હિંદુકુશ : મધ્ય એશિયામાં આવેલી પર્વતમાળા. ભૌગોલિક સ્થાન : 36° 00´ ઉ. અ. અને 70° 00´ પૂ. રે.ની આજુબાજુ તે અફઘાનિસ્તાનના ઈશાની વિભાગને તથા પાકિસ્તાનના વાયવ્ય વિભાગને આવરી લે છે. તેની ઉપસ્થિતિ ઈશાન–નૈર્ઋત્ય-તરફી છે. 800 કિમી. જેટલી લંબાઈ ધરાવતી આ પર્વતમાળા વાસ્તવમાં પામીરની ગાંઠમાંથી છૂટું પડતું પશ્ચિમી વિસ્તરણ છે. તેની ઉપર ભયજનક ઘાટ આવેલા હોવાથી ઍલેક્ઝાન્ડરના સમયના ઇતિહાસકારો તેને કૉકેસસ પર્વતમાળા સાથે સરખાવતા.
હિંદુકુશપર્વતમાળા
અફઘાનિસ્તાન–પાકિસ્તાનની સરહદનો આંશિક ભાગ બની રહેલી આ પર્વતમાળા અમુ દરિયા અને સિંધુ નદીઓ વચ્ચે જળવિભાજક રચે છે. તેનાં મોટા ભાગનાં શિખરોની ઊંચાઈ 7,000 મીટરની છે; પાકિસ્તાનમાં આવેલું તેનું સર્વોચ્ચ શિખર ‘તિરિચ મીર’ 7,690 મીટર ઊંચું છે. ચૌદમી સદીમાં મૉંગોલ નેતા તામરલેને (Tamerlane) આ પર્વતોને પાર કરવાનો પ્રયાસ કરેલો. પાકિસ્તાન–અફઘાનિસ્તાનને જોડતો ખૈબરઘાટ આ પર્વતમાળામાં આવેલો છે. તે સાંકડો છે; પરંતુ તેની લંબાઈ 53 કિમી. જેટલી છે. આર્યો ખૈબરઘાટને રસ્તે ભારતમાં આવેલા. બાબરે તેમજ અન્ય આક્રમણકારોએ ભારતમાં પ્રવેશવા આ ઘાટનો ઉપયોગ કરેલો. આજે અહીં જોવા મળતો માર્ગ અંગ્રેજોએ અફઘાન યુદ્ધ વખતે બાંધેલો છે.
ગિરીશભાઈ પંડ્યા