ગુણ (કાવ્યમાં) : ગદ્યાત્મક કે પદ્યાત્મક દૃશ્ય-શ્રવ્ય કાવ્યમાં ઉચિત શબ્દ, અર્થ અને પરિસ્થિતિજન્ય વિવિધ પ્રકારની રમણીયતા.

ગુણો વડે કાવ્યમાં શૈલી અથવા રીતિનું નિર્માણ થાય છે. ભરતમુનિ પૂર્વે ગુણો અને શૈલીની રૂપરેખા તૈયાર થયેલી હશે. તેમનો સ્પષ્ટ સ્વીકાર ભરતથી થયો.

ભરતમુનિએ (ઈ. સ. 300) પોતાના નાટ્યશાસ્ત્રમાં શ્લેષ, પ્રસાદ, સમતા, સમાધિ, માધુર્ય, ઓજસ્, સૌકુમાર્ય, અર્થવ્યક્તિ, ઉદારતા અને કાન્તિ એમ દસ કાવ્યગુણો ગણાવ્યા છે. પ્રત્યેક ગુણનાં લક્ષણ આપ્યાં છે. પરસ્પર સંબદ્ધ પદોની ઈપ્સિત અર્થ સાથેની શ્લિષ્ટતા તે શ્લેષગુણ. પ્રસાદ એટલે કાવ્યમાં સહેલાઈથી થતી શબ્દાર્થની પ્રતીતિ. જેમાં ગુણો અને અલંકારોનો સંબંધ અન્યોન્યસર્દશ અને પરસ્પર ભૂષણરૂપ હોય, દુર્બોધ અને વ્યર્થ પદો ન હોય તેવી ઉક્તિ એટલે સમતા. ઉપમાદિ અલંકારો દ્વારા કરાતો અર્થોનો યત્નપૂર્વકનો સંયોગ તે સમાધિ. જેને કારણે વાક્ય વારંવાર સાંભળ્યા કે ઉચ્ચાર્યા છતાં પણ ચિત્તને ઉદ્વેગ ન થાય તે માધુર્ય. શબ્દાર્થસંપત્તિથી નિંદ્ય અને હીન વસ્તુ પણ જ્યાં ઉદાત્તતાનો બોધ કરાવે અને જેમાં ઘણાં સમાસયુક્ત પદો પરસ્પર અનુકૂળ અને સુંદર હોય તે ઓજસ્. જે સુખપૂર્વક ઉચ્ચારી શકાય એવા સરળ સંધિવાળા શબ્દોથી યુક્ત અને સુકુમાર અર્થથી યુક્ત હોય તે સૌકુમાર્ય. જેના લીધે શબ્દપ્રયોગ પછી તરત જ અર્થ મનમાં સ્પષ્ટ થાય એવી સુપ્રસિદ્ધ અભિધાનવાળી અને લોકવ્યવહારને અનુરૂપ ક્રિયા તે અર્થવ્યક્તિ. વિવિધ અર્થવિશેષ, સુંદર અને સુઘટિત પદપંક્તિ, અનેક દિવ્યભાવ તથા શૃંગાર અને અદભુત રસનો સંયોગ એટલે ઉદારતા. જેનો પ્રયોગ મન અને કાનને આનંદ આપનારો હોય તેવા શબ્દબંધને કાન્તિગુણ કહેવાય છે.

આચાર્ય દંડી અને વામને (અનુક્રમે સાતમી અને નવમી સદી) ઉપર્યુક્ત દસ ગુણોનું વર્ણન પોતાના ગ્રંથોમાં કરેલું છે. પણ કાવ્યશાસ્ત્રી ભામહ (આઠમી સદી), આનંદવર્ધન (નવમી સદી), મમ્મટ (અગિયારમી સદી), વિશ્વનાથ (ચૌદમી સદી) અને જગન્નાથ પંડિતે (સત્તરમી સદી) માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ આ ત્રણ કાવ્યગુણો જ સ્વીકાર્યા છે.

ઉમા દેશપાંડે