કહાવલી (કથાવલી) (ઈ. સ.ની બારમી સદી આશરે) : પ્રાકૃત ગદ્યમાં રચાયેલ વિશાળ પૌરાણિક કોશ. શ્વેતામ્બર જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિવિરચિત. કૃતિમાંથી રચયિતાના નામ સિવાય કોઈ વિગત પ્રાપ્ત થતી નથી. કથાવલીની વિક્રમ સંવત 1497(ઈ.સ. 1440)માં લખાયેલી એકમાત્ર તાડપત્રીય હસ્તપ્રત પાટણના ભંડારમાં સચવાઈ રહી છે. વળી કથાવલીમાં અંતિમ કથાનક રૂપે પ્રસિદ્ધ જૈનાચાર્ય હરિભદ્રનું જીવનચરિત્ર મળે છે, જેમનો સમય ઈ. સ.ની આઠમી શતાબ્દી છે. આ બન્ને સમયમર્યાદાની વચ્ચે કથાવલીની રચના થઈ છે તે ચોક્કસ છે. આ સમયગાળામાં ભદ્રેશ્વર નામે એક કરતાં વધુ આચાર્યો થઈ ગયા છે. તેમાંથી કથાવલીના કર્તા ભદ્રેશ્વર કયા તે શોધવું કઠિન છે; પરંતુ વિદ્વાનો દેવસૂરિ(ઈ. સ. 1086-1169)ના શિષ્ય ભદ્રેશ્વરસૂરિને કથાવલીના સંભવિત કર્તા તરીકે સ્વીકારે છે. તે જોતાં કથાવલીની રચના ઈ. સ.ની બારમી શતાબ્દીમાં થઈ હોવાનું અનુમાન કરી શકાય છે. કર્તા વિશે અન્ય કોઈ વિગતો મળતી નથી.
કથાવલી એક મહત્વપૂર્ણ કથાગ્રંથ છે, કારણ કે તેમાં પ્રથમ જ વાર ચાલુ અવસર્પિણી કાળના 24 તીર્થંકરો, ભાવિ તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો, પ્રતિવાસુદેવો, નારદો અને વળી હરિભદ્રાચાર્ય સુધીના મહાન જૈનધર્મનાયકોનાં કથાનકો મળે છે. ભદ્રેશ્વરસૂરિની યોજના પોતાના સમય સુધી થઈ ગયેલા મહાન પુરુષોનાં જીવનચરિત્રો આપવાની હતી, પરંતુ કમનસીબે તે કામ તે પૂરું કરી શક્યા નહિ; આથી હરિભદ્રસૂરિના જીવનચરિત્ર પાસે ગ્રંથ અધૂરો રહ્યો જણાય છે. પરંતુ તેમની કૃતિએ પાછળના અનેક ચરિત્રાત્મક પ્રબંધોને પ્રેરણા આપી છે.
કથાવલી ભદ્રેશ્વરની મૌલિક રચના નથી. તેમણે અનેક પ્રાચીન ગ્રંથોમાંથી કથાનકો લઈને સંગ્રહ રૂપે કથાવલીની રચના કરી છે. ‘તરંગવતી’, ‘વસુદેવહિંડી’, ‘આવશ્યકનિર્યુક્તિ’, ‘ચૂર્ણિઓ’, ‘તિત્થોગાલી’ અને ‘મહાનિશીથ’ જેવા આગમિક ગ્રંથો અને કદાચ ‘ચઉપન્નમહાપુરિસચરિયં’ જેવા પોતાની સામેના પ્રાચીન ગ્રંથોમાંથી તેમણે ભરપૂર સામગ્રી લીધી છે. પરંતુ તેમણે તે સામગ્રીને પોતાની આગવી યોજના મુજબ ગોઠવી છે. તેમણે મહાપુરુષોનાં જીવનચરિત્રો કાળક્રમે આલેખ્યાં છે અને વચ્ચે વચ્ચે આનુષંગિક અન્ય કથાનકો મૂકતા જઈ સમગ્ર ગ્રંથની સળંગસૂત્રતા જાળવી રાખી છે. આમ મહાપુરુષોનાં જીવનચરિત્રની સાથે સાથે જ તરંગવતી જેવી સ્વતંત્ર કાલ્પનિક અનેક કથાઓ પણ તેમણે વિસ્તારથી આલેખી છે. તેમણે જૈન ર્દષ્ટિએ રામકથા (રામાયણ) અને કૃષ્ણકથા (મહાભારતકથા) પણ આપી છે. નાનીમોટી ત્રણસો ઉપરાંત કથાઓ કથાવલીમાં તેમણે ગૂંથેલી જોવા મળે છે. પૌરાણિક કથાઓમાં તેમણે કુરુચન્દ્રકથા, મુનિચન્દ્રકથા, ઇલાપુત્રકથા, નરસુંદરદેવકથા, વીરભદ્રકથા, વિષ્ણુકુમારકથા, દક્ષપ્રજાપતિકથા, મહાકાલકથા, વસુદેવકથા, ચારુદત્તકથા, મેઘવાહનકથા, ચારુચન્દ્ર અને અનંગસેના ગણિકાની કથા, અતિમુક્તકથા, દમયંતીકથા, સુકુમારિકાકથા, સાગરચંદ્રકથા, ઢંઢણકુમારકથા, ગજસુકુમાલકથા, ચિત્ર-સંભૂતકથા, નવફુલ્લમાલિકાકથા, બંધુદત્તકથા, મૃગાવતી-આર્યાચંદનાકથા, મણિભદ્ર-પૂર્ણભદ્રકથા, શ્રેણિકકથા, અભયકુમારકથા, દુર્મુખકથા, ઉદયનકથા, કુબેરદત્તાકથા, વિદ્યુન્માલિકથા, પ્રસન્નચંદ્રરાજર્ષિકથા, મધુબિન્દુકથા, ધન્ય-શાલિભદ્રકથા, કરકંડુકથા, સુજાતા-વાસવદત્તાકથા, જંબુએ પોતાની આઠ પત્નીઓને કહેલી આઠ કથાઓ, મૃગાપુત્રકથા, ચિલાતીપુત્રકથા, પુંડરીક-કંડરીકકથા, પદ્મશ્રીકથા, કુલવાલકકથા, અંબડપરિવ્રાજકકથા, દુર્મુખ-કલ્કીકથા, નિહ્નવોની કથાઓ, શકટાલસ્થૂલિભદ્રકથા, ચાણક્ય-ચન્દ્રગુપ્તકથા, શાલિવાહનકથા આદિ જૈન પરંપરામાં ચાલી આવતી ઢગલાબંધ કથાઓ અહીં ગૂંથી લીધી છે. પૌરાણિક કથાઓ ઉપરાંત તેમની વિશેષતા એ રહી છે કે તેમણે જૈન ધર્મના ઐતિહાસિક પ્રભાવક પુરુષોનાં જીવનચરિત્રો આપવાની શરૂઆત કરી છે. આમાં વજ્રસ્વામી, આર્યરક્ષિત, કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ, સ્કંદિલાચાર્ય, નાગાર્જુનાચાર્ય, ગોવિંદવાચક, ઉમાસ્વાતિ, મલ્લવાદી, જિનભદ્રગણિ, સિદ્ધસેન અને છેલ્લે હરિભદ્રસૂરિનાં કથાનકો તેમણે આપ્યાં છે.
‘કથાવલી’ સરળ મહારાષ્ટ્રી પ્રાકૃત ગદ્યમાં રચાયેલ છે; પરંતુ તેમાં અનેક કથાનકોમાં ઘણો મોટો પદ્યભાગ પણ જોવા મળે છે. આ ઉપરાંત છૂટાંછવાયાં સંસ્કૃત પદ્યો પણ મળે છે. સમગ્ર ગ્રંથ 23,800 ગ્રંથાગ્ર-પ્રમાણ છે. હસ્તપ્રતમાં આટલા ભાગને પ્રથમ પરિચ્છેદ તરીકે ઓળખાવાયેલ છે. એટલે ગ્રંથ હજુ અપૂર્ણ છે. કથાવલીકારની કેટલીક માન્યતાઓ પ્રાચીન શ્વેતામ્બર પરંપરાથી જુદી પડે છે.
ભદ્રેશ્વરસૂરિનો ગ્રંથરચનાનો ઉદ્દેશ યશ કમાવાનો ન હતો, પણ મહાપુરુષોના ચરિત્રાલેખન દ્વારા સામાન્ય જનોને ઉપદેશ આપવાનો હતો. તેથી અનેક પ્રાચીન ગ્રંથોની સામગ્રી તેમણે આમાં સંકલિત કરી છે. આથી કથાવલી એક પ્રાચીન મહાન કથાકોશ સમાન બની રહ્યો છે.
રમણિકભાઈ મ. શાહ