હિંદુ કાયદો : હિંદુ લગ્ન અધિનિયમ, 1955માં આપેલ વ્યાખ્યા મુજબ જે હિંદુ છે તેને લાગુ પડતો કાયદો; જેમાં હિંદુઓ ઉપરાંત જૈનો, શીખો અને બૌદ્ધોનો પણ સમાવેશ થાય છે. ભારતની ભૂમિએ જગતના ધર્મોના સ્થાપકો જ માત્ર પેદા નથી કર્યા; તેણે કાયદાની એક એવી વ્યવસ્થા ઉત્પન્ન કરી જે ભરતખંડ ઉપરાંત બર્મા (હવે મ્યાનમાર) અને સિયામમાં ફેલાઈને લિખિત કાયદાનાં ઉત્પત્તિસ્થાનરૂપ બની રહી. હિંદુ કાયદાનાં મૂળ ઋગ્વેદની શરૂઆતના સમય સુધી પહોંચે છે. હિંદુ કાયદો દૈવી હોવાનું મનાય છે.

‘હિંદુ’ શબ્દ સિંધુનદીની પેલે પારના નિવાસીઓ માટે વપરાતો, જે પ્રાદેશિકતાનો સૂચક છે. વ્યક્તિ જન્મથી હિંદુ હોઈ શકે અથવા ધર્માંતરથી કે ઉછેરથી હિંદુ હોઈ શકે. ભારતના બંધારણ પ્રમાણે ‘હિંદુ’ શબ્દમાં શીખ, જૈન અને બૌદ્ધો સમાવિષ્ટ છે.

સહનશીલતા (tolerance), અંધશ્રદ્ધા(dogma)થી મુક્તિ અને અનુકૂલન (accomodation) – આ ત્રણ હિંદુ ધર્મનાં મહત્વનાં લક્ષણો છે. આને લીધે જ તેને પરદેશી આક્રમણો સામે ટકી રહેવાની શક્તિ મળી છે.

હિંદુ કાયદાનાં ઉત્પત્તિસ્થાનો : (1) શ્રુતિ અથવા વેદ (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ; પુરાણોને પાંચમો વેદ ગણ્યો છે.) (2) સ્મૃતિઓ અથવા ધર્મશાસ્ત્રો (શ્રૌતસૂત્રો, ગૃહ્યસૂત્રો, ધર્મસૂત્રો) (3) ટીકાઓ (કૉમેન્ટરીઝ) (4) સારસંગ્રહો (ડાઇજેસ્ટસ) (5) ન્યાયિક નિર્ણયો (6) આચાર (કસ્ટમ) (7) ઘડેલો કાયદો / વિધિવિધાન (લેજિસ્લેશન).

1947માં ભારતને આઝાદી મળ્યા બાદ બનાવાયેલા બંધારણે જ્ઞાતિપ્રથાને મિટાવી ભારતને ધર્મનિરપેક્ષ (secular) રાજ્ય બનાવવાના સંકલ્પને સાકાર કરવા હિંદુઓ માટે નીચેના અધિનિયમો બનાવ્યા : (1) હિંદુ મૅરેજ ઍક્ટ, 1955, (2) હિંદુ માઇનૉરિટી ઍન્ડ ગાર્ડિયનશિપ ઍક્ટ, 1956, (3) હિંદુ ઍડૉપ્શન્સ ઍન્ડ મેન્ટેનન્સ ઍક્ટ, 1956, (4) હિંદુ સક્સેશન ઍક્ટ, 1956, (5) ફૉરિન મૅરેજ ઍક્ટ, 1969. હિંદુ કાયદાના સંહિતીકરણની દિશામાં આ એક મહત્વનું પગલું છે.

હિંદુ લગ્ન એ દસ સંસ્કારોમાંનો એક સંસ્કાર છે. તેના આઠ પ્રકારો છે : બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, અસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ. લગ્નવિધિનાં ત્રણ મુખ્ય અંગો છે : સગાઈ (વાક્દાન), કન્યાદાન અને સપ્તપદી. પછીથી નવા ઘડાયેલા કાયદાઓ પ્રમાણે હવે આ વિચારસરણીમાં ધરખમ ફેરફારો થયા છે.

હિંદુ લગ્ન અધિનિયમ, 1955 સમગ્ર ભારતમાં વ્યાપ્ત છે. ધર્મથી જે હિંદુ, જૈન, શીખ કે બૌદ્ધ હોય તેને એ લાગુ પડે છે. હિંદુ લગ્નની શરતો : (1) બેમાંથી એક પણ પક્ષને તેનો અગાઉનો જીવનસાથી જીવિત ન હોવો જોઈએ; (2) અસ્થિર મનને કારણે કાયદામાન્ય સંમતિ આપવાને માટે ગેરલાયક ન હોવો જોઈએ; (3) માનસિક દર્દી ન હોવો જોઈએ, સંતાનોત્પત્તિ કરવાને લાયક હોવો જોઈએ; (4) લગ્નના દિવસે વરની ઉંમર પૂરાં 21 વર્ષ અને કન્યાની પૂરાં 18 વર્ષની હોવી જોઈએ; (5) તેઓ પરસ્પરની પ્રતિબંધિત પદવી(prohibited degrees)માં ન આવતાં હોવાં જોઈએ અને (6) પરસ્પર સપિંડ સંબંધો ધરાવતા ન હોવાં જોઈએ. અગ્નિની આજુબાજુ સાત પગલાં પૂરાં થયેથી લગ્ન બંધનકર્તા બને છે. લગ્નની નોંધણી આવશ્યક છે. ઉપર્યુક્ત શરતોનો ભંગ કરીને કરેલાં લગ્નો વ્યર્થ ઠરે છે. નામર્દાઈ, અસ્થિર મન, માનસિક અસ્વસ્થતા, ગાંડપણના હુમલા, ફેફરું (epilepsy), બળથી કે કપટથી મેળવેલી સંમતિ, લગ્નસમયે પત્નીને દિવસો રહેલા હોય – આમાંથી ગમે તે એક કારણસર લગ્ન રદ થઈ શકશે.

છૂટાછેડા (divorce) મેળવવા માટે નીચેનાં કારણોમાંથી ગમે તે એક પુરવાર કરવાનું પૂરતું છે : (1) વ્યભિચાર (adultery), (2) ક્રૂરતા (cruelty), (3) પરિત્યાગ (desertion), (4) ધર્મપરિવર્તન (conversion), (5) ગાંડપણ, (6) કોઢ (leprosy), (7) જાતીય રોગ, (8) સંસારત્યાગ, (9) સાત વર્ષ કે તેથી વધુ સમય માટે લાપતા હોવું, (10) કાયદાથી મેળવેલું વિયોજન, (11) લગ્ન હકનું પુન:સ્થાપન ન થવું, (12) દ્વિપતિત્વ કે દ્વિપત્નીત્વ, (13) બળાત્કાર, સૃષ્ટિ ક્રમ વિરુદ્ધનો જાતીય સમાગમ, (14) પત્નીને ભરણપોષણ આપવાનું હુકમનામું, (15) પોતે 18 વર્ષની થાય તે અગાઉ પત્નીએ લગ્નનો કરેલો અસ્વીકાર. ઉપર્યુક્ત 1થી 11 કારણો બંને પક્ષોને પ્રાપ્ય છે, બાકીનાં પત્નીને જ પ્રાપ્ય છે. પરસ્પર સંમતિથી પણ છૂટાછેડા પ્રાપ્ય છે.

જ્યાં લગ્નની ઉજવણી થઈ હોય, અથવા પક્ષકારો છેલ્લા જ્યાં રહેતા હોય તે સ્થળની ડિસ્ટ્રિક્ટ કોર્ટને આ માટે અરજી થઈ શકશે. છૂટાછેડા વગેરે આપતી વેળા અદાલત બાળકોનો હવાલો, તેમનું ભરણપોષણ અને શિક્ષણ વિશેની જોગવાઈઓ પર ધ્યાન આપશે અને બાળકોના હિતને પ્રાધાન્ય આપશે.

હિંદુ સગીરત્વ અને વાલીપણાનો અધિનિયમ, 1956 (Hindu Minority and Guardianship Act, 1956) : સમગ્ર ભારતમાં લાગુ પડે છે અને એની જોગવાઈઓ વાલીઓ અને પાલ્યોને લગતા અધિનિયમ(Guardian and Wards Act)ની જોગવાઈઓની પૂરક ગણાશે. દરેક હિંદુ, બૌદ્ધ, જૈન અથવા શીખ ધર્મ અનુસરનારને તે લાગુ પડે છે. આ કાયદા અનુસાર સગીર એટલે એવી વ્યક્તિ જેણે 18 વર્ષ પૂરાં કર્યાં ન હોય. વાલી એટલે સગીર અને તેની મિલકતની સંભાળ રાખનાર. ‘વાલી’ શબ્દમાં સગીરનો કુદરતી વાલી, વિલથી નિમાયેલો વાલી, અદાલતથી નિમાયેલો વાલી અને કોર્ટ ઑવ્ વૉર્ડ્ઝ વિશે ઘડાયેલા કાયદા પ્રમાણે જેને આવી સત્તાઓ આપી છે તે વ્યક્તિ સમાવિષ્ટ છે.

વાલીના પ્રકારો : કુદરતી વાલી, હકીકતી વાલી (De Facto Guardian), તદર્થ વાલી (Ad Hock Guardian) અને વસિયતી વાલી (Testate Guardian).

છોકરાની બાબતમાં અને અપરિણીત બાળાની બાબતમાં એનો કુદરતી વાલી પિતા છે. તે પછી માતાનો ક્રમ છે. પરણેલી બાળકીના કિસ્સામાં તેનો પતિ એ તેણીનો કુદરતી વાલી છે. જે બાળક ગેરકાયદે હોય પછી તે છોકરો હોય કે છોકરી તેની બાબતમાં પ્રથમ માતા એ વાલી છે અને પછી એનો પિતા કુદરતી વાલી ગણાય. જે વ્યક્તિ હિંદુ મટી ગઈ છે, જેણે સંસારત્યાગ કર્યો છે, તે વ્યક્તિ વાલી બની શકે નહિ.

દત્તક લીધેલા બાળકનો કુદરતી વાલી તેને દત્તક લેનાર પિતા અને પછી એની માતા છે. આ પ્રમાણેનો કુદરતી વાલી, સગીરના અને તેની મિલકતના લાભ માટે આવશ્યક અને યોગ્ય એવાં સઘળાં કાર્યો કરશે; પરંતુ અંગત કરાર કરીને તે સગીરને જવાબદાર બનાવી શકશે નહિ.

પિતા કે માતા વસિયત બનાવીને બાળકનો વાલી નીમી શકે છે અને તેવો વાલી સગીરની મિલકત અદાલતની રજા વિના વેચી શકશે નહિ. એક સગીર બીજા સગીરની મિલકતનો વાલી બની શકે નહિ. સંયુક્ત કુટુંબમાં સગીરનું જે અવિભાજિત હિત (undivided interest) હશે તે માટે વાલી નીમી શકશે નહિ. જ્યારે અદાલત સગીર માટે વાલી નીમે ત્યારે તે સગીરના હિતને ઉચ્ચ સ્થાને ગણશે. વાલીપણું એ કોઈ અધિકાર નથી; તે એક જવાબદારી છે. વર્તમાન સમયમાં માબાપના સંબંધો પવિત્ર (sacred) છે એમ ગણાતું નથી; જે અતિ પવિત્ર અને અનુલ્લંઘનીય છે તે છે બાળકનું હિત (child’s welfare).

હિંદુ દત્તકવિધાન અને ભરણપોષણ અધિનિયમ, 1956 : જે વ્યક્તિ હિંદુ ધર્મની હોય; બૌદ્ધ, જૈન અથવા શીખ હોય અને જે મુસ્લિમ, ખ્રિસ્તી અથવા યહૂદી ન હોય તેવી સર્વ વ્યક્તિઓને આ કાયદો લાગુ પડે છે. કલમ 3 મુજબ ‘ભરણપોષણ’ એટલે રોટીકપડાં અને રહેવા તથા શિક્ષણ અને દાક્તરી સારવારની જોગવાઈ. અપરિણીત બાળાના સંબંધમાં એનો અર્થ એના લગ્ન માટેના ખર્ચની જોગવાઈ. આ અધિનિયમ કર્યાથી તે અગાઉ પ્રચલિત હિંદુ કાયદાનો ગમે તે પાઠ (text), નિયમ, અર્થઘટન, કોઈ આચાર કે રિવાજ, જે માટે આ અધિનિયમમાં જોગવાઈ કરી છે તેની વિરુદ્ધ હશે તો તેટલે અંશે તે બિનઅસરકારક બની રહેશે અને આ અધિનિયમની શરૂઆત થયા પૂર્વે અન્ય જે કોઈ કાયદો આ અધિનિયમની જોગવાઈઓની વિરુદ્ધ હશે ત્યાં સુધી તે હિંદુઓને લાગુ પડતો બંધ થશે.

દત્તકવિધાન હવે પછી આ અધિનિયમ પ્રમાણે જ કરાશે; આ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરીને કરેલું દત્તકવિધાન વ્યર્થ ઠરે છે.

કાયદામાન્ય દત્તકવિધાનનાં તત્વો : (1) દત્તક લેનારને દત્તક લેવાનો અધિકાર હોવો જોઈએ અને તે માટે તેની ક્ષમતા હોવી જોઈએ. (2) દત્તક આપનારની પણ કાયદામાન્ય ક્ષમતા હોવી જોઈએ અને (3) દત્તક જનાર બાળક દત્તક આપી શકાય અને લઈ શકાય તેવું હોવું જોઈએ. (4) દત્તકવિધાને ક. 11માંની શરતો પરિપૂર્ણ કરવાની રહેશે. આ શરતો છ છે અને તેનું પાલન ફરજિયાત છે, જે ન થતાં દત્તકવિધાન કાયદાથી અમાન્ય રહેશે. (ક) દત્તક લેનાર મા-બાપને જો પુત્ર દત્તક લેવો હોય તો તેઓને તેમનો કોઈ હિંદુ પુત્ર, પુત્રનો પુત્ર અથવા પુત્રના પુત્રનો પુત્ર (પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર) પછી તે કાયદેસરનો રક્તસંબંધી હોય અથવા દત્તક લીધેલો હોય, દત્તક લેતી વેળાએ જીવિત હોવો ન જોઈએ. (ખ) જો દત્તકવિધાન પુત્રી અંગે હોય, તો દત્તક લેનારને પુત્રી અથવા પુત્રની પુત્રી (પછી તે કુદરતી હોય કે દત્તક લીધેલી), દત્તકવિધાન સમયે જીવતી ન હોવી જોઈએ. (ગ) જેને દત્તક લેવાની છે તે સ્ત્રીજાતિ હોય, તો તેને દત્તક લેનારની ઉંમર એવી પુત્રીની ઉંમરથી ઓછામાં ઓછી 21 વર્ષ વધુ હોવી જોઈએ. (ઘ) જેને દત્તક લેવાનો છે તે પુરુષ હોય, તો તેને દત્તક લેનાર માતાની ઉંમર એવા પુત્રની ઉંમરથી ઓછામાં ઓછી 21 વર્ષ વધુ હોવી જોઈએ.

આવી ઉંમર વિશેની કોઈ મર્યાદા જૂના હિંદુ કાયદામાં ન હતી. આ શરતથી કાયદાનો દુરુપયોગ ટાળવાની કોશિશ કરવામાં આવી છે.

(ઙ) બેથી વધુ વ્યક્તિઓ, એ જ બાળકને, એકસાથે દત્તક લઈ શકશે નહિ.

(ચ) જેને દત્તક લેવાનું છે તે બાળક તેનાં માબાપની અથવા વાલીની અધિકૃત સત્તાથી દત્તક અપાયું હોવું જોઈશે. આમ કરવામાં તેમનો ઇરાદો બાળક જે કુટુંબમાં જન્મ્યું હોય તે કુટુંબમાંથી તેને દત્તક લેનાર કુટુંબને આપવાનો હોવો જોઈએ. જો આવું બાળક ત્યાગી દીધેલું અથવા જેનાં માબાપ કોણ છે તેની જાણ ન હોય તેવું બાળક હોય તોપણ ઉપર પ્રમાણેનો ઇરાદો અસ્તિત્વમાં હોવો જોઈશે.

દત્તક જવાને માટે આવી વ્યક્તિ હિંદુ હોવી જોઈએ, એ બાળકને અગાઉ કોઈએ દત્તક લીધેલું ન હોવું જોઈએ, દત્તક જનાર પરણેલો ન હોવો જોઈએ (સિવાય કે આવો કોઈ આચાર [custom] હોય.) દત્તક જનારની ઉંમર 15 વર્ષથી ઓછી હોવી જોઈએ.

દત્તકવિધાનની અસર એ છે કે દત્તક જનાર, એના મૂળ કુટુંબની કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી શકશે નહિ. એ દત્તક ગયો તે પહેલાં તેનામાં જે મિલકત નિહિત થઈ (vested) હતી તે તેમજ રહેશે અને તેની સાથેના બોજાઓ તેણે નિભાવવા પડશે.

દત્તક લેનારે દત્તક લીધાની હકીકત (factum of adoption) અને તેની કાયદેસરતા પુરવાર કરવાનાં રહેશે. દત્તકવિધાનનો દસ્તાવેજ એવું મજબૂત (પરંતુ ખંડનીય) અનુમાન પેદા કરે છે કે એ આ અધિનિયમ હેઠળ થયું હતું.

દત્તકવિધાનના પ્રકારો : કૃત્રિમ દત્તકવિધાન, દ્વયમુશ્યાયન દત્તકવિધાન, ઇલ્લાદોમ દત્તકવિધાન અને પુત્રીઓનું દત્તકવિધાન.

પરંતુ હવે આ અધિનિયમથી આ પ્રકારો નાબૂદ થયા છે.

દત્તક લેનાર માતા-પિતા તેમની મિલકતનો નિકાલ તેઓને મન ચાહે તેમ કરી શકે છે, દત્તકવિધાન તેમાં કોઈ અડચણરૂપ નથી.

દત્તક લેનાર માતા કોને કહેવી તે કલમ 14 નક્કી કરી આપે છે. જ્યારે કોઈ હિંદુ પુરુષ જેની પત્ની જીવિત છે, તે બાળક દત્તક લે ત્યારે તે દત્તક લેનાર માતાનું દત્તક લીધેલું બાળક બને છે. જ્યાં એકથી વધુ પત્નીઓ હશે અને તેઓની સંમતિથી દત્તકવિધિ થયો હશે ત્યાં જે પત્ની વડીલ (ઉંમરમાં સૌથી મોટી – senior most) હશે તે દત્તક લેનાર માતા ગણાશે, બાકીની માતાઓ અપર માતાઓ ગણાશે. જ્યારે કોઈ વિધુર કે અપરિણીત પુરુષ દત્તક લે અને તે પછી તે જે સ્ત્રીને પરણે તે સ્ત્રી દત્તક લેનારી માતા ગણાશે, જ્યારે કોઈ વિધવા સ્ત્રી બાળકને દત્તક લે ત્યારે તેવી વિધવા એની માતા ગણાશે અને એનો મૃત પતિ એ બાળકનો પિતા ગણાશે. વિધવા કે અપરિણીત સ્ત્રી જ્યારે બાળક દત્તક લે અને પછીથી કોઈ પુરુષ જોડે લગ્ન કરે તો તે પુરુષ એ બાળકનો અપર બાપ ગણાશે.

કાયદામાન્ય દત્તકવિધાન કદાપિ કોઈનાથી પણ રદ થઈ શકશે નહિ એ અનુમાન ખંડનીય હોઈ જ્યાં સુધી એને ખોટું પુરવાર કરી ન શકાય ત્યાં સુધી તે કાયદામાન્ય રહે છે. 50 વર્ષ પછી દત્તકવિધાનની સાબિતી માગવી એ અસાધારણ અને અનિયમિત ગણાય એવું પ્રિવી કાઉન્સિલે કાન્ચુમૂર્થિના કેસમાં ઠરાવ્યું છે અને સુપ્રીમ કોર્ટે એ વિધાનને સમર્થન આપ્યું છે. દત્તક લેવા કે આપવા માટે નાણાંની આપલે થઈ શકશે નહિ.

ભરણપોષણ એટલે એક વ્યક્તિનો બીજી પાસેથી જીવન-જરૂરિયાતની આવશ્યક વસ્તુઓ મેળવવાનો અધિકાર. એમાં ખોરાકી, પોશાકી (કપડાં) અને રહેવાનું સ્થાન ઉપરાંત જે તે વ્યક્તિની સગવડ તથા મોભાને અનુરૂપ વસ્તુઓ મેળવવાનું સમાવિષ્ટ છે.

ભરણપોષણ મેળવવાનાં સ્થાનો : પ્રિવી કાઉન્સિલે ઠરાવ્યા પ્રમાણે આ પ્રમાણે છે : (1) પક્ષકારો વચ્ચે અમુક પ્રકારનું સગપણ હોવાને કારણે, (2) મિલકતનો વારસો મળવાને કારણે – તેવી વ્યક્તિ પાસેથી, (3) મિતાક્ષર સંદાયાદગણની મિલકતનો કબજો હોય તેવી વ્યક્તિ પાસેથી, અથવા (4) રિવાજ કે આચારના પરિણામે.

એકથી વધુ પત્ની હોય તો તેમાંથી ગમે તે એક એના પતિ પાસેથી ભરણપોષણ અને અલગ રહેઠાણની માગણી કરી શકશે. અગાઉના કાયદા મુજબ જો વિધવા દુશ્ચરિત્રની હોય તો તેને ભરણપોષણ મળી શકતું નહિ. હવે આ કારણ નાબૂદ કર્યું છે અને હવે જો વિધવા પુનર્લગ્ન કરશે તો તેનો ભરણપોષણનો હક નષ્ટ પામે છે. અગાઉના કાયદા પ્રમાણે માત્ર દીકરો જ એનાં વૃદ્ધ માબાપનું ભરણપોષણ કરવાને બંધાયેલો હતો; 1956ના નવા કાયદાથી પુત્રી ઉપર પણ આવી ફરજ નાખવામાં આવી છે. અગાઉના કાયદા પ્રમાણે જો ધર્મપરિવર્તન કર્યું હોય તોપણ ભરણપોષણ આપવું પડતું. હવે નિયમ એવો છે કે ભરણપોષણ માગનાર હિંદુ હોવો જોઈએ. નવા કાયદા પ્રમાણે આશ્રિતો, અર્થાત્, ભરણપોષણ માગનારાઓની યાદી વિસ્તારવામાં આવી છે.

આશ્રિતો : (1) મરનાર / મરનારીનો પિતા; (2) તેણીની કે તેની માતા; (3) તેની વિધવા; (4) તેનો સગીર પુત્ર; (5) તેના પૂર્વ મૃત પુત્રનો સગીર પુત્ર; (6) તેના પૂર્વ મૃત પુત્રના પૂર્વ મૃત પુત્રનો પુત્ર; (7) તેની કે તેણીની અપરિણીત પુત્રી; (8) પૂર્વ મૃત પુત્રની અપરિણીત પુત્રી; (9) તેના પૂર્વ મૃત પુત્રના પૂર્વ મૃત પુત્રની અપરિણીત પુત્રી; (10) તેની વિધવા પુત્રી; (11) પૂર્વ મૃત પુત્રની વિધવા; (12) પૂર્વ મૃત પુત્રના પૂર્વ મૃત પુત્રની વિધવા; (13) તેનો કે તેણીનો ગેરકાયદે સગીર પુત્ર; (14) તેની કે તેણીની ગેરકાયદે પુત્રી (અપરિણીત).

ભરણપોષણ આપવાની જવાબદારી બે પ્રકારની છે : (1) અંગત જવાબદારી અને (2) મિલકતનો કબજેદાર હોય તેની જવાબદારી. પ્રથમ સગપણમાંથી પેદા થાય છે અને બીજી મિલકતનો કબજો ધરાવવાથી.

પત્નીને ભરણપોષણ : તેના જીવન દરમિયાન તેનો પતિ પત્નીનું ભરણપોષણ કરે છે. પતિની આ કાનૂની જવાબદારી છે. તેણે એ નિભાવવાની છે, પછી તેની પાસે મિલકત (વારસાઈ કે આપકમાઈની) હોય કે ન હોય. પોતાના પતિના જીવન દરમિયાન પત્ની ‘આશ્રિત’ ગણાતી નથી. જો તેનો પતિ (1) તેનો સ્વેચ્છાએ ત્યાગ કરી દે; (2) જો પતિ તેના પ્રત્યે ક્રૂરતા દાખવતો હોય; (3) જો તે કોઈ જાતીય રોગથી કે કોઢથી પીડાતો હોય; (4) જો તેની કોઈ બીજી પત્ની જીવતી હોય; (5) તેની પત્નીની સાથે તે કોઈ ઉપવસ્ત્ર (kept) રાખતો હોય; (6) જો તેણે ધર્માંતર કર્યું હોય અથવા (7) પત્ની માટે અન્ય કોઈ વાજબી કારણ હોય તો તે તેનો ભરણપોષણનો અધિકાર ગુમાવ્યા વિના પતિ પાસેથી અલગ રહેઠાણ અને ભરણપોષણની માગણી કરી શકશે.

પત્ની તરીકે સ્ત્રીનું ભરણપોષણ એના પતિએ, માતા તરીકે એનું ભરણપોષણ એના પુત્ર કે પુત્રીએ, પુત્રી તરીકે એનું ભરણપોષણ એના પિતાએ કે માતાએ અને એક વિધવા તરીકે એને એના પતિની મિલકતમાંથી અથવા એના સસરા પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે.

એનાં (પુત્ર કે પુત્રીનાં) કાયદેસરનાં કે ગેરકાયદે બાળકોનું તથા એનાં વૃદ્ધ કે અશક્ત માબાપનું ભરણપોષણ કરવાને હિંદુ પુત્ર કે પુત્રી બંધાયેલાં છે.

ભરણપોષણ માટેની અરજી ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 125 (ક. 125થી 128) હેઠળ કરવાની રહે છે. કેટલી રકમ ભરણપોષણ તરીકે અપાવવી એ અદાલતની સ્વેચ્છાને આધીન છે. વચગાળાનું ભરણપોષણ નક્કી કરવાને માટે કોર્ટને તેની અંતર્ગત સત્તા છે. ભરણપોષણ માગનાર હિંદુ હોવો જોઈએ. ભરણપોષણની રકમમાં ફેરફાર થઈ શકે છે. ભરણપોષણનો હક અન્યને ફેરબદલ (transfer) કરી શકાશે નહિ. આ માટે દાવો કર્યો હોય અને દાવો કરનાર મૃત્યુ પામે તો દાવો રદ થશે; મરનારના કાનૂની પ્રતિનિધિઓ દાવો આગળ ચલાવી શકશે નહિ.

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 (Hindu Succession Act, 1956) : આ અધિનિયમ બન્યા પૂર્વે ભારતમાં ઉત્તરાધિકારની જે વિવિધ પદ્ધતિઓ પ્રચલિત હતી તેને આ કાયદો રદ કરે છે. તેની મુખ્ય જોગવાઈઓ : ઉત્તરાધિકારની ગમે તે વિચારસરણીથી સંચાલિત થતો હોય તોપણ આ અધિનિયમ બધા જ હિંદુઓને લાગુ પડે છે. વારસોના વર્ગો હવે નીચે પ્રમાણે રહે છે :

(1) વર્ગ 1ના વારસો; (2) વર્ગ 2ના વારસો; (3) સગોત્ર અથવા પિતૃપક્ષના (agnate) વારસો અને (4) ભિન્ન ગોત્ર અથવા માતૃપક્ષના (cognate) વારસો.

આમ, ઉત્તરાધિકારનો ધર્મ સાથેનો જે સંબંધ હતો તે સંપૂર્ણ રીતે તોડી નંખાયો છે. મઝિયારી (coparcenary) મિલકતમાંના હિતના સંક્રમણ (devolution) વિશેના નિયમો બદલવામાં આવ્યા છે. હિંદુ પુરુષ, જો પોતાની સ્વોપાર્જિત મિલકતની વસિયત કર્યા વિના મૃત્યુ પામે, તો એ માટે અગાઉ બે પ્રકારના નિયમો હતા, તે રદ કરી એકસરખા નિયમો કરવામાં આવ્યા છે. હિંદુ સ્ત્રીની મર્યાદિત મિલકત(limited property)નો વિચાર રદ કર્યો છે; તેને સ્થાને તેણીને નિરપેક્ષ માલિક બનાવી છે. અમુક અપવાદ સિવાય, અવિભાજ્ય મિલકત(impartible property)ની વિભાવના રદ કરી છે. સ્ત્રી જો બિનવસિયતી મૃત્યુ પામે તો એના સ્ત્રીધનના ઉત્તરાધિકાર માટે એકસરખી યોજના બનાવી છે. કોઈ શારીરિક ખોડ, વિકૃતિ કે રોગ, ઉત્તરાધિકારી બનવા માટે અગાઉ બાધક ગણાતાં; નવો કાયદો તે રદ કરે છે. ક. 30 પ્રમાણે હવે મિતાક્ષર કાયદા પ્રમાણે મઝિયારું પરંતુ અવિભાજ્ય હિત વસિયત બનાવીને અન્યને આપી શકાશે. બે વારસોમાંથી અવસિયતી ગુજરનારની મિલકત જ્યારે બે કે વધુ વારસોને મળે ત્યારે તેમાંથી એક એનું આવું હિત ફેરબદલ કરી શકશે અને તે મેળવવાનો પ્રથમ અધિકાર બીજા વારસને રહેશે. ઘણા નવા સ્ત્રીવારસોને એકસાથે માન્ય કર્યા છે. રક્તસંબંધ ધરાવતા બધા જ વારસોને મરનારની મિલકતમાં ભાગ મળે તેવી જોગવાઈ કરી છે. પુરુષ અને સ્ત્રી વારસ વચ્ચે પૂરેપૂરી સમાનતા સ્થાપિત કરી છે. એના પતિના મૃત્યુથી પતિની મિલકતમાં વિધવાને મળતો ભાગ, જો એ પુનર્લગ્ન કરે તોપણ તેની પાસેથી લઈ લેવાશે નહિ. સહવારસોના સંયુક્ત ભોગવટા(joint tenancy)ને તિલાંજલિ અપાઈ છે. મિલકતના બે વારસો એવા સંજોગોમાં મૃત્યુ પામે કે બેમાંથી કોનું મૃત્યુ પ્રથમ થયું તે નક્કી કરવું મુશ્કેલ હોય ત્યારે વિરોધી પુરાવાને અભાવે કાયદો એમ અનુમાન કરે છે કે મોટી ઉંમરવાળી વ્યક્તિનું મૃત્યુ પ્રથમ થયું છે.

ભાનુપ્રસાદ મણિલાલ ગાંધી