હાયેનિયેલ્સ : વનસ્પતિઓના ત્રિઅંગી (Pteridophyta) વિભાગમાં આવેલા વર્ગ સ્ફેનોપ્સીડાનું એક અશ્મીભૂત ગોત્ર. તે નિમ્ન અને મધ્ય મત્સ્યયુગ(Devonian)માં અસ્તિત્વ ધરાવતું હતું. તેને ‘પ્રોટોઆર્ટિક્યુલેટી’ તરીકે પણ ઓળખાવવામાં આવે છે; કારણ કે તેઓ સ્ફેનોપ્સીડા વર્ગની સૌથી આદ્ય અને સરળ વનસ્પતિઓ હતી. આ ગોત્રમાંથી ઉત્ક્રાંતિની બે રેખાઓ ઉદભવી; જે પૈકી એક સ્ફેનોફાઇલેલ્સ અને બીજી ઇક્વિસીટેલ્સ સ્વરૂપે વિકાસ પામી હોવાની સંભવિતતા રહેલી છે.

 

આકૃતિ 1 : પ્રોટોહાયેનિયા : (અ) બીજાણુજનક, (આ) બીજાણુધાનીઓ

આ ગોત્ર ત્રણ પ્રજાતિઓનું બનેલું છે. પ્રોટોહાયેનિયા અધરિક મત્સ્ય યુગમાંથી અને હાયેનિયા તથા કૅલેમોફાઇટોન મધ્ય મત્સ્ય યુગમાંથી પ્રાપ્ત થઈ છે. આ પૈકી કૅલેમોફાઇટોન વધારે જાણીતી છે. આ ત્રણેય પ્રજાતિઓ પ્રમાણમાં નાના ક્ષુપ સ્વરૂપની હતી. તેઓ સરળ હોવા છતાં હાયેનિયેલ્સનું વર્ગીકરણવિદ્યાકીય (taxonomical) સ્થાન ખૂબ જટિલ છે. તે અસંબંધિત વનસ્પતિઓનો બનેલો અત્યંત કૃત્રિમ સમૂહ છે.

પ્રોટોહાયેનિયાનાં અશ્મિ પશ્ચિમ સાઇબૅરિયાના અધરિક મત્સ્ય યુગમાંથી મળી આવ્યાં છે. તેઓ સમક્ષિતિજીય ગાંઠામૂળી અને સીલોફાઇટેલ્સની જેમ અગ્રસ્થ બીજાણુધાનીઓવાળા હવાઈ (aerial) પ્રરોહો ધરાવતાં હતાં; પરંતુ તેમની બીજાણુધાનીઓની ગોઠવણીનું વલણ સ્ફેનોપ્સોઇડ ચક્રીક (verticillate) તરફનું હતું. તે હાયેનિયા જેવી છતાં નાની વનસ્પતિ હતી. પર્ણસમ ઉપાંગો પર્ણો કરતાં દ્વિશાખી શાખાઓ સાથે સામ્ય ધરાવતાં હતાં. અર્વાચીન સંશોધનો પ્રમાણે, પ્રોટોહાયેનિયા ક્લૅડોઝાયલેલ્સના સ્યુડોસ્પોરોકનસ સાથે ગાઢ સંબંધ ધરાવતી હોવાનું સૂચન થયું છે.

હાયેનિયાનાં અશ્મિ જર્મની અને નૉર્વેના મધ્ય મત્સ્યયુગમાંથી પ્રાપ્ત થયાં છે. તેની ગાંઠામૂળી મજબૂત અને સમક્ષિતિજીય હતી; જેના પર અનેક ઉન્નત (erect) પ્રરોહો આવેલા હતા. આ પ્રરોહો સામાન્યત: અશાખિત હતા, છતાં કેટલીક વાર પંજાકાર (digitate) શાખાઓ જોવા મળતી હતી. સંધિમયતા (articulation) અસ્પષ્ટ હતી. પર્ણ-સમ ઉપાંગો કેટલીક વાર દ્વિભાજિત થતાં હતાં; અને તેઓ ગાઢ અનિયમિત ચક્રોમાં ઉદભવતાં હતાં. પ્રત્યેક ચક્રમાં ત્રણ કે તેથી વધારે ઉપાંગો જોવા મળતાં હતાં. ફળાઉ ઉપાંગો અલગ પ્રરોહો (શિથિલ શંકુઓ) પર હતાં. તે પ્રત્યેક દ્વિભાજિત થઈ અક્ષ તરફ બહિર્વલિત (reflexed) થતાં હતાં અને તેનો પ્રત્યેક હસ્ત 23 લટકતી બીજાણુધાનીઓ ધરાવતો હતો.

આકૃતિ 2 : (અ) Hyenia elegans-નો બીજાણુજનક, (આ) વંધ્ય ઉપાંગ, (ઇ) ફળાઉ ઉપાંગો, (ઈ) Calamophyton primaevum-નો બીજાણુજનક, (ઉ) વંધ્ય ઉપાંગો, (ઊ) ફળાઉ ઉપાંગો.

કૅલેમોફાઇટોનનાં અશ્મિ જર્મની અને બેલ્જિયમના મધ્ય મત્સ્ય યુગમાંથી પ્રાપ્ત થયાં છે. તેની ઊંચાઈ 60 સેમી. જેટલી હતી. સંધિમયતા સ્પષ્ટપણે જોવા મળતી હતી. સામાન્ય શાખાવિન્યાસ (branching) પંજાકાર હતો. વંધ્ય ઉપાંગો ગાંઠ ઉપર ચક્રાકારે ગોઠવાયેલાં, ખાંચયુક્ત અને ફાચર આકારનાં હતાં, છતાં કેટલાક નમૂનાઓમાં વિવિધ સમતલોમાં ત્રિપરિમાણી દ્વિશાખિતા જોવા મળતી હતી. ફળાઉ ઉપાંગો શિથિલ શંકુઓના સ્વરૂપનાં હતાં. તેઓ એક વાર દ્વિભાજિત થઈ પ્રત્યેક શાખા ઉપર એક જ લટકતી બીજાણુધાની ધરાવતાં હતાં. આંતરિક રચના સ્પષ્ટ નથી, છતાં પ્રકાંડ નળાકાર મધ્યરંભી (siphonostelic) હતાં અને સંભવત: તેમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી હતી. સંપીડિત (compressed) પ્રકાંડનાં અશ્મિમાંથી જાલાકાર (reticulate) અને સોપાનાકાર (scalariform) જલવાહિનિકીઓ (tracheids) શોધાઈ છે. C. bicephalum ક્લૅડોઝાયલેલિયન પ્રકાંડ ધરાવે છે; જે હાયેનિયેલ્સના સ્થાન વિશે વધારે વિવાદ જગવે છે.

આ ગોત્રનો બાહ્ય દેખાવ સાઇલોફાઇટોપ્સીડા સાથે સામ્ય ધરાવે છે. તેથી તે સાઇલોફાઇટોપ્સીડામાં ન ઉદભવ્યું હોય છતાં સામાન્ય ઉદભવની સમીપથી તેનો વિકાસ થયો હોવાની સંભાવના છે

બળદેવભાઈ પટેલ