કંપાલા : પૂર્વ આફ્રિકાના યુગાન્ડા રાજ્યની રાજધાની અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 0o 19′ ઉ. અ. અને 32o 25′ પૂ. રે. છ ટેકરીઓ ઉપર વસેલા આ શહેરનો વિસ્તાર છે 22 ચોકિમી. અને વસ્તી છે 32,98,000 (2020). સૌથી ઊંચી ટેકરી 1190 મીટરની છે. તે કેન્યાના બંદર મૉમ્બાસા સાથે રેલવે દ્વારા 1931માં જોડાયું છે. કૅપ્ટન ફ્રેડરિક લુગાર્ડે ઇમ્પીરિયલ બ્રિટિશ ઈસ્ટ આફ્રિક્ધા કંપનીના વડા મથક તરીકે 1890માં તેને પસંદ કર્યા બાદ તેના વિકાસની શરૂઆત થઈ. 1905 સુધી લુગાર્ડ ફૉર્ટ યુગાન્ડાના સાંસ્થાનિક (colonial) વહીવટનું કેન્દ્ર હતું. ત્યારબાદ કંપાલાથી 32 કિમી. ઉપર આવેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવતું ઍન્ટેબી યુગાન્ડાની રાજધાની બન્યું હતું. 1962માં ફરીથી કંપાલા સ્વતંત્ર યુગાન્ડાની રાજધાની અને સંસ્કારકેન્દ્ર બન્યું. વિષુવવૃત્તથી માત્ર 32 કિમી. દૂર હોવા છતાં અહીંના જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 23.3o સે. અને 21.1o સે. રહે છે. વાર્ષિક વરસાદ 1180 મિમી. જેટલો પડે છે. આબોહવા ખુશનુમા રહે છે. લેક વિક્ટોરિયા ઉપરનું બંદર પૉર્ટબેલ 9 કિમી. દૂર છે. રસ્તા અને રેલવે દ્વારા યુગાન્ડાના બીજા વિભાગો સાથે જોડાયેલું હોઈ તે મહત્વનું વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર બન્યું છે. ખેતીના મુખ્ય પાક મકાઈ, કપાસ, શેરડી, કોફી અને ચા છે અને ખાંડ, કૉફી અને રૂની નિકાસ થાય છે. પશુઓ અને ખેતીની પેદાશની પ્રક્રિયા કરવાનો ઉદ્યોગ, ખાદ્ય ઉદ્યોગ, ધાતુની વસ્તુ બનાવવાનો અને ફર્નિચરનો ઉદ્યોગ, કપાસ લોઢવાનો અને તેની ગાંસડી બાંધવાનો ઉદ્યોગ વગેરે વિકસ્યા છે. ભારતીય વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો યુગાન્ડાની ખેતી, વેપાર અને ઉદ્યોગના વિકાસમાં મહત્વનો ફાળો છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ટૅકનિકલ શાળા અને મેકેરે કૉલેજ અને યુનિવર્સિટી અને સંગ્રહસ્થાન વિદ્યા અને સંસ્કૃતિનાં ધામો છે. કિબુલી સફેદ મસ્જિદ અને ખ્રિસ્તી દેવળો તથા હિંદુ મંદિરો ટેકરીઓના ઢોળાવ ઉપર આવેલાં છે અને જોવાલાયક છે. 2 કરોડ યુ.એસ. ડૉલરને ખર્ચે કંપાલા- જોહાનિસબર્ગ વચ્ચે રેલમાર્ગ તૈયાર થઈ ગયો છે.
શિવપ્રસાદ રાજગોર