પરમાણુ–શસ્ત્રો
(atomic અથવા nuclear weapons)
દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર કરીને તૈયાર કરવામાં આવતાં વિનાશાત્મક યુદ્ધશસ્ત્રો. તમામ પરમાણુ-શસ્ત્રો વિસ્ફોટક પ્રયુક્તિઓ (devices) છે. તેમાં મિસાઇલ, બૉંબ, ટૉર્પિડો વગેરેનો સમાવેશ થાય છે. પરંપરાગત (conventional) શસ્ત્રો કરતાં પરમાણુ(ન્યૂક્લિયર)-શસ્ત્રો ઘણાં વધારે વિનાશાત્મક હોય છે.
પરમાણુ-શસ્ત્રો બે પ્રકારનાં હોય છે : (1) વિખંડન-(fission) શસ્ત્રો, જે પરમાણુ-શસ્ત્રો તરીકે ઓળખાય છે; અને (2) સંલયન-(fusion) શસ્ત્રો, જેને થરમૉન્યૂક્લિયર પ્રયુક્તિ અથવા હાઇડ્રોજન-બૉંબ પણ કહે છે. વિખંડન પ્રકારનાં શસ્ત્રોમાં યુરેનિયમ અથવા પ્લૂટોનિયમ જેવાં ભારે અસ્થાયી તત્ત્વોની પરમાણુની ન્યૂક્લિયસનું લગભગ સરખા બે ભાગમાં વિભાજન કરતાં પડતી દ્રવ્યની ઘટ(mass-effect)નું આઇન્સ્ટાઇનના સિદ્ધાંત (E=mc2) મુજબ વિપુલ ઊર્જામાં રૂપાંતર થાય છે. સંલયન-શસ્ત્રોમાં હાઇડ્રોજન, ડ્યૂટેરિયમ અથવા ટ્રિટિયમ જેવી હલકી ન્યૂક્લિયસનું અતિ ઊંચા તાપમાને (આશરે 107° સે.) સંગલન કરી ભારે ન્યૂક્લિયસ બનતાં પડતી દ્રવ્ય-ઘટનું ઊર્જામાં રૂપાંતર થાય છે. સંલયનથી પેદા થતી ઊર્જા વિખંડનથી પેદા થતી ઊર્જા કરતાં હજારોગણી વધારે હોય છે. આજે વિશ્વમાં જુદી જુદી પરમાણુ-સત્તાઓ પાસે વિશેષ કરીને થરમૉન્યૂક્લિયર પ્રયુક્તિનો જથ્થો વધારે પ્રમાણમાં છે.
બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન યુ.એસ.એ જ્યારે જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો ઉપર બે વિખંડન પ્રકારના પરમાણુ-બૉંબ ઝીંક્યા ત્યારે વિશ્વની પ્રજાને પરમાણુ-ઊર્જાની સંહારાત્મક શક્તિનો પરચો થયો. એવો એક અભિપ્રાય પ્રવર્તે છે કે યુ.એસ.એ જાપાન ઉપર પરમાણુ-બૉંબ ઝીંકતાંની સાથે જાપાન અને તેના સાથીદારોએ શરણાગતિ સ્વીકારી અને તરત જ બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. હિરોશીમામાં વધુ વિનાશ થયો હતો. આશરે 70,000થી 100,000 લોકો માર્યા ગયા હતા. આ શહેરનો 13 ચોરસ કિલોમીટર વિસ્તાર નાશ પામ્યો હતો. આ બૉંબ 13 કિલો ટનનો હતો. એટલે કે 12,000 મૅટ્રિક ટન ટી.એન.ટી.(Tri-nitro-tolune)ના વિસ્ફોટથી જેટલી ઊર્જા પેદા થાય છે તેટલી ઊર્જા આ બૉંબ વડે પેદા થઈ હતી. વિશ્વના જુદા જુદા દેશો પાસે હાલ જે થરમૉન્યૂક્લિયર શસ્ત્રોનો જથ્થો છે તે તમામ હિરોશીમા ઉપર ફેંકાયેલા બૉંબ કરતાં 8થી 40 ગણી વધારે સંહારાત્મક શક્તિ ધરાવે છે.
માત્ર બે વિખંડન-બૉંબનો ઉપયોગ યુદ્ધમાં થયો છે. અમેરિકા, રશિયા, ફ્રાંસ, બ્રિટન અને ચીને આજ સુધી 2000થી વધુ પરમાણુ-પરીક્ષણો કર્યાં છે. ઉપરાંત 1998ના મે મહિનામાં ભારતે 5 અને પાકિસ્તાને 6 ભૂગર્ભ પરમાણુ-પરીક્ષણો કર્યાં છે. બીજા વિશ્વયુદ્ધ બાદ કોઈ પણ રાષ્ટ્રની તાકાતનો પરિચય તેની પાસેનાં પરમાણુ-શસ્ત્રોના પુરવઠાને આધારે થતો આવ્યો છે. અર્થાત્, લશ્કરી તાકાત એટલે પરમાણુ-શસ્ત્રોનો જથ્થો. પરમાણુ-શસ્ત્રોની દૃષ્ટિએ યુ.એસ. સૌથી વધારે તાકાત ધરાવે છે. બીજે ક્રમે તત્કાલીન યુ.એસ.એસ.આર. (હાલનું રશિયા) આવે છે. ફ્રાંસ, બ્રિટન અને ચીન પણ ઓછાવત્તા પ્રમાણમાં પરમાણુ-શસ્ત્રો ધરાવે છે. ભારત, ઇઝરાયલ અને પાકિસ્તાન જેવાં કેટલાંક રાષ્ટ્રો પરમાણુ-શસ્ત્રો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
પરમાણુ-શસ્ત્રોની પ્રચંડ સંહારાત્મક શક્તિ જોતાં કેટલાંક રાષ્ટ્રો તેની જરૂરિયાતને વાજબી ઠરાવે છે તો કેટલાંક રાષ્ટ્ર તે માટે સંમત થતાં નથી. કેટલાક નિષ્ણાતો એવો મત ધરાવે છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ પરમાણુ-યુદ્ધની ધમકીથી શાંતિની સંભાવનામાં વધારો થયો છે. મોટાં રાષ્ટ્રો તો એકબીજાંની પરમાણુ-શસ્ત્રોની તાકાતને કારણે યુદ્ધથી નિ:શંકપણે દૂર રહ્યાં છે. પરમાણુ-શસ્ત્રોને લીધે પેદા થતી ભયની સમતુલા (balance of terror) શાંતિ સ્થાપવામાં મદદરૂપ બની શકે છે. આ સાથે યુદ્ધ-નિષ્ણાતો, બૌદ્ધિકો અને વિજ્ઞાનીઓ માને છે કે જો વિશ્વ-વ્યાપી પરમાણુ-યુદ્ધ થશે તો સમગ્ર વિશ્વનો ખાતમો બોલી જશે. આથી રાષ્ટ્રો ન્યૂક્લિયર યુદ્ધથી દૂર રહેવા માગે છે અને કેટલાંક રાષ્ટ્રો તો પરમાણુ-શસ્ત્રોના ઉત્પાદન અને ઉપયોગ ઉપર નિયંત્રણ લાદવામાં માને છે. પૂર્વયુરોપ અને તત્કાલીન સોવિયેત સંઘે 1980 બાદ પરમાણુ-શસ્ત્રો પર નિયંત્રણની શરૂઆત કરી છે.
વિખંડન–શસ્ત્રો : પરમાણુની ન્યૂક્લિયસનું વિખંડન કરવાથી પ્રચંડ ઊર્જા પેદા થાય છે. આથી વિખંડનની પ્રક્રિયા ઉપર આધારિત શસ્ત્રો બનાવવાનું હવે સરળ બન્યું છે. પરમાણુ-શસ્ત્રોમાં ત્રણ પ્રકારના પરમાણુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમના વિખંડનથી ઊર્જા પેદા કરવામાં આવે છે. આ ત્રણ પ્રકારના પરમાણુઓમાં યુરેનિયમ(U)ના સમસ્થાનિકો(isotopes)નો સમાવેશ થાય છે એટલે કે U-235 અને U-238. તે સાથે પ્લૂટોનિયમ(Pu-239)નો પણ સમાવેશ થાય છે. એક જ પ્રકારના તત્ત્વનો જુદો જુદો ભાર ધરાવતા પરમાણુઓને સમસ્થાનિકો કહે છે. બીજી રીતે કહેતાં, સમસ્થાનિકોના પરમાણુ-ક્રમાંક (ન્યૂક્લિયસમાં પ્રોટૉનની સંખ્યા) સમાન હોય છે, જ્યારે પરમાણુ-ભારાંક (ન્યૂક્લિયસમાં પ્રોટૉન અને ન્યૂટ્રૉનની સંખ્યા) અસમાન હોય છે.
યુરેનિયમ અથવા પ્લૂટોનિયમના પરમાણુની ન્યૂક્લિયસ ઉપર વિદ્યુતભારવિહીન ન્યૂટ્રૉન જેવા શક્તિશાળી કણનો મારો કરવાથી તેનું વિખંડન થાય છે. પરિણામે લગભગ સરખા દળના બે વિખંડિત ટુકડા, કેટલાક ન્યૂટ્રૉન, બીટા કણ (ઇલૅક્ટ્રોન), ગૅમા-કિરણો અને ઊર્જાનું ઉત્સર્જન થાય છે. આવા ઉત્સર્જિત ન્યૂટ્રૉન વડે યુરેનિયમ અથવા પ્લૂટોનિયમના બીજા પરમાણુનું વિખંડન કરી શકાય છે. તે રીતે ન્યૂટ્રૉન કણોનું ઉત્સર્જન અને ભારે કણોનું વિખંડન થતું રહે છે. આ રીતે આપમેળે ચાલતી અને ટકી રહેતી વિખંડનની સતત પ્રક્રિયાને શૃંખલા-પ્રક્રિયા (chain-reaction) કહે છે. વિખંડનથી વિસ્ફોટ કરવા માટે આવી શૃંખલા-પ્રક્રિયા અનિવાર્ય છે.
આવી આપમેળે ટકી રહેતી સફળ શૃંખલા-પ્રક્રિયા માટે વિખંડનશીલ દ્રવ્યના જરૂરી જથ્થાને ક્રાંતિક-દળ (critical mass) કહે છે. ક્રાંતિક-દળ કરતાં ઓછા દળને ઉપક્રાંતિક (subcritical) દળ અને વધુ દળને અતિક્રાંતિક (super critical) દળ કહે છે. વિખંડનશીલ દ્રવ્યનું દળ અતિક્રાંતિક હોય તો શૃંખલા-પ્રક્રિયાથી પેદા થતા ન્યૂટ્રૉનની સંખ્યા એકદમ વધી જતાં પ્રક્રિયા અતિ ઝડપે થાય છે. પરિણામે વિસ્ફોટ થાય છે.
વિખંડન-શસ્ત્રોમાં ક્રાંતિક કદ માટે બે પદ્ધતિઓ વપરાય છે : (1) બંદૂક-પ્રકાર(gun-typed)ની પદ્ધતિ (2) અંત:સ્ફોટ (implosion) પ્રકારની પદ્ધતિ. બંદૂક-પ્રકારની પ્રયુક્તિમાં બંદૂકની નળી જેવા ભાગમાં દ્રવ્યના ઉપક્રાંતિક દળના બે ટુકડા રાખવામાં આવે છે. એક ટુકડો નળીના એક છેડે ગોઠવેલો હોય છે અને બીજો પહેલા ટુકડાથી થોડેક દૂર નળીના બીજે છેડે રાખેલો હોય છે. બીજા ટુકડાની પાછળ શક્તિશાળી પરંપરાગત વિસ્ફોટક પદાર્થ પૅક કરીને રાખેલો હોય છે. ત્યાર બાદ નળીને બંધ (seal) કરવામાં આવે છે. જ્યારે શસ્ત્રના ફ્યૂઝને વિમોચિત (triggered) કરવામાં એટલે કે પલીતો ચાંપવામાં આવે છે ત્યારે પરંપરાગત વિસ્ફોટક પદાર્થ બીજા ઉપક્રાંતિક દળને ધક્કો મારે છે, જે પ્રચંડ વેગથી પ્રથમ ઉપક્રાંતિક દળ તરફ ધસી આવે છે. બંને ઉપક્રાંતિક દળ ભેગાં થતાં સરવાળે તે અતિક્રાંતિક દળ બને છે. પરિણામે આપમેળે ચાલતી શૃંખલા-પ્રક્રિયા શરૂ થાય છે, જે ટૂંક સમયમાં ન્યૂક્લિયર વિસ્ફોટકમાં પરિણમે છે. યુ.એસ. દ્વારા આ પ્રકારનો બૉંબ હિરોશીમા ઉપર ઝીંકાયો હતો.
અંત:સ્ફોટ પ્રયુક્તિમાં ઉપક્રાંતિક દળને પ્રચંડ રીતે સંકોચીને તેનું કદ અત્યંત નાનું બનાવવામાં આવે છે અને પરિણામે તે અતિક્રાંતિક દળ બને છે. ગોળાકાર ધરાવતા ઉપક્રાંતિક દળને શસ્ત્રના કેન્દ્ર ઉપર રાખવામાં આવે છે. આ બળની આસપાસ પરંપરાગત વિસ્ફોટક પદાર્થને ગોળાકારે ગોઠવવામાં આવે છે. જ્યારે ફ્યૂઝને ચાંપવામાં આવે છે ત્યારે વિસ્ફોટક પદાર્થ બધી બાજુએથી એકસાથે વછૂટે છે. આ વિસ્ફોટ વિખંડનશીલ દળને જોરથી સંકોચે છે, પરિણામે ઉચ્ચ-ઘનતા ધરાવતું અતિક્રાંતિક દળ તૈયાર થાય છે. ત્યારબાદ આપમેળે ચાલતી શૃંખલા-પ્રક્રિયા શરૂ થાય છે અને અંતે વિસ્ફોટ થાય છે. યુ.એસ.એ આ પ્રકારનો બૉંબ નાગાસાકી ઉપર ઝીંક્યો હતો.
થરમૉન્યૂક્લિયર શસ્ત્રો : આવાં શસ્ત્રોમાં સંલયન(fusion)ની પ્રક્રિયા વડે પ્રચંડ ઊર્જા મેળવવામાં આવે છે. તેમાં અતિ ઊંચા તાપમાને બે હલકી ન્યૂક્લિયસનું સંગલન કરવામાં આવે છે. થરમૉન્યૂક્લિયર શસ્ત્રોમાં હાઇડ્રોજનના સમસ્થાનિકો ડ્યૂટેરિયમ (21H) અને (31H) ટ્રિટિયમની ન્યૂક્લિયસનું સંગલન કરવામાં આવે છે. સંગલનની પ્રક્રિયા માટે અતિ ઊંચું તાપમાન એટલે કે આશરે 107-108° સે. જરૂરી છે. આટલું ઊંચું તાપમાન સૂર્યના અંતર્ભાગ(core)માં જ જોવા મળે છે. સંગલન માટે આટલું ઊંચું તાપમાન મેળવવાનો કોયડો છે. સામાન્ય ઈંધણ કે પ્રક્રિયા વડે આટલું ઊંચું તાપમાન શક્ય નથી. ન્યૂક્લિયર વિખંડન જ એક એવી પ્રક્રિયા છે, જે આટલું જરૂરી ઊંચું તાપમાન પેદા કરી શકે છે. એટલે સંલગ્ન-પ્રક્રિયા માટે જરૂરી તાપમાન વિખંડન-પ્રક્રિયા વડે મેળવાય છે. એટલે કે થરમૉન્યૂક્લિયર શસ્ત્રોમાં વિખંડન-પ્રયુક્તિ વડે અંત:સ્ફોટ કરવામાં આવે છે. જ્યારે વિખંડન-પ્રયુક્તિનો વિસ્ફોટ થાય છે ત્યારે સંખ્યાબંધ ન્યૂટ્રૉન છૂટા પડે છે. અહીં વિખંડનશીલ દ્રવ્ય ઉપર મારો કરાય છે. અહીં વિખંડનશીલ દ્રવ્ય તરીકે લિક્ષ્યિમ-6 ડ્યૂટેરાઇડ હોય છે, જે ડ્યૂટેરિયમ અને લિથિયમ-6 ધરાવે છે. આ સંયોજન ઉપર ન્યૂટ્રૉનનો મારો થતાં લિથિયમ-6 પોતે જ હિલિયમ અને ટ્રિટિયમ બનાવે છે. ત્યારબાદ ટ્રિટિયમના, ડ્યૂટેરિયમના, ડ્યૂટ્યુટેરિયમ અને ટ્રિટિયમના જોડકાનું સંગલન થાય છે. પરિણામે ડ્યૂટેરિયમ અને ટ્રિટિયમનું થોડુંક દળ ઊર્જામાં રૂપાંતર પામે છે. તેથી થરમૉન્યૂક્લિયર વિસ્ફોટ થાય છે. થરમૉન્યૂક્લિયર શસ્ત્રની સંહારક-શક્તિ વધારવા માટે લિથિયમ-6 ડ્યૂટેરાઇડ ઉપર યુરેનિયમ(U-238)ને કંબલ રૂપે ઢાંકી દેવામાં આવે છે. U-238નું વિખંડન હાઇડ્રોજન-વિસ્ફોટ કરે છે.
ન્યૂક્લિયર શસ્ત્રોની અસર : ન્યૂક્લિયર વિસ્ફોટ પ્રયુક્તિઓ વડે ભાતભાતની લબ્ધિઓ (yield) શક્ય છે. કેટલાક જૂના બૉંબની તાકાત 20 મેગાટન એટલે કે હિરોશીમા ઉપર ફેંકાયેલા બૉંબના કરતાં, 1540 ગણી તાકાત . મેગાટન એટલે 907000 મેટ્રિક ટન ટી.એન.ટી. વડે પેદા થતી ઊર્જા. આધુનિક સમયમાં પ્રક્ષેપાસ્ત્રો એકદમ ચોક્કસ હોઈને મોટા ભાગના બૉંબ એક મેગાટન ઓછી શક્તિવાળા હોય છે. ન્યૂક્લિયર વિસ્ફોટની લોકો, રહેઠાણો અને પર્યાવરણ ઉપર થતી અસર ઘણાં પરિબળો ઉપર આધારિત છે. આ પરિબળોમાં હવામાન, ભૂ-ભાગ (terrain), પૃથ્વીની સપાટીને સાપેક્ષ કયા બિંદુ આગળ વિસ્ફોટ કરવામાં આવ્યો છે તે અને શસ્ત્રની તાકાત વગેરેનો સમાવેશ થાય છે. ન્યૂક્લિયર શસ્ત્રના વિસ્ફોટથી આ પ્રમાણેની અસરો જોવા મળે છે : (1) વિસ્ફોટ(blast)-તરંગ (2) ઉષ્મીય વિકિરણ (3) પ્રારંભિક ન્યૂક્લિયર વિકિરણ અને (4) શેષ ન્યૂક્લિયર વિકિરણ.
વિસ્ફોટ–તરંગ : વિસ્ફોટની શરૂઆત અગન-ગોળાથી થાય છે. તેમાં ધૂળ, રાખ, અત્યંત ગરમ અને પ્રચંડ દબાણ ધરાવતા વાયુઓનો સમાવેશ થાય છે. વિસ્ફોટ બાદ સેકન્ડના સોમા ભાગથીય ઓછા સમયમાં વાયુનું પ્રચંડ વિસ્તરણ થાય છે. પરિણામે વિસ્ફોટ-તરંગ સર્જાય છે. આ તરંગને કેટલીક વખત આઘાત(shock)-તરંગ પણ કહે છે. આ તરંગમાં સંકોચાયેલી હવા અત્યંત ઝડપથી દીવાલની જેમ ગતિ કરે છે. એક મેગાટનના વિસ્ફોટથી રચાતો વિસ્ફોટ-તરંગ 50 સેકન્ડમાં ભૂમિ-શૂન્ય-(ground zero)થી 19 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. ભૂમિ-શૂન્ય એ હવામાં થતા વિસ્ફોટની બરાબર નીચે ભૂમિ ઉપર આવેલું બિંદુ છે. આવો વિસ્ફોટ-તરંગ ઘણું નુકસાન કરે છે. તરંગ જેમ આગળ ધપે છે તેમ અત્યધિક દબાણ (over pressure) પેદા કરતો જાય છે. એક મેગાટનના વિસ્ફોટથી પેદા થતું અત્યધિક દબાણ ભૂમિ-શૂન્યથી 1.6 કિલોમીટર દૂર આવેલાં મકાનોનો સર્વનાશ કરી શકે છે; 10 કિલોમીટરના વિસ્તારમાં મકાનોને ગંભીર નુકસાન કરે છે. વિસ્ફોટ-તરંગની પાછળ પ્રબળ પવનો ફૂંકાતા હોય છે. આ પવનોની ઝડપ કલાકના 640 કિલોમીટરની હોય છે 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્ફોટ-તરંગો અને આવા પવનો ઘણા લોકોને ખતમ કરી નાખે છે; જ્યારે 5થી 10 કિલોમીટરના વિસ્તારમાં લોકોને ગંભીર ઈજાઓ થાય છે.
ઉષ્મીય વિકિરણ : અગન-ગોળામાંથી પારજાંબલી (ultraviolet), દૃશ્ય (visible) અને અધોરક્ત (infra-red) વિકિરણો ઉત્સર્જિત થાય છે. પાર-જાંબલી કિરણો હવાના કણો વડે તરત જ શોષાઈ જાય છે. તેથી તેમનાથી નહિવત્ નુકસાન થાય છે. દૃશ્ય અને અધોરક્ત વિકિરણ આંખને ઈજા પહોંચાડે છે તથા ચામડી ઉપર દાહ (burn) લગાડે છે. તેને આકસ્મિક દાહ (flash burn) કહે છે. હિરોશીમા અને નાગાસાકીમાં 20 %થી 30 % લોકો આવા દાહથી મોતને ભેટ્યા હતા. ઉષ્મીય વિકિરણ જ્વલનશીલ પદાર્થો જેવા કે કાગળ અને સૂકાં પાંદડાંને સળગાવે છે. આથી મોટી આગ ફાટી નીકળે છે. કેટલાક વિજ્ઞાનીઓની સૈદ્ધાંતિક માન્યતા છે કે જો ન્યૂક્લિયર યુદ્ધ ફાટી નીકળે ને સંખ્યાબંધ થરમૉન્યૂક્લિયર અને વિખંડન-બૉંબનો વિસ્ફોટ થાય તો તેનાથી ન્યૂક્લિયર શિયાળા(nuclear winter)ની પરિસ્થિતિ સર્જાય એટલે કે આવા વિસ્ફોટથી વિશાળ ધૂમ્ર-વાદળ રચાય અને સમગ્ર વાતાવરણમાં તે ફેલાઈ જતાં સૂર્યનો પ્રકાશ વાતાવરણમાં રચાયેલા વાદળને ભેદી પૃથ્વીની સપાટી સુધી આવી શકે નહિ. તેથી તાપમાન ઘટી જાય. આવી પરિસ્થિતિ કેટલાક મહિના અથવા થોડાંક વર્ષો માટે ચાલે પણ ખરી. આથી બાષ્પીભવન અટકી પડે એટલે વરસાદ ન થાય, પરિણામે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય.
ઉષ્મીય વિકિરણ સામે ઘન પદાર્થો, અપારદર્શક પદાર્થો, દીવાલો અને મકાનો માણસોને રક્ષણ આપે છે. શ્વેત અથવા આછા રંગનાં કપડાં વડે વિકિરણોનું મોટા પાયે પરાવર્તન થતાં આકસ્મિક દાહથી બચી શકાય છે. એક મેગાટનના વિસ્ફોટ વડે ભૂમિ-શૂન્યથી 18 કિલોમીટર અંતર સુધી લોકોને દાહ લાગે છે. ઉષ્મીય વિકિરણ 10 સેકન્ડ સુધી ચાલે છે આથી આનું વિકિરણ ઈંટો, જાડાં લાકડાં કે પ્લાસ્ટિકને પૂરેપૂરું બાળી નાખતું નથી.
પ્રારંભિક ન્યૂક્લિયર વિકિરણ : આ વિકિરણ વિસ્ફોટ બાદ એક મિનિટની અંદર બહાર પડે છે. આ વિકિરણમાં ન્યૂટ્રૉન અને ગૅમા-કિરણોનો પણ સમાવેશ થતો હોય છે. અગન-ગોળાની સાથે જ તેનું ઉત્સર્જન થાય છે. વિસ્ફોટથી પેદા થતા રેડિયો-ઍક્ટિવ પદાર્થવાળા દ્રવ્ય વડે રચાતા બિલાડીના ટોપ જેવા મોટા વાદળમાંથી પણ ગૅમા-કિરણો નીકળે છે. ન્યૂક્લિયર વિકિરણથી શરીર ઉપર સોજા આવે છે, કોષો નાશ પામે છે અને નવા કોષોનું પ્રતિસ્થાપન થતું નથી. શરીર ઉપર વધુ પડતો વિકિરણ-આપાત થાય તો મૃત્યુ નીપજે છે. પ્રારંભિક વિકિરણ ભૂમિ-શૂન્યથી જેમ આગળ ધપે છે તેમ તેની પ્રબળતા ઝડપથી ઘટતી જાય છે. ઘણાખરા ન્યૂક્લિયર વિસ્ફોટ બાબતે ભૂમિ-શૂન્યથી 0.5 અથવા 1 કિલોમીટર અંતરે પ્રારંભિક વિકિરણની પ્રબળતા ભૂમિ-શૂન્ય આગળની પ્રબળતા કરતાં દશમાથી સોમા ભાગ જેટલી થાય છે.
શેષ ન્યૂક્લિયર વિકિરણ : આ વિકિરણ વિસ્ફોટ બાદ એક મિનિટમાં પ્રગટ થાય છે. આ વિકિરણમાં બીટા-કણો (ઇલેક્ટ્રૉન) અને ગૅમા-કિરણોનો સમાવેશ થાય છે. સંલયનથી પેદા થતાં વિકિરણમાં પ્રાથમિક રીતે ન્યૂટ્રૉનનો સમાવેશ થાય છે આ ન્યૂટ્રૉન ખડકો, જમીન, પાણી અન્ય દ્રવ્યો સાથે અથડાય છે. પરિણામે બિલાડીના ટોપ જેવું વાદળ રચાય છે. તેથી પદાર્થના કણો રેડિયો-ઍક્ટિવ બને છે. આ કણો જ્યારે પૃથ્વી ઉપર પાછા ફેંકાય છે ત્યારે તેને અવપાત (fallout) કહે છે. ન્યૂક્લિયર વિસ્ફોટ પૃથ્વીની સપાટીથી જેમ વધુ નજીક તેમ વધુ અવપાત થાય છે.
તાત્કાલિક (early) અવપાતમાં ભારે કણો હોય છે. આવા કણો વિસ્ફોટ બાદ 24 કલાકમાં જમીન ઉપર આવે છે. તાત્કાલિક અવપાતમાં કણો તીવ્ર રેડિયો-ઍક્ટિવ હોય છે, જે સજીવોને મારી નાખે છે અથવા તેમને ગંભીર રીતે ઈજા કરે છે.
વિલંબિત (delayed) અવપાત, વિસ્ફોટ પછીના 24 કલાક બાદ વર્ષો સુધી જમીન ઉપર થયા કરે છે. તેમાં સૂક્ષ્મ અને અદૃશ્ય કણોનો સમાવેશ થાય છે. આવા કણો પૃથ્વી ઉપર વિશાળ વિસ્તાર ઉપર પડતા હોય છે. વિલંબિત અવપાત સજીવોને લાંબા સમય સુધી નુકસાન કરે છે.
ન્યૂક્લિયર શસ્ત્રોને બે ભાગમાં વહેંચવામાં આવ્યાં છે : (1) વ્યૂહાત્મક (strategic) ન્યૂક્લિયર શસ્ત્રો, (2) રણક્ષેત્ર(theatre)નાં ન્યૂક્લિયર શસ્ત્રો.
દુશ્મનના દૂર દૂરના વિસ્તારમાં છોડવામાં આવતાં શસ્ત્રોને વ્યૂહાત્મક ન્યૂક્લિયસ શસ્ત્રો કહે છે. આમાં બૉંબ અને પ્રક્ષેપાસ્ત્રોનો તેમજ 10,000 કિલોમીટર સુધીની પ્રહારશક્તિનાં પ્રક્ષેપાસ્ત્રોનો પણ સમાવેશ થાય છે. વળી આંતરખંડીય બેલિસ્ટિક પ્રક્ષેપાસ્ત્રો (Inter Continental Ballistic Missiles – ICBM), સબમરીન વિમોચિત બેલિસ્ટિક પ્રક્ષેપાસ્ત્રો (Submarine Launching Ballistic Missiles – SLBM) અને સમુદ્રીય પ્રક્ષેપાસ્ત્રો(cruisers)નો પણ સમાવેશ થાય છે. કેટલાંક ન્યૂક્લિયર પ્રક્ષેપાસ્ત્રો ઉપર ન્યૂક્લિયર યુદ્ધ-અગ્ર (warhead) રાખેલાં હોય છે. યુદ્ધ-અગ્રને MIRV (Multiple Independing Targetable Reentry Vehicles) કહે છે. વ્યૂહાત્મક ન્યૂક્લિયર શસ્ત્રો દુશ્મનનાં શસ્ત્રોનો સંપૂર્ણ નાશ કરે છે અથવા તેમને નિરર્થક બનાવે છે. તેના વડે દુશ્મનના અર્થતંત્ર તથા સામાજિક સંગઠનોમાં ભંગાણ પાડે છે.
રણક્ષેત્રના ન્યૂક્લિયર શસ્ત્રોનો ઉપયોગ લશ્કરી વિસ્તારમાં કરવામાં આવે છે. આ એવો ભૌગોલિક વિશાળ વિસ્તાર છે, જેમાં પ્રારંભિક યુદ્ધ થતું હોય છે. રણક્ષેત્રનાં ન્યૂક્લિયર શસ્ત્રોમાં મધ્યમ અવધિ અને સમુદ્રીય પ્રક્ષેપાસ્ત્રોનો સમાવેશ થાય છે.
લશ્કરમાં ન્યૂક્લિયર શસ્ત્રો : મહાસત્તાઓ યુ.એસ. અને યુ.એસ.એસ.આર.એ જ્યારથી સર્વોપરીતા સિદ્ધ કરવાની સ્પર્ધા શરૂ કરી ત્યારથી ન્યૂક્લિયર શસ્ત્રોનું ઉત્પાદન ઝડપી બન્યું. બંને રાષ્ટ્રોની શસ્ત્રો-ઉત્પાદનની સ્પર્ધામાંથી ભારે તણાવ ઊભો થયો અને બંનેએ શસ્ત્રાગારો (arsenals) ઊભાં કરી દીધાં. વિશ્વનાં ન્યૂક્લિયર શસ્ત્રોનો મોટો જથ્થો આ બે રાષ્ટ્રો ધરાવે છે.
યુ.એસ.માં 1935ના સમય દરમિયાન અમેરિકન આયોજકોમાં એક નવો ખ્યાલ પેદા થયો કે યુદ્ધમાં હવાઈ આક્રમણ જ એક માર્ગ છે અને તેમાંય ઝડપથી હુમલો કરવાનો રહે છે. (ઇઝરાયલે આવો હવાઈ હુમલો ઇજિપ્ત ઉપર કરીને તેની સમગ્ર હવાઈ તાકાત નષ્ટ કરી દીધી હતી. ઇજિપ્ત આંખ ખોલીને જુએ તે પહેલાં તો ઇઝરાયલે બધું પતાવી દીધું હતું.) આ ઉપરાંત દુશ્મન દેશનો ખાતમો બોલાવીને વહેલી તકે યુદ્ધ-વિરામ જાહેર કરવો. બીજા વિશ્વયુદ્ધ પહેલાં આ વિચાર પ્રવર્તતો હતો અને આ ખ્યાલને આધારે જ બીજા વિશ્વયુદ્ધમાં યુ.એસ.એ જર્મની અને જાપાન ઉપર શરૂઆતમાં પરંપરાગત બૉંબનો ઉપયોગ કર્યો હતો. ભારે હોનારત થવા છતાં યુદ્ધનો અંત આવ્યો નહિ. થોડાક સમય બાદ જર્મની તો મિત્ર-રાજ્યોના ભૂમિદળને શરણે આવી ગયું; પણ જાપાને મચક આપી નહિ. આથી યુ.એસ. એ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો ઉપર ન્યૂક્લિયર બૉંબ ફેંક્યા. ત્યાર બાદ જાપાને પણ શરણાગતિ સ્વીકારી લીધી. થોડાક સમય બાદ બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આ ઘટનાને કારણે યુ.એસ.ની હવાઈ સત્તાને હવાઈ તાકાતમાં વિશ્વાસ બેઠો. તેથી યુદ્ધ માટે હવાઈ શક્તિ એક સિદ્ધાંત બન્યો. પરિણામે ન્યૂક્લિયર શસ્ત્રો યુ.એસ.ની વ્યૂહાત્મક સત્તાનો સ્રોત બન્યાં.
1955માં યુ.એસે.એ ન્યૂક્લિયર શસ્ત્રોની નવી નીતિ અખત્યાર કરી. આ નીતિને તે ‘જોરદાર વળતા હુમલા’ (massive retaliation) તરીકે ઓળખાવે છે. યુ.એસ. અથવા તેના મિત્ર દેશોના કોઈ વિસ્તાર ઉપર યુ.એસ.એસ.આર. હુમલો કરે તો હુમલાખોરના વિસ્તાર ઉપર ન્યૂક્લિયર શસ્ત્રો વડે ત્રાટકવાની વાત આ નીતિમાંથી ફલિત થાય છે. આ નીતિને સામૂહિક પ્રતિશોધ પણ કહે છે.
1960ના સમયગાળામાં સામૂહિક પ્રતિશોધનું સ્થાન ‘લચીલા પ્રત્યુત્તર(flexible response)’ને આપવામાં આવ્યું. આ નીતિ પ્રમાણે દુશ્મનના હુમલાનો જવાબ પરંપરાગત બળોથી આપવો એવું યુ.એસ. સમજે છે. તેમ કરતાં સફળતા ન મળે તો જ રણક્ષેત્રનાં ન્યૂક્લિયર શસ્ત્રોનો ઉપયોગ કરવો. તેમાં પણ સફળતા ન મળે તો છેલ્લા ઉપાય તરીકે વ્યૂહાત્મક ન્યૂક્લિયર શસ્ત્રો વડે ત્રાટકવું. યુ.એસ.- એ 1990માં એ જાહેર પણ કર્યું છે કે તે છેલ્લા ઉપાય તરીકે ન્યૂક્લિયર શસ્ત્રોનો ઉપયોગ કરશે.
સોવિયેત સંઘે, 1930 બાદ, તેના લશ્કરી આયોજકો સાથે વિચારવિમર્શ કરીને લશ્કરી વ્યૂહ તરીકે ‘ગહન યુદ્ધ (deep battle)’નો સિદ્ધાંત સ્વીકાર્યો. યુ.એસ. તો માત્ર હવાઈ તાકાત ઉપર જ મદાર રાખે છે, પણ સોવિયેત સંઘ તો પ્રાપ્ય એવાં બધાં જ શસ્ત્રો વડે પ્રારંભથી આક્રમણ કરવામાં માને છે. સોવિયેત સંઘના લશ્કરી આયોજકો આને ‘આશ્ચર્યજનક ઘટના’ તરીકે ઓળખાવે છે. આ ઘટનામાં ન્યૂક્લિયર શસ્ત્રોનો ઉપયોગ કરવામાં સોવિયેત સંઘને લેશમાત્ર સંકોચ નથી. 1988 પછી સોવિયત સંઘના નેતાઓએ ‘આક્રમણ’ને બદલે ‘સંરક્ષણ’ની નીતિ અખત્યાર કરી. સોવિયેત શસ્ત્રાગારો આજે પણ ગહન રણનીતિનો સરંજામ ધરાવે છે. વ્યૂહાત્મક ન્યૂક્લિયર શસ્ત્રો વડે યુ.એસ.ને પહોંચી વળવાનો ખ્યાલ પણ ધરાવે છે.
ન્યાયી અણુયુદ્ધ (Just Nuclear War) : ‘ન્યાયી યુદ્ધ’ના ખ્યાલની ચર્ચા સંત ઑગસ્ટાઇને કરેલી જે નીચે મુજબ છે :
(1) યુદ્ધ કરવાનો નિર્ણય રાજ્યોના વડા દ્વારા જ થવો જોઈએ. (2) યુદ્ધ ન્યાયી હેતુ માટે જ થવું જોઈએ. (3) યુદ્ધનો વિકલ્પ પ્રશ્ન ઉકેલવામાં બીજાં સાધનો નિષ્ફળ જાય ત્યારે જ થવો જોઈએ. (4) યુદ્ધની શરૂઆત ઔપચારિક જાહેરાત પછી જ થવી જોઈએ. (5) યુદ્ધ સફળ થવાની વાજબી શક્યતા હોવી જોઈએ. (6) યુદ્ધથી સર્જાતો વિનાશ, થનાર લાભના પ્રમાણમાં હોવો જોઈએ. (7) યુદ્ધમાં ભાગ ન લેનાર પર હુમલો ન થવો જોઈએ. (8) યુદ્ધના હેતુના સંદર્ભમાં જ લડતની રીતો પસંદ થવી જોઈએ.
ઉપર્યુક્ત સિદ્ધાંતોને લક્ષમાં લઈએ તો કોઈ પણ પ્રકારના અણુયુદ્ધને ન્યાયી ગણી શકાય નહીં. પરંતુ અણુશસ્ત્રોનો ઉપયોગ યુદ્ધ થતું રોકવામાં જ થાય તો એ અયોગ્ય ગણાય ? એક મત અનુસાર અણુયુદ્ધની ધમકીથી અણુયુદ્ધ કે બીજું કોઈ યુદ્ધ અટકે એ ન્યાયી છે. એક બીજા મત અનુસાર અણુશસ્ત્રો હોવાથી યુદ્ધ અટકે એટલું પૂરતું નથી. આ પછીથી નિ:શસ્ત્રીકરણની સ્થિતિ ઊભી થાય તો જ એ ન્યાયી અને નૈતિક છે. વળી યુદ્ધ રોકવા અણુશસ્ત્રોનો સંગ્રહ ન્યૂનતમ હોવો જોઈએ. પરંતુ ન્યૂનતમ સંખ્યા વિશે કોઈ સર્વસ્વીકૃત ખ્યાલ નથી. રાષ્ટ્રો દ્વારા અણુશસ્ત્રોનો વધુ પડતો સંગ્રહ કરવાથી જો યુદ્ધ અટકતું હોય તો તે ન્યાયી નથી.
ન્યૂક્લિયર શસ્ત્રો પર નિયંત્રણ : તમામ મોટાં રાષ્ટ્રો ન્યૂક્લિયર શસ્ત્રોનો ગંજાવર ખડકલો તૈયાર કરીને બેસી ગયાં છે. ન્યૂક્લિયર શસ્ત્રોમાં રહેલી વિનાશાત્મક શક્તિના ભયથી બધાંને હવે એવું લાગવા માંડ્યું છે કે આવાં શસ્ત્રોના ઉત્પાદન ઉપર નિયંત્રણ આવવું જ જોઈએ. આ દિશામાં પ્રતિરોધકતા(deterrence)ના વ્યૂહાત્મક અભિગમને એક મુખ્ય નિયંત્રણ તરીકે સ્વીકારવામાં આવે છે. તેમાં પરમાણુ-પરીક્ષણો ઉપર મર્યાદા અથવા બંધી અને ન્યૂક્લિયર શસ્ત્રોના પ્રસારણ સામે પ્રતિબંધોનો સમાવેશ થાય છે.
પ્રતિરોધકતાથી ન્યૂક્લિયર શસ્ત્રોનો ઉપયોગ અટકાવી શકાય છે. આ સિદ્ધાંત આક્રમણ અથવા બચાવના પાયા ઉપર રચાયેલો છે.
આક્રમણ પર આધારિત પ્રતિશોધકતાનો સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે કે બે દેશો પાસે ન્યૂક્લિયર શસ્ત્રો પૂરતા પ્રમાણમાં હોય તો એક દેશ બીજા દેશને આક્રમણ કરતાં અટકાવે છે. આમાં પ્રત્યેક રાષ્ટ્ર પાસે પ્રબળ તાકાત હોવી જોઈએ એમ થયું.
સંરક્ષણ (બચાવ)-અધારિત પ્રતિશોધકતાનો સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે કે પ્રથમ આક્રમણ સામેનો બચાવ ન્યૂક્લિયર હુમલાને ચોક્કસપણે રોકે છે. આ સિદ્ધાંતમાં એવી માન્યતા રહેલી છે કે ભોગ બનનારની સમગ્ર તાકાતને તોડી શકશે નહિ એવી આક્રમકને ખાતરી ન હોય ત્યાં સુધી તે હુમલાનો વિચાર કરી શકશે નહિ.
પરમાણુ–પરીક્ષણ ઉપર મર્યાદા : ઘણાં રાષ્ટ્રોને હવે લાગવા માંડ્યું છે કે પરમાણુ-પરીક્ષણો ઉપર મર્યાદા મૂકવી જોઈએ, જેથી ન્યૂક્લિયર વિકિરણ સામે પર્યાવરણ અને લોકોને રક્ષણ મળી રહે. આ માટે સૌપ્રથમ તો ન્યૂક્લિયર શસ્ત્રોનું ઉત્પાદન ઘટાડવાની દિશામાં આગળ વધવું જોઈએ એમ તેઓ માને છે. તેના સંદર્ભમાં 1963માં, બ્રિટન, યુ.એસ., અને યુ.એસ.એસ.આર. વચ્ચે પરમાણુ-પરીક્ષણ મર્યાદા અંગે સંધિ-મંત્રણાઓ થઈ. આ સંધિ ઉપર હસ્તાક્ષર કરનાર રાષ્ટ્રો હવા, સમુદ્ર અથવા અવકાશમાં ન્યૂક્લિયર પરીક્ષણો ન કરવા સંમત થયાં. આ બધાંમાં ભૂગર્ભ-પરીક્ષણો ઉપર કોઈ પ્રતિબંધ રાખવામાં આવ્યો નથી. યુ.એસ. અને યુ.એસ.એસ.આર. 1974માં સંમત થયાં કે 150 કિલો ટનથી વધુ શક્તિશાળી વિસ્ફોટક પ્રયુક્તિઓનું પરીક્ષણ કરવું નહિ. એક કિલો ટન એટલે 907 મેટ્રિક ટન ટી.એન.ટી.ના વિસ્ફોટથી પેદા થતી ઊર્જા. આ સંધિને સીમા-પરીક્ષણ-પ્રતિબંધસંધિ (threshold test ban treaty) કહે છે. આ સંધિને યુ.એસ. અને યુ.એસ.એસ.આર. બેમાંથી એકેય રાષ્ટ્રે અનુમોદન આપ્યું નથી, પણ આ સંધિમાં સમાવિષ્ટ માર્ગદર્શનને અનુસરવા સંમત થયાં છે.
ન્યૂક્લિયર બિનપ્રસારણ સંધિ (nuclear non-proliferation treaty) : આ સંધિ દ્વારા રાષ્ટ્રોમાં ન્યૂક્લિયર શસ્ત્રોનો ફેલાવો અટકાવવામાં આવે છે. આ સંધિને રાષ્ટ્રસંઘે 1968માં માન્યતા આપી અને 130 રાષ્ટ્રોએ તેના ઉપર હસ્તાક્ષર કરેલા છે.
યુ.એસ. અને યુ.એસ.એસ.આર.નાં શસ્ત્રોનો જથ્થો સીમિત કરવા માટે 1970માં પ્રયત્નો શરૂ થયા. મંત્રણાઓ બે તબક્કામાં કરવામાં આવી : (1) વ્યૂહાત્મક શસ્ત્રોની મર્યાદા માટેની સંધિ (Strategic Arms Limitaion Talks – SALT) : આ સંધિ અમુક મર્યાદાથી વધુ શસ્ત્રો ઉત્પન્ન કરવા સામે રોક લગાવે છે. (2) વ્યૂહાત્મક શસ્ત્રો ઘટાડવા માટેની સંધિ તે START (Strategic Arms Reduction – Talk). આ સંધિ દ્વારા શસ્ત્રોનો જે જથ્થો હોય તેમાં ઘટાડો કરવાનું જે તે દેશને સૂચન કરવામાં આવે છે. આમાંથી 1972ની SALT-I અને 1979ની SALT-II મંત્રણાનો ઉદ્ભવ થયો. યુ.એસ. અને યુ.એસ.એસ.આરે. તેમને અનુમોદન આપ્યું; પણ 1979માં સોવિયેત સંઘે અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કર્યું એટલે યુ.એસ.ની સેનેટે SALT-II ફગાવી દીધી.
STARTની શરૂઆત 1982થી થઈ અને તે મુજબ દરેક રાષ્ટ્ર પાસે શસ્ત્રોનો જે પુરવઠો છે તે ક્રમશ: ઘટાડવો એવું નક્કી થયું. 1991 સુધીમાં દૂર-અંતરના ન્યૂક્લિયર શસ્ત્રોમાં 30 % ઘટાડો કરવા માટે STARTના ઉપક્રમે યુ.એસ. અને યુ.એસ.એસ.આર.ની સરકારોએ હસ્તાક્ષર કર્યા.
1985માં સોવિયેત સંઘના પ્રમુખ તરીકે મિખાઇલ ગર્બાચોવ આવ્યા ત્યારે યુ.એસ. અને યુ.એસ.એસ.આર.ના સંબંધો કંઈક અંશે સૌમ્ય થયા. ગર્બાચોવ અને યુ.એસ.ના પ્રમુખ રોનાલ્ડ રેગને મધ્યમ-અવધિનાં ન્યૂક્લિયર શસ્ત્રો ઘટાડવાની સંધિ ઉપર હસ્તાક્ષરો કર્યા. 1 જૂન, 1988થી 500થી 5000 કિલોમીટરની પ્રહારશક્તિવાળાં ભૂમિ-વિમોચન ન્યૂક્લિયર પ્રક્ષેપાસ્ત્રો દૂર કરવા માટે યુ.એસ. અને યુ.એસ.એસ.આર. સંમત થયાં.
1989માં પૂર્વ યુરોપની સામ્યવાદી સરકારો ભાંગી પડી. મુક્તિની પ્રક્રિયાને દાબી દેવા માટે ગર્બાચોવે લશ્કરી કાર્યવહી કરવાનો ઇન્કાર કર્યો. 1990ના નવેમ્બરમાં યુ.એસ., યુ.એસ.એસ.આર. અને બીજાં 20 રાષ્ટ્રોએ યુરોપમાં પરંપરાગત બળોની CFE (Conventional Forces in Europe) સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા. પરિણામે શીતયુદ્ધનો અંત આવ્યો. 1991ના માર્ચના અંતમાં વૉર્સો કરાર અને નાટો કરારો સમાપ્ત કરવામાં આવ્યા.
વિમાનમાં લઈ જઈ શકાય તેવાં શસ્ત્રો બાદ કરતાં તમામ વ્યૂહાત્મક ન્યૂક્લિયર શસ્ત્રોને પાછાં ખેંચી લેવાની યુ.એસ. પ્રમુખ જ્યૉર્જ બુશે 1991ના સપ્ટેમ્બરમાં જાહેરાત કરી. ઉપરાંત ભૂ-સ્થિત વ્યૂહાત્મક ન્યૂક્લિયર શસ્ત્રો અને વહાણ તથા વિમાન દ્વારા લઈ જવાતાં કેટલાંક શસ્ત્રોનો નાશ કરવાનો વિચાર યુ.એસ. સરકારે વહેતો કર્યો. સોવિયેત પ્રમુખ ગર્બાચોવ તરફથી યુ.એસ. સરકારના વિચારો અને જાહેરાતોને સાનુકૂળ પ્રતિસાદ મળ્યો. બુશની જાહેરાતને અનુરૂપ થવા માટે ગર્બાચોવ પણ કેટલાંક શસ્ત્રો નાશ કરવા સહમત થયા, નવાં શસ્ત્રોનું ઉત્પાદન બંધ કર્યું અને ભૂગર્ભ પરમાણુ-પરીક્ષણ ઉપર પ્રતિબંધ મૂક્યો. છેવટે START મુજબ શસ્ત્રોનો પુરવઠો 80 % ઓછો કરવા માટે ગર્બાચોવે દરખાસ્ત કરી. આ રીતે ન્યૂક્લિયર શસ્ત્રોના ઉત્પાદન અને લશ્કરી ઉપયોગનો ભય તત્કાલ પૂરતો ઘટ્યો છે.
1998માં ન્યૂક્લિયર શસ્ત્રોની પરિસ્થિતિએ જુદો જ વળાંક લીધો છે. યુ.એસ., (હાલનું) રશિયા, ફ્રાંસ, બ્રિટન અને ચીન જેવી પરમાણુ-સત્તાઓ પોતાનાં ન્યૂક્લિયર શસ્ત્રોનો ઇજારો ટકાવી રાખવા અને બીજાં રાષ્ટ્રોને આવાં શસ્ત્રો ઉત્પન્ન ન કરવા માટે એન.પી.ટી. (Nuclear non-proliferation treaty – NPT) અને સી.ટી.બી.ટી. (Comprehensive test ban treaty – CTBT) ઉપર ત્રીજા વિશ્વનાં રાષ્ટ્રોના હસ્તાક્ષરો કરાવી લઈને તેમનાં કાંડાં કાપી લેવાના પ્રયત્નો કરે છે. પાંચ પરમાણુ સત્તાઓ ન્યૂક્લિયર શસ્ત્રો માટે કંઈ પણ કરી શકે, પણ બીજા નહિ અને તેમાંય ભારત અને પાકિસ્તાને પરમાણુ-પરીક્ષણો કર્યાં ત્યારથી અમેરિકાએ તો આર્થિક પ્રતિબંધો બંનેની સામે મૂક્યા છે.
ન્યૂક્લિયર ઊર્જાની વિકાસ-ગાથા રસપ્રદ છે. તેની ઐતિહાસિક આગેકૂચ રોમાંચક છે. 1900 પછી જ વિજ્ઞાનીઓને પરમાણુ-સંરચનાની વધુ ને વધુ વિગતો પ્રાપ્ત થતી ગઈ. પરમાણુના કેન્દ્રમાં સૂક્ષ્મ દળદાર ભાગ છે, જેને ન્યૂક્લિયસ કહે છે. ન્યૂક્લિયસની અંદર વિદ્યુતભારિત કણ પ્રોટૉન અને વિદ્યુતભારવિહીન ન્યૂટ્રૉનની પ્રાયોગિક પ્રતીતિ થઈ. ન્યૂક્લિયસમાં પ્રવર્તતાં જોરદાર બળોની પણ જાણકારી થઈ. ન્યૂક્લિયસમાં રહેલી પ્રચંડ ઊર્જાનો સૈદ્ધાંતિક અંદાજ મળી રહ્યો. સવાલ હતો આ ન્યૂક્લિયર ઊર્જાને મુક્ત કરવાનો. 1938માં યુરેનિયમ જેવા ભારે તત્ત્વના પરમાણુનું વિખંડન કરી તેમાંથી વિપુલ ઊર્જા મેળવવાનો માર્ગ મોકળો થયો. વિખંડનથી પ્રાપ્ત થતી ઊર્જા વડે ન્યૂક્લિયર રિએક્ટરની મદદથી વિદ્યુત પેદા કરી જગતનાં અનેક રાષ્ટ્રોએ ઔદ્યોગિક વિકાસ સાધ્યો છે. તેની સાથે સાથે જ પરમાણુ-બૉંબ જેવાં સંહારક પરમાણુ-શસ્ત્રોનું સર્જન શક્ય બન્યું. આ સમયે ભૌતિક-વિજ્ઞાનીઓને ન્યૂક્લિયર ઊર્જાની ગુંજાશનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હતો અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. યુ.એસ.ના વિજ્ઞાનીઓને લાગ્યું કે નાઝી જર્મનો ન્યૂક્લિયર શસ્ત્રો તૈયાર કરી રહ્યા છે. જર્મનીમાં જન્મેલા અને યુ.એસ.માં સ્થાયી થયેલા ભૌતિકવિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને તત્કાલીન યુ.એસ. પ્રમુખ રૂઝવેલ્ટને ન્યૂક્લિયર વિખંડનથી પેદા થતી વિપુલ ઊર્જાથી માહિતગાર કર્યા. બીજું વિશ્વયુદ્ધ 3 સપ્ટેમ્બર, 1939ના રોજ શરૂ થયું. 1941ના સપ્ટેમ્બરમાં યુ.એસ. વિશ્વયુદ્ધમાં જોડાયું. 1942માં યુ.એસ. સરકારે મૅનહટન પ્રકલ્પના ઉપક્રમે વિખંડન-બૉંબ બનાવવાનું નક્કી કર્યું. 16 જુલાઈ, 1945ના રોજ મૅનહટન પ્રકલ્પના વડા અમેરિકન ભૌતિકવિજ્ઞાની રૉબર્ટ ઑપનહેમરના વડપણ નીચે ન્યૂક્લિયર પ્રયુક્તિ(બૉંબ)નો ન્યૂ મેક્સિકોના આલ્મોગાર્ડોમાં પ્રથમ પ્રાયોગિક ધડાકો કર્યો. આ અંત:સ્ફોટ 22 કિલો ટનનો હતો. આ વિખંડન-પ્રયુક્તિ વડે સહસ્ર સૂર્યોના પ્રકાશ જેટલો પ્રકાશ પેદા થયો હતો. આ સફળ પ્રયોગથી યુ.એસ.ના નેતાઓ વિખંડન-શસ્ત્રો તૈયાર કરવા લાગ્યા. આ પ્રયોગમાંથી મુક્ત થયેલ ઊર્જાની વિનાશકતાનો વિજ્ઞાનીઓને ખ્યાલ આવી જ ગયો હતો. આ ઊર્જા સમગ્ર માનવસંસ્કૃતિને સાફ કરી નાખવા સક્ષમ હોવાની તેમને પાકી પ્રતીતિ થઈ ગઈ હતી. ન્યૂક્લિયર ઊર્જાનું આ વિકરાળ સ્વરૂપ જોઈને આઇન્સ્ટાઇન, ઝિલાર્ડ, એડવર્ડ ટેલર યુજીન વિગ્નેર અને અન્ય ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનીઓ ચિંતિત બન્યા. ન્યૂક્લિયર બૉંબનો યુદ્ધમાં ઉપયોગ ન કરવા માટે આ વિજ્ઞાનીઓ નક્કર પગલાં લેવા માગતા હતા. બૉંબનો લશ્કરી ઉપયોગ થતો રોકી શકે તે પહેલાં યુ.એસે. 13 કિલો ટનનો વિખંડન-બૉંબ 6 ઑગસ્ટ, 1945ના રોજ હિરોશીમા ઉપર અને 22 કિલો ટનનો વિખંડન-બૉંબ 9 ઑગસ્ટ, 1945ના રોજ નાગાસાકી ઉપર ઝીંકી દીધો. લાખો લોકો માર્યા ગયા અને લગભગ તમામ આવાસો ભસ્મીભૂત થઈ ગયા. બંને શહેરોનો વ્યાપક વિનાશ જોઈને જાપાને 14 ઑગસ્ટ, 1945ના રોજ યુ.એસ. અને મિત્ર- રાજ્યોની શરણાગતિ સ્વીકારી લીધી.
બૉંબનો ઉપયોગ રોકવા માટે ઝિલાર્ડે ઘણાં બારણાં ખટખટાવ્યાં. ત્યાર બાદ તે પ્રમુખ રૂઝવેલ્ટના અધિકૃત સલાહકાર અને મિત્ર ઍલેક્ઝાંડર સાકને મળ્યા. મહાવિનાશ વેરનાર ન્યૂક્લિયર બૉંબની માહિતી આપી. સાકને બધી વાત ગળે ઊતરી હતી. તેણે આઇન્સ્ટાઇન દ્વારા પ્રમુખને પત્ર લખવાનું જણાવ્યું. ઝિલાર્ડ અને એડવર્ડ ટેલરે આઇન્સ્ટાઇનની મુલાકાત લીધી. જાપાન ઉપર આ બૉંબ ન ફેંકવા માટે આઇન્સ્ટાઇને આવેદન-પત્ર મોકલ્યો. 12 એપ્રિલ, 1945ના રોજ રૂઝવેલ્ટનું અચાનક અવસાન થયું. પત્ર પ્રમુખના ટેબલ સુધી પહોંચ્યો ખરો, પણ વણખૂલ્યો પડી રહ્યો. પરિણામે હિરોશીમા અને નાગાસાકીની ઐતિહાસિક કરુણ દુર્ઘટના સર્જાઈ. સામૂહિક નરસંહારની ઘટના જોઈને આઇન્સ્ટાઇને નૈતિક જવાબદારી સ્વીકારતા હોય તેમ કહ્યું કે ‘Yes, I pressed the button.’
1940 પછી યુ.એસ. અને યુ.એસ.એસ.આર. વચ્ચે કડવાશ દિનપ્રતિદિન વધતી ગઈ અને તેમની વચ્ચે શીતયુદ્ધ શરૂ થયું. આ શીતયુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રોએ ન્યૂક્લિયર શસ્ત્રોના ઉત્પાદનનો ઉપાડો લીધો. 1949માં સોવિયેત સંઘે વિખંડન-પરમાણુ-બૉંબનું પરીક્ષણ કરીને તણાવમાં વધારો કર્યો. 1952માં કોરિયાના યુદ્ધ દરમિયાન યુ.એસ. એ થરમૉન્યૂક્લિયર બૉંબનો પ્રથમ પ્રાયોગિક ધડાકો કર્યો. તેના જવાબમાં સોવિયેત સંઘે 1955માં થરમૉન્યૂક્લિયર બૉંબનો ધડાકો કર્યો. 1955માં સોવિયેત સંઘે ન્યૂક્લિયર શસ્ત્રોથી સજ્જ એવી સબમરીન તૈયાર કરી, તે સાથે યુ.એસ.એ પણ સબમરીન તૈયાર કરી.
1962માં ‘ક્યૂબાના સંકટે’ વિશ્વને ત્રીજા-વિશ્વયુદ્ધને આરે મૂકી દીધું અને ત્યારે ન્યૂક્લિયર શસ્ત્રો પરાકાષ્ઠાએ પહોંચ્યાં હતાં. ક્યૂબાના ફિડલ કાસ્ટ્રોએ સોવિયેત સંઘ સાથે મૈત્રી કરારો કર્યા હતા. મૂડીવાદી હોવાને કારણે યુ.એસ. અને ક્યૂબા સામ્યવાદી હોવાને કારણે, તેમની વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. યુ.એસ. એ ક્યૂબા ઉપર ઘેરો ઘાલ્યો ત્યારે સોવિયેત સંઘનાં યુદ્ધજહાજો પ્રક્ષેપાસ્ત્રો સાથે ક્યૂબા ભણી નીકળ્યાં ત્યારે પ્રમુખ કૅનેડીએ એ યુદ્ધજહાજો ન્યૂક્લિયર શસ્ત્રો લઈને જાય છે એવું સમજીને ફૂંકી મારવાનો હુકમ કર્યો હતો; પણ પાછળથી સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવતાં યુદ્ધના સંજોગો દૂર થયા.
શીતયુદ્ધ દરમિયાન પશ્ચિમનાં રાષ્ટ્રો તરફથી ન્યૂક્લિયર શસ્ત્રોની સ્પર્ધા સામે ભારે ઊહાપોહ થયો. કેટલાક લોકોએ ન્યૂક્લિયર ફ્રીઝ(nuclear freeze)ની યોજના તરતી કરી, જેમાં જેમની પાસે જેટલાં શસ્ત્રો છે તેથી આગળ વધારવાં નહિ. પરીક્ષણો, ઉત્પાદન અને ફેલાવો બંધ કરવો. પણ આ યોજનાનું કોઈ નક્કર પરિણામ ન મળ્યું. લશ્કરી વિશ્લેષકો શસ્ત્રાગારોનું કદ ઘટાડવાના મતના ખરા, પણ શસ્ત્ર-નિષ્ણાતો માને છે કે ન્યૂક્લિયર શસ્ત્રોની સ્પર્ધા રાજકીય તણાવને રોકવા મદદરૂપ થશે; તેનાથી મહાયુદ્ધને રોકી શકાશે.
પ્રહલાદ છ. પટેલ
મ. ના. દેસાઈ