હુસમૅન, આલ્ફ્રેડ એડવર્ડ (Housman, Alfred Edward) (જ. 26 માર્ચ 1859, ફૉકબેરી, વૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 30 એપ્રિલ 1936, કેમ્બ્રિજ) : અંગ્રેજ કવિ. સીધી સાદી શૈલીમાં રોમૅન્ટિક નિરાશાવાદનાં ઊર્મિગીતોના રચયિતા. પિતા સૉલિસિટર. સાત ભાઈભાંડુઓમાંના એક. માતા તરફ ખાસ પક્ષપાત; પરંતુ બાર વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થતાં તીવ્ર આઘાતની લાગણી થઈ. આ ઘટનાથી પ્રગટેલી નિરાશા તેમની કવિતામાં વધુ ને વધુ ઘટ્ટ થતી ગઈ. શરૂઆતનું શિક્ષણ બ્રોમ્સગ્રૉવ અને સેંટ જ્હૉન કૉલેજ, ઑક્સફર્ડમાં થયેલું. જોકે ત્યાં છેલ્લી પરીક્ષામાં સફળ ન થયા એટલે ઉપાધિ પ્રાપ્ત કરી શક્યા નહિ.
આલ્ફ્રેડ એડવર્ડ હુસમૅન
લંડનની પેટન્ટ ઑફિસમાં 1882થી 1892 સુધી કારકુનની નોકરી કરી. બ્રિટિશ મ્યુઝિયમમાં આપમેળે લૅટિન ભાષા શીખ્યા. અંગ્રેજી શબ્દો પ્રત્યે તેમને અપ્રતિમ લગાવ હતો. તેમણે લખેલા લેખોએ વિદ્વાનોનું ધ્યાન ખેંચેલું. યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં 1892માં લૅટિનના પ્રોફેસર તરીકે તેમની નિમણૂક થઈ.
હુસમૅન એકાંતપ્રિય થતા ગયા. તે ભલા અને તેમની ચોપડીઓ ભલી. ‘અ શ્રૉપશાયર લૅડ’ (1896) કાવ્યસંગ્રહ છે. હેનરિચ હેઈન કવિની કવિતા, શેક્સપિયરનાં ગીતો, સ્કૉટલૅન્ડનાં લોકગીતો તેમને ખૂબ ગમતાં. પોતાની લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે એ બધાં તેમનો આદર્શ હતાં. જોકે તેમાં તરબોળ રહેવા છતાં એનાથી તેમને વેગળા થઈ જતાં વાર નહોતી લાગતી. શ્રૉપશાયરની મુલાકાત લીધી તે પહેલાં તેમણે તે વિશે કવિતા રચેલી. ‘લાસ્ટ પોએમ્સ’(1922)ને કાવ્યસંગ્રહ તરીકે ભારે પ્રશંસા મળેલી.
સાહિત્યિક જગતમાં હુસમૅનને લૅટિનના રસજ્ઞ તરીકે ઓળખાવું ગમતું હતું. કેમ્બ્રિજમાં 1911માં તેમની નિમણૂક લૅટિનના પ્રોફેસર તરીકે થઈ ત્યારથી 1936 સુધી અધ્યાપનનું કાર્ય કર્યું. ‘મેનિલસ’ (1903–30) પર લગભગ ત્રણ દાયકાનું કામ કરી, તેનું સંપાદન કર્યું. ખરબચડાપણું અને જે કંઈ કહેવું હોય તે સીધેસીધું તડ ને ફડ કહી દેવાની કળાના મૂળમાં તેમનો લૅટિન ભાષાનો અભ્યાસ છે.
‘ધ નેમ ઍન્ડ નેચર ઑવ્ પોએટ્રી’(1933)માં હુસમૅનના કલા-વિષયક વિચારો છે. ‘મૉર પોએમ્સ’ (1936) હુસમૅનની મરણોત્તર કવિતાનું પ્રકાશન કવિના ભાઈ લૉરેન્સે કરેલું. 1971માં હુસમૅનના પત્રો પ્રસિદ્ધ થયેલ. એ. એસ. એફ. ગાઉએ ‘એ. ઈ. હુસમૅન’ (1936) નામનું જીવનચરિત્ર આલેખ્યું છે. રિચર્ડ પર્સિવાલ ગ્રેવ્ઝ દ્વારા બીજું જીવનચરિત્ર ‘એ. ઈ. હુસમૅન : ધ સ્કૉલર પોએટ’ (1979) પ્રકાશિત થયેલું છે.
વિ. પ્ર. ત્રિવેદી