કહેવતકથા (લોકોક્તિ)

January, 2006

કહેવતકથા (લોકોક્તિ) : ‘કહેવત’ અને ‘કથા’ એ બે શબ્દો મળીને ‘કહેવતકથા’ થઈ, પણ ‘કહેવતકથા’ શબ્દપ્રયોગ આધુનિક કાળે પ્રયોજાવો શરૂ થયો છે. લૌકિક પરંપરામાં ‘કહેવતકથા’ ‘લોકોક્તિ’ તરીકે પણ પ્રચલિત હતી.

‘કહેવત’ એટલે કહેતી, ર્દષ્ટાંત, દાખલો કે ઉદાહરણ; ‘કહેવત’ ‘કહે’ ઉપરથી વ્યુત્પન્ન થાય છે, તેથી કહેવતના મૂળમાં ‘કહેવું’ ‘કહેણી’ કે ‘કથવું’ અર્થ સમાયેલો છે. ‘લોકોક્તિ’(લોક + ઉક્તિ)માં કહેવત અને કથા સમાવિષ્ટ થાય છે.

‘કહેવતકથા’ લોકસાહિત્યનું મહત્વનું અંગ છે, એમાં જનસમુદાયનું ડહાપણ, અનુભવવાણી તથા જમાનાનો વળોટ, પેઢી દર પેઢી સંગ્રહાઈને સર્વમાન્ય બની સર્વત્ર ફેલાઈ રહે છે.

પ્રથમ ‘કહેવત’ સર્જાય અને તે પછી તેનું આધાન લઈને કથા, કહાણી, ઓઠું રચાય છે. કહેવત-કથણીમાં કથાનકતત્વ ઉમેરાતાં તે ‘કહેવતકથા’ થાય છે. બધી જ ‘કહેવત’ની સાથે કોઈ કથાનક કે ઓઠું નથી હોતું, તો કોઈ કોઈ કહેવત માટે અનુરૂપ એવું ર્દષ્ટાંત-ઓઠું પાછળથી પ્રક્ષિપ્ત થાય છે, એટલે લૌકિક પરંપરામાં ‘કહેવત’ જેટલી સર્વવ્યાપ્ત છે, તેટલું તેનું ‘કથાનક’ કે ‘કથા’ નથી. આમ ‘કહેવત’ વિશેષ પ્રચલિત હોય છે, ત્યારે ‘કહેવતકથા’ મર્યાદિત રીતે પ્રચલિત હોય છે.

વારતા, લોકકથા, લોકોની સામે માંડીને કહેવાય – સંભળાવાય છે, ત્યારે ‘કહેવતકથા’ માંડીને કહેવાતી નથી. કહેનાર પોતાની વાત સામા પક્ષને ગળે ઉતારવા, અનુભવ ર્દઢ કરાવવા, વાતચીતની લઢણમાં જ ‘કહેવતકથા’ ટાંકે છે. આમ લૌકિક પરંપરામાં ઓઠા કે ર્દષ્ટાંત રૂપે ‘કહેવતકથા’નું ઓસાણ આપી ઉક્તિની શરૂઆતમાં કે અંતે ‘કહેવત’ ટાંકી ‘કહેવતકથા’ સમર્થિત કરાય છે.

‘કહેવત’ સાથે ‘કથા’ શિખામણ અને બોલચાલના વ્યવહારમાં ટાંકવાથી કથન સુર્દઢ બને છે, વાણી શોભી ઊઠે છે અને ‘કહેવતકથા’ પ્રયુક્ત કરવાથી વાત કે વ્યવહારની શીખ સજ્જડ રૂપે સમજાય છે.

‘કહેવતકથા’ લોકાનુભવે રચી કાઢેલી સરળ ભાષા-બોલીમાં અભિવ્યક્ત થતી, ટૂંકી અને ચોટદાર હોય છે. જનસમૂહને તેની દ્વારા બોધ, માર્મિક ચોટ, ડહાપણ, દક્ષતા અને રમૂજ વિશેષ રૂપે પીરસાય છે.

‘કહેવતકથા’ પ્રજાજીવનની સામાજિકતા, વ્યવહારુ ડહાપણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું દર્શન બક્ષે છે. ઉપરાંત પશુ, પંખી, પ્રકૃતિ અને નાતજાતનાં સ્વાભાવિક વલણોનાં પાસાંનું જીવનલક્ષી નિરૂપણ, રહેણીકરણી, માન્યતાઓ, દંભાચાર અને રૂઢિના ખ્યાલો તે સરળ બોલીમાં ચોટદાર વર્ણવે છે. ઘણી વાર પરસ્પરવિરોધી ‘કહેવતકથાઓ’ રજૂ થતી હોય છે; જેમ કે, ‘બોલે તેનાં બોર વેચાય’ તો તેની વિરુદ્ધ ‘ન બોલ્યામાં નવ ગુણ’. આમ કહેવતકથા પ્રકૃતિ અને માનવજીવનનું લાક્ષણિક અવલોકન હોવાથી તેમાં સ્થાન, સમય અને કાર્યપરિમાણને અનુકૂળ આલેખનદર્શન પણ હોય છે; તેથી અન્યોન્ય વિરોધાભાસી ‘કહેવત’ અને ‘કથા’ પણ આવી જતી હોય છે.

ખોડીદાસ પરમાર