હુપેહ (Hupeh) : ચીનના મધ્યભાગમાં આવેલો પ્રાંત. તે યાંગ્ત્સે નદીના મધ્યના ખીણપ્રદેશમાં આવેલો છે. તેની ઉત્તરે ત્સિનલિંગ શાન, તુંગપેઈ શાન અને તાપિયેહ શાન પર્વતમાળાઓ આવેલી છે. અગ્નિકોણમાં આવેલી મુ-ફોઉ શાન હારમાળા આ પ્રાંતને કિયાંગ્સીથી અલગ પાડે છે. મધ્ય દક્ષિણ તરફની સીમા યાંગ્ત્સે નદીથી જુદી પડે છે. હુપેહ પ્રાંતનો લગભગ બધો જ ભાગ યાંગ્ત્સે નદીથી ઉત્તર તરફ આવેલો છે. હુપેહનો પશ્ચિમ ભાગ 1830 મીટરની ઊંચાઈ ધરાવતા ઉચ્ચપ્રદેશવાળો છે. પર્વતોના ભાગોમાંથી પસાર થતી યાંગ્ત્સે નદીએ ભવ્ય કોતરો રચ્યાં છે. ત્યાંથી આગળ વધીને તે હુપેહનાં મેદાનોમાં વહે છે. આ નદીમાં ઘણી વાર પૂર આવે છે, જે તારાજી સર્જે છે.

રાજ્યસંરક્ષણ અને લોકસંરક્ષણ વિભાગની પ્રાંતીય કચેરી, હુપેહ પ્રાંત

અહીંના શિયાળા ટૂંકા પરંતુ ખૂબ જ ઠંડા રહે છે; જ્યારે ઉનાળા ગરમ અને લાંબા હોય છે.

આ પ્રાંત ઉત્તર તરફના ઘઉં ઉગાડતા પ્રદેશ અને દક્ષિણ તરફના ડાંગર ઉગાડતા પ્રદેશ વચ્ચેના ભાગમાં આવેલો છે. આ બંને પાક અહીં પણ થાય છે. આ ઉપરાંત, જવ, મકાઈ, શકરિયાં, બાજરી અને વાલ-વટાણા પણ ઉગાડાય છે. રોકડિયા પાકોમાં કપાસ, તેલીબિયાં અને રેસાવાળા પાકનો સમાવેશ થાય છે.

આ પ્રાંતમાં લોખંડ, તાંબું, ફૉસ્ફરસ, કોલસો અને ચિરોડી જેવાં ખનિજો મળે છે.

છેલ્લાં 2000 વર્ષથી આ પ્રાંતમાં યાંગ્ત્સે, હાન નદીઓ તથા તેમની સહાયક નદીઓ મારફતે જળમાર્ગ–વ્યવહાર ચાલે છે. રેલમાર્ગો અને સડકમાર્ગો અહીં વિકસ્યા છે. બેજિંગથી બીજા ક્રમે આવતું વુ-ચાંગ અહીંનું મુખ્ય હવાઈ મથક છે.

2000 મુજબ આ પ્રાંતની કુલ વસ્તી લગભગ 6,02,80,000 જેટલી છે. અહીંની મોટા ભાગની વસ્તી ગ્રામીણ છે. વસ્તીનો ઘણોખરો ભાગ યાંગ્ત્સે નદી, હાન નદી તથા મેદાની પ્રદેશની આજુબાજુ વસે છે. અહીંનાં ગામડાં ખૂબ જ નાનાં છે. વુહાન આ પ્રાંતનું પાટનગર છે. શહેરી વસ્તી વુહાન અને હાનકોવમાં વસે છે. હાનકોવ અને હાન-યાંગ અહીંનાં ઔદ્યોગિક મથકો છે. આ ઉપરાંત વુ-ચાંગ શહેર અહીંનું વહીવટી, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેલું છે.

હુઆઝાંગ યુનિવર્સિટી, હુપેહ પ્રાંત

અહીંનાં શહેરો અને નગરોમાં તાજેતરમાં ઘણો સાંસ્કૃતિક વિકાસ થયો છે. શહેરોમાં સંગ્રહસ્થાનો, પુસ્તકાલયો, સ્ટેડિયમ, રમતગમત માટેનાં મથકો, સ્નાનગૃહોની સુવિધા જોવા મળે છે. ગ્રામ-જિલ્લાઓમાં વીજળીની સુવિધા ઊભી થઈ હોવાથી નાની-મોટી દુકાનો છે. વળી લોકોને કેટલીક જરૂરી સગવડો મળી રહે છે.

નીતિન કોઠારી