હિંદુ ધ : અંગ્રેજી દૈનિક. મદ્રાસ(હાલના ચેન્નાઈ)માં 20 સપ્ટેમ્બર, 1878ના રોજ સાપ્તાહિક તરીકે પ્રારંભ. તામિલનાડુના તાંજવુર નજીક તિરુવૈયુરની શાળાના શિક્ષક અને સામાજિક સુધારક જી. સુબ્રમનિયા ઐયરના નેજા હેઠળ છ યુવકોએ આ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો હતો, જે આગળ જતાં સપ્તાહમાં ત્રણ દિવસ અને ત્યારબાદ દૈનિક તરીકે પ્રકાશિત થતું આવ્યું છે. આ પત્રના પ્રારંભનો ઇતિહાસ અત્યંત રસપ્રદ છે. 1878માં મદ્રાસ હાઈકોર્ટમાં ટી. મુથુસ્વામી ઐયર નામના સૌપ્રથમ ભારતીયની નિમણૂક થઈ હતી અને એ બાબતનો બ્રિટિશરોના અંકુશવાળા સ્થાનિક અંગ્રેજી અખબારો વિરોધ કરી રહ્યાં હતાં. સુબ્રમનિયા ઐયર અને તેમના મિત્રોને આ વાત ન ગમી અને તેમણે એ જમાનામાં એક રૂપિયો અને બાર આના ઉધાર લઈને સાપ્તાહિક શરૂ કર્યું અને ઐયરે તેમના પ્રથમ તંત્રીલેખમાં લખ્યું કે, ‘પ્રેસ એ પ્રજાનો અભિપ્રાય વ્યક્ત કરે છે; એટલું જ નહિ, પરંતુ તેમાં ફેરફાર અને ઘડતર પણ કરે છે.’

પ્રારંભમાં આ સાપ્તાહિકની 80 નકલો પ્રકાશિત થતી. દર બુધવારે પ્રકાશિત થતા આ સામયિકની કિંમત એ જમાનામાં ચાર આના હતી. જોકે 21 જૂન, 1881 પહેલાંનો એક પણ અંક હાલ ઉપલબ્ધ નથી. 1883ની પહેલી ઑક્ટોબરથી આ સામયિક અઠવાડિયામાં ત્રણ દિવસ – સોમવાર, બુધવાર અને શુક્રવારે સાંજે પ્રકાશિત થવા લાગ્યું. આ તમામ વર્ષો દરમિયાન સ્વાભાવિક રીતે તેમાં સ્થાનિક સમાચારો અને ઘટનાઓને જ મહત્વ મળતું; પરંતુ 1887માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની વાર્ષિક બેઠક મદ્રાસમાં યોજાઈ ત્યારબાદ તેમાં ધીમે ધીમે રાષ્ટ્રીય સમાચારોને પણ સ્થાન આપવાનું શરૂ થયું અને 1889ની પહેલી એપ્રિલથી આ સામયિક દૈનિક સ્વરૂપમાં ફેરવાઈ ગયું. જોકે તે સમય સુધી તેનું પ્રકાશન તો સાંજે જ થતું. આ પછી એક દાયકા કરતાં ઓછા સમયમાં સુબ્રમનિયા ઐયરે અખબાર સાથે છેડો ફાડી દીધો અને વીરરાઘવાચરિયર માલિક બન્યા અને તેમણે તંત્રી તરીકે સી. કરુણાકર મેનનની નિમણૂક કરી. 1900ના દાયકામાં ‘ધ હિંદુ’ એક અસરકારક અખબાર તરીકેની છાપ ગુમાવવા લાગ્યું ત્યારે વીરરાઘવાચરિયરે તે વેચી દેવાનો નિર્ણય કર્યો અને 1895થી આ અખબારના સલાહકાર રહેલા રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા ધારાશાસ્ત્રી એસ. કસ્તૂરી રંગા ઐયંગરે તે ખરીદી લીધું. 1980ના દાયકામાં અખબારની માલિકી ઐયંગર પરિવારના યુવાન સભ્યોના હાથમાં આવી અને તે સાથે તેમાં ચોક્કસ રાજકીય રંગ દેખાવાની શરૂઆત થઈ. વિશ્વભરનાં અખબારો વિશે અભિપ્રાય બાંધનાર વર્લ્ડ પ્રેસના મતે ‘ધ હિંદુ’ ડાબેરી ઝોક ધરાવતું સ્વતંત્ર અખબાર છે.

ધ હિંદુ

એન. રામ આ અખબારના એડિટર-ઇન-ચીફ થયા ત્યારથી રાજકીય રંગ વધુ ઘેરાયો હોવાનું માનવામાં આવે છે. 27 જૂન, 2003ના રોજ એન. રામને આ અખબારના એડિટર-ઇન-ચીફ તરીકે નીમવામાં આવ્યા હતા. આ અખબારે 1987–88માં બોફર્સ કટકી કૌભાંડ પ્રકાશમાં લાવવામાં અને ત્યારબાદ તેના વિશે અનેક અહેવાલો પ્રકાશિત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. એપ્રિલ, 1987માં સ્વીડિશ રેડિયોએ બોફર્સ સોદામાં ભારતીય નેતાઓ, અધિકારીઓ તેમજ લશ્કરના કેટલાક અધિકારીઓને સ્વીડિશ શસ્ત્ર-ઉત્પાદક કંપની દ્વારા 50 મિલિયન ડૉલર (આશરે રૂ. 20 કરોડ) કટકી તરીકે ચૂકવાયા છે તેવો આક્ષેપ કરતો અહેવાલ પ્રસારિત કર્યો. ત્યારબાદ અખબારનાં જિનીવાસ્થિત સંવાદદાતા ચિત્રા સુબ્રમણ્યમ્ અને એન. રામે સાથે મળી આ અહેવાલો પ્રકાશિત કર્યા. આ કૌભાંડને કારણે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સત્તા પણ ગુમાવવી પડી હતી. જોકે આશ્ચર્યજનક રીતે ‘ધ હિંદુ’એ બોફર્સ અંગે અહેવાલો પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું, જેને કારણે હતાશ થયેલાં ચિત્રા સુબ્રમણ્યમ્ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં જોડાયાં અને ત્યાં તેમણે બોફર્સ-કટકી કૌભાંડવિરોધી અભિયાન ચાલુ રાખ્યું હતું.

આમ છતાં, રાષ્ટ્રીય સ્તરે ‘ધ હિંદુ’ અખબાર આજે (2008ના અરસામાં) એક વગદાર અને બહોળો વાચકવર્ગ ધરાવતું અખબાર-જૂથ ગણાય છે. પ્રારંભથી જ મહાત્મા ગાંધીથી પ્રભાવિત રહેલા આ અખબારે થોડાં વર્ષ પહેલાં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના મુખ્ય મહેમાનપદે તેની 125મી જયંતી ઊજવી હતી અને ગાંધીજીએ ‘ધ હિન્દુ’ સાથે કરેલા પત્રવ્યવહાર ઉપરાંત અખબારમાં પ્રકાશિત થયેલા ગાંધીજી વિશેના અહેવાલોનો એક ખાસ અંક પણ પ્રકાશિત કર્યો હતો. 1968માં અમેરિક ન્યૂઝપેપર્સ પબ્લિશર્સ ઍસોસિયેશન દ્વારા ‘વર્લ્ડ પ્રેસ એચિવમેન્ટ ઍવૉર્ડ’ ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર ‘ધ હિન્દુ’ હાલ (2009માં) 11,80,000 નકલોનો ફેલાવો અને આશરે 40 લાખનો વાચકવર્ગ ધરાવે છે. હાલ તે ચેન્નાઈ (મદ્રાસ) ઉપરાંત કોઇમ્બતૂર, બૅંગલોર (હવે ‘બૅંગાલુરુ’), મદુરાઈ, હૈદરાબાદ, નવી દિલ્હી, વિઝાગ, તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ્), કોચી, વિજયવાડા, મૅંગલોર અને તિરુચિરાપલ્લી – એમ 12 સ્થળેથી પ્રકાશિત થાય છે.

સપ્તાહના સાતેય દિવસ અલગ અલગ પૂર્તિનું પ્રકાશન કરનાર ‘ધ હિંદુ’ ઘણી બાબતોમાં ભારતમાં સૌપ્રથમ અખબાર તરીકે નામના મેળવી ચૂક્યું છે; જેમ કે, અખબારે છેક 1940માં પ્રથમ વખત બ્લૅક સિવાય અન્ય રંગોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું, તે ઉપરાંત 1963માં અખબારના વિતરણ માટે વિમાનનો ઉપયોગ પણ ‘ધ હિન્દુ’એ જ પ્રથમ વખત કર્યો હતો. ભારતમાં ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ થનાર સૌપ્રથમ અખબાર ‘ધ હિંદુ’ જ છે. તેણે 1995માં ઇન્ટરનેટ આવૃત્તિ શરૂ કરી હતી.

‘ધ હિંદુ’ અખબાર-જૂથમાં હાલ ‘ધ હિન્દુ બિઝનેસ લાઇન’, ‘ધ સ્પૉટર્સ સ્ટાર’, ‘ફ્રન્ટ લાઇન’ વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત જૂથ પ્રતિવર્ષ ઉદ્યોગ, કૃષિ, પર્યાવરણ જેવા વિષયો ઉપર અભ્યાસ અને સંશોધનથી ભરપૂર અંકો પ્રકાશિત કરે છે, ક્રિકેટ-શોખીનો માટે પણ તે પ્રતિવર્ષ ‘ઇન્ડિયન ક્રિકેટ’ નામે વાર્ષિક રેકૉર્ડ-બુકનું પ્રકાશન કરે છે.

અલકેશ પટેલ