અડવાણી, લાલકૃષ્ણ (જ. 8 નવેમ્બર 1927; કરાંચી, પાકિસ્તાન) : ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદ(સિંધ)માં. મુંબઈ યુનિવર્સિટીના કાયદાના સ્નાતક. કૉલેજકાળ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના સ્વયંસેવક બન્યા, અને તેને જીવન સમર્પિત કરી દીધું. સંઘનાં કાર્યો માટે રાજસ્થાનમાં અલવર, ભરતપુર, કોટા વગેરે સ્થળોએ વર્ષો સુધી કાર્ય કર્યું. 1951માં ભારતીય જનસંઘની સ્થાપના થતાં પ્રારંભમાં તેઓ રાજસ્થાન જનસંઘના મંત્રી હતા. 1952થી ’57 સુધી દિલ્હી જનસંઘના મંત્રી અને 1963 સુધી તેના ઉપપ્રમુખ તરીકે તેમણે કામ કરેલું. 1965થી ’67 સુધી દિલ્હી પ્રદેશ જનસંઘના અને 1973થી ’75 સુધી અખિલ ભારતીય જનસંઘના પ્રમુખ બન્યા. 1966થી ’67 સુધી દિલ્હી મહાનગર પરિષદ(દિલ્હી મેટ્રોપોલિટન કાઉન્સિલ)માં વિરોધ પક્ષના નેતા તરીકે અને 1967માં જનસંઘ સત્તા પર આવતાં મહાનગર પરિષદના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. 1970માં તેઓ દિલ્હીમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા. 1976માં તેઓ કટોકટી દરમિયાન ‘મિસા’ હેઠળ બૅંંગાલુરુ જેલમાં હતા. જેલમાંથી જ તેઓ ગુજરાતમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા. 1982માં તેઓ મધ્યપ્રદેશમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા.
1977માં કેન્દ્રની જનતા સરકારમાં તેઓ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન હતા. તેમણે અખબારો પરની સેન્સરશિપ હઠાવેલી. સમાચાર-સંસ્થાઓ સરકારી દબાણથી પર હોવી જોઈએ એ સિદ્ધાંત અમલમાં મૂક્યો. આકાશવાણી અને દૂરદર્શનને સરકારી પકડમાંથી મુક્ત કરીને સ્વાયત્ત બનાવવાના પ્રયાસો તેમણે આદર્યા. વડાપ્રધાનને રેડિયો અને દૂરદર્શન પર સંબોધન કરવાનું નિમંત્રણ આપવાની સાથોસાથ વિરોધપક્ષના નેતાને એવું નિમંત્રણ આપનાર તેઓ કદાચ પ્રથમ મંત્રી હતા. અનેક યુરોપીય દેશોનાં બંધારણ અને ચૂંટણીપદ્ધતિનો અભ્યાસ કરીને તેમણે ‘પ્રમાણસરના પ્રતિનિધિત્વનો’ વિચાર મૂકીને ચૂંટણીમાં થતા ભ્રષ્ટાચારને રોકવાની યોજના કરેલી.
એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થતાં તેઓ નવા પક્ષના મહામંત્રી બન્યા (1980–86). 1986માં પક્ષના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી (1986–98). 1990માં તેમણે લોકજાગૃતિનું ધ્યેય હાંસલ કરવા માટે સોમનાથથી રથયાત્રાની શરૂઆત કરી હતી, જે દેશના જુદા જુદા વિસ્તારોમાં ફરવાની હતી. પરંતુ પટના ખાતે રથયાત્રા પહોંચતાં બિહાર સરકારના આદેશથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1996ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ગુજરાતના ગાંધીનગર મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા અને વિજયી બન્યા, પરંતુ જૈન હવાલા કાંડમાં તેમની સંડોવણી થતાં તેમણે લોકસભામાંથી રાજીનામું આપ્યું અને દોષમુક્ત જાહેર ન થાય ત્યાં સુધી ચૂંટણી ન લડવાનો નિર્ધાર જાહેર કર્યો. 1997માં પ્રથમ દિલ્હીના ઉચ્ચ ન્યાયાલયે અને 1998માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે તેમની સામેનો આ ખટલો પૂરતા પુરાવાના અભાવે કાઢી નાખતાં ફેબ્રુઆરી-માર્ચ 1998માં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં તેઓ ફરી ગાંધીનગર મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા અને માર્ચ 1998માં કેન્દ્રમાં અટલબિહારી વાજપાઈના નેતૃત્વ હેઠળ રચાયેલી સરકારમાં તેઓ ગૃહમંત્રી બન્યા. 1999ની સામાન્ય ચૂંટણીમાં પણ તેઓ તે જ મતદાર વિસ્તારમાંથી ચૂંટાયા હતા.
2002થી 2004 દરમિયાન અડવાણી દેશના નાયબ વડાપ્રધાન બન્યા હતા. 2004થી 2009 સુધી તેઓ લોકસભામાં વિપક્ષના નેતા બન્યા હતા. 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને સાથીપક્ષોએ તેમને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ મનમોહન સિંહની સરકાર બીજી ટર્મ માટે ચૂંટાઈ આવતાં તેમને ફરી વખત વિપક્ષમાં બેસવું પડ્યું હતું. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી.
લાલકૃષ્ણ અડવાણી પર 1992માં અયોધ્યાનો વિવાદિત ઢાંચો તોડવા માટે લોકોને ઉશ્કેર્યા હોવાનો આરોપ લાગ્યો હતો. 2020માં સીબીઆઈ કોર્ટે તેમને આરોપમુક્ત કરતો ચુકાદો આપ્યો હતો. 2024માં તેઓને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
દેવવ્રત પાઠક