કળથી : અં. Horsegram; લૅ. Macrotyloma uniflorum. ખૂબ જ જૂજ પ્રમાણમાં વવાતા કઠોળ વર્ગના આ છોડનો પાક મુખ્યત્વે હલકી તથા બિનપિયત જમીનમાં અને નહિવત્ કાળજીથી લઈ શકાય. ત્રણેક માસમાં પાકી જાય. આ પાકના છોડની ઊંચાઈ આશરે 45 સેમી. હોય છે. તેનાં પાંદડાં નાનાં અને ફૂલ પતંગિયા પ્રકારનાં તથા ફળ શિંગ રૂપે હોય છે. શિંગ વાંકી અને ચપટી હોય છે. તેમાં ચપટાં ગોળ બીજ હોય છે, જે રંગે રાતાં, કાળાં કે સફેદ પડતાં હોય છે.
હલકા પ્રકારનું આ કઠોળ મુખ્યત્વે ઢોરનો ખોરાક છે. કેટલીક વાર તેના દાણા બાફી કે વઘારીને માનવખોરાક તરીકે પણ વપરાય છે. પેશાબમાં પથરી જેવા દર્દમાં કળથીનો ખોરાકમાં ઉપયોગ હિતાવહ ગણાય છે. તેના અન્ય પણ ઔષધીય ગુણો છે.
નટવરલાલ પુ. મહેતા