હુષ્કપુર : પ્રાચીનકાલમાં સિથિયન રાજા હુષ્કે સ્થાપેલ નગર. કલ્હણના જણાવ્યા પ્રમાણે તે અશોક મૌર્યના વંશમાંથી ઊતરી આવેલો અને દામોદર સુદના મરણ પછી કાશ્મીરનો શાસક બન્યો હતો. રાજા હુષ્ક પછી જુષ્ક અને કનિષ્ક તેના ઉત્તરાધિકારીઓ બન્યા. રાજા હુષ્ક નવી નવી ઇમારતો બંધાવવાનો અને નગરો વસાવવાનો શોખીન હતો. તેથી તેણે અત્યારના બારામુલ્લા પાસે હુષ્કપુર વસાવી આબાદ કર્યું. અત્યારે આ નગર ખંડેરોમાં ફેરવાઈ ગયું છે અને ઝુકુર કે ઉસકુર નામના નાના ગામમાં તેનું નામ અપભ્રંશ થઈને સચવાઈ રહ્યું છે. હુષ્કપુરની વિશેષતા તે પહાડોને બદલે મેદાનમાં વસ્યું એ છે.

ચીની પ્રવાસી સાધુ યુઅન શ્વાંગે હુષ્કપુરની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ઓ-કુંગ નામનો બીજો ચીની પ્રવાસી પણ આ નગરની મુલાકાતે આવેલો.

હુષ્કપુર સાથે કાશ્મીરના ત્રણ શાસકો અને એક રાણી મુખ્યત્વે સંકળાયેલાં છે :

(1) રાજા મુક્તાપીડે કેટલાંક ધર્મસ્થાનો બંધાવ્યાં.

(2) કાશ્મીરની રાણી સુગંધાને વિદ્રોહીઓએ પકડીને હુષ્કપુરના નિષ્પાલક વિહારમાં નજરકેદ રાખી. અહીંયા તેનું શંકાસ્પદ સંજોગોમાં મરણ થયું.

(3) કાશ્મીરના શાસકો વિદ્રોહ વખતે આ નગરમાં આશ્રય લેતા. ડામરોના ગંભીર બળવા વખતે તો હુષ્કપુર પણ અરક્ષિત બની ગયું. કલ્હણ નોંધે છે તેમ, વૈદ્ય કે વૈશ્ય કુલમાં ઉત્પન્ન ક્રાક જેવા બહાદુર યોદ્ધાઓએ આ નગર કબજે કરીને કાશ્મીરાધિપતિને અહીંથી ક્રમ-રાજ્ય તરફ ભાગી જવા મજબૂર કરેલો.

(4) રાજા ક્ષેમગુપ્ત મરણ પામવા – મોક્ષ મેળવવા વારાહ-ક્ષેત્ર(બારામુલ્લા)માં આવ્યો ત્યારે હુષ્કપુરમાં રોકાયો હતો.

હુષ્કપુરનો ઉલ્લેખ ધાર્મિક કાર્યો અને ઇમારતોના નિર્માણ-સંબંધમાં જ મુખ્યત્વે આવે છે. તેથી આ નગર તેના બૌદ્ધ વિહારો અને હિન્દુ દેવસ્થાનો માટે પ્રખ્યાત થયું હતું. કલ્હણના નોંધ્યા પ્રમાણે રાજા મુક્તાપીડે હુષ્કપુરમાં શ્રીમાન મુક્તાસ્વામીનો વિહાર સ્થાપ્યો હતો અને આ સ્તૂપ સહિતનું વિશાળ મંદિર બંધાવ્યું હતું. તે જ રીતે ક્ષેમગુપ્તે હુષ્કપુરની ભાગોળે શ્રીકંઠ (મઠ) તેમજ ક્ષેમમઠની સ્થાપના કરી હતી.

હુષ્કપુરમાં વિહારો અને સ્તૂપો હતા એ નિર્વિવાદ છે. રેવરન્ડ કોઈને ઉસકુર પાસે ઈ. સ. 1838માં એક સ્તૂપ મળ્યો હતો. આવા કેટલાક સ્તૂપોનાં ચિત્રો તેમણે પોતાના ગ્રંથમાં આપ્યાં છે. ઈ. સ. 1890ના ઑગસ્ટ માસમાં પુરાવિદ માર્ક ઔરલ સ્ટીને હુષ્કપુરનાં ખંડેરોની મુલાકાત લીધી હતી ત્યારે એક વિશાળ સ્તૂપના વીખરાયેલા અવશેષો જોયા હતા. ગામ લોકોએ બતાવેલું કે કોઈ સાહેબના આદેશથી આ સ્તૂપને જમીનદોસ્ત કરવામાં આવ્યો હતો.

હુષ્કપુર વિસ્તારમાં સ્ટીનને 3 મીટર ઊંચું એક શિવલિંગ પણ મળેલું.

ચીની પ્રવાસી ઓ-કુંગે હુષ્કપુરમાંના પોતાના સ્તૂપોની સૂચિમાં મોંગલી વિહારનું નામ આપ્યું છે, જે ‘મુક્તાપીડ’ના નામનું ચીનીકરણ છે. અલબિ રૂનીએ પણ આ વિહારનું વર્ણન કર્યું છે.

સમય જતાં આ નગરની વસ્તી ઘટી ગઈ. અહીંના બૌદ્ધ સ્તૂપો, વિહારો અને હિન્દુ મંદિરોને ધર્માંધ મુસ્લિમ સુલતાનોએ તોડી નાખ્યાં. અત્યારે કેવળ ખંડેરો ઊભાં છે, જેમાં મુક્તાપીડનાં વિશાળ ધર્મસ્થાનોનું તો અસ્તિત્વ જ દેખાતું નથી !

ઈશ્વરલાલ ઓઝા