હાવેલ્મો ટ્રીગ્વે મૅગ્નસ

February, 2009

હાવેલ્મો, ટ્રીગ્વે મૅગ્નસ (જ. 13 ડિસેમ્બર 1911, સ્કેડસમો, નૉર્વે; અ. 26 જુલાઈ 1999, ઓસ્લો, નૉર્વે) : અર્થમિતિશાસ્ત્રના ક્ષેત્રમાં સંભવિત ઘટનાઓને આધારે અભિનવ અભિગમ (probability approach) પ્રસ્તુત કરનાર અને અર્થશાસ્ત્રમાં વર્ષ 1989 માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અર્થશાસ્ત્રી. તેમણે ઉચ્ચ શિક્ષણ નૉર્વેની ઓસ્લો યુનિવર્સિટીમાં લીધું હતું, જ્યાં અર્થશાસ્ત્રમાં સર્વપ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર અર્થશાસ્ત્રી રૅગ્નર ફ્રિશ (1895–1973) તેમના સહપાઠી હતા. 1939માં હાવેલ્મોને ફુલબ્રાઇટ શિષ્યવૃત્તિ મળતાં તેઓ અમેરિકા ગયા હતા (1939–47), જ્યાં તેમણે કાઉન્સ કમિશનમાં વ્યાપાર-વાણિજ્યના વિભાગમાં એક વર્ષ કામ કર્યું હતું.

ટ્રીગ્વે મૅગ્નસ હાવેલ્મો

1948માં તેઓ સ્વદેશ પાછા ગયા હતા અને ત્યાં ઓસ્લો યુનિવર્સિટીમાં તેમણે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે કામગીરી કરી હતી (1948–79). તે અગાઉ તેમના અમેરિકાના વસવાટ દરમિયાન તેમણે અર્થમિતિશાસ્ત્રના ક્ષેત્રમાં સંભવિત ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં એક લેખ દ્વારા નવો અભિગમ પ્રસ્તુત કર્યો હતો, જેને અર્થશાસ્ત્રીઓ અને આંકડાશાસ્ત્રીઓએ ખૂબ આવકાર આપ્યો હતો. તે ઉપરાંત પણ તેમણે વર્ષ 1943 અને 1947માં અર્થમિતિશાસ્ત્રમાં યુગવત્ સમીકરણો(simultaneous equations in econo-metrics)ની સમસ્યા પર પ્રકાશ પાડતા સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા હતા. અર્થશાસ્ત્રમાં તેમણે વ્યાપારચક્રના સિદ્ધાંતોની ચર્ચા કરતા જે લેખો પ્રકાશિત કર્યા હતા (1940) તે પણ મહત્વના ગણવામાં આવ્યા હતા. વિખ્યાત અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સ(1883–1946)ના નામે ‘સમતોલ અંદાજપત્રક ગુણક પ્રમેય’(1945)નું જે પ્રસ્તુતીકરણ થયું છે (balanced budget multiplier theorem) તેમાં પણ હાવેલ્મોનો મહત્વનો ફાળો છે. 1950ના દાયકા પછી તેઓ અર્થશાસ્ત્રના શુદ્ધ સિદ્ધાંતોના વિશ્લેષણ તરફ વળ્યા હતા, જેના ભાગ તરીકે વર્ષ 1954માં તેમણે ‘સ્કિલ ઍક્યુમ્યુલેશન’ શીર્ષક હેઠળ એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું, જે આર્થિક વિકાસના સિદ્ધાંતોના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન ગણવામાં આવે છે. 1960માં મૂડીરોકાણના સિદ્ધાંતોના સંદર્ભમાં તેમણે જે દિશાસૂચન કર્યું હતું તે અર્થશાસ્ત્રમાં તેમનું સૌથી અગત્યનું પ્રદાન ગણવામાં આવે છે.

અર્થમિતિશાસ્ત્રના ક્ષેત્રમાં તેમણે જે પાયાની કામગીરી કરી છે તેના માટે અને ખાસ કરીને યુગવત્ સમીકરણોની સમસ્યા પર તેમણે જે પ્રકાશ પાડ્યો છે તે માટે તેમને વર્ષ 1989નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

1938–90ના ગાળામાં તેમણે અર્થમિતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં વિપુલ લખાણ કર્યું છે, જેમાં સંશોધનલેખો ઉપરાંત કેટલાંક પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે