ગુણસ્થાન : આત્માના ગુણની અવસ્થા અથવા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. આધ્યાત્મિક વિકાસ એક પ્રવાહની જેમ સતત ચાલતી પ્રક્રિયા છે. તેથી આવી ભૂમિકાઓ અસંખ્યાત છે; પરંતુ વર્ણન કરવાની સગવડ ખાતર જૈનદર્શને 14 ગુણસ્થાનો માનેલાં છે. એ નીચે પ્રમાણે છે :
(1) મિથ્યાર્દષ્ટિ : આધ્યાત્મિકતાની વિરોધી ર્દષ્ટિ. આ ભૂમિકાએ આધ્યાત્મિક-કલ્યાણગામી ર્દષ્ટિનો અભાવ હોય છે અને હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહમાંથી વિરતિ પણ હોતી નથી. ક્રોધ, માન, માયા અને લોભ તીવ્રતમ હોય છે. (2) સાસાદન : ઊંચી ભૂમિકાએથી પતન પામતા જીવનું ક્ષણમાત્ર રોકાણનું સ્થાન છે. (3) મિશ્ર : મિથ્યાર્દષ્ટિ અને સમ્યગ્દ બંનેના સમબલ ખેંચાણની ભૂમિકા. આ દોલાયમાન સ્થિતિ છે. હિંસા આદિમાંથી વિરતિ અહીં પણ નથી. (4) અવિરતિ સમ્યગ્ષ્ટિ : આ ભૂમિકાએ સમ્યગ્ષ્ટિ અર્થાત્ આધ્યાત્મિક કલ્યાણગામી ર્દષ્ટિ પ્રાપ્ત થાય છે છતાં હિંસા આદિમાંથી વિરતિ નથી. ક્રોધ આદિ કષાયો થોડાક મોળા પડે છે. તેના પરિણામે સમ્યગ્ષ્ટિ પ્રગટે છે. (5) દેશવિરતિ સમ્યગ્ષ્ટિ : આ ભૂમિકાએ સમ્યગ્ષ્ટિ છે અને હિંસા આદિમાંથી આંશિક વિરતિ છે. આ ગુણસ્થાન જૈન ગૃહસ્થ યા ઉપાસકનું છે. ક્રોધ આદિ કષાયોની માત્રા વધુ ઘટી છે. (6) સર્વવિરતિ સમ્યગ્ષ્ટિ : આ ભૂમિકાએ સમ્યગ્ષ્ટિ છે અને હિંસા આદિમાંથી સંપૂર્ણ વિરતિ છે. તેમ છતાં કોઈક કોઈક વાર પ્રમાદની થોડીક અસર વર્તાય છે. આને કારણે વ્રતોમાં ક્ષુદ્ર સ્ખલનો સંભવે છે પણ વ્રતભંગ કરે એવાં સ્ખલનો સંભવતાં નથી. ક્રોધ આદિ કષાયો સાવ શિથિલ થઈ ગયા છે. આ ગુણસ્થાન જૈન સાધુનું છે. (7) અપ્રમત્ત : આ ભૂમિકાએ આગળની ભૂમિકામાં રહેલો પ્રમાદ વિશેષ આધ્યાત્મિક જાગૃતિના બળે નાશ પામે છે. (8-9) અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ : આ બે ભૂમિકાએ આત્મિક શુદ્ધિ ઉત્તરોત્તર વધે છે. અહીંથી ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી શરૂ થાય છે. કેટલાક સાધકો મોહનો (ક્રોધ આદિ કષાયોનો) સંપૂર્ણ ઉપશમ કરવા તરફ વળે છે, જ્યારે કેટલાક તેના સંપૂર્ણ ક્ષય કરવા તરફ વળે છે. (10) સૂક્ષ્મસંપરાય : જ્યારે મોહનો (ક્રોધ આદિ કષાયોનો) સંપૂર્ણ ક્ષય કે ઉપશમ થઈ જાય અને કેવળ સૂક્ષ્મ લોભ રહી જાય ત્યારે જીવને આ ભૂમિકા પ્રાપ્ત થઈ કહેવાય. (11) ઉપશાન્ત મોહ : આ ભૂમિકાએ મોહનો સંપૂર્ણ ઉપશમ થાય છે અને પૂર્વવર્તી ભૂમિકાએ રહેલો સૂક્ષ્મ લોભ પણ ઉપશાન્ત થાય છે. જેમણે આ ભૂમિકાને પ્રાપ્ત કરી છે તેમનું નીચલી ભૂમિકાએ પતન અવશ્ય થાય છે કારણ કે ઉપશાન્તનો ઉદય સંભવે છે. (12) ક્ષીણમોહ : આ ભૂમિકાએ મોહનો સંપૂર્ણ ક્ષય થાય છે. સૂક્ષ્મ લોભ પણ ક્ષય પામે છે. ક્ષપકશ્રેણીનો સાધક દસમા ગુણસ્થાનેથી સીધો બારમામાં આવે છે. આ ભૂમિકાએ શુક્લધ્યાનની પ્રથમ બે ભૂમિકાઓ હોય છે. (13) સયોગકેવલી : મોહનો સંપૂર્ણ ક્ષય થતાં જ્ઞાનનાં સર્વ આવરણો નાશ પામે છે અને જીવ કેવલી (સર્વજ્ઞ) બને છે; પરંતુ હજુ તેની મન, વચન, કાયાની પ્રવૃત્તિ (યોગ) ચાલુ હોય છે. એટલે તે સંયોગીકેવલી કહેવાય છે. આને જ અન્ય દર્શનોમાં જીવન્મુક્ત કહેવામાં આવે છે. (14) અયોગકેવલી : શુક્લ ધ્યાનની બાકીની બે ભૂમિકા સિદ્ધ કરી જીવ સર્વવ્યાપારરહિત (અયોગી) અવસ્થા પામે છે. આ ગુણસ્થાન એક ક્ષણમાત્રનું છે. કેવલી અયોગી થતાં જ એનું શરીર છૂટી જાય છે અને મોક્ષને પામે છે.
નગીનભાઈ જીવણલાલ શાહ