હાશિમ (જ. 1735, જગદેવ કલન, અમૃતસર જિલ્લો, પંજાબ; અ. 1843) : પંજાબી કવિ. તેમની ચોક્કસ જન્મતારીખ ઉપલબ્ધ નથી. તેમના પિતાનું નામ હાજી મુહમ્મદ શરીફ માસૂમ શાહ હતું.
હાશિમ જાણીતા હકીમ હતા. તેમણે મહારાજા રણજિતસિંહની માંદગી દરમિયાન સફળ સારવાર કરી હતી તેથી રાજાએ તેમને ‘જાગીર’ બક્ષિસમાં આપી હતી. મહારાજાને તેમની કવિતા પણ પસંદ હતી.
પંજાબીમાં કાવ્યો ઉપરાંત તેમણે ફારસી, હિંદી અને ઉર્દૂમાં પરંપરાગત છંદોમાં કાવ્યરચના કરી હતી. તેમની પંજાબી કૃતિઓમાં સોહની મહિવાલ, સસ્સી પુન્નૂ, હીર રાંઝા, લયલા મજનૂ અને શીરીં ફરહાદ જેવાં સ્નેહયુગલોનો સમાવેશ થાય છે. તેમની રચનાઓ અતિ લોકપ્રિય બની હતી અને એહમદ યાર તથા મુહમ્મદ બક્ષ દ્વારા તેની ઉત્તમ મુલવણી કરવામાં આવેલી. તેઓ તેમને પ્રધાન કવિ કહે છે. તેમની બધી રચનાઓમાં ‘સસ્સી પુન્નૂ’ ઉત્તમ કૃતિ ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા