પર્થ : ઑસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ ભાગમાં આવેલા પશ્ચિમ ઑસ્ટ્રેલિયા રાજ્યનું પાટનગર, મોટામાં મોટું શહેર અને મહત્ત્વનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 31° 56´ દ. અ. અને 115° પૂ. રે.. પશ્ચિમમાં હિન્દી મહાસાગર અને પૂર્વમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ડાર્લિંગ હારમાળા વચ્ચેના મેદાનમાં તે સ્વાન નદીના કિનારે વસેલું છે. ઑસ્ટ્રેલિયાની પૂર્વમાં આવેલા સિડનીથી તે 3352 કિમી.ને અંતરે આવેલું છે.
આબોહવા : પર્થની આબોહવા ભૂમધ્ય પ્રકારની છે, અહીંના શિયાળા નરમ અને ભેજવાળા તથા ઉનાળા ગરમ અને સૂકા રહે છે. ઉનાળા દરમિયાન દરિયા તરફથી વામાવર્તી (anticlockwise) ઠંડા, દરિયાઈ પવનો ભૂમિ તરફ વાય છે, ગિબ્સનના રણ તરફ જાય છે; આ જ પવનો જ્યારે ત્રણ દિવસ બાદ પાછા ફરે છે ત્યારે ધગધગતા ગરમ બની રહે છે. પર્થના વિસ્તારમાં જ્યારે ગરમીનું મોજું પ્રવર્તતું હોતું નથી ત્યારે ‘ફ્રીમેન્ટલ ડૉક્ટર’ તરીકે ઓળખાતી દરિયાઈ લહેરો રોજ બપોરે ફૂંકાય છે. ઉનાળામાં અહીં સામાન્ય રીતે તો વરસાદ પડતો હોતો નથી, પરંતુ ઉનાળામાં ઉત્તર તરફથી ઉદ્ભવતા ચક્રવાત ક્યારેક ભારે વરસાદ આપે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 870 મિમી. જેટલો પડે છે. ગરમમાં ગરમ ગણાતા ફેબ્રુઆરીમાં તાપમાનની સરેરાશ 30° સે. જેટલી અને ઠંડામાં ઠંડા ગણાતા જુલાઈ માસમાં 17° સે. જેટલી રહે છે.
શહેર : પર્થ શહેર ઑસ્ટ્રેલિયાનાં મોટામાં મોટાં અને રમણીય ગણાતાં શહેરો પૈકીનું એક ગણાય છે. 2021ની વસ્તીગણતરી મુજબ, તેની વસ્તી 21,92,229 જેટલી છે. રાજ્યની 70% જેટલી વસ્તી પર્થ શહેરમાં રહે છે. આ મહાનગર ઉત્તરમાં વૅનરરુ પરગણાથી દક્ષિણમાં રૉકિંગહામ સુધી પથરાયેલું છે. તે આશરે 5360 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. મહાનગરના માર્ગો બંને બાજુ પર વૃક્ષોની હારથી સજાવેલા છે, જ્યારે દરિયાઈ ચોપાટી અને શહેરમાંથી પસાર થતી સ્વાન તથા કેનિંગ નદીઓ તેની રમણીયતામાં ઉમેરો કરે છે. 400 હૅક્ટર જેટલો વિસ્તાર આવરી લેતો અને કુદરતી છોડવા ધરાવતો ‘કિંગ્ઝ પાર્ક’ તથા રાજ્યભરનાં વન્ય પુષ્પો અને છોડથી ભરચક વનસ્પતિ-ઉદ્યાન અહીંનાં મુખ્ય આકર્ષણો છે. 1829માં સ્વાન નદી પરના જે મૂળ સ્થાન પર પ્રથમ વસાહત સ્થપાયેલી ત્યાં આજે શહેરનું વ્યસ્ત રહેતું ધંધાકીય મથક વિકસ્યું છે. અહીં નજીકમાં જ સંગ્રહસ્થાન, કલાસંગ્રહાલય અને પુસ્તકાલયનો સમાવેશ કરતું સંસ્કારકેન્દ્ર પણ આવેલું છે.
નિવાસી વિસ્તારો સર્વપ્રથમ પર્થ, ફ્રીમેન્ટલ અને ગિલફૉર્ડ ખાતે નદીના ઉપરવાસ તરફ થોડા થોડા અંતરે તૈયાર થતા ગયેલા. 1881માં પર્થને કૉટેસ્લો, ક્લેરમોન્ટ અને ફ્રીમેન્ટલ સાથે જોડતો રેલમાર્ગ તૈયાર થયો. 1890થી 1987 દરમિયાનના લગભગ સો વર્ષના ગાળામાં જેમ જેમ શહેરનો વિકાસ થતો ગયો તેમ તેમ જુદી જુદી ઇમારતો ઊભી થતી ગઈ. સુપ્રીમ કૉર્ટ ગાર્ડનમાંનું કૉર્ટ હાઉસ અને ફ્રીમેન્ટલ ખાતેની મૂળ જેલ તરીકે બાંધેલું રાઉન્ડ હાઉસ આ પૈકીની જૂની ઇમારતો છે, જે જાળવી રાખવામાં આવેલી છે. આ ઉપરાંત, 1850 અને 1885 દરમિયાન બાંધેલી ગૉથિક શૈલીની ઇમારતોમાં સરકારી કાર્યાલય, નગરગૃહ, સેન્ટ જ્યૉર્જ કેથીડ્રલ તથા સેન્ટ મેરી કેથીડ્રલનો સમાવેશ થાય છે. ઇંગ્લૅન્ડની ટ્યૂડર શેરીને સમકક્ષ દેખાવવાળું લંડન કૉર્ટ બજાર પણ અહીં આવેલું છે.
અર્થતંત્ર–ઉદ્યોગો : 1950-60ના અરસામાં મહાનગર વિસ્તારમાં આવેલા ક્વિનાના-રૉકિંગહામ અને મેડિનાનો ભારે ઉદ્યોગોના વિશાળ સંકુલ તરીકે વિકાસ થયો છે. ઈશાન અને પૂર્વ તરફ આવેલાં બેઝવૉટર, બાસેન્ડિન અને મિડલૅન્ડ્ઝ પરાં તેમજ સ્વાન નદીની દક્ષિણ તરફનાં ઈસ્ટ બેલમૉન્ટ અને વેલ્શપુલ પણ ઔદ્યોગિક રીતે મહત્ત્વનાં છે. 1954માં અહીં ઘણી મોટી ખનિજતેલ-રિફાઇનરી ઊભી કરવામાં આવેલી છે. પોલાદનું કારખાનું, ઇંધન અને રસાયણ-ઉત્પાદનના એકમો પણ છે. અહીંના ઉદ્યોગોને ઉત્તરના વાયુક્ષેત્રમાંથી ઊર્જા માટે જરૂરી વાયુ તેમજ વીજળી પૂરાં પાડવામાં આવે છે. પર્થના પૂર્વ વિભાગને ઊર્જા પૂરી પાડવા માટે ફ્રીમેન્ટલ અને ક્વિનાના ખાતે ઊર્જાક્ષેત્રો તૈયાર કરવામાં આવેલાં છે; ત્યાંથી ગ્રીડ મારફતે ઉત્તર તરફના ભાગોમાં તેમજ જિરાલ્ડટન સુધી પણ ઊર્જા પહોંચાડાય છે. જર્રાહડેલ ખાતે મળતા બૉક્સાઇટ (ઍલ્યુમિનિયમનું ખનિજ) પર પ્રક્રિયા કરીને ઘણા મોટા પાયા પર ઍલ્યુમિના મેળવાય છે. અહીં કાગળની મિલો તથા સિમેન્ટનાં કારખાનાં પણ આવેલાં છે. 1968માં રાસાયણિક ખાતરનું મોટું કારખાનું નાખવામાં આવેલું છે. ક્વિનાના ખાતે દુનિયાભરનું મોટું ગણાતું વહાણવટાનું સંકુલ તથા કૉકબર્ન ઉપસાગરને કિનારે બારું તૈયાર કરવામાં આવેલું છે. ફ્રીમેન્ટલ ખાતે મસ્ત્યઉદ્યોગ વિકસ્યો છે. આ ઉપરાંત અહીં ખાદ્યપ્રક્રમણના, વસ્ત્રોના, છાપકામ અને પ્રકાશનના તેમજ ટ્રૅક્ટર અને ઊંટડા (cranes) તથા વીજળીનાં ઉપકરણો બનાવવાના એકમો પણ વિકસ્યા છે.
પર્થના ગરમ, સૂકા ઉનાળાઓને કારણે અને બીજા વિશ્વયુદ્ધ બાદ વસ્તીવધારાથી પરાંઓનો વિસ્તાર થવાને કારણે મહાનગરના જુદા જુદા ભાગોને પાણી પૂરું પાડવાની સમસ્યા વિકટ બની રહેલી છે. આથી ડાર્લિંગ હારમાળાના જળસ્રોત-વિસ્તારમાંથી તેમજ સર્પેન્ટાઇન, વિક્ટોરિયા, ડેન્ડાલપ, કેનિંગ, મુંદારિંગ જેવાં જળાશયોમાંથી તથા વુંવોંગ બ્રુક અને ચર્ચમૅન બ્રુકમાંથી શહેરને, પરાંઓને તથા ઉદ્યોગોને જળપુરવઠો પૂરો પાડવામાં આવે છે.
લોકો : પર્થની વસ્તી પૈકીની 70% જેટલી વસ્તી 19મી સદીના પૂર્વાર્ધ કાળમાં યુ.કે.માંથી સ્થળાંતર કરીને વસવા આવેલા મૂળ ઇંગ્લિશ, સ્કૉટિશ અને આયરિશ લોકોના વંશજોની છે. બીજા વિશ્વયુદ્ધ બાદ પણ ઘણા લોકો બ્રિટિશ ટાપુઓમાંથી આવેલા છે. આ સિવાય ઇટાલી, નેધરલૅન્ડ, જર્મની, ગ્રીસ અને વિયેટનામથી આવેલા લોકો પણ અહીં વસે છે.
શિક્ષણ અને કલા : 75% વિદ્યાર્થીઓ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તથા 25% વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરે છે. પર્થમાં ત્રણ યુનિવર્સિટી – વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટી (1911), મરડોક યુનિવર્સિટી (1975) અને કર્ટિન ટૅક્નૉલૉજી યુનિવર્સિટી (1987) આવેલી છે. વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયન કૉલેજ ઑવ્ એજ્યુકેશન સંસ્થાનાં જુદાં જુદાં શિક્ષણકેન્દ્રો ક્લેરમોન્ટ, મિડલૅન્ડ, ચર્ચલૅન્ડ, જુન્ડેલુપ અને માઉન્ટ લૉલે ખાતે આવેલાં છે. આ સંસ્થા કલા અકાદમીનું કાર્ય પણ ચલાવે છે. આ ઉપરાંત પણ અન્ય ટૅક્નિકલ તથા શૈક્ષણિક કૉલેજો છે. રાજ્ય-પુસ્તકાલય, મધ્યસ્થ સંગીત પુસ્તકાલય, ફિલ્મમથક, ચિત્રકલાસંગ્રહાલય તથા નાટ્યગૃહો પણ પર્થમાં આવેલાં છે. પર્થમાં સંગીતના જલસા યોજવા માટેનો કૉન્સર્ટ હૉલ તથા 8000 બેઠકોની ક્ષમતાવાળું મનોરંજન-કેન્દ્ર આવેલાં છે. ફ્રીમેન્ટલ ખાતે 1600 પછીના ગાળાનાં ડચ વહાણોના ભંગારના અવશેષો ધરાવતું દરિયાઈ સંગ્રહાલય પણ છે.
પરિવહન–સંદેશાવ્યવહાર : રાજ્યનાં મહત્ત્વનાં શહેરો અને નગરો સાથે તેમજ મેલબૉર્ન અને સિડની સાથે પર્થ રેલમાર્ગથી જોડાયેલું છે. આ મહાનગર તેના પરાંવિસ્તાર માટે તથા ખાણો, કૃષિવિસ્તારો, ગોચરો અને જંગલવિસ્તારો સાથે જરૂરી રેલમાર્ગોની સુવિધા પણ ધરાવે છે. અહીં નદી મારફતે બંને કાંઠાઓ પરના વિસ્તારોમાં અવરજવર માટે ફેરી સેવાની તેમજ સ્થાનિક હેરફેર માટે બસોની સગવડ પણ છે. શહેરની પૂર્વમાં દક્ષિણ ગિલફૉર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે, જ્યારે ખાનગી હવાઈ સેવા જેન્ડાકોટ હવાઈ મથક પર ઉપલબ્ધ થાય છે.
પર્થમાંથી સવાર-સાંજનાં બે દૈનિક સમાચારપત્રો તથા સાપ્તાહિક પત્રો બહાર પડે છે. અહીં બે રાષ્ટ્રીય અને ચાર વ્યાપારી રેડિયો-મથકો તથા એક રાષ્ટ્રીય અને અન્ય વ્યાપારી દૂરદર્શન-કેન્દ્રો આવેલાં છે.
ઇતિહાસ : પર્થ શહેર આજે જ્યાં વસેલું છે ત્યાં 1697ના જાન્યુઆરીમાં સ્વાન નદી મારફતે પ્રથમ પગ મૂકનાર યુરોપિયન-ડચ સાગરખેડુ વિલિયમ દ વ્લેમિંગ હતો. તે પછી 130 વર્ષના ગાળા બાદ 1827માં બ્રિટિશ નૌકા અફસર જેમ્સ સ્ટર્લિંગ આ પ્રદેશની મુલાકાત લઈ ગયેલો. 1829ના જૂનની પહેલી તારીખે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે તે 69 વસાહતીઓ સહિત ‘પરમેલિયા’ વહાણમાં બેસીને અહીં આવી પહોંચેલો. ગાર્ડન ટાપુ પર વસાહત સ્થાપવાનો તેનો પ્રથમ પ્રયાસ રોકવામાં આવેલો તેથી 1829ના ઑગસ્ટની 12મી તારીખે પર્થના આજના નગરગૃહને સ્થાને તેણે વસાહત સ્થાપી. અહીં વસવા માટે જમીનો મફત મળે છે એવી જાણ થતાં લોકો અહીં આવતા ગયા, પરંતુ 1830માં આ સગવડ અટકાવી દેવાઈ. અહીંની ઘણી જમીનો રેતાળ હોવાથી ખેતી માટે અનુકૂળ ન હતી. આથી અહીંના વસાહતીઓ દ્વારા બ્રિટિશ સરકારને વિનંતી કરવામાં આવી. 1850માં અહીં મફત મજૂરી કરવા ગુનેગારોને મોકલવાનું શરૂ કર્યું, જે 1868 સુધી ચાલુ રહેલું. દરમિયાન જિરાલ્ડટનના પીઠપ્રદેશમાં ખેતી અને ગોચરો માટેનાં અનુકૂળ સ્થાનોની ખોજનું કામ શરૂ કરવામાં આવ્યું. ઢોરઢાંખર તથા ઘેટાંઓના ઉછેર માટે નદીની આજુબાજુના યોગ્ય પ્રદેશો શોધી ઉપયોગમાં લેવામાં આવ્યા. આ જ ગાળા દરમિયાન ઇંગ્લૅન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. પરિણામે ઑસ્ટ્રેલિયન ઊનની માંગ વધતી ગઈ. અહીંના લોકોની કમાણી વધી. જાહેર ઇમારતો તેમજ આવાસો ઊભાં થતાં ગયાં. 1856માં રાણી વિક્ટોરિયાએ પર્થને શહેરનો દરજ્જો આપ્યો. 1862 અને 1868 દરમિયાન ગવર્નર જે. એસ. હેમ્પ્ટને મોટા પાયા પર ઇમારતો અને મકાનો બાંધવાની ઝુંબેશ આદરી. સરકારી કાર્યાલય, હૉસ્પિટલ અને સિપાઈખાનાં (barracks) બંધાયાં. આ ઝુંબેશની અસરથી અહીંના સમૃદ્ધ લોકોએ પણ 1870ના દાયકામાં સ્વાન નદીને કિનારે સગવડોવાળાં મકાનો બંધાવ્યાં. આ પૈકીની ચાર્લ્સ હાર્પરે તૈયાર કરાવેલી વૂડ બ્રિજ ઇમારત જાણીતી છે, તે આજે તો નૅશનલ ટ્રસ્ટની મિલકત ગણાય છે.
1892 અને 1893માં રાજ્યના કુલગાર્ડી અને કાલગૂર્લી ખાતે સોનાની ખાણો મળી આવવાથી પર્થમાં વસ્તી અને ઉદ્યોગોને વેગ મળ્યો. નદીકિનારાના વિસ્તારો નવસાધ્ય કરાયા. ઉત્તર અને પૂર્વના વિભાગોમાં પરાં વિકસતાં ગયાં. 1910 અને 1920ના ગાળામાં કુદરતી વાયુ અને વીજળીની સગવડો મળી, જળપુરવઠા અને ગટર- યોજનાઓમાં સુધારા થયા. પરાં-વિસ્તારના આવાસોને ટેલિફોન સેવાઓ અપાઈ. 1919 સુધીમાં લીડરવિલે, ઉત્તર પર્થ, માગર્સ લેક, વિક્ટોરિયા પાર્ક, ચૂનાની ભઠ્ઠીઓની જાગીરો જેવા વિસ્તારોને પર્થમાં ભેળવી દેવાયા. દરિયાકિનારા પર રસ્તાઓનું બાંધકામ કરી, ત્યાં લોકોને ગરમીની મોસમમાં આરામની સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી. આમ 1918 અને 1930 દરમિયાન પર્થ સમૃદ્ધ બની રહ્યું. પશ્ચિમ ઑસ્ટ્રેલિયા રાજ્યની સમૃદ્ધિ દુનિયાને દેખાઈ. આ માટે ઘઉંની મબલક ખેતી અને નૈર્ઋત્ય વિસ્તારમાં થયેલો ડેરી-ઉદ્યોગનો વિકાસ કારણભૂત ગણાવી શકાય. પરંતુ 1930માં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું. ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં પર્થમાં તેમજ અન્યત્ર બેકારીએ ભયંકર ભરડો લીધો, ખેડૂતોને તેમની ખેતી બંધ કરવાનો વારો આવ્યો. ખેડૂતો તેમજ નોકરિયાતો અન્ય શહેરો તરફ વળ્યા; પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ પર્થ ફરીથી બેઠું થયું, સ્થળાંતરવાસીઓથી ઊભરાતું ગયું, ક્રમે ક્રમે પરિસ્થિતિ સુધરતી ગઈ. 1950થી 1970ના ગાળા દરમિયાન નવાં કારખાનાં નંખાતાં ગયાં. 1970 અને 1980 દરમિયાન ખનિજ-ખનન કાર્યમાં વેગ આવ્યો છે અને પશ્ચિમ ઑસ્ટ્રેલિયા સહિત પર્થનો વિકાસ પણ થતો ગયો છે.
ગિરીશભાઈ પંડ્યા