હિલેરી એડમન્ડ (સર)
February, 2009
હિલેરી, એડમન્ડ (સર) (જ. 1919, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ; અ. 11 જાન્યુઆરી 2008) : વિશ્વના સૌથી ઊંચાપર્વત માઉન્ટ એવરેસ્ટ ગૌરીશંકર શિખર પર સૌપ્રથમ પદાર્પણ કરનાર માનવબેલડીમાંના એક પર્વતખેડુ. બીજા હતા શેરપા તેનસિંગ નોરગે. 1953માં સર એડમન્ડ હિલેરી અને ભારતના શ્રી શેરપા તેનસિંગ નોરગેએ 29 મે 1953, સવારના 11–30 વાગ્યે આ શિખર પર પદાર્પણ કર્યું. માઉન્ટ એવરેસ્ટ જે ‘ચોમોલુંગ્મા’ તરીકે તેના પ્રદેશની પ્રજામાં ઓળખાય છે, તેનો અર્થ જગત્માતા થાય છે.
એડમન્ડ (સર) હિલેરી
સંયોગ પણ એવો ગોઠવાયો કે જ્યારે સર એડમન્ડ હિલેરીએ શિખર પર સફળ આરોહણ કરી પદાર્પણ કર્યું અને જ્વલંત કીર્તિ મેળવી ત્યારે તે જ દિવસે બ્રિટનનાં રાણી એલિઝાબેથ બીજાનો રાજ્યાભિષેક પણ હતો. બ્રિટિશ રાષ્ટ્રકુટુંબનો સભ્ય દેશ ન્યૂઝીલૅન્ડના નાગરિક એવા સર એડમન્ડ હિલેરીનો સંઘર્ષ એ રીતે અગત્યનો છે કે તે પહેલાં યુદ્ધો અને યુદ્ધો વતી સમસ્યામાંથી બેઠા થતા રાષ્ટ્રકુટુંબ દેશ ન્યૂઝીલૅન્ડ થકી બ્રિટનનો આત્મવિશ્વાસ હિલેરી પુન:સ્થાપિત કરવામાં નિમિત્ત બન્યા. તેઓ જ્યારે અન્ય સાથીદાર સાથે બ્રિટન પધાર્યા ત્યારે બ્રિટનનાં રાણી દ્વારા તેમને Knight(સર)ના ઇલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ન્યૂઝીલૅન્ડમાં જ તેમને આરોહણની લગન લાગી, જોકે તેઓએ કારકિર્દીની શરૂઆત મધમાખી ઉછેરના પૈતૃક વ્યવસાયથી કરી. ન્યૂઝીલૅન્ડના પર્વતો એક પછી એક સર કર્યા પછી તેઓએ આલ્પ્સમાં પણ આરોહણો કર્યાં અને આખરે હિમાલય તરફ દૃષ્ટિ ફેરવી અને હિમાલયમાં 6,096 મીટર(20,000 ફૂટ)થી પણ વધુ ઊંચાં એવાં 11 વિવિધ શિખરો પર સફળ આરોહણો કર્યાં.
માઉન્ટ એવરેસ્ટ તિબેટ અને નેપાળ વચ્ચે છે અને એવરેસ્ટ પર 1920થી 1952 વચ્ચે સાત આરોહણો થયાં, પણ બધાં જ નિષ્ફળ રહ્યાં હતાં. કોઈ શિખર પર પહોંચી શક્યું નહોતું. 1924માં પ્રખ્યાત પર્વતારોહી જ્યૉર્જ લહ્ મેલોરીએ પોતાનો પ્રાણ ખોયો અને 1952માં પણ સ્વિટ્ઝર્લૅન્ડથી એક ટીમ દક્ષિણ શિખર પર પહોંચી; પરંતુ ફક્ત 304.8 મીટર (1000 ફૂટ) શિખર બાકી રહ્યું ત્યારે તેમને પાછા ફરવું પડ્યું, જ્યારે હિલેરી 1951 અને 1952માં પણ એવરેસ્ટનો સર્વે કરી ગયા અને તેમના આ અનુભવથી સર જૉન હંટનું ધ્યાન ખેંચ્યું, સર જૉન હંટ ગ્રેટબ્રિટનની હિમાલય કમિટી ઑવ્ આલ્પાઇન ક્લબ અને રૉયલ જ્યૉગ્રાફિક સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર હિમાલયના આરોહણના નેતા હતા.
આ આરોહણ દક્ષિણ શિખર સુધી તો પહોંચ્યું, પણ બે સિવાય બધાંને જ હાઇઑલ્ટિટ્યૂડ કૉમ્પ્લિકેશન અને ખરાબ હવામાનને કારણે પાછા ફરવાની ફરજ પડી, જ્યારે હિલેરી અને નેપાળના વતની તેનસિંગ નોરગે ઝંઝાવાત અને સંઘર્ષનો સામનો કરતા કરતા સવારે 11–30 વાગ્યે શિખર પર ધ્વજ ફરકાવવામાં સફળ રહ્યા, જે શિખર દરિયાઈ સપાટીથી 8,848 મીટર (29,028 ફૂટ), સૌથી ઊંચું છે. જેટલું ચઢવું અઘરું તેટલું જ ઉતરાણ પણ જોખમી અને છેતરપિંડીવાળું હોય છે. આ કલ્પના બહારની સફળતા મેળવી તેઓ જગવિખ્યાત બન્યા.
ત્યાર પછી જગવિખ્યાત એડમંડ હિલેરીએ બેસી ન રહેતાં 1955થી 1958 સુધીમાં ન્યૂઝીલૅન્ડ વિભાગના ટ્રાન્સ ઍન્ટાર્ક્ટિકા અભિયાનો કર્યાં અને 1958માં પ્રથમ દક્ષિણ ધ્રુવ અભિયાનમાં પણ ભાગ લીધો.
આ સાહસ દરમિયાન શેરપા તેનસિંગ નોરગે હિલેરીના સાથી અને સલાહકાર – બંનેની ભૂમિકા અદા કરતા રહ્યા. વારંવારના પર્વતારોહણના અનુભવોને કારણે બંને વચ્ચેનું સાહચર્ય ગાઢ મૈત્રીમાં ફેરવાઈ ગયું. તેનસિંગ સાથેની નિકટની મૈત્રીના પરિણામે તેમણે જાણ્યું કે આ પર્વતખેડુ પ્રજા ભારે અછતના અહેસાસ વચ્ચે જીવે છે. આ બહાદુર અને મહેનતકશ પર્વતીય પ્રજા શાલેય શિક્ષણ કે તબીબી સહાયનો વિચાર પણ ન કરી શકાય તેવી દારુણ ગરીબીમાં જીવે છે. આ વાસ્તવિકતા જાણી ત્યારે તેમના મન પર સતત અજંપો સવાર થઈ ગયો અને તે અંગે કંઈક કરવાનો મનોમન નિશ્ચય લીધો. આ તબક્કે તેમના ભાથામાં દૃઢ નિર્ધારથી વિશેષ કશું નહોતું. મધમાખી ઉછેરના પૈતૃક વ્યવસાયને કારણે અંગત રીતે તેમની પાસે ઝાઝી મૂડી તો હતી નહિ; પરંતુ લાંબા પ્રયાસો અને જહેમતને અંતે તેમણે 1961માં ‘હિમાલયન ટ્રસ્ટ’ની સ્થાપના કરી. નેપાળના એવરેસ્ટ જિલ્લામાં નેપાળી અને શેરપા લોકો જે વિવિધ પ્રશ્નોનો સામનો કરે છે તેનો લાંબા ગાળાનો ઉકેલ શોધવાનો પ્રયાસ આ ‘હિમાલયન ટ્રસ્ટ’ કરે છે. 1961માં હિલેરીની આર્થિક સહાયથી એવરેસ્ટ વિસ્તારમાં પ્રથમ કાયમી શાળા શરૂ કરવામાં આવી. શાળાની પ્રવૃત્તિને અસાધારણ સફળતા સાંપડી. શિક્ષણના આ પ્રયાસને પગલે ત્યાંના ખુમ્બુ વિસ્તારનાં વિવિધ ગામોમાંથી ઢગલો વિનંતી ટ્રસ્ટ સમક્ષ આવી, જેમાં જે તે વિસ્તારમાં શાળા શરૂ કરવાની અરજ ગુજારાઈ હતી. વિનંતીઓના આ પડકારને હિલેરીએ ઝીલ્યો. મિત્રો અને ન્યૂઝીલૅન્ડના પર્વતારોહકોની સહાયથી. હિમાલયન ટ્રસ્ટે પૂરી નિષ્ઠાથી કામને આગળ ધપાવ્યું. ‘લોગ આતે ગયે ઔર કારવાં બનતા ગયા.’ ધીમે ધીમે હિલેરી અને પાંચ બાળકો સાથેનો તેમનો સમગ્ર પરિવાર આ કામમાં ખૂંપી ગયાં. હિલેરી પોતે એ માટે ફંડ, ટૅકનિકલ મદદ અને સલાહ પૂરી પાડે છે. ટ્રસ્ટ હેઠળ હાથ ધરાયેલ પ્રત્યેક પ્રૉજેક્ટ પરિપૂર્ણતાને વરે તેનું ધ્યાન રાખવામાં આવે છે. પ્રૉજેક્ટ પૂર્ણ થયા બાદ તેની જરૂરી કાર્યક્ષમતા તે જાળવી રાખે તે રીતે તેનું સંચાલન ગોઠવાય છે. એ માટે કામ કરતા સ્થાનિક રહીશો–કાર્યકરોને વેતન ચૂકવાય છે, પરંતુ નેપાળ સિવાયના અન્ય વિસ્તારોમાંથી આવતા કાર્યકરો સ્વયંસેવકો તરીકે જ કામ કરે તેવો આગ્રહ રાખવામાં આવે છે. એજન્ટ તરીકે કાર્ય કરનારાઓને કોઈ પણ પ્રકારનું નાણાકીય વળતર ચૂકવાતું નથી. વિવિધ પ્રૉજેક્ટ માટે સ્થાનિક વિસ્તારની ગ્રામીણ પ્રજા પાસેથી અરજી મંગાવી, તે અંગે વિચારણા કરી જરૂરી સહાય પૂરી પાડવામાં આવે છે.
શાળાઓનો અભાવ આ વિસ્તારની સૌથી મોટી મર્યાદા હતી, તેથી 1961થી 2001 સુધીનાં 40 વર્ષ દરમિયાન 27 શાળાઓ ત્યાં બાંધવામાં આવી તેમજ પ્રતિવર્ષ આવશ્યક સમારકામ અને વિસ્તરણ-સેવાઓ ટ્રસ્ટ શાળાઓને પૂરી પાડે છે. એકસોથી વધુ શેરપા અને નેપાળી વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણે સ્કૉલરશિપ આપવામાં આવે છે. 2 હૉસ્પિટલો અને 13 ગ્રામીણ સ્વાસ્થ્ય-કેન્દ્રો દ્વારા તબીબી અને તંદુરસ્તી માટેની વિવિધ સેવાઓ સ્થાનિક પ્રજાને પહોંચાડવામાં આવે છે. પ્રત્યેક વર્ષે લગભગ એક લાખ દેશી વૃક્ષના રોપાઓની વાવણી અને ઉછેર કરાય છે. શેરપાઓને તાલીમ પૂરી પાડી નેપાળના રાષ્ટ્રીય ઉદ્યાન માટે આ ટ્રસ્ટના ટેકાથી ન્યૂઝીલૅન્ડમાં વૉર્ડનો તૈયાર કરવામાં આવે છે. એવરેસ્ટના પહાડી વિસ્તારોમાં લોકો નાનાં નાનાં ઝૂમખાંમાં અલગ અલગ વસે છે. દૂરસુદૂરના વિસ્તારોમાં વસતા આ સમુદાયોને મુખ્ય વિસ્તારો સાથે જોડવા માટે પુલો અને પર્વતાળ પગદંડીઓ બનાવવામાં ટ્રસ્ટ સહાય કરે છે. શેરપા પ્રજાની ધાર્મિક માન્યતાઓનું સન્માન કરી બૌદ્ધ મઠોનું પુનર્નિર્માણ અને જાળવણી કરવાનું કાર્ય પણ ટ્રસ્ટ હાથ ધરે છે. વિવિધ પ્રૉજેક્ટોનું યોગ્ય સંચાલન થાય અને કામમાં રુકાવટ ન આવે તે માટે ઘણાબધા પુલો, પાણીની પાઇપલાઇન અને હવાઈપટ્ટીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે; આથી મોટો લાભ એ થયો કે આ વિસ્તારમાં પ્રવાસીઓ વધ્યા, રોજગારીની નવી તકો ઊભી થઈ; પરંતુ તે સાથે નવાં જોખમો પણ ઊભાં થયાં. ખાસ તો પ્રવાસીઓની સગવડ માટે વૃક્ષો કપાવા માંડ્યાં. પર્યાવરણની આ નુકસાની તો ચલાવી જ કેવી રીતે લેવાય ? હિલેરીએ દરમિયાનગીરી કરી નેપાળની સરકાર પાસે જંગલોના રક્ષણ માટેના કાયદા ઘડાવ્યા અને પર્યાવરણને સુરક્ષિત બનાવ્યું. વધુમાં એવરેસ્ટની ચારે બાજુના વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાવી સુરક્ષા પૂરી પાડી. 1975માં નેપાળ ખાતેના એક હવાઈ પ્રવાસમાં તેમનાં પત્ની અને પુત્રીને અકસ્માત નડતાં બંનેનાં નિધન થયાં. હિલેરીના અંગત જીવનમાં એથી કાલિમા છવાઈ ગઈ; પરંતુ પરિસ્થિતિનો કોઈ ઓછાયો તેમણે હિમાલયન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પર પડવા દીધો નહિ. પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલતી રહી અને તેઓ તેમાં ગળાડૂબ ખૂંપેલા રહ્યા. નાણાકીય જરૂરિયાત વિસ્તરતી ગઈ તેમ તેમ અમેરિકા, કૅનેડા, બ્રિટન અને જર્મનીમાં ટ્રસ્ટની શાખાઓ ફેલાવી ટ્રસ્ટના કામને આગળ ધપાવ્યું.
શાળાકીય પ્રવૃત્તિઓ ટ્રસ્ટની કેન્દ્રીય પ્રવૃત્તિ બની. એ માટે તાલીમી કાર્યક્રમો ઘડાયા. ન્યૂઝીલૅન્ડના સમર્પિત શિક્ષકોએ અવેતન સેવાઓ આપી તેમજ વધુ ને વધુ સમય આ કામ માટે ફાળવી નાતાલની રજાઓમાં પણ તાલીમી કાર્યક્રમો ચાલુ રાખ્યા. એવરેસ્ટની હાડ ગાળી નાંખતી ઠંડી છતાં આ કામ અવિરત ચાલ્યા કર્યું. આ કાર્યક્રમથી તે વિસ્તારમાં શિક્ષકોને ગરિમા અને સામાજિક સન્માન – બંને સાંપડ્યાં. શાળાઓની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓના કાર્યને અનન્ય સમર્થન સાંપડ્યું.
1990માં નેપાળ અને તેના પર્વતાળ પ્રદેશની ચાહક અને મિત્રપત્ની જૂને મૂલ્ગ્રુ સાથે તેમણે પુનર્લગ્ન કર્યાં. આ દંપતી અને ચાર હયાત બાળકોનો તેમનો પૂરો પરિવાર શેરપાઓના વિકાસની પ્રવૃત્તિઓમાં જોતરાઈ ગયો છે. હિમાલયન ટ્રસ્ટ ઊભું કર્યા બાદ હિલેરી અને કુટુંબના શક્ય તેટલા સભ્યો નેપાળના એવરેસ્ટ વિસ્તારની પ્રતિવર્ષ મુલાકાત લઈ ત્યાં આવશ્યક કામગીરી કરે છે. તેમની પુત્રી ‘હિમાલયન ટ્રસ્ટ’ને જીવનકાર્ય બનાવી તેને સમર્પિત થઈ છે.
આ સંદર્ભમાં 16મી માર્ચ, 2006ના રોજ એક રસપ્રદ ઘટના ઘટી. પ્રવૃત્તિઓના પ્રસારને કારણે હિમાલયન ટ્રસ્ટ ઘણી વાર નાણાખેંચ અનુભવે છે. આવા સંજોગોમાં આ સુપ્રસિદ્ધ પર્વતારોહકે એક અસાધારણ નિર્ણય કર્યો – તેની પ્રિય ચીજ અને 50 વર્ષ જૂની તેમજ વિશેષ મહત્વ સાથે તૈયાર કરાયેલી સ્કૉચ વ્હિસ્કીની બૉટલ તેના ઉત્પાદકોને પરત પહોંચાડીને હિમાલયન ટ્રસ્ટ માટે 30,000 ડૉલર મેળવ્યા, જેનો ઉપયોગ તેઓ શેરપા પ્રજાના હિત અને વિકાસ માટે કરવાના છે. 2003ના વર્ષમાં આ વ્હિસ્કી રાણી એલિઝાબેથ બીજાની તાજપોશીની ઉજવણી નિમિત્તે શાહી સન્માન માટે ખાસ તૈયાર કરાઈ હતી. 2003નું વર્ષ યોગાનુયોગ માઉન્ટ એવરેસ્ટના પ્રથમ આરોહણની પચાસમી જયંતીનું વર્ષ હોવાથી શાહી સન્માન માટેના જથ્થામાંથી એક બૉટલ બ્રિટિશ તાજ દ્વારા એડમન્ડ હિલેરીને – બંને પ્રસંગોની સ્મૃતિરૂપે – ખાસ ભેટ ધરવામાં આવી હતી. સોનારૂપાની પટ્ટીઓથી શણગારાયેલી, આસમાની પોર્સિલીનની બનેલી આ બૉટલ ઉત્પાદક કંપની હવે જાળવી રાખવાની છે, જ્યારે હિલેરી આ નાણાંની મદદથી એવરેસ્ટ વિસ્તારની શિક્ષણ અને આરોગ્ય-કેન્દ્રોની તરસ છીપાવવા મથશે. હિલેરીએ તેમનું જીવન શેરપા સમુદાયની નિ:સ્વાર્થ સેવા માટે સમર્પિત કર્યું છે. મિત્રઋણ અદા કરવા સાથે નેપાળીઓ અને શેરપાઓ માટેની હિલેરી અને હિમાલયન ટ્રસ્ટની અનુકંપા માનવ્યની ગહેરાઈ સાથે નવી ઊંચાઈ આંબી રહી
છે !!
એવરેસ્ટ આરોહણની સફળતા બાદ સર એડમન્ડ હિલેરી અને સર જ્હૉન હંટે તેમનાં આરોહણોનો હિસાબ આપતું પુસ્તક ‘ધ ઍસેન્ટ ઑવ્ એવરેસ્ટ’ પ્રસિદ્ધ કર્યું અને આ પુસ્તક અમેરિકામાં ‘ધ કાક્વેસ્ટ ઑવ્ એવરેસ્ટ’ નામે પ્રકાશિત થયું. સર એડમન્ડ હિલેરીની આત્મકથા ‘નથિંગ વેન્ચર નથિંગ વિન’ (1975) પ્રસિદ્ધ થયેલી છે. ‘ધ ઓશન ટુ સ્કાય’ (1979) તેમની વિશિષ્ટ સાહસકથા છે. 1977માં તેમણે ગંગા નદી સાગરને મળે છે તે મુખપ્રદેશથી હિમાલયમાં આવેલા તેના મૂળ સુધીના અભિયાનની કથા છે. આ સાહસકથા વિશિષ્ટ એ રીતે હતી કે તેમાં યાંત્રિક જેટ-બોટમાં રહીને નદીના ઊલટા પ્રવાહમાં આગળ વધવાનું સાહસ તેમણે ખેડ્યું હતું.
1992માં હિલેરીની છબી ન્યૂઝીલૅન્ડના પાંચ ડૉલરની ચલણી નોટ પર અંકિત કરવામાં આવી હતી. આ રીતનું બહુમાન મેળવનાર તેઓ સૌપ્રથમ ન્યૂઝીલૅન્ડવાસી હતા. 2003માં હિમાલયન ટ્રસ્ટની અસાધારણ પ્રવૃત્તિ બદલ તેમને નેપાળનું માનદ નાગરિકત્વ નેપાળ સરકારે સુપરત કર્યું. તેમના અવસાન નિમિત્તે વર્ષ 2008માં ન્યૂઝીલૅન્ડની સરકારે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી છે. તેમના નિધન નિમિત્તે 2008માં ન્યૂઝીલૅન્ડ સરકાર વતી ત્યાંની રિઝર્વ બૅંક દ્વારા તેમની ઉપસાવેલી છબી (પૉર્ટ્રેટ) અને સહી સાથેનો શુદ્ધ ચાંદીનો એક ડૉલરનો ‘લાઇફટાઇમ ઑવ્ એચીવમેન્ટ’નો સિક્કો બહાર પાડી તેમનું બહુમાન કરવામાં આવ્યું. તેમની છબીની પશ્ચાદભૂમાં માઉન્ટ એવરેસ્ટ શિખર અને તે ચઢતા પર્વતખેડુઓ દર્શાવવામાં આવ્યા છે. આવા બહુમાન દ્વારા ન્યૂઝીલૅન્ડની સરકાર અને પ્રજાએ તેમના પ્રત્યેનું ગૌરવ વ્યક્ત કર્યું છે.
કનક દવે
રક્ષા મ. વ્યાસ