પર્થાઇટ (Perthite) : ફેલ્સપારનો પ્રકાર. બે ફેલ્સ્પારના આંતરવિકાસથી બનતું ખનિજ. ઑર્થોક્લેઝ અથવા માઇક્રોક્લિનનો આલ્બાઇટ સાથે આંતરવિકાસ રચાતાં તૈયાર થતું, મૂળ ખનિજોથી અલગ પડતું, ફેલ્સ્પાર ખનિજ.

સૂક્ષ્મદર્શક હેઠળ જોવા મળતા આ પ્રકારના આંતરવિકાસને સૂક્ષ્મ-પર્થાઇટ (micro-perthite) કહેવો એ વધુ યોગ્ય ગણાય.

આ પ્રકારના આંતરવિકાસમાં પોટાશ-ફેલ્સ્પારમાં સોડા-પ્લેજિયો- ક્લેઝની દોરીઓ, ટુકડાઓ કે વીક્ષાકારો જોવા મળે છે; આથી ઊલટું થાય તો તેને પ્રતિ-પર્થાઇટ (antiperthite) કહેવાય છે. આ માટે બે ઉત્પત્તિસ્થિતિ સૂચવાઈ છે : (1) અપવિલયન (exsolution), જેમાં ઊંચા તાપમાને બનેલો ફેલ્સ્પાર નીચા તાપમાને અસ્થિર બની જાય છે. તેમાંનો એક ઘટક અલગ કક્ષા રૂપે જુદો પડી આવે છે.

(અ) પર્થાઇટ : ઑર્થોક્લેઝમાં આલ્બાઇટની સળીઓ. (બ) પ્રતિ-પર્થાઇટ : આલ્બાઇટમાં માઇક્રોક્લિનના ટુકડાઓ

(2) પુન:સ્થાપનીય પર્થાઇટ (replacement perthite), જે અગાઉ બનેલા પોટાશ-ફેલ્સ્પાર ઉપર સોડાસમૃદ્ધ પ્રવાહીની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે; આથી ઊલટી પ્રક્રિયા પણ બની શકે છે.

ગિરીશભાઈ પંડ્યા