હુન્ઝા : પાકિસ્તાનની ઉત્તર સીમા પર આવેલો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 55´ ઉ. અ. અને 74° 22´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,100 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રદેશ અફઘાનિસ્તાન અને ચીનની સીમા નજીક પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આવેલો છે. કરીમાબાદ તેનું મોટામાં મોટું શહેર છે. ગિલ્ગિટમાંથી ખીણના રસ્તે પસાર થતો પહાડી માર્ગ અહીં આવેલો છે. કારાકોરમ પર્વતમાળામાં આ પ્રદેશ એક લાંબી સાંકડી ખીણ રચે છે.
હિન્દુકુશ હારમાળામાં આવેલી હુન્ઝા ખીણ
અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઊની કાપડ અને હસ્તકારીગરીની સુંદર ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. અહીંના મોટા ભાગના નિવાસીઓ ખેડૂતો છે. તેઓ ઘઉં, જવ, જરદાળુ અને દ્રાક્ષ જેવા કૃષિપાકો વાવે છે. અહીંના લોકોની સરેરાશ આયુમર્યાદા નેવું વર્ષની છે. પહાડી જળ અને સાદો ખોરાક તેમના લાંબા આયુષ્ય માટે કારણભૂત હોવાનું તેઓ માને છે. તેઓ ખોરાકમાં અનાજ, શાકભાજી અને સૂકો મેવો લે છે. અહીંના લોકો બુરુશાસ્કી ભાષા બોલે છે. અહીં લખવા માટેની કોઈ લિપિ નથી. આ પ્રદેશના મોટા ભાગના લોકો મુસ્લિમ છે, તેઓ ઇસ્લામ ધર્મ પાળે છે. આ પ્રદેશની કુલ વસ્તી 30,000 જેટલી છે.
હુન્ઝાના મીરનું જૂનું નિવાસસ્થાન, બાલ્ટિટ કિલ્લો
આજે જ્યાં હુન્ઝા આવેલું છે ત્યાં સર્વપ્રથમ વસનારા કોણ હતા, તેની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. દંતકથા મુજબ, ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટના ત્રણ લશ્કરી સૈનિકો તેમની ઈરાની પત્નીઓ સાથે ઈ. પૂ.ની ત્રીજી સદીમાં અહીં આવીને વસેલા હોવાનું મનાય છે. પછીનાં સેંકડો વર્ષો સુધી તે એક મીર (રાજકુંવર) વંશજો દ્વારા શાસિત છૂટુંછવાયું રાજ્ય રહેલું.
1949માં તે પાકિસ્તાન હસ્તક ગયું; પરંતુ 1974 સુધી સ્થાનિક બાબતો પરના શાસનનો અધિકાર મીર વંશજો પાસે રહેલો. તે પછીથી હુન્ઝા પ્રદેશની પૂર્ણ સત્તા પાકિસ્તાનને હસ્તક રહી છે.
ગિરીશભાઈ પંડ્યા