમાં વ્યક્તિનો પોતાનો તણાવ સામેનો પ્રતિભાવ તથા મદ્યપાનનો સમાવેશ થાય છે.
હૃદયરોગ અને લકવો એ બંને જીવનને જોખમી રોગો છે, જે નસોના વિકાર સાથે સંકળાયેલા છે. આ વિકારને મેદતંતુકાઠિન્ય (atherosclerosis) કહે છે. તે એક પ્રકારનો નિરંતર વધતો શોથકારી (inflammatory) વિકાર છે. ધમનીની અંદરના આવરણ(અંત:સ્તરિકા, intima)માં મેદ(ચરબી)ના ગઠ્ઠા જામી જાય અને ત્યાં મેદની ચકતી (plaques) બનાવે તેને મેદચકતી અથવા મેદાર્બુદિકા (atheroma) કહે છે. પેશી તેના પ્રતિભાવ રૂપે શોથકારી પ્રક્રિયા શરૂ કરે છે, જેથી તેમાં તંતુતા (fibrosis) વિકસે છે. તેને કારણે ધમનીનું પોલાણ સાંકડું થાય છે અને તેની દીવાલ કઠણ અને જાડી બને છે. તેને મેદતંતુકાઠિન્ય (atherosclerosis) કહે છે. હૃદયરોગનો હુમલો થવાના ભયઘટકો મહદ્અંશે મેદતંતુકાઠિન્ય કરતાં કે વધારતાં પરિબળો છે. તે માટેનાં સંશોધનોએ દર્શાવ્યું છે કે કોઈ એક ભયઘટકની વધુ માત્રા કે એકથી વધુ ભયઘટકોની હાજરી જોખમ વધારે છે; તેથી તેમને નિયંત્રણમાં લેવા માટે સમગ્રાવેષ્ટી (holistic) અભિગમ લેવો પડે છે અને જીવનશૈલીને બદલવાનું સૂચવાય છે. ક્યારેક જે તે ઘટકને કારણે રોગનું જોખમ સાપેક્ષ રીતે વધે છે; પરંતુ એકંદરે તે વધારે-ઓછો હોઈ શકે. આવી સ્થિતિને ઉચ્ચ સાપેક્ષ જોખમ અને અલ્પ નિરપેક્ષ જોખમ કહે છે.
વય અને લિંગ : મેદતંતુકાઠિન્યનો સૌથી બળવાન ભયઘટક હોય તો તે વધતી જતી વય છે. હૃદયરોગથી મૃત્યુ પામતી વ્યક્તિઓમાંથી 83 % વ્યક્તિઓની ઉંમર 65 વર્ષથી વધુ જોવા મળી છે. ઋતુસ્રાવ આવતો હોય તે વયની સ્ત્રીમાં તેટલી જ વયના પુરુષ કરતાં ઓછું જોખમ રહે છે; પરંતુ ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) પછી આ તફાવત ઝડપથી ઘટે છે. તે સમયે સ્ત્રીને અંત:સ્રાવ વડે સારવાર આપવાથી ફાયદો થતો નથી; પરંતુ ઇસ્ટ્રોજનને કારણે જોખમ વધે છે. ઋતુસ્રાવનિવૃત્તિ પછી સ્ત્રીઓમાં આ રોગ થવાની સંભાવના વધે છે; પરંતુ તે ઉંમરના પુરુષો કરતાં તે દર ઓછો રહે છે. મોટી ઉંમરે હૃદયરોગ થયો હોય તેવી સ્ત્રીમાં તે ઉંમરે પુરુષોમાં જોવા મળે તે કરતાં વધુ મૃત્યુ થાય છે. પુરુષોમાં હૃદયરોગથી મૃત્યુ થવાની સંભાવના સ્ત્રીઓ કરતાં ઓછી વયે વધુ હોય છે.
આનુવંશિકતા અને પ્રજાતિ (heredity and race) : જેમનાં માતાપિતાને હૃદયરોગ થયો હોય તેવી સંતતિને તે થવાનો દર વધુ રહે છે. આમ તે કૌટુંબિક રોગ પણ બને છે. તેમાં જનીનો (genes), વાતાવરણ તથા જીવનશૈલી એમ ત્રણેય પ્રકારનાં પરિબળો કાર્યરત હોય છે. જીવનશૈલી સંબંધિત પરિબળોમાં આહાર, શ્રમ, ધૂમ્રપાન જેવું વ્યસન વગેરેનો સમાવેશ થાય છે. લોહીનું ઊંચું દબાણ, મધુપ્રમેહ તથા લોહીમાં મેદદ્રવ્યોની વૃદ્ધિ (અતિમેદરુધિરતા, hyperlipidaemia) વગેરે રોગ/વિકારો બહુજનીનીય વિકારો છે, તેથી તે કુટુંબોમાં વારસાગત રીતે નાની વયે હૃદયરોગનું જોખમ વધારે છે. (પુરુષોમાં 50 વર્ષથી નાની વય, સ્ત્રીઓમાં 55 વર્ષથી નાની વય.) આફ્રિકન અમેરિકનો, મેક્સિકન અમેરિકનો, અમેરિકી ઇન્ડિયનો અને એશિયન અમેરિકનોમાં હૃદયરોગનું જોખમ વધુ જોવા મળ્યું છે.
વય, લિંગ અને આનુવંશિકતા (જનીનીય) એવા ભયઘટકો છે જેમને ઘટાડવાં કે જેમની સારવાર કરવી શક્ય નથી; પરંતુ અન્ય જીવનશૈલી સંબંધિત ભયઘટકોમાં તે સંભવિત બને છે.
ધૂમ્રપાન : ધૂમ્રપાનીઓમાં હૃદયરોગનું જોખમ 2થી 4ગણું વધુ રહે છે. તેઓમાં અચાનક મૃત્યુ થવાનો દર પણ બમણો જણાય છે. સિગાર અને પાઇપ વડે ધૂમ્રપાન કરનારાઓમાં અચાનક મૃત્યુનો દર વધે છે; પરંતુ હૃદયરોગનો હુમલો થવાનો દર સિગારેટના ધૂમ્રપાનીઓમાં વધુ જોવા મળે છે. ધૂમ્રપાન અને હૃદયરોગના દર વચ્ચેનો સંબંધ સુસ્પષ્ટ છે અને જેટલું ધૂમ્રપાનનું પ્રમાણ વધુ તેટલું જોખમ વધુ.
લોહીનું ઊંચું દબાણ : જેટલું લોહીનું દબાણ ઊંચું તેટલું મેદતંતુકાઠિન્ય થવાનો ભય વધુ. સારવારથી તેને નિયંત્રિત કરાય તો હૃદયરોગનો હુમલો, લકવો, મૂત્રપિંડ-નિષ્ફળતા તથા હૃદય-નિષ્ફળતા થવાની સંભાવના ઘટાડી શકાય છે. જો તેની સાથે અન્ય ભયઘટકો હોય તો જોખમ ઘણું વધે છે.
લોહીમાં કોલેસ્ટેરોલનું વધુ પ્રમાણ : તેને અતિકોલેસ્ટેરોલ રુધિરતા (hypercholesterolaemia) કહે છે. તે હૃદયરોગ, લકવો, મૂત્રપિંડની નિષ્ફળતા વગેરે મેદતંતુકાઠિન્યજન્ય રોગોનું પ્રમાણ વધારે છે. જો અતિઘન મેદ-નત્રલ (high density lipoprotein, HDL) અને કુલ કોલેસ્ટેરોલનો અનુપાત (ratio) વધુ હોય તો તે રક્ષણ આપે છે. જો અલ્પઘન મેદ-નત્રલ (low density lipoprotein) અને કુલ કોલેસ્ટેરોલનો અનુપાત ઓછો હોય તો તે પણ અમુક અંશે રક્ષણ આપે છે. વ્યક્તિના કોલેસ્ટેરોલની રુધિરસપાટી પર તેની વય, લિંગ, કૌટુંબિક વારસો અને આહારની અસર થાય છે. શ્રમ કરવાથી HDL વધે છે, તેથી શ્રમપૂર્ણ જીવન અને ઓછાં તૈલી દ્રવ્યોવાળો ખોરાક લાભકારક છે.
મધુપ્રમેહ : મધુપ્રમેહના દર્દીના લોહીમાં શર્કરાનું-ગ્લુકોઝનું પ્રમાણ સમધારણ હોય તોપણ હૃદયરોગનો હુમલો તથા લકવો થવાનો ભય રહે છે. જો તે નિયંત્રણમાં ન હોય તો આ જોખમ વધે છે. મધુપ્રમેહના ત્રીજા ભાગના દર્દીઓમાં મૃત્યુનું કારણ હૃદય કે નસોના રોગો હોય છે. તે વ્યાપક રીતે ધમનીઓમાં મેદતંતુકાઠિન્ય કરે છે. દક્ષિણ એશિયા(ભારત અને તેના પડોશી દેશો)માં હૃદયરોગ થવામાં ગ્લુકોઝના નિયમનનો વિકાર હૃદયરોગનું મહત્વનું કારણ છે.
બેઠાડુ જીવન : શારીરિક શ્રમનો અભાવ હૃદયરોગનો હુમલો થવાની સંભાવનાને બેવડાવે છે. તે લકવો થવાનું પણ મહત્વનું કારણ છે. દર અઠવાડિયે 2 કે 3 દિવસ 20 મિનિટ માટે ઝડપથી ચાલવું, સાઇકલ ચલાવવી કે તરવું વગેરે જેવી ક્રિયા કરવાથી HDL કોલેસ્ટેરોલ વધે છે, લોહીનું દબાણ ઘટે છે અને સહપાર્શ્ર્વી વાહિનીઓ(collateral vessels)નો વિકાસ થાય છે. સાંકડી થયેલી ધમનીને બદલે તેનો ઉપમાર્ગ (bypass) બનતી નવી ધમનીઓ બને અને રુધિરાભિસરણ જળવાઈ રહે તેને સહપાર્શ્વી ધમની (collateral artery) બનવાની ક્રિયા કહે છે. આ ક્રિયાઓ હૃદયરોગનો હુમલો થતો અટકાવે છે.
મેદસ્વિતા (obesity) તથા આહાર : જો વ્યક્તિના ધડ (પેટ, પીઠ વગેરે) ભાગમાં મેદ જમા થાય તો તે પોતે ધમનીમાં મેદતંતુકાઠિન્ય થવા માટે સ્વતંત્ર જોખમી ઘટક ગણાય છે. ઘણી વખતે તે મધુપ્રમેહ, બેઠાડું જીવન તથા લોહીના ઊંચા દબાણ સાથે જોવા મળે છે. જો વ્યક્તિના ખોરાકમાં તાજાં ફળો, શાકભાજી અને બહુઅસાંદ્રિત સ્નેહામ્લો (polyunsaturated fatty acids) ન હોય તો ધમનીમાં મેદતંતુકાઠિન્ય થવાની સંભાવના વધારે રહે છે. જો ખોરાકમાં વિટામિન સી અને અન્ય ઍન્ટિઑક્સિડન્ટ ન હોય તો LDLને ઑક્સિડાઇઝડ થવા દે છે. ખોરાકમાં ફૉલિક ઍસિડ, વિટામિન B12 અને B6 ઓછાં હોય તો લોહીમાં હોમોસિસ્ટિનનું સ્તર વધે છે. આ બધાં જ પરિબળો ધમનીમાં મેદતંતુકાઠિન્ય કરે છે.
પ્રકીર્ણ : ઓછી માત્રાવાળું મદ્યપાન (2–4 એકમ / દિવસ) હૃદયરોગ સામે રક્ષણ આપે છે; પરંતુ વધુ માત્રામાં તે હૃદયના રોગોની તકલીફ વધારે છે. કેટલાક વિશિષ્ટ માનસિક વલણો ધરાવતી (ઈર્ષા કે દ્વેષવાળી તથા સ્વકેન્દ્રી) વ્યક્તિઓને હૃદયરોગ સાથે સાંકળવામાં આવેલી છે; પરંતુ તેની સ્વીકાર્ય સાબિતી ઉપલબ્ધ નથી. લોહીમાં ગંઠનકોષો (platelets) સક્રિય બને અને ફ્રાઇબ્રિનોજનનું પ્રમાણ વધે તો નસોમાં ગંઠાવાની શક્યતા વધે છે, જે ક્યારેક સ્થાનિક રુધિરાભિસરણને અટકાવી પણ દે. તે ક્યારેક હૃદયરોગનો હુમલો કરે છે.
હૃદયરોગ તથા મેદતંતુકાઠિન્ય કરતા ભયઘટકોનું નિયંત્રણ કરવાથી હૃદયરોગ, લકવો વગેરે નસોના વિકારોથી થતા જીવલેણ રોગો થવાની સંભાવના ઘટાડાય છે. તેથી વ્યક્તિને લીલાં શાકભાજી અને ફળો ખાવાં, તળેલું ન ખાવું, શ્રમ કરવો, ધૂમ્રપાન ન કરવું, વજન નિયંત્રિત રાખવું, લોહીનું દબાણ અને મધુપ્રમેહનું નિયંત્રણ રાખવું વગેરે સલાહ અપાય છે.
શિલીન નં. શુક્લ