ગુરગાંવ (Gurgaon) : હરિયાણા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક.  તેની ઉત્તરે રોહતક જિલ્લો અને દિલ્હીનો રાષ્ટ્રીય પાટનગર વિસ્તાર, પૂર્વ તરફ ફરીદાબાદ જિલ્લો, દક્ષિણ તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સીમા તથા પશ્ચિમ તરફ રાજસ્થાનની સીમા અને રેવાડી જિલ્લો આવેલાં છે. જિલ્લામથક જિલ્લાના ઉત્તર છેડા નજીક આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : ગુરગાંવ અસમતળ મેદાની ભૂપૃષ્ઠ ધરાવતો જિલ્લો હોવા ઉપરાંત અહીં અરવલ્લી હારમાળા પણ વિસ્તરેલી છે. આ હારમાળાના ફાંટા દિલ્હી સુધી જાય છે, તે ઉપરાંત, જિલ્લાના પશ્ચિમ ભાગમાં તે ઈશાન-નૈર્ઋત્ય દિશામાં પણ ફંટાયેલી જોવા મળે છે. અહીં રેતાળ અને ગોરાડુ પ્રકારની જમીનો આવેલી છે. આ જિલ્લામાં કોઈ મોટી નદી આવેલી નથી.

ખેતીપશુપાલન : જિલ્લાનું મોટા ભાગનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે. અહીં ડાંગર, મકાઈ, બાજરો અને ઘઉં તેમજ તેલીબિયાં થાય છે. ટ્યૂબવેલ સિંચાઈનો મુખ્ય સ્રોત છે. અહીં ગાયો, ભેંસો, ઘેટાં-બકરાંનું પાલન થાય છે.

ઉદ્યોગોવેપાર : આ જિલ્લો 1947 સુધી ઔદ્યોગિક ર્દષ્ટિએ પછાત હતો, ત્યાં સુધી ગુંદર, સ્લેટ, સૉલ્ટપીટર વાસણો જેવી વસ્તુઓ બનતી હતી. 1947 પછી અહીં ઔદ્યોગિક વિકાસ થયો છે. મોટા પાયાના અને મધ્યમ કદના ઉદ્યોગો શરૂ થયેલા છે. અહીં સૂતર, બાંધકામ માટેનો લોખંડનો સામાન, કાંડા ઘડિયાળો, મોટરવાહનો, મુદ્રણ-યંત્રસામગ્રી, ઑક્સિજન, ગૅસ વગેરેના ઉદ્યોગો કાર્યરત છે. અગત્યના એકમોમાં મારુતિ ઉદ્યોગ લિ., ઇન્ડિયન ડ્રગ્ઝ ઍન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિ., ઇન્ડો-સ્વિસ ટાઇમ્સ લિ. અને એન્કે (ઇન્ડિયા) રબર કંપની (પ્રા.) લિ.નો સમાવેશ થાય છે. દિલ્હી નજીક હોવાથી ગુરગાંવમાં ઔદ્યોગિક ક્ષેત્ર ઊભું થયું છે. વિદેશી કંપનીઓએ અહીં ઉદ્યોગો સ્થાપ્યા છે. અહીં વીજાણુ સંકુલ (Electronics Complex) ઊભું થયું છે. અહીં વીજાણુ અને વીજસામગ્રી, રબર-પેદાશો, ઑટો-પુરજા, લાકડાની પેદાશો, રસાયણો, કૃષિઓજારો, સુતરાઉ કાપડ, ઘડિયાળો, તૈયાર પોશાકો, હળવા ઇજનેરી એકમો આવેલા છે.

ગુરુગાંવ

જિલ્લામાં દવાઓ, પગરખાં, તેલ, આટો, જંતુનાશકો, પાષાણ-કપચી, કૃષિ-ઓજારો, રાયડાનું તેલ, ચણાની દાળનું ઉત્પાદન લેવાય છે. અહીંથી મોટરવાહનની બેઠકો, પગરખાં, રાઈ, જંતુનાશકો, શેરડી, રાયડાનું તેલ, જવ, ભૂસું નિકાસ થાય છે અને ઘઉં, કાચું ચામડું, આટો, રસાયણો, ચૂનાખડક, ઘી, લોખંડ, ચોખા અને ગોળની આયાત થાય છે.

પરિવહનપ્રવાસન : દેશનું પાટનગર દિલ્હી નજીક હોવાથી અહીં રેલમાર્ગો-સડકમાર્ગો વિકસ્યા છે. તે આજુબાજુના જિલ્લા તેમજ રાજ્યો સાથે સંકળાયેલું રહે છે. મહાભારત કાળના પ્રાચીન સમયના ઇતિહાસ માટે તે જાણીતું છે. ગુરગાંવ, ફારુકનગર, પટૌડી, નુહ, સોહના, સુલતાનપુર પક્ષી-અભયારણ્ય, કલા અને સ્થાપત્ય માટે આત્તા, ઉજિનાનાં વરાહમંદિર, નૃસિંહમંદિર અને લક્ષ્મીમંદિર અહીંનાં જાણીતાં સ્થળો છે. વારતહેવારે અહીં જુદાં જુદાં સ્થળે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

સુલતાનપુર પક્ષી-અભયારણ્ય, ગુરગાંવ

વસ્તીલોકો : 2022 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 16,26,954 જેટલી છે; તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે 56% અને 44% જેટલું છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80% અને 20% જેટલું છે. જિલ્લામાં હિન્દી ભાષા બોલાય છે. અહીં હિન્દુ-મુસ્લિમ, વસ્તી વિશેષ છે, જ્યારે શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ લોકોની વસ્તી ઓછી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ અંદાજે 60% જેટલું છે. અહીં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. ગુરગાંવ ખાતે આઠ કૉલેજો આવેલી છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને તાલુકા અને સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 11 નગરો અને 730  ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : ગુરગાંવ નામ ‘ગુરુ ગ્રામ’ પરથી અપભ્રંશ થયું છે. અનુશ્રુતિ અનુસાર પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિરે આ ગામ તેમના ગુરુ દ્રોણાચાર્યને આપ્યું હતું. હાલમાં પણ રેલવે સ્ટેશન તરફ જતા માર્ગની પશ્ચિમે, તેમની સ્મૃતિમાં એક સરોવર આવેલું છે. એમ માનવામાં આવે છે કે આ ગામમાં દ્રોણાચાર્યે કૌરવો તથા પાંડવોને તીરંદાજીનું શિક્ષણ આપ્યું હતું. તેને કારણે આ ગામ ગુરુ અથવા મોટું માનવામાં આવતું હતું. 1947માં દેશમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ, 1 નવેમ્બર 1966ના રોજ હરિયાણાના રાજ્યની રચના કરવામાં આવી અને ગુરગાંવ આ નવા રાજ્યનો એક જિલ્લો બન્યું. 1971ની વસ્તીગણતરી વખતે ગુરગાંવ જિલ્લો છ તાલુકાઓનો હતો.

જૈનાબસુલતાના અહમદ સૈયદ

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ