ગુના (Guna) : મધ્યપ્રદેશના ગ્વાલિયર વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 24° 30´ ઉ. અ. અને 77° 30´ પૂ. રે.ની આજુબાજુનો 11,065 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ શિવપુરી, પૂર્વ તરફ ઝાંસી (ઉ. પ્ર.), સાગર અને દક્ષિણે વિદિશા જિલ્લા આવેલા છે; નૈર્ઋત્ય તરફ રાજગઢ જિલ્લો તથા પશ્ચિમ અને વાયવ્યમાં રાજસ્થાનની સરહદ આવેલી છે. જિલ્લામથક ગુના જિલ્લાની પશ્ચિમે મધ્યભાગમાં આવેલું છે.

ગુના

ભૂપૃષ્ઠ : આ જિલ્લો માળવા ઉચ્ચપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો છે. ઉત્તર તરફ વિંધ્ય હારમાળા અને દક્ષિણ તરફ માળવાનો ઉચ્ચપ્રદેશ છે. જિલ્લાના ભૂપૃષ્ઠની સરેરાશ ઊંચાઈ સ્થાનભેદે સમુદ્રસપાટીથી 450 મીટરથી 550 મીટર વચ્ચેની છે. જિલ્લાના મધ્યભાગમાં ખેતીયોગ્ય જમીનો જોવા મળે છે.

જિલ્લામાં બૉક્સાઇટ, રેતીખડકો, બેસાલ્ટ, લેટરાઇટ અને માર્ગબાંધકામ માટેના પાષાણ મળે છે. જિલ્લામાં મુખ્યત્વે સાગ, ખેર, સલર, વાંસનાં વૃક્ષો તથા ઘાસ જોવા મળે છે. આ ઉપરાંત અહીંનાં જંગલોમાં ધવ, ટેન્ડુ, મહુડો, અચેર, સાજ, બાબડા, હલ્દુ, સિમલ, પલાશ, સીસમ જેવાં અન્ય વૃક્ષો પણ આવેલાં છે.

જળપરિવાહ : જિલ્લાની જળપરિવાહ રચના ઉત્તર તેમજ વાયવ્ય તરફી છે. અહીં પાર્વતી, સિંધ અને બેતવા નદીઓ આવેલી છે. નદીઓ કાયમી હોવા છતાં નૌકાસફર માટે અનુકૂળ નથી. સિંધ અને બેતવા સિંચાઈ માટે ઉપયોગી છે. આ નદીઓ યમુનાને મળે છે. કુનો નામની નાની નદી ચંબલને મળે છે. ઘસારાને કારણે અહીં ઊંડાં કોતરો રચાયાં છે.

ખેતીપશુપાલન : જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જુવાર, ચણા અને મગફળી છે. કૃષિપાકો માટેની સિંચાઈ નહેરો, કૂવા તથા ટ્યૂબ-વેલ દ્વારા થાય છે. જિલ્લામાં જોવા મળતાં પશુઓમાં ગાયો અને ભેંસો મુખ્ય છે.

ઉદ્યોગોવેપાર : અહીંના ગુના, ચંદેરી અને રાઘવગઢ ખાતે સાડીઓ અને બીડી બનાવવાના ગૃહઉદ્યોગો ચાલે છે. જિલ્લામાંથી ઘઉં, કોથમીર-બીજ, સાડીઓ, શાકભાજીની નિકાસ તથા કાપડ, રેશમની આયાત કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : ગુના જિલ્લો રેલ અને સડક પરિવહન સુવિધાથી સારી રીતે સંકળાયેલો છે. પશ્ચિમ અને મધ્ય વિભાગીય રેલમાર્ગો અહીંથી પસાર થાય છે. આગ્રાથી મુંબઈ જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 3 ગુનામાંથી પસાર થાય છે. આ માર્ગ મુસાફરોની અવરજવર અને માલની હેરફેર માટે અનુકૂળ પડે છે.

ચંદેરી અહીંનું જોવાલાયક સ્થળ છે. તે ટેકરીઓ, સરોવર અને જંગલોથી ઘેરાયેલું હોવાથી રળિયામણું લાગે છે. ચંદેરીમાં બુંદેલા રાજપૂતો અને માળવાના સુલતાનોનાં ઘણાં સ્મારકો છે. મુઘલ કાળ દરમિયાનનો, 200 મીટર ઊંચાઈની ટેકરી, એક વિશાળ કિલ્લો ચંદેરીમાં આવેલો છે. અન્ય જોવાલાયક સ્થળો પૈકી કોશક મહેલ, બાદલ મહેલ-દરવાજો, જુમા મસ્જિદ, શાહજાદીનો રોજો, પરમેશ્વર તળાવ, બત્રીસી વાવડી અને બુઢી (જૂની) ચંદેરી મહત્વનાં છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળે મેળા ભરાય છે અને વારતહેવારે ઉત્સવો યોજાય છે.

વસ્તીલોકો : 2022 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 13,88,452 જેટલી હતી. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું વસ્તીપ્રમાણ અનુક્રમે 51% અને 49% જેટલું છે; ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 66% અને 33% જેટલું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુઓનું પ્રમાણ અંદાજે 80% તથા મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ અને જૈનોનું વસ્તીપ્રમાણ ઓછું છે. જિલ્લામાં સાક્ષરતાનું સરેરાશ પ્રમાણ 40% જેટલું છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. જિલ્લામાં 6 જેટલી કૉલેજો આવેલી છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને તાલુકા અને સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં નગરો અને 2265 જેટલાં ગામડાં આવેલાં છે. અહીંનાં બધાં નગરોમાં દવાખાનાંની સુવિધા ઉપલબ્ધ છે.

ઇતિહાસ : ગુના : આ જિલ્લાનું જૂનું નામ ઇસાગઢ હતું. ઈ. સ. 1909માં તે વખતના ગ્વાલિયર રાજ્યમાં જિલ્લાઓની પુનર્રચના થઈ ત્યારે ઇસાગઢનું મુખ્ય મથક બદલીને બજરંગઢ લઈ જવામાં આવ્યું. આ સમય દરમિયાન ગુના બ્રિટિશ લશ્કરના કબજામાં હતું. ત્યાં તેમણે લશ્કરની છાવણી (કૅન્ટોનમેન્ટ) સ્થાપી હતી. 19મી સદીમાં ગુના નાનું ગામ હતું. ઈ. સ. 1844માં ગ્વાલિયર રાજ્યનું લશ્કર અહીં રાખ્યું હતું; પરંતુ 1857ના વિપ્લવ દરમિયાન તે ટુકડીએ બળવો કર્યો. બળવાની નિષ્ફળતા પછી, 1860થી ગુના અંગ્રેજોનું કૅન્ટોનમેન્ટ બન્યું. બ્રિટિશ રાજ દરમિયાન, ગુના અધિકારની રૂએ ગ્વાલિયર રાજાનો પ્રદેશ હતો; પરંતુ ત્યાં બ્રિટિશ લશ્કર હાજર હોવાથી, ત્યાં જિલ્લાનું મથક બનાવવું યોગ્ય નહોતું. આ દરમિયાન ગુનામાં જિલ્લાની કચેરીઓ તથા સંદેશા-વ્યવહારનાં સાધનો વિકસ્યાં. ઈ. સ. 1837માં ઇસાગઢ જિલ્લાનું નામ બદલીને ગુના નામ આપવામાં આવ્યું.

ઈ. સ. 1948માં નવા મધ્યપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી ત્યારે ગુના જિલ્લામાં ગુના, અશોકનગર, મુંગાવલી, ચચોરા અને રાઘોગઢ – આ પાંચ તાલુકા મૂકવામાં આવ્યા.

જૈનાબસુલતાના અહમદ સૈયદ

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ