ગુડેનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળના નામથી ઇંગ્લૅન્ડના મહાન પાદરી બિશપ સૅમ્યુઅલ ગુડનૉફ(1743–1827)નું નામ ચિરસ્મરણીય બન્યું છે. બૅંથામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા, શ્રેણી – ઇન્ફેરી, ગૉત્ર – કૅમ્પેન્યુલેલિસ, કુળ –ગુડેનિયેસી. આ કુળ પ્રાથમિકપણે ઑસ્ટ્રેલિયાનું છે. તે 10–12 પ્રજાતિઓ અને લગભગ 300 જેટલી જાતિઓ ધરાવે છે. Scaevolaની જાતિઓ બંને ગોળાર્ધના દરિયાકિનારે સર્વત્ર વિતરણ પામેલી છે. S. plumeri ઉપક્ષુપ (suffrutescent) સ્વરૂપ ધરાવે છે અને દ્વીપકલ્પીય ફ્લોરિડાના રેતીના ઢૂવાઓ પર સ્થાનિક છે. Scaevola taccada (Gaertn.) Roxb. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે થાય છે. તે ઓખા, દ્વારકા, બેટદ્વારકા તથા વેરાવળ અને ક્વચિત્ ઘોઘાની ખાડીમાં મળી આવેલ છે.
આ કુળની વનસ્પતિઓ બહુવર્ષાયુ શાકીય અથવા નાનું ક્ષુપ સ્વરૂપ ધરાવે છે. તેઓમાં ક્ષીરરસનો અભાવ હોય છે. પર્ણો સાદાં એકાંતરિક અથવા ભાગ્યે જ સંમુખ અને અનુપપર્ણીય (exstipulate) હોય છે.
પુષ્પવિન્યાસ પરિમિત (cymose) કે અપરિમિત (racemose) પ્રકારનો અથવા કેટલીક વાર મુંડક (capitate), લઘુપુષ્પગુચ્છી (paniculate) કે એકાકી હોય છે. પુષ્પો સામાન્યત: અનિયમિત, દ્વિલિંગી અને ઉપરિજાય (epigynous) હોય છે.
વજ્ર પાંચ વજ્રપત્રોનું બનેલું હોય છે. દલપુંજ પાંચ દલપત્રોનો બનેલો, દ્વિઓષ્ઠીય (bilabiate) કે ક્વચિત્ એકકોષ્ઠીય, ધારાસ્પર્શી (valvate) કે અંતર્નત (induplicate) હોય છે.
પુંકેસરચક્ર પાંચ પુંકેસરોનું બનેલું, દલપત્રો સાથે એકાંતરિક, મુક્ત કે ભાગ્યે જ દલપુંજના તલ ભાગે જોડાયેલું (દલલગ્ન) હોય છે. પરાગાશયો મુક્ત કે સંસક્ત (coherent) હોય છે; જે પરાગવાહિનીની ફરતે નળાકાર રચે છે. આ સ્થિતિને સંપરાગ (syngenesious) કહે છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેમનું અંતર્મુખી (introse) લંબવર્તી સ્ફોટન થાય છે.
પ્રત્યેક પુષ્પમાં પુંકેસરો વહેલાં પુખ્ત બને છે (પૂર્વપુંપક્વતા = protoandry) અને પરાગરજ પરાગવાહિનીના તળિયે રહેલા પ્યાલાકાર બિંબમાં પુષ્પો ખીલે તે પહેલાં દાખલ થઈ જાય છે. પછી પ્યાલો લગભગ બંધ થઈ જાય છે. ફક્ત રોમથી ઢંકાયેલું સાંકડું દ્ધાર જ બાકી રહે છે. પુષ્પ વિકાસ પામતાં, પરાગાસન પર સાંકડા દ્વાર મારફતે પરાગરજ બહાર ફેંકાતી રહે છે; જેમનું પુષ્પની મુલાકાત લેતા કીટકો દ્વારા પરાગનયન થાય છે. પરાગાસનો પણ સંપૂર્ણ વિકાસ પામી અન્ય પુષ્પોમાંથી કીટકો દ્વારા લવાતી પરાગરજ મેળવવા બહાર લટકે છે.
સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરી હોય છે. બીજાશય અધ:સ્થ (inferior) અથવા કેટલીક વાર અર્ધઅધ:સ્થ કે સંપૂર્ણ ઊર્ધ્વસ્થ (દા.ત., વેલ્લેઈઆ) હોય છે. જરાયુવિન્યાસ તલસ્થ (basal) હોય તો બીજાશય એકકોટરીય અને અક્ષવર્તી (axile) હોય તો બીજાશય દ્વિકોટરીય હોય છે. અંડકો 1, 2 કે અનેક અધોમુખી (anatropous) અને ઊર્ધ્વગામી (ascending) હોય છે. પરાગવાહિની 1 અને પાતળી હોય છે. પરાગાસન સાદું કે દ્વિ-ત્રિશાખિત અને અંતરિત (subtended) પુંજછદ (indusium) જેવા પ્યાલા દ્વારા આવરિત હોય છે.
ફળ સામાન્યત: પ્રાવર પ્રકારનું, જેનું સ્ફોટન કપાટ (valve) દ્વારા થાય છે; અથવા અનષ્ઠિલ (berry), અષ્ઠિલ (drupe) કે કાષ્ઠમય (nut) પ્રકારનું હોય છે. બીજ સીધો ભ્રૂણ અને માંસલ ભ્રૂણપોષ (endosperm) ધરાવે છે. તેનાં ફળ અને પુષ્પ જુલાઈથી ઑગસ્ટ સુધી રહે છે.
આ કુળ કૅમ્પેન્યુલેસીના લોબેલિઑઇડી સાથે ગાઢ રીતે સંબંધિત હોવાનું માનવામાં આવે છે અને ક્ષીરરસની સંપૂર્ણ ગેરહાજરી, એધાપેશીની વધારે જટિલ આંતરિક રચના અને અંતરિત પુંજછદ જેવા પ્યાલા વડે આવરિત પરાગાસન દ્વારા તેનાથી અલગ પડે છે.
મીનુ પરબિયા
બળદેવભાઈ પટેલ