પરસેવો : સસ્તન પ્રાણીઓની શરીરત્વચા પર પ્રસરેલ સ્વેદ-ગ્રંથિ(sweat-glands)માંથી સ્રવતું પ્રવાહી. આ પ્રવાહી મુખ્યત્વે પાણી, સોડિયમ ક્લોરાઇડ, પોટૅશિયમ, લવણ, લૅક્ટિક ઍસિડ અને યુરિયાનું બનેલું હોય છે. આમ તો રાત્રિ અને દિવસ દરમિયાન ગમે ત્યારે પરસેવો છૂટતો હોય છે. ભલે વાતાવરણ ગરમ હોય કે ઠંડું; પરંતુ સામાન્યપણે શિયાળામાં પરસેવાના ત્યાગનું પ્રમાણ નહિવત્ હોય છે. પરંતુ ગરમી વધવાથી, વધારે પરિશ્રમ કરવાથી અથવા તો બીકને લીધે પરસેવાનું પ્રમાણ વધે છે. મલેરિયા જેવા ચેપજન્ય રોગને લીધે અથવા તો ચયાપચયિત ખામીને લીધે પણ શરીરનું તાપમાન વધવાથી પરસેવો નીકળે છે અને શરીરનું તાપમાન નિયંત્રણમાં આવે છે.

મગજના અધશ્ચેતક (hypothalamus) નામે ઓળખાતા ભાગમાં ગરમીનું નિયમન કરનાર કેન્દ્ર આવેલું છે. ગરમ લોહી આ કેન્દ્રમાંથી પસાર થવાથી અથવા તો ત્વચાની સપાટીએ આવેલ આવેગ (impulse) ઝીલવાથી આ કેન્દ્ર ઉત્તેજાય છે અને શરીરનું તાપમાન ઘટાડવા સ્વેદગ્રંથિઓને ક્રિયાશીલ થવા પ્રેરે છે, પરિણામે ત્વચા પર પરસેવો પ્રસરવાથી બાષ્પોત્સર્જન પ્રક્રિયાને અધીન શરીરનું તાપમાન ઘટે છે.

સ્વેદગ્રંથિઓ સસ્તનોમાં આવેલી હોવા છતાં, પ્રસ્વેદ (perspiration) બધાં સસ્તનોમાં ક્રિયાશીલ હોતો નથી. તેથી ભેંસ કે હાથી જેવાં સસ્તનો વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ વધતાં મીઠાં જળાશયોનો આશરો લે છે. કૂતરાંને પણ સ્વેદગ્રંથિઓ હોય છે; પરંતુ સામાન્યપણે તેનો ઉપયોગ શરીરનું તાપમાન જાળવવામાં થતો નથી. કૂતરું શરીરનું તાપમાન ઘટાડવા જીભને બહાર કાઢીને હાંફે (pants) છે.

મ. શિ. દૂબળે