કંપિલો : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mallotus philippensis Muell. (સં. કમ્પિલક; હિં. કમલા, સિંદૂર, રોહિણી; બં. કમલા; મ. શેંદૂરી; ગુ. કંપિલો; તે. કુંકુમ, સિંદૂરી; તા. કુંગુમમ; અં. મંકી ફેસ ટ્રી, કમલા ટ્રી) છે. તેના સહસભ્યોમાં હુરા, મોગો, રબર, ઓખરાડ વગેરેનો સમાવેશ થાય છે. તે ક્ષુપ અથવા નાનું બહુશાખી સદાહરિત વૃક્ષ છે. તેનું પ્રકાંડ ટૂંકું હોય છે અને તલસ્થ ભાગે આધાર (butress) આપતાં પાર્શ્વ મૂળ ધરાવે છે. તે ભારતમાં બધે જ થાય છે. બાહ્ય હિમાલયમાં તે 1500 મિ.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. ગુજરાતમાં અંબાજી, બાલારામ અને ડાંગમાં મળી આવે છે. તેની છાલ પાતળી, ભૂખરી અને પ્રમાણમાં ખરબચડી હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, પહોળાં, અંડાકારથી અંડ-લંબચોરસ (ovate-oblong), અથવા અંડ-ભાલાકાર (ovate-lanceolate), ઉપરની સપાટીએ અરોમિલ (glabrous) અને નીચેની સપાટીએ રોમિલ (pubescent) હોય છે અને અસંખ્ય રાતી ગ્રંથિઓ ધરાવે છે. પુષ્પનિર્માણ ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી થાય છે. પુષ્પો શુકી (spike) પ્રકારે ગોઠવાયેલાં, દ્વિગૃહી (dioecious) અને નાનાં હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું, ગોળ, ત્રિખંડી, ત્રિકપાટીય (tri-valvular) હોય છે અને 0.75 સેમી.થી 1.5 સેમી.નો વ્યાસ ધરાવે છે. તેની બાહ્ય સપાટી લાલ-બદામી રંગના ગ્રંથીય રોમો વડે સઘનપણે આચ્છાદિત હોય છે. બીજ અર્ધગોળાકાર, કાળાં અને લીસાં હોય છે અને આશરે 0.4 સેમી.નો વ્યાસ ધરાવે છે. ફળ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી રહે છે.

કંપિલો ઉત્તર, મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં બહોળા પ્રમાણમાં વિતરણ પામેલો છે. તે આંદામાનના ટાપુઓમાં ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. સામાન્ય રીતે સાલ અને કાંટાળાં કે મિશ્ર જંગલોમાં જોવા મળે છે. સાલનાં જંગલોમાં તે ઘણી વાર વૃંદ રચે છે અને સાલનાં પહેલાં તે ઉપસ્થિત હોય છે. તે તૃણોનો નાશ કરીને સાલ માટે પોષક તરીકે કાર્ય કરે છે. વૃક્ષ સારા પ્રમાણમાં છાયા આપે છે અને હિમ-સહિષ્ણુ (frost-hardy) તેમજ શુષ્કતારોધી (drought-resistant) છે. તેનું ઝાડીવન (coppice) ઝડપથી વિકાસ પામે છે.

તેનું ચોમાસામાં બીજ દ્વારા પ્રસર્જન થાય છે. બીજ શુષ્કતા-સંવેદી હોય છે અને તેમના પર કીટકો પણ આક્રમણ કરી શકે છે. કૃત્રિમ રીતે તેનાં તાજાં બીજનું વાવેતર એપ્રિલમાં કરવામાં આવે છે. જોકે આ સમયે તેના અંકુરણની અનિશ્ચિતતા રહે છે. બીજને આશરે 5.0 સેમી.ના અંતરે નજીક વાવવામાં આવે છે અને પ્રથમ વર્ષાઋતુ દરમિયાન વિરલન (thinning) કરવામાં આવે છે. પ્રથમ વર્ષે તૈયાર થયેલા વધારે મોટા રોપાઓની રોપણી કરી શકાય છે. નાના રોપા બીજા વર્ષ સુધી ધરુવાડિયામાં ઉછેરવામાં આવે છે. પાકની વચ્ચે એક હરોળ તેનું વાવેતર સફળ સાબિત થયું છે. કંપિલાનું પ્રજનન અંત:ભૂસ્તારી (sucker) દ્વારા પણ થાય છે; પરંતુ તેની વૃદ્ધિ ધીમી હોય છે.

Fomes conchatus, F. rimosus, F. caryophylli, Hexagonia discopoda, Polyporus adustus, Polystictus hirsutus, P. steinheilianus, Stereum hirsutum, Ganoderma applanatum, G. leucopheus અને Trametes personii જેવી કેટલીક ફૂગના ચેપથી વૃક્ષને સડો થાય છે. Aphrodisium cantori નામનું વેધક કીટક અંત:કાષ્ઠ(heartwood)ને નુકસાન પહોંચાડે છે. કાપેલા અને મૃત ઇમારતી લાકડાના રસકાષ્ઠ (sapwood) પર Monochamus bimaculatus, Xylotrechus smei, Agrilus malloti અને Sinoxylon spp. જેવા કીટકો આક્રમણ કરે છે. Lyctus africanus અને stromatium barbatum સૂકા કાષ્ઠ પર આક્રમણ કરે છે.

પાકાં ફળો પર રહેલા લાલ રોમ ઝૂડીને અથવા પાણીમાં ફળોને ખૂબ ઝડપથી હલાવીને અલગ કરવામાં આવે છે. રંગનિક્ષેપ (sediment) તરીકે પાણીમાં તળિયે બેસે ત્યારે તેને એકત્રિત કરી સૂકવવામાં આવે છે. ફલાવરણના ટુકડાઓ ચાળીને અલગ કરી રંગ મેળવવામાં આવે છે. તેનું તાજાં ફળોમાંથી થતું ઉત્પાદન 1.4 %થી 3.7 % જેટલું હોય છે. તેનો રંગ લાલ હોય છે. તેને ‘કમલા’ રંગ કે ‘કુમકુમ’ પણ કહે છે. આ રંગ સ્વાદ કે ગંધવિહીન હોય છે. તેના વાનસ્પતિક અપમિશ્રકોમાં Casearia tomentosaની છાલ, વડ(Ficus bengalensis)નાં ફળો, કસુંબી(Carthamas tinctorius)નાં બીજ કે Flemingia macrophyllaનો સમાવેશ થાય છે. કમલા રંગ અન્નાટો રંગ(Bixa orellana)ના અપમિશ્રક તરીકે વપરાય છે. તેના શુદ્ધ નમૂનાઓ 4 %થી 5 % ભસ્મ અને વ્યાપારિક નમૂનાઓ 15 %થી 40 % કે તેથી વધારે ભસ્મ ધરાવે છે.

કમલા રંગ ઠંડા પાણીમાં અદ્રાવ્ય અને ઊકળતા પાણીમાં બહુ ઓછો દ્રાવ્ય હોય છે. તે આલ્કલી, આલ્કોહૉલ અને ઈથરમાં ઝડપથી દ્રાવ્ય છે અને ઘેરા લાલ રંગનાં દ્રાવણો બનાવે છે. મુખ્ય રંગ-ઘટકો સૅમન (salmon) રંગનું રોટ્લેરિન (C30H28O8) અને તેનો પીળો સમઘટક આઇસોરોટ્લેરિન છે અને તે બંને ઘટકો મળીને કમલા રંગના પાઉડરનો આશરે 11 % ભાગ બનાવે છે. વળી, તે અલ્પ પ્રમાણમાં હોમોરોટ્લેરિન, નીચું ગલનબિંદુ ધરાવતી ઘેરી રાતી રાળ (60 %), ઊંચું ગલનબિંદુ ધરાવતી પીળી રાળ (5 %) અને મીણ (આશરે 2.0 %) ધરાવે છે.

આ રંગ પહેલાં રેશમ અને ઊનને રંગવામાં પુષ્કળ પ્રમાણમાં વપરાતો હતો. તે ચળકતો નારંગી કે જ્યોતનો રંગ ઉત્પન્ન કરે છે. તે આલ્કલી, સાબુ કે ઍસિડ સાથે પ્રમાણમાં સ્થાયી હોય છે, પરંતુ સૂર્યપ્રકાશમાં તે આછો બને છે. 4 ભાગ કમલા, 1 ભાગ એલમ અને 2 ભાગ સોડિયમ બાઇકાર્બોનેટ ધરાવતા ઊકળતા આલ્કલીય ઉષ્મક(alkaline bath)નો રંગવા માટે ઉપયોગ થાય છે. આ ઘટકો પાઉડર-સ્વરૂપે તલના તેલના થોડા જથ્થા સાથે પહેલાં મિશ્ર કરવામાં આવે છે. હળદર ઉમેરવાથી રંગ વધારે સારો બને છે. એક સમયે ભારતમાંથી આ રંગની નિકાસ થતી હતી, પરંતુ સાંશ્લેષિક રંગો આવવાથી તેનો ઉપયોગ લગભગ બંધ થઈ ગયો છે.

તેનો ઉપયોગ ઘી, વનસ્પતિજ તેલ અને લોટ મોવા માટે વપરાતા ચીકટ મોણ માટે પ્રતિ-ઉપચાયક (antioxidant) તરીકે થાય છે. તે ઘીમાં ઉત્પન્ન થતી ખટાશને અને વિટામિન Aમાં થતા ઘટાડાને અટકાવે છે. તે સ્થાયી, બિનહાનિકારક, સ્વાદ અને ગંધરહિત હોય છે અને આછો પીળો રંગ આપે છે. તે ખાદ્ય પદાર્થો અને પીણાંઓમાં વપરાય છે. ભારતીય સ્ત્રીઓ તેનો કુમકુમ કે સિંદૂર તરીકે ઉપયોગ કરે છે.

તેનો પાઉડર રેચક ગુણધર્મો ધરાવે છે અને વધારે માત્રામાં તેનાથી ઊબકા આવે છે. તે મધ, દૂધ કે દહીં સાથે સામાન્ય રીતે આપવામાં આવે છે. આ ઔષધની સક્રિયતા રોટ્લેરિન અને આઇસોરોટ્લેરિનને આભારી છે. આઇસોરોટ્લેરિન રોટ્લેરિનની તુલનામાં થોડું વધારે સક્રિય છે. કમલા પટ્ટીકીડાના સક્સિનિક ડિહાઇડ્રૉજિનેઝ પર અવરોધાત્મક ક્રિયાશીલતા દાખવે છે અને પટ્ટીકૃમિ-બહિષ્કૃતિ(taenifuge)માં અસરકારક ગણાય છે.

ખસ, દાદર અને હર્પિસ જેવાં ચામડીનાં પરોપજૈવિક દર્દો પર તે લગાડવામાં આવે છે. પાયસ(emulsion)ના સ્વરૂપમાં મોં દ્વારા લેવાથી ઉંદર અને ગિનીપિગની માદાની ફળદ્રૂપતામાં ઘટાડો કરે છે. રોટ્લેરિન પ્રતિફળદ્રૂપતાકારક (antifertilityfactor) છે. જોકે તેની અસર અસ્થાયી હોય છે. ઔષધ ખલાસ થતાં પ્રાણી પાછું સામાન્ય સ્થિતિમાં ફરે છે. કમલા દેડકા, ટેડપોલ અને કૃમિઓ માટે વિષાળુ છે. તેના વ્યાપારિક નમૂનાઓની વિષાળુતાના માપન માટે Haplochilus panchax નામની માછલીનો ઉપયોગ થાય છે. ફળનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus જીવાણુરોધી સક્રિયતા દર્શાવે છે.

બીજના આછા સફેદ રંગનાં મીંજ(બીજનું 60 % જેટલું વજન)માંથી દ્રાવક નિષ્કર્ષણ દ્વારા 35 %થી 36 % જેટલું ઘટ્ટ, ઘેરા બદામી રંગથી માંડી આછા પીળા રંગનું તેલ અથવા અર્ધઘન ચરબી પ્રાપ્ત થાય છે.

કમલા તેલનો મુખ્ય ઘટક ઍસિડ કૅમ્લોલેનિક ઍસિડ (18-હાઇડ્રૉક્સિ ઑક્ટા-ડેકા-9, 11, 13-ટ્રાઇએનૉઇક ઍસિડ અથવા 18-હાઇડ્રૉક્સિ α-ઇલિયૉસ્ટિયરિક ઍસિડ) નામનો ઘન હાઇડ્રૉક્સિ ઍસિડ છે.

તેલનો ઉપયોગ કેશ-સ્થાપક (hair-fixer) અને મલમના સૂત્રણ(formulation)માં થાય છે. કેટલીક વ્યાપારિક રાળ કરતાં વધારે સારી મધ્યમ આલ્કાઇડ રાળ કમલાના તેલના ફૅટી ઍસિડમાંથી મેળવી શકાઈ છે. કૅમ્લોલેનિક ઍસિડ અને તેના હાઇડ્રોજિનીકૃત (hydrogenated) વ્યુત્પન્નોનો ઉપયોગ મહાચક્રીય (macrocyclic) સંયોજનો બનાવવામાં થાય છે, જેમનો ઉપયોગ અત્તર-ઉદ્યોગમાં થાય છે. તેમના દ્વારા ડાઇએરિલ ડાઇકિટોનનું ઉત્પાદન કરવામાં આવે છે, જેઓ પ્રતિઉપચાયકો અને ઊંચું ગલનબિંદુ ધરાવતું મીણ બનાવવામાં ઉપયોગી છે.

‘ફ્રાયોલ’ નામનું તેલ કમલાનું અને અળસીનું તેલ 1 : 4ના પ્રમાણમાં મિશ્ર કરીને બનાવવામાં આવે છે. ફ્રાયોલ દ્વિ-ઉત્કલિત (double boiled) અળસીના તેલ કરતાં વધારે ઝડપથી સુકાય છે અને વધારે ચળકતી સપાટી બનાવે છે. તે ઝડપથી સુકાતા રંગો અને વાર્નિશ માટે ખૂબ ઉપયોગી છે.

તેલના નિષ્કર્ષણ પછી મેળવવામાં આવતો ખોળ ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. તે પાણી 2.86 %, પ્રોટીન 48.12 %, કાર્બોદિતો 35.47 %, રેસો 6.57 % અને ભસ્મ 6.98 ધરાવે છે. ભસ્મમાં ફૉસ્ફેટ (0.7 %0.8 % P2O5) અને પોટાશ હોય છે. લાકડાના વહેર સાથે મિશ્ર કરીને તેમાંથી વીજરોધક (insulated) બોર્ડ બનાવવામાં આવે છે. ખોળમાં રહેલા અવશેષિત તેલનો બંધક તરીકે ઉપયોગ થાય છે.

કંપિલાનું કાષ્ઠ સફેદથી માંડી આછા રતાશ પડતા ભૂખરા રંગનું, ઘેરી રેખાઓવાળું અને ચળકતું હોય છે. અંત:કાષ્ઠ (heartwood) સ્પષ્ટ હોતું નથી. તે સંકલિત કણયુક્ત (close-grained), સુરેખ, મધ્યમ સૂક્ષ્મ અને સમ (even) ગઠન ધરાવતું, સખત અને ભારે (768 કિગ્રા./ઘમી.) હોય છે. તે વળી જાય છે અને ખરાબ રીતે સંકોચાય છે. તેના પર કીટકો પણ આક્રમણ કરે છે. તેને વહેરવું પણ મુશ્કેલ હોય છે. ઇમારતી લાકડા તરીકે તેનો ઉપયોગ થતો નથી. તે બળતણ તરીકે વાપરવામાં આવે છે. તેનો ઉપયોગ વળી, સાધનોના હાથા, દીવાસળીની પેટીઓ, નાનાં ખરાદી-સાધનો જેવાં કે બૉબિન, કૉટનરીલ, પેન-હોલ્ડર, માપપટ્ટીઓ વગેરે બનાવવામાં થાય છે.

કંપિલાનાં પર્ણોનો ચારા તરીકે ઉપયોગ થાય છે. તેનાં પરિપક્વ પર્ણો નાઇટ્રોજન (શુષ્ક વજનને આધારે) 3.29 %, કૅલ્શિયમ 1.64 %, ભસ્મ 7.83 %, પોટૅશિયમ (K2O) 6.25 % ધરાવે છે. પર્ણો અને છાલમાં ટેનિન હોય છે. છાલમાં 6 %થી 10 % જેટલું ટેનિન હોય છે. તે ચામડાને ઘેરો લાલ રંગ આપે છે. મૂળ પણ લાલ રંગ ઉત્પન્ન કરે છે.

કંપિલા વૃક્ષના બધા ભાગો ચામડીના રોગોમાં લગાડવામાં આવે છે. મૂળ, પ્રકાંડ અને પર્ણો હાઇડ્રૉસાયનિક ઍસિડ ધરાવે છે. બીજમાં વિષાળુ ગ્લાયકોસાઇડ હોય છે.

ભારતમાં કંપિલાની બીજી જાતિઓ – Mallotus barbatus Muell., M. nepalensis Muell. અને M. tetracoccus (Roxb.) Kurz. syn. M. albus Muell. પણ થાય છે.

આયુર્વેદ અનુસાર કંપિલા નગરી અથવા કંપિલા નદી પાસે થનાર અથવા ગળે ઉતારતાં કંપન કરાવે માટે કંપિલા એમ તેના નામ અંગે અનુમાન છે. તે રેચક, કૃમિઘ્ન, વ્રણઘ્ન અને ચર્મરોગહર છે.

શોભન વસાણી

બળદેવભાઈ પટેલ