ગુલબર્ગ (Gulbarga) (કાલાબુરાગી) : કર્ણાટક રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 20´ ઉ. અ. અને 76° 50´ પૂ. રે.ની આજુબાજુનો 16,224 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ બિદર જિલ્લો, દક્ષિણ તરફ રાયચુર જિલ્લો અને પશ્ચિમ તરફ બીજાપુર જિલ્લો આવેલા છે. વાયવ્ય તરફ તેની સીમા મહારાષ્ટ્રના સોલાપુર અને ઓસ્માનાબાદ જિલ્લાઓ સાથે તથા પૂર્વ તરફ આંધ્રપ્રદેશના મેડક અને મહેબૂબનગર જિલ્લાઓ સાથે જોડાયેલી છે. જિલ્લાની દક્ષિણ સીમા પર કૃષ્ણા નદી વહે છે; એ જ રીતે પશ્ચિમ તરફ થોડા અંતર માટે ભીમા નદી આ જિલ્લાને બીજાપુરથી અલગ પાડે છે. જિલ્લામથક કાલાબુરાગી જિલ્લાના ઉત્તર ભાગમાં મધ્યમાં આવેલું છે, તે કર્ણાટક રાજ્યનું છઠ્ઠા ક્રમનું શહેર છે.

ગુલબર્ગ જિલ્લાનો નકશો

ઈરાની ભાષામાં ગુલબર્ગનો અર્થ ગુલ એટલે ફૂલ અને બર્ગ એટલે પાંદડું એવો થાય છે. આ અર્થમાં જોતાં આ સ્થળને પાંદડા સાથેના ફૂલ જેવું સુંદર એવો ઘટાવી શકાય. એ પણ સંભવિત છે કે અહીંના એક વખતના શાસક રાજા ગુલચંદના નામ પરથી ગુલબર્ગ નામ પડ્યું હોય ! ઇતિહાસવિદોના મત મુજબ, ગુલબર્ગ ખાતેનો કિલ્લો આ રાજાએ બંધાવેલો, જેને ત્યારપછીથી અલા-ઉદ્-દીન બહમનીએ વધુ મજબૂત બનાવેલો.

આ જિલ્લો કૃષ્ણા નદીના ઉત્તર કિનારા પર તેની શાખા ભીમાની ખીણમાં મહદ્અંશે વિસ્તરેલો છે. જિલ્લામાં સરેરાશ વાર્ષિક વરસાદ 730 મિમી. જેટલો પડે છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો દખ્ખણના ઉચ્ચપ્રદેશ તરીકે જાણીતા વિસ્તારનો એક ભાગ છે. કર્ણાટક રાજ્યનો આ વિસ્તાર ઉત્તર તરફનો મેદાની પ્રદેશ ગણાય છે, તેનું સ્થળર્દશ્ય મોટે ભાગે સમતળ છે અને ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફી અને તે પછી દક્ષિણથી પૂર્વ તરફી છે. ઉત્તર-પશ્ચિમ તરફથી ચાલી આવતી ટેકરીઓની એક હારમાળા અગ્નિ દિશા તરફ આશરે એકસો કિમી. સુધી વિસ્તરેલી છે. શાહપુર તાલુકામાં મહમ્મદપુર ટેકરીઓ તરીકે જાણીતી 13 કિમી. જેટલી લંબાઈની નાની હારમાળા છે; એ જ રીતે યાદગિર તાલુકામાં પણ આશરે 32 કિમી.ની લંબાઈની બીજી હારમાળા પણ છે.

જળપરિવાહ : કૃષ્ણા અને તેની સહાયક નદી ભીમા આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. ભીમા નદી જિલ્લામાં 150 કિમી. માટે વહીને જિલ્લાના અગ્નિ છેડે કૃષ્ણામાં ભળી જાય છે. કાગના નદી ભીમાની સહાયક નદી છે. શોરાપુર તાલુકાના નારાયણપુર નજીક ત્રણ કિલોમીટર હેઠવાસમાં આવેલા જલદુર્ગ સ્થળે આશરે 65 મીટરના અંતર સુધી જલપ્રપાત થતો જોવા મળે છે. આ સ્થળ નજીક કૃષ્ણા પરિયોજના હેઠળ એક બંધનું આયોજન થયું છે.

ખેતી : જિલ્લાની 70% ભૂમિમાં કૃષિપાકો(45% જમીનમાં ખાદ્યાન્ન અને 25% જમીનમાં કઠોળ)નું ઉત્પાદન લેવાય છે. જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, ડાંગર, તુવેર, અડદ, રાયડો, તલ, અળસી, એરંડા, મગફળી, કપાસ, તમાકુ અહીંના મુખ્ય પાક છે. કૃષ્ણા, ભીમા, કાગના નદીઓનાં પાણીથી સિંચાઈ ઉપલબ્ધ કરાય છે.

પશુપાલન : ગાયો, ભેંસો, ઘેટાં, બકરાં, ઘોડા, ડુક્કર, ગધેડાં, ઊંટ અહીંના પાલતુ પશુઓ છે. દુધાળાં પશુઓની સંખ્યા વધુ હોવાથી દૂધનું ઉત્પાદન લેવાય છે. કાલાબુરાગી ખાતે આવેલી ડેરીમાં તેનું પ્રક્રમણ થાય છે. અહીં રોજનું 10,000 લિટર જેટલું દૂધ તૈયાર થાય છે. આ જિલ્લામાં મરઘાં-બતકાં વિસ્તરણ કેન્દ્ર પણ કાર્યરત છે.

ઉદ્યોગોવેપાર : આ જિલ્લામાં ચૂનાખડકો, ગેરુ, મુલતાની માટી, કુંભારકામની માટી, ક્વાર્ટ્ઝ તેમજ સોપસ્ટોન મળે છે. ચૂનાખડકો સિમેન્ટ બનાવવામાં વપરાય છે. ક્વાર્ટ્ઝ કાચઉદ્યોગ માટે મુંબઈ ખાતે મોકલાય છે. સોપસ્ટોનમાંથી પાષાણ-પાત્રો બને છે. આ ઉપરાંત સાદી રેતી અને ટ્રેપખડકો (કપચી માટે) પણ મળે છે. કુંભારકામની માટી નળિયાં અને ઈંટો માટે વાપરી શકાય એવી છે.

આ જિલ્લાના મહત્વના ઉદ્યોગોમાં સિમેન્ટ, સુતરાઉ કાપડની મિલો, સિમેન્ટ પાઇપો, સિંગતેલની મિલો, તુવેરદાળની મિલો, ચોખાની મિલો, ખાંડ અને ખાંડસરીનાં કારખાનાં, જિનિંગ એકમો, લાટીઓ, રાચરચીલાના એકમો, ચામડાં કમાવવાના અને પગરખાંના એકમો, સાબુ અને બીડી બનાવવાનાં કારખાનાં, બેકરી અને હાથસાળના એકમોનો સમાવેશ થાય છે.

જિલ્લામાં ઉત્પન્ન થતી કૃષિપેદાશોનો મોટો ભાગ જિલ્લામાં જ ઉપયોગમાં લેવાય છે તેમ છતાં જુવાર, બાજરી, કઠોળ, કપાસ, મગફળી અને તમાકુની નિકાસ પણ થાય છે. સિમેન્ટની પણ નિકાસ કરાય છે. અહીં આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓમાં ખાદ્યાન્ન, ઉપભોક્તા ચીજો, કાપડ, ખાંડ, મીઠું, અખાદ્ય તેલો, લોખંડનો માલસામાન, કોલસો, યંત્રસામગ્રી, મોજશોખનાં સાધનોનો સમાવેશ થાય છે. અહીંનાં નગરો વેપાર-વાણિજ્યનાં મથકો તરીકે કાર્યરત છે, જ્યાં જિલ્લામાં થતી પેદાશો માટે સારું બજાર મળી રહે છે.

પરિવહનપ્રવાસન : જિલ્લામાં રેલ-પરિવહનની વ્યવસ્થા સારી રીતે વિકસેલી છે. અહીં બે બ્રૉડ ગેજ રેલમાર્ગો આવેલા છે, તે પૈકીનો એક રેલમાર્ગ 263 કિમી. જેટલી લંબાઈ માટે જિલ્લામાંથી પસાર થાય છે, તે રાયચુર–સોલાપુર–મુંબઈને જોડે છે; બીજો રેલમાર્ગ 70 કિમી.ની લંબાઈનો છે.

જિલ્લામાં કુલ 4400 કિમી. લંબાઈના સડક માર્ગો આવેલા છે, તેનો ઉપયોગ મુસાફરોની અવરજવર તેમજ માલની હેરફેર માટે થાય છે.

જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોમાં યાત્રાધામો આવેલાં છે. અહીંના વાગિનગેરા સ્થળે 17મી સદીમાં ઔરંગઝેબ અને શોરાપુરના રાજા વચ્ચે લડાઈ થયેલી. તે ઐતિહાસિક રીતે અગત્યનું છે તે ઉપરાંત હગારાતગી સ્થળ તેની પુરાતત્વીય ચીજો માટે મહત્વનું ગણાય છે. વર્ષના જુદા જુદા તહેવારો ટાણે અહીં મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

વસ્તીલોકો : 2022 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 27,61,954 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યા-પ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80% અને 20% જેટલું છે. જિલ્લામાં કન્નડ, હિન્દી, મરાઠી, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં 70% હિન્દુઓ છે, તે પછીથી ઊતરતા ક્રમે મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને શીખ લોકો આવે છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 45% જેટલું છે; શહેરોમાં તે 65% અને ગ્રામીણ વિસ્તારોમાં 30% જેટલું છે. અહીં બધાં જ નગરોમાં તેમજ મોટા ભાગનાં ગામોમાં શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. કાલાબુરાગી ખાતે લગભગ બધી જ વિદ્યાશાખાઓની કૉલેજો આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને તાલુકામાં વહેંચેલો છે. અહીં નગરો અને 1378 ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : ઈસવીસનની શરૂઆતમાં આ પ્રદેશ સાતવાહનોના આધિપત્ય હેઠળ હતો. આશરે ઈ. સ. 200માં તેમના સામ્રાજ્યનું વિઘટન થયું અને નાનાં નાનાં રાજ્યો સ્થપાયાં. ગુલબર્ગની આસપાસના વિસ્તારમાં આશરે 3 સદી સુધી વાકાટકોએ સત્તા ભોગવી. બદામીના ચાલુક્યોએ છઠ્ઠી સદીની મધ્યમાં તેમને ઉથલાવીને ધીમેધીમે વિશાળ રાજ્ય સ્થાપ્યું. ત્યારબાદ બે સૈકાથી વધુ સમય રાષ્ટ્રકૂટોએ ત્યાં સત્તા ભોગવી. તે દખ્ખણના પ્રદેશનો ઉજ્જ્વળ સમય હતો. ત્યારે તેમનું પાટનગર લાંબા સમય સુધી માલખેડ – તે સમયે માન્યખેટ તરીકે જાણીતું હતું. નૃપતુંગ તરીકે જાણીતા રાજા અમોઘવર્ષ 1લાએ (ઈ. સ. 814–878) માલખેડ શહેરનો વિકાસ કર્યો. આ રાજા તેની સાહિત્યિક સિદ્ધિઓ વાસ્તે પ્રખ્યાત છે. કન્નડ ભાષામાં તેનો પિંગળનો ગ્રંથ ‘કવિરાજમાર્ગ’ અને સંસ્કૃત ભાષામાં ‘પ્રશ્નોત્તર રત્નમાલા’ ખાસ ઉલ્લેખનીય છે.

ઈ. સ. 973માં ચાલુક્યવંશના માંડલિક તૈલ 2જાએ પોતે સ્વતંત્રતાની જાહેરાત કરી અને રાષ્ટ્રકૂટ રાજનો અંત આણ્યો. તેણે થોડો સમય માન્યખેટમાં રાજધાની રાખ્યા પછી કલ્યાણમાં બદલી. ગુલબર્ગ જિલ્લાનો વિસ્તાર કલ્યાણના ચાલુક્યોના અંકુશમાં લગભગ 200 વર્ષ પર્યંત રહ્યો.

14મી સદીમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીએ તેના સેનાપતિ મલેક કાફૂરને દક્ષિણનાં રાજ્યોમાં આધિપત્ય સ્થાપવા મોકલ્યો. મુહમ્મદ-બિન-તુગલુકે 1327માં યાદવોને હરાવ્યા. બહમન શાહે બહમની વંશ સ્થાપ્યા પછી, ગુલબર્ગમાં પાટનગર રાખ્યું. ત્યાં અનેક ભવ્ય ઇમારતો બાંધવામાં આવી. તે પછી અહમદશાહ(ઈ. સ. 1420–1436)ના અમલ દરમિયાન પાટનગર બિડર ખાતે લઈ જવામાં આવ્યું. મુઘલોએ દક્ષિણમાં હુમલા કર્યા ત્યારે ગુલબર્ગ જિલ્લાના પ્રદેશો કબજે કર્યા. હૈદરાબાદમાં નિઝામે અલગ રાજ્ય સ્થાપ્યું ત્યારથી ગુલબર્ગની આસપાસના પ્રદેશો તેના આધિપત્ય હેઠળ આવ્યા. મરાઠાઓ આ પ્રદેશ પર હુમલા કરીને ચૉથ ઉઘરાવતા હતા. અંગ્રેજોનું વર્ચસ્વ સ્થપાયા બાદ ગુલબર્ગ જિલ્લો નિઝામના પ્રદેશોમાં રહ્યો. હૈદરાબાદ રાજ્ય 1948માં ભારત સંઘ સાથે જોડાયું અને રાજ્યોની પુનર્રચના પછી આ પ્રદેશ કર્ણાટક રાજ્યમાં આવેલો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ