હૂપર, હોરેસ એવરેટ (જ. 8 ડિસેમ્બર 1859, વૉર્સેસ્ટર, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 13 જૂન 1922, બેડફર્ડ હિલ્સ, ન્યૂયૉર્ક) : 1897થી 1922 સુધી ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના પ્રકાશક, પ્રખર વિક્રેતા અને પ્રકાશનક્ષેત્રે નવા નવા વિચારોના ઉદગાતા.
16 વર્ષની ઉંમરે હૂપરે શાળા છોડી દીધી. ચોપડીઓની દુકાનોમાં નોકરી કરી. ડેન્વરમાં જઈને ‘વેસ્ટર્ન બુક ઍન્ડ સ્ટેશનરી કંપની’ની સ્થાપના કરી. 1893માં શિકાગોમાં આવી જાહેર ખબર અને પુસ્તકોના વિક્રેતા તરીકે ‘સેન્ચરી ડિક્શનરી’ની પ્રતોનું વેચાણ કર્યું. 1897માં લંડન ગયા ત્યારે બ્રિટાનિકાના વિશ્વકોશનું વેચાણ પણ વધારી શકાય તેવો વિચાર કર્યો. પ્રકાશકો વૉલ્ટર મૉન્ટગોમરી જૅક્સન અને જેમ્સ તથા જ્યૉર્જ ક્લાર્ક પાસેથી બ્રિટાનિકાની નવી આવૃત્તિ માટેના હક મેળવ્યા. લંડન ટાઇમ્સને આ સાહસ માટે કોઈ ખાસ ઉત્સાહ ન હતો; પરંતુ હૂપરે તો બ્રિટાનિકાની કિંમતમાં ઠીક ઠીક ઘટાડો કર્યો, એટલું જ નહિ પણ તે ગ્રંથશ્રેણી હપતે પૈસા ચૂકવીને ખરીદી શકાય તેવી યોજના કરી. વળી બ્રિટાનિકાની મૂળ યોજનામાં 11 ગ્રંથની એક સપ્લિમેન્ટ પ્રસિદ્ધ કરવાનું ઠરાવ્યું. દસમી આવૃત્તિ(1902–03)માં આ મુજબ 24 ગ્રંથો અને ઇન્ડેક્સ પ્રસિદ્ધ થયાં.
બ્રિટાનિકાની આવૃત્તિનું પુનર્મુદ્રણ થતાં હૂપરના ઉદ્યમની કદર કરી, લંડન ટાઇમ્સે તેમની નિમણૂક ‘એડવર્ટાઇઝિંગ ડિરેક્ટર’ તરીકે 1905માં કરી. બ્રિટિશ પત્રકાર સી. એફ. મૉબર્લી બેલ સાથે ‘ટાઇમ્સ બુક ક્લબ’ની સ્થાપના કરી. જોકે 1908માં હૂપર લંડન ટાઇમ્સમાંથી છૂટા થઈ ગયા. બ્રિટાનિકાની 11મી આવૃત્તિ (29 ગ્રંથો : 1910–11) તૈયાર કરી. અગાઉની આવૃત્તિઓને છૂટક છૂટક પ્રસિદ્ધ કરવાને બદલે આ વિશ્વકોશના તમામ ગ્રંથોનું સંપૂર્ણ અને એકસામટું પ્રકાશન કરવાનું કામ કર્યું. ત્યારપછી હૂપરે ‘બ્રિટાનિકા યર-બુક’(1913)નું કામ કર્યું. ‘હેન્ડી વૉલ્યૂમ ઇસ્યુ’ (1915–16) અને સસ્તી ફોટોગ્રાફિક રિપ્રિન્ટ થયેલી (1922) 11મી તેમજ 12મી આવૃત્તિ પણ પ્રસિદ્ધ કરી. આમાં 11મી આવૃત્તિના 29 ગ્રંથો અને 3 ગ્રંથોની સપ્લિમેન્ટનો સમાવેશ કર્યો હતો.
વિ. પ્ર. ત્રિવેદી