ગુહાન્તર્નિરીક્ષા (endoscopy) : શરીરમાંનાં પોલાણોમાં નળી દ્વારા જોઈ-તપાસીને નિદાન તથા ચિકિત્સા કરવાની પદ્ધતિ. તે માટેના સાધનને અંત:દર્શક કે ગુહાંત:દર્શક (endoscope) કહે છે. સૌપ્રથમ કઠણ નળીનાં અંત:દર્શકો વિકસ્યાં હતાં; પરંતુ હવે પ્રકાશ-ઇજનેરીમાં થયેલા વિકાસને કારણે પ્રકાશવાહી તંતુઓવાળાં (fiberoptic) અંત:દર્શકો વિકસ્યાં છે અને તેથી શરીરની પોલી નળીઓના વળાંક પ્રમાણે વળાંક લઈ શકે તેવાં અંત:દર્શકો ઉપલબ્ધ છે. પ્રથમ તેમનો ઉપયોગ નિદાન માટે થતો હતો. હવે સારવાર માટે પણ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે. શરીરના એકેએક છિદ્ર અને એકેએક પોલાણમાં હવેથી અંત:નિરીક્ષા થઈ શકે છે. તેનો સૌથી વધુ વિકાસ જઠર અને આંતરડાં તથા મૂત્રમાર્ગનાં પોલાણોમાં થાય છે; પરંતુ આંખ, નાક, નાકની આસપાસનાં વિવરો (sinuses), કાન, નાકની પાછળનું ગળાનું પોલાણ, સ્વરપેટી, શ્વાસનળી, અન્નનળી, જઠર, પક્વાશય, સ્વાદુપિંડ નળી, મોટું આંતરડું, મૂત્રાશય, મૂત્રપિંડ કુંડ (renal pelvis), પરિતનગુહા (peritoneal cavity), વક્ષ(છાતી)નું પોલાણ, બે હાડકાં વચ્ચેના સાંધા, ફેફસાંની આસપાસનું પોલાણ વગેરે વિવિધ પોલાણોમાં નિદાનલક્ષી અને ચિકિત્સાલક્ષી અંત:નિરીક્ષા કરાય છે. અંત:દર્શકમાં વિવિધ નળીઓની સગવડ હોવાથી અભિશોષણ (aspiration), વાતપૂરણ (air insufflation) પેશી પરીક્ષણ (biopsy), કોષપાતી કોષવિદ્યા (exfoliative cytology) વગેરે નિદાનલક્ષી તપાસ કરી શકાય છે. આ ઉપરાંત એક્સ-રે વિદ્યા, સૉનોગ્રાફી તથા ન્યૂક્લિયર સ્કેનિંગના વિકાસને કારણે તેમનો અંત:દર્શક દ્વારા ઉપયોગ કરીને નિદાનને વધુ સચોટ કરી શકાય છે. આ નવીન વિકાસને કારણે અંદરની વિકૃતિઓનાં ચિત્રણો મેળવી શકાય છે.
અંત:દર્શક વડે અવરોધ કરતા ભાગને કાપવાની, પથરી કે અન્ય બહારના પદાર્થને દૂર કરવાની, લોહી વહેતું હોય તેવી નસ બંધ કરવા માટે ઇન્જેક્શન દ્વારા દવા આપવાની, અલ્ટ્રાસાઉન્ડ તરંગો વડે કે લેઝર વડે પોલાણમાં રહેલા અવયવની સારવાર વગેરે કરી શકાય છે. ઉદરનિરીક્ષા (laparoscopy) વડે ગર્ભધારણ રોકવાની શસ્ત્રક્રિયા (સ્ત્રી-નસબંધી) ઘણા વખતથી થતી આવી છે. હાલ તેની મદદથી પિત્તાશય જેવા અવયવોને દૂર કરવાની શસ્ત્રક્રિયા પણ વિકસી છે.
હૃદય કે શ્વસનતંત્રની તીવ્ર (severe) બીમારી હોઈ અવયવમાં છિદ્ર પડ્યું હોય કે અંત:નિરીક્ષાથી સારવારમાં કોઈ ખાસ ફરક ન પડવાનો હોય તો તે કરવામાં આવતી નથી. અંત:નિરીક્ષા કરનાર તબીબને તેના કાર્યમાં પૂરતી દક્ષતા હોવી જરૂરી ગણાય છે. તે માટે સામાન્ય પ્રકારની પૂર્વ-ઔષધીય સારવાર કર્યા પછી સ્થાનિક નિશ્ચેતના(local anaesthesia)માં સમગ્ર પ્રક્રિયા કરાય છે. ર્દષ્ટિપથમાં આવતા સમગ્ર શ્લેષ્મસ્તર (mucosa)નું નિરીક્ષણ કરાય છે તથા જરૂરી ભાગના ફોટા પડાય છે. તે માટે નળીમાંના વિશિષ્ટ પ્રકાશવાહી તંતુઓ વડે અંદર પ્રકાશ ફેંકવામાં આવે છે. શંકાસ્પદ ભાગનું પેશીપરીક્ષણ કરવા ટુકડો કાપી લેવાય છે અથવા તે સ્થળે છૂટા પોલા કોષોને મેળવીને કોષવિદ્યાલક્ષી તપાસ માટે મોકલાય છે. અંત:નિરીક્ષાનો વિકાસ હાલ યોગ્ય અને પર્યાપ્ત નિદાન સારવાર પદ્ધતિ રૂપે થઈ રહ્યો છે અને તેના વિશેષજ્ઞોના હાથમાં તે સંપૂર્ણ સુરક્ષિત પદ્ધતિ સાબિત થઈ રહી છે.
શિલીન નં. શુક્લ