પરસાણા, ધીરજ દેવશીભાઈ (જ. 2 ડિસેમ્બર 1947, રાજકોટ) : સૌરાષ્ટ્ર-ગુજરાત-ભારત તરફથી, રેલવે તરફથી રમેલા ઑલરાઉન્ડર. ધીમા ડાબોડી ગોલંદાજ અને ડાબોડી બૅટ્સમૅન ધીરજ પરસાણા સૌરાષ્ટ્ર-ગુજરાત તરફથી અને રેલવે તરફથી રણજી ટ્રૉફી રમ્યા. તેમાં 37 મૅચમાં બે સદી અને નવ અડધી સદી સાથે 1,902 રન કર્યા તેમજ 1,112.1 ઓવર નાખી 2,266 રન આપીને 116 વિકેટ લીધી. એમની ઉત્કૃષ્ટ ગોલંદાજી વલસાડ સામે ખેલતાં 1977-78માં, 14 રનમાં ઝડપેલી 6 વિકેટની છે. 1979માં વેસ્ટઇન્ડીઝની ટીમ સામે ચેન્નાઈની ચોથી ટેસ્ટ અને નવી દિલ્હીની પાંચમી ટેસ્ટ તેઓ ખેલ્યા. પરંતુ નિષ્ફળતા મળતાં તેઓ ટેસ્ટમાં આગળ વધી શક્યા નહિ. હાલ ધીરજ પરસાણા ગુજરાતના ખેલાડીઓને કોચિંગ આપવાનું મહત્ત્વનું કામ કરે છે.
નરેન્દ્ર દુર્ગાશંકર ભટ્ટ