અડહાઈ કાન્જુર મસ્જિદ

January, 2001

અડહાઈ કાન્જુર મસ્જિદ, બનારસ (. . પંદરમી સદી) : જૌનપુર શૈલીની અસર દર્શાવતી મસ્જિદ. જૌનપુર શૈલીની ખાસિયતો ભારતીય મુસ્લિમ સ્થાપત્યની દૃષ્ટિએ અદ્વિતીય ગણાય. મસ્જિદની બહારનું બાંધકામ બે બાજુના મિનારા વડે સુશોભિત આગળના ભાગ સાથેનું છે. આવી જાતની રચનાને લઈને મસ્જિદનું સ્થાપત્ય એક આગવી પ્રતિભા ધરાવે છે. મિનારા અને કમાન વડે રચાયેલ દૃશ્યમાન મુસ્લિમ સંસ્કૃતિ સાથે લાક્ષણિક સંબંધ ધરાવે છે. ભારતીય કલાકારો, કારીગરો, શિલ્પીઓના બહોળા અનુભવને આધારે આ જાતની સુયોજિત રચનાઓ આવા બાહ્ય દૃશ્યમાન માટે કારણભૂત રહેલી છે. આવી યોજનાઓના આધારભૂત વિચાર રૂપે મુસ્લિમ સંસ્કૃતિની રક્ષણાત્મક ભાવનાઓ પણ લાક્ષણિક રહેલ છે, જેમાં ધાર્મિક સ્થાનો કિલ્લેબંધ રચવામાં આવતાં. મસ્જિદ-સ્થાપત્યમાં કિલ્લેબંધીની લાક્ષણિકતાનું દર્શન થાય છે.

રવીન્દ્ર વસાવડા