કવિતા

સંસ્કૃત મૂળના कु કે कव् ધાતુ પરથી ‘કવિતા’, ‘કવન’, ‘કાવ્ય’, ‘કવિ’, ‘કવયિત્રી’ જેવા શબ્દો ગુજરાતીમાં પ્રચારમાં છે. ‘कु’ ધાતુનો અર્થ જ ‘અવાજ કરવો’. એ પરથી ઊતરી આવેલ ‘કવિતા’, ‘કાવ્ય’ શબ્દ પણ સાહિત્ય જેવી શ્રવણભોગ્ય કલાનો સંકેતક છે. ‘કવિ’ અને ‘કવિતા’ના અર્થમાં અરબી ભાષાના ‘શાયર’ અને ‘શાયરી’ શબ્દો પણ પ્રયોજાય છે. જોકે એ શબ્દો સવિશેષ તો ગઝલની શેરિયતની ક્રિયાપ્રવૃત્તિ સાથે સંલગ્ન છે. અંગ્રેજીમાં પ્રયોજાતા poem અને poetry શબ્દોના મૂળમાં ‘બનાવવું’ એવા અર્થવાળો ગ્રીક ભાષાનો poiein શબ્દ છે. ‘કાવ્ય’ શબ્દ સંસ્કૃતમાં ‘સાહિત્ય’ના વ્યાપક અર્થમાં તેમજ સાહિત્યના એક પ્રકાર ‘કવિતા’ માટે પણ પ્રયોજાતો રહ્યો છે. ગુજરાતીમાં સામાન્ય રીતે poem માટે ‘કાવ્ય’ તથા poetry માટે ‘કવિતા’ શબ્દ પ્રયોજાય છે.

કવિનું કર્મ એટલે કવિતા. સંસ્કૃતમાં ‘કવિ’ શબ્દ ‘ઈશ્વર’ના પર્યાય તરીકે પણ પ્રયોજાતો રહ્યો છે. કવિ તો જીવનદ્રષ્ટા, સૌન્દર્યદ્રષ્ટા, મનીષી. જેમ સંસારનો ઈશ્વર, તેમ કાવ્યસૃષ્ટિનો સ્રષ્ટા – નિયંતા તે કવિ. જ્યાં રવિ ન પહોંચે ત્યાં એ પહોંચનારો – પારદર્શી. અક્ષરતત્વનો એ ઉપાસક. ઋષિની જેમ જ વાગ્દેવીરૂપે પ્રત્યક્ષ થતા સત્-ચિત્-આનંદતત્વનો – શબ્દબ્રહ્મનો એ સાધક. શેલી એવા કવિઓને જ ‘ધ અન્એક્નૉલેજ્ડ લેજિસ્લેટર્સ ઑવ્ ધ વર્લ્ડ’ તરીકે પુરસ્કારે છે. વાલ્મીકિ ને વેદવ્યાસ જેવા સિદ્ધ કવીશ્વરો જ વ્યષ્ટિ તેમજ સમષ્ટિ જીવનનાં નિગૂઢ રહસ્યોના દ્રષ્ટા અને તે રહસ્યોને કામધેનુ જેવી વાણીમાં વ્યક્ત કરનારા સૌંદર્યસ્રષ્ટા છે.

‘કવિતા’ પદથી ભાવ-વિચારના સંપૃક્ત સત્વસંદર્ભને ઉત્તમોત્તમ રીતે લયાન્વિત વાણીમાં અભિવ્યક્ત કરવાની કવિની કલાનો – કલાકૃતિનો નિર્દેશ થાય છે. કવિતાની વાણી પદ્યાત્મક, ગદ્યાત્મક કે ગદ્યપદ્યાત્મક જેવી મિશ્ર હોઈ શકે. કવિતાની વાણી છાંદસ હોય કે અછાંદસ, તે અ-નિવાર્યતયા લયાન્વિત તો હોવી જ જોઈએ. એ રીતે કવિતામાં છંદોમયી વાણીની જ સર્વોપરિ પ્રતિષ્ઠા છે. તેમાં પાર્વતી-પરમેશ્વર-સશ શબ્દ-અર્થની સહિતતા – સંપૃક્તિ અપેક્ષિત છે. બલવંતરાય ઠાકોરની રીતે કેટલાક કાવ્યમીમાંસકો શબ્દની તુલનાએ અર્થને દશાંગુલ ઊર્ધ્વ માનવાના પક્ષના હોય છે; પરંતુ વ્યાપક રીતે તો શબ્દ અને અર્થનું, કુંતક સૂચવે છે તેવું, સહિતત્વ જ કવિતામાં કાવ્યમાં અભીષ્ટ મનાયું છે. કાવ્યમાં, કોલરિજ દર્શાવે છે તેમ, ઉત્તમ શબ્દોનો ઉત્તમ રીતિનો વિન્યાસ હોવો જોઈએ. આ માટે કવિમાં શબ્દપ્રભુત્વ – કલાપ્રભુત્વ અનિવાર્ય છે. ઈશ્વરદત્ત અથવા નૈસર્ગિક કવિત્વશક્તિ કે પ્રતિભા, નિપુણતા, લોક-શાસ્ત્ર-કાવ્ય આદિનું અવેક્ષણ-જ્ઞાન, કાવ્યજ્ઞ દ્વારા શિક્ષણ, અભ્યાસ વગેરે દ્વારા કેળવાયેલી વિકસેલી સર્જકતા જ ધનુર્ધારીના બાણની જેમ રસસિદ્ધ કાવ્યથી ભાવકોને ડોલાવી શકે છે.

કવિતા-સર્જનમાં પ્રેરણા, સંવેદના, કલ્પનાનું સ્થાન અત્યંત મહત્વનું છે. કવિમાં ક્રોચે-કથિત સ્વયં-સ્ફુરણા(intuition)નું જે બળ છે તેને સક્રિય કરવામાં પ્રેરણાનો ધક્કો જરૂરી હોય છે. વાલ્મીકિનો ક્રૌંચવધે આઘાત લાગ્યો – એથી પ્રેરણાવિષ્ટ થતાં એમનો શોક શ્લોકત્વમાં રામાયણરૂપે પરિણમન પામ્યાનું સુવિદિત છે. વર્ડ્ઝવર્થ-નિર્દિષ્ટ ચિત્તક્ષોભ કે ઊર્મિક્ષોભમાંથી કવિતાના પ્રાદુર્ભાવની વાત વ્યાપક રીતે સ્વીકૃત છે. નર્મદે પણ વર્ડ્ઝવર્થ, હેઝલિટ વગેરેને અનુસરતાં કવિતામાં ‘જોસ્સા’ની અનિવાર્યતા દર્શાવેલી. આમ કવિતાના પ્રાકટ્ય અને નિર્વાહમાં ઊર્મિતત્વનો સૌથી વધુ મહિમા થતો રહ્યો છે. એડગર ઍલન પોએ તો ઊર્મિકવિતાને જ સાચી કવિતા માની, ‘દીર્ઘ કવિતા’ (long poem) એવા શબ્દપ્રયોગમાં જ વદતોવ્યાઘાતનો દોષ જોયો ! તેમના મતે તો ઊર્મિકવિતા જ શુદ્ધ કવિતા કહેવાય. વાલેરીએ વળી કલાકૃતિની સ્વાયત્તતાના સંદર્ભમાં શુદ્ધ કવિતાનો ખ્યાલ સાદર કર્યો. ટી. એસ. એલિયટે શુદ્ધ અને મહાન કવિતાનો – મહાકાવ્યનો ભેદ સ્પષ્ટ કરતાં મહાન કવિતામાં કવિતા ઉપરાંત દર્શનાદિ ઇતર તત્વોની આવશ્યકતા – ઇષ્ટતા ચીંધી. રામાયણ, મહાભારત, ઇલિયડ, ઑડિસી જેવાં મહાકાવ્યોમાં માત્ર ઊર્મિ-આવેગ પર્યાપ્ત ન જ થાય. એમાં દેખીતી રીતે જ પ્રજ્ઞા-મેધા-ધીનાં વિવિધ બળોનો સંચાર-સમન્વય હોય જે. ‘લિરિક’ના સ્વરૂપ વિશે વીગતે લખનાર ‘કવિતાશિક્ષણકાર’ – ‘કવિતાશિક્ષક’ બલવંતરાય સંભવત: શેક્સપિયર જેવા મહાન કવિ-નાટ્યકારના ‘સારંગીના મહાસંગીત’થી પ્રેરાઈને કવિતામાં વિચારપ્રાધાન્યની જિકર કરે છે. એમનું વિચારપ્રાધાન્ય હકીકતમાં ઊર્મિતત્વનું વિરોધી નહિ પણ એને સંયત રાખનારું દાર્શનિક પરિબળ છે. તેમણે કવિતામાં ઊર્મિવત્તા અનિવાર્ય લેખી. તેમણે કવિતાને સવિકલ્પ સમાધિ અર્પનારી સભાન કલારૂપે ઓળખાવી, તેમાં કવિકર્મના ઉત્કૃષ્ટ એકાગ્ર પુરુષાર્થનો મહિમા કર્યો. ઉમાશંકરે પણ કવિકર્મમાં જ કવિધર્મનું અનુશીલન જોયું અને કવિતામાં કવિ શબ્દરૂપે જ પોતાને પામે એમાં એની સાર્થકતા સૂચવી. સાચી ને ઉત્તમ કવિતામાં તો નવનવોન્મેષશાલિની પ્રજ્ઞાનું, ‘ત્રીજા નેત્રની પ્રસાદી’નું વર્ચસ્ હોય છે. જેમ કવિતામાં ઊર્મિ અને વિચારનું, તેમજ કલ્પનાનુંયે મહત્વ છે. કોલરિજે તો કલ્પનાને સમગ્ર કવિતાની સંરચના-વિધાયક શક્તિ essemplastic imagination તરીકે ઓળખાવી. કવિતાની વાણીને કલ્પનનિષ્ઠ-કલ્પનાપ્રાણિત કરવામાં કવિત્વશક્તિનું તેજ વરતાય છે. કવિતાની વાણી વિશેષભાવે ચિત્રાત્મક-પ્રતીકાત્મક હોવાની પ્રતીતિ થાય છે. તેમાં મૂળભૂત રીતે કવિના કલ્પનોન્મેષો કારણભૂત હોય છે. રૉબર્ટ ફ્રૉસ્ટે અને એઝરા પાઉન્ડે કવિતાની અનુક્રમે રૂપકનિષ્ઠ અને કલ્પનનિષ્ઠ વાણીનો મહિમા કર્યો જ છે.

ભટ્ટ તૌત કવિતામાં દર્શન તેમજ વર્ણન ઉભયની સંપૃક્તિ અપેક્ષે છે. ઉત્તમ કવિતામાં અનુભવનિષ્ઠ દર્શનની ગહનતા, સંકુલતા, વ્યાપકતા ને ઉન્નતતા – લૉન્જાઇનસ-કથિત ઉદાત્તતા – સાથે જ વર્ણનની યથોચિત ચારુતા-રમ્યતા ને ભવ્યતા આવશ્યક હોય છે. જેવો કવિ તેવી કવિતા, તેમ જેવો ભાવ તેવી ભાષા. કાવ્યના કરુણ રસ સાથેના ગાઢ સંબંધની પ્રતિષ્ઠા કરતા નાટ્યકવિ ભવભૂતિનો ઉક્તિસંદર્ભ પ્રયોજીને કહીએ તો સાચા કવિના શબ્દને અર્થ અનુસરે છે, અર્થાત્ એને વાણી વશ વર્તે છે. કવિની વાક્સૃષ્ટિ સ્વયંપર્યાપ્ત – સ્વાયત્ત હોય છે. તે નિયતિકૃતનિયમરહિતા, નવરસરુચિરા ને હલાદૈકમયી હોય છે. એ સૃષ્ટિના પ્રાદુર્ભાવ ને પ્રચલનમાં કવિની નૈસર્ગિક પ્રતિભાનું પ્રશાસન હોય છે. ક્ષણે ક્ષણે નવતા ધારણ કરતી, દેશકાલાનુસાર ભાવકહૃદયને નવી નવી રીતે સ્પર્શવાની ક્ષમતા દાખવતી રમણીયાર્થ-પ્રતિપાદક શબ્દસિદ્ધિમાં કવિની કૃતાર્થતા છે.

કવિની વાણી રોજિંદા જીવનવ્યવહારની જે ભાષા છે તેનાથી ઉપર ઊઠેલી, કવિના સૌન્દર્યાનુભવના આલોકે અપૂર્વ રસાત્મકતા ધારણ કરતી લોકોત્તર – અલૌકિક એવું લાવણ્ય પ્રગટ કરે છે. તે વક્રવ્યાપારશાલિની, રમણીય સંદિગ્ધતાવાળી અને ધ્વન્યાત્મક હોય છે. સમષ્ટિ દ્વારા પરંપરાગત રીતે વારસામાં મળેલી ભાષા કવિપ્રતિભાના યોગે કરીને વૈયક્તિક વિભાષા(idiolect)માં રૂપાંતરિત થાય છે. તેની વાણી વિસ્મયકારી લીલામય ભાવોના રામનારાયણ પાઠક-નિર્દિષ્ટ ઘનીકરણે અથવા મૂર્તીકરણ કે પ્રત્યક્ષીકરણે – રૂપવિધાને આકર્ષક બને છે. આવી સુઘટિત, આત્માની અમૃત કલાની દીપ્તિથી – જીવનરસસંજીવનીથી સ્ફુરતી કાવ્યવાણીમાં, રવીન્દ્રનાથ કહે છે તેવી, એક આહલાદક અનિર્વચનીયતા અનુભવાય છે. કવિની, આઇ. એ. રિચાર્ડ્ઝ કહે છે તેમ, ભાવવાહી વાણી જ ક્ષર દ્વારા અક્ષરનો – લૌકિક દ્વારા અલૌકિકનો – ઇન્દ્રિયગ્રાહ્ય દ્વારા ઇન્દ્રિયાતીતનો, શબ્દ દ્વારા શબ્દાતીતનો અનુભવબોધ અર્પી રહે છે. ઉત્તમ કવિની વાણી કૃતિએ કૃતિએ એના સર્જકના સમૃદ્ધ આંતર વ્યક્તિત્વનો રમણીય પરિચય કે પરચો કોઈક રીતે કરાવીને રહે છે.

કવિતા જેવા સર્જનાત્મક સાહસ-વ્યાપારમાં જેમ શબ્દાર્થ ને દર્શન-વર્ણનની તેમ જ્ઞાન-તર્ક ને ભાવરસની, પરંપરાભક્તિ ને પ્રયોગશક્તિની, સત્યનિષ્ઠા ને સૌન્દર્યરાગિતાની, સત્વશીલતા ને સ્વરૂપભાવનાની, વાસ્તવધર્મિતા ને કલ્પનારસિકતાની, અનંતતા તત્ક્ષણતાની, સમષ્ટિલક્ષિતા ને વ્યષ્ટિધર્મિતાની, પ્રકૃતિપ્રિયતા સાથે સંસ્કૃતિપરાયણતાની, આધ્યાત્મિકતા સાથે વૈશ્વિકતાની એક અનોખી સમન્વિતતા – સંવાદિતાનું રસાયણ સંસિદ્ધ થતું લહાય છે. અનુભવગત તાદાત્મ્ય ને કલાગત તાટસ્થ્યનો સાહજિક સંગમ અહીં પમાય છે. વ્યક્તિ અને સમષ્ટિચેતનાનાં અમૃતમય રહસ્યોના ગહન – સંકુલ – વ્યાપક ને વિલક્ષણ સંબંધ-સંચારોનું કલામય નિરૂપણ સહૃદય ભાવકને વિગલિતવેદ્યાન્તર બ્રહ્માસ્વાદસહોદર આનંદાનુભવ અર્પી રહે છે. કાન્તાસંમિત ઉપદેશ તો વધારાની ઉપલબ્ધિ. પ્રતીક અને કલ્પન, અલંકાર અને છંદોલય વગેરેના સહયોગે જે એક સુશ્લિષ્ટ, અખંડ, જીવંત કલામય વાઙ્મય પુદગલ કવિતામાં આવિર્ભાવ પામે છે તેના આસ્વાદનો અનુભવ પૂર્ણતયા વર્ણવવો અશક્ય બની રહે છે. જેમ કવિતાના સર્જનનો તેમ એના આસ્વાદનો અનુભવ પણ જીવનની જેમ જ સંકુલ ને અવ્યાખ્યેય હોય છે. જેમ અખંડ મનુષ્યને તેમ કાવ્યપુરુષનેય પૂર્ણતયા તર્કની સાંકળે બાંધીને પામવો અશક્ય છે. તેથી તો જમાને જમાને એક જ કવિનું કાવ્ય ભાવકે ભાવકે નવી નવી આવૃત્તિઓ પામતું અમૃતમયતા પ્રકટ કરતું રહે છે. એનાં પ્રકાશિત થયેલાં સર્વ કાવ્યો એક અનવતરિત કાવ્ય માટેના મનોયત્નોરૂપ લેખાય છે. કાવ્યની યાત્રા, સુન્દરમ્ કહે છે તેમ, તપોગિરિની આનંદયાત્રા છે. હંસવાહિની ને મયૂરવાહિની એવી સરસ્વતી(muse)ની એ ઉપાસના છે.

કવિતા આદિમ કાળથી મનુષ્યજીવનના પરિવર્તન અને વિકાસ સાથે પ્રગાઢ રીતે સંકળાઈને રહેલી જણાય છે. પ્રકૃતિનાં રમ્ય-રૌદ્ર, સૌમ્ય-ભવ્ય સત્વરૂપોને આલેખતી વેદકાલીન ઋચાઓથી તે સાંપ્રત જીવનની વિભીષિકા આલેખતી કવિતા સુધી તેનું સાતત્ય છે. વિસ્મયથી વિષાદ સુધીનાં અને શ્રદ્ધાથી સંશય સુધીનાં તેનાં અવનવાં ભાવરૂપો કવિતામાં ઝિલાયાં છે. અન્નબ્રહ્મની સર્વોપરિ અગત્ય છતાં અન્નબ્રહ્મ ને શબ્દબ્રહ્મ વચ્ચે, અન્નરસ ને શબ્દરસ વચ્ચે ભાગ્યે જ છેટું રહ્યું લાગે છે. કલા – કવિતા, રવીન્દ્રનાથ કહે છે તેમ, જીવનનું જ ‘ઉચ્છિષ્ટ’ (ઉત્ + શિષ્ટ) છે. મનુષ્યે ખાતાંપીતાં, ઊંઘતાં-ઊઠતાં, હરતાં-ફરતાં, હળતાં-મળતાં, કામ કરતાં વારંવાર ગાવાનું – પોતાના મનની વાતને કવિતામાં બહેલાવવાનું પસંદ કર્યું છે. યુદ્ધક્ષેત્ર – કુરુક્ષેત્રથી ધર્મક્ષેત્ર સુધી કવિતાનું ચલણ – વિસ્તરણ રહ્યું છે. મનુષ્યના પ્રકૃતિ તેમજ સંસ્કૃતિ સાથેના સંબંધોમાંથી કવિતા સતત ઝમતી રહી છે. પ્રાસંગિક કવિતામાં – હાલરડાં, પ્રભાતિયાં, યાત્રાગીતો, ઉત્સવગીતો, વ્રતગીતો, વિધિગીતો, શ્રમગીતો, રણગીતો કે યુદ્ધગીતો, લગ્નગીતો, વધાઈગીતો, બિરદાવલીઓ, વંશપ્રશસ્તિઓ, મરસિયા ને કરુણપ્રશસ્તિઓ, સમૂહગીતો ને નૃત્યગીતો – આ સર્વમાં મનુષ્યની વ્યષ્ટિ-સમષ્ટિગત ભાવચેતનાનો ઉછાળ વાઙ્મયરૂપે ચિરંતનતા પામતો જોઈ શકાય છે. ખેતરમાં કામ કરતાં, ઘરમાં ઘંટીએ દળતાં, કૂવે પાણી સીંચતાં, દરિયો ખેડતાં કે કૂચ કરતાં જે ગીતો ગવાયાં છે તેમણે ગાનારનો શ્રમ હળવો કરવા સાથે સ્ફૂર્તિ, ઉત્સાહ વધારવાનું કામ પણ કર્યું છે. ભડલી-વાક્યો જેવાંમાં પરંપરાગત ઋતુજ્ઞાન ને હવામાનની આગાહી સાથે સાંકળીને મૂકવાનો એક અનોખો પ્રયત્ન જોવા મળે છે. માનવ-કારવાંની અસ્ખલિત યાત્રામાં ટકી ગયેલાં લોકગીતો – લોકકાવ્યો અને પ્રશિષ્ટ કાવ્યો એના મનોલોકનો સાચુકલો નકશો ‘ઇનરસ્કેપ’ પૂરો પાડે છે. એ રીતે કાળની કસોટીએ ચડીને માનવ-સંસ્કૃતિનો અમૃતમય વારસો બની રહેલી કવિતામાં સંસ્કૃતિના અંતરાત્માનો રસાત્મક આલેખ જોઈ શકાય છે. જે તે માનવપ્રજાનાં ધર્મ, નીતિ અને જ્ઞાનવિજ્ઞાનના, એના ઇતિહાસ-સંસ્કૃતિના અનેક સંચારોએ કવિતાને માત્ર વિષયવસ્તુ જ નહિ એને ગતિ-વળાંક, સ્વરૂપ-આકાર બક્ષવામાં પણ અગત્યનો ભાગ ભજવ્યો છે. બાળકો માટેનાં જોડકણાંથી માંડીને કામણટૂમણના અભિચારમંત્રો વગેરેથી તે મૃતાત્મા માટેની શ્રદ્ધાંજલિરૂપે રચવામાં આવતાં ગીતો-કાવ્યો સુધીની એક એવી શ્રેણી આપણને મળે છે, જેમાં કવિતાએ મનોરંજન કે આસ્વાદ-આનંદ ઉપરાંત નીતિ, ધર્મ, જ્ઞાન કે અધ્યાત્મબોધ સુધીની ભાતભાતની વ્યક્તિ ને સમાજસેવાની સાંસ્કૃતિક જવાબદારીઓ અદા કરેલી જોઈ શકાય છે. ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય આંદોલનો, ક્રાંતિઓ વગેરેમાં પ્રચારધર્મી થવાની ગાળ ખમીને પણ કવિતાએ એનું જીવન અને જગત પ્રત્યેનું ઉત્તરદાયિત્વ અસરકારક રીતે દાખવ્યું હોવાનું જણાય છે. તેથી તો પ્રાચીન કાળથી કવિઓ સમાજજીવનમાં – ધર્મ, રાજકારણ, કેળવણી વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રતિષ્ઠા પામતા રહ્યા છે. સંતોની વાણી તો કવિતાના સ્તન્યપાને સત્વ ને સૌન્દર્યમાં સારું એવું સંવર્ધન-પોષણ પામેલી જોવા મળે છે. ગુજરાતની – ભારતની મધ્યકાલીન કવિતા તો મહદંશે ધાર્મિક-આધ્યાત્મિક-નૈતિક કવિતાની રસસરવાણીરૂપ જ લાગે. કબીરપંથ, સ્વામીનારાયણ પંથ, પુષ્ટિ સંપ્રદાય, નાથ સંપ્રદાય, સૂફી મત, જૈન ધર્મ વગેરેએ કેટકેટલી રીતે ગુણવત્તા ને નિપુણતાની ર્દષ્ટિએ કવિતાને સમૃદ્ધ કરી તેનો ઇતિહાસ સુવિદિત છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સમૃદ્ધ કાવ્યપરંપરા અનેક પ્રજાઓ પાસે જોવા મળે છે. વળી રાજદરબારમાંયે રાજકવિની મીર, ભાટ, ચારણ, બારોટ, દેવીપુત્ર – સરસ્વતીપુત્રની એક પ્રશસ્ત (કવિ)-પરંપરા જોવા મળે છે. આજના યંત્રવિજ્ઞાનના યુગમાં તો મંત્રકવિતા સામે જાણે વિષમ પરિબળો તોલાતાં રહ્યાં હોય એવું ભાસે છે અને છતાં આ જ યુગમાં રાષ્ટ્રીય કવિના ગૌરવ-સ્વીકારની પરંપરા અત્રતત્ર ટકેલી જોવા મળે છે. જેમ રાજાઓ તેમ પ્રજાઓ પણ પોતાના મુખ સમા કવિઓને ઊલટથી બિરદાવે એ સમજાય એવું છે. દલપતરામ જનતાના મનપસંદ ‘કવીશ્વર’ હતા તો ઝવેરચંદ મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’. જેમ સાધુસંન્યાસીની તેમ કવિનીયે જાહેરજીવનમાં એક આગવી માનપ્રતિષ્ઠા રહી છે. ઉમાશંકર કહે છે તેમ, ચાટૂક્તિમાં રાચતા ખુશામતખોર કવિઓ તે સાચા કવિઓ નહિ, પરંતુ સાચા કવિઓ તો એ જે શબ્દને ખાતર, કવિતાને ખાતર શક્ય તેટલું તપવા – ખમવા તત્પર હોય. એવા, ન્હાનાલાલની રીતે કહીએ તો, બ્રહ્મવર્ચસ્-ધારી કવિઓ જ મનુષ્ય-સમાજના અંતરાત્માના રખેવાળો ને એને સમ્યગ્ માર્ગે દોરનારા નેતાઓ બની રહે છે.

‘દુર્વાપ એવા કવિતાપદાર્થ’નો વિવિધ રીતે વિવિધ ર્દષ્ટિકોણથી વિચાર થયો છે. કવિતા ‘ધરા પરની અમૃતસરિતા’, ‘મૌનનો સનાતન શબ્દ’, ‘આત્માની માતૃભાષા’ એમ વિવિધ રીતે વર્ણવાતી રહી છે. કવિતા કવિતાપ્રધાન જ રહે એવી જિકર કલાવાદીઓની રહી અને ‘શુદ્ધ કવિતા’નો અને સંગીતસશ ‘અમૂર્ત (abstract) કવિતા’નો વિચાર પણ થયો. સભારંજની શૈલીની, શીઘ્ર કવિતાની – ફરમાસુ કવિતાની વળી એક જુદી જ ભૂમિકા છે. એ કવિતા હંમેશાં ઉત્તમ ન પણ હોય, છતાં કવિતાનું વર્ચસ્-વાતાવરણ જમાવવામાં એનો ફાળો ખરો. ગુજરાતમાં મધ્યકાલીન જમાનાથી કથાકારો, પુરાણીઓ, આખ્યાનકારો વગેરેનું, ભજનિકો ને સંકીર્તનકારોનુંય કવિતારસને પોષવામાં પ્રત્યક્ષ યા પરોક્ષ પ્રદાન ખરું જ. મુશાયરા ને કવિસભા-કવિસંમેલનોની પ્રવૃત્તિનો તેમજ લોકકવિતા માટેની ડાયરા-પ્રવૃત્તિનો પણ કવિતાની અભિરુચિ કેળવવા-ખીલવવામાં, ફેલાવવામાં ઉલ્લેખનીય સહકાર રહ્યો છે. વળી કવિતામાં કલ્પનાપ્રધાન તેમજ વાસ્તવવાદી કવિતાનું (જેમાં દલિત કવિતાયે આવી જાય) અને પરાવાસ્તવવાદી તેમજ ‘ઍબ્સર્ડ’ કવિતાનું વહેણ પણ જોવા મળે છે. આ સાથે અ-કવિતા કે પ્રતીપ-કવિતા (anti-poetry) તેમજ અર્થનિરપેક્ષ કવિતા(nonsense rhymes – સ્નેહરશ્મિના શબ્દોમાં ‘નિજલીલાકાવ્ય’)ના પ્રયોગો પણ છમકલાંની રીતે ગુજરાતીમાં થયા છે.

જેમ વ્યક્તિ-સમાજના, તેમ કવિતાના પણ દેશકાલાનુસાર, કવિપ્રકૃતિ, કવિ-અભિગમ, કાવ્યવસ્તુ, કાવ્યરીતિ, કાવ્યપ્રયોજન વગેરેને લીધે અનેક પ્રકારો પડે છે. ગુજરાતી કવિતામાં એ રીતે પ્રકાર-સમૃદ્ધિ ઘણી છે. કવિતા આત્મલક્ષી (સ્વાનુભવરસિક) અને પરલક્ષી (સર્વાનુભવરસિક) પણ હોઈ શકે. મહાકાવ્યો, ખંડકાવ્યો, પદ્યવાર્તાઓ, પદ્યનાટકો વગેરે પરલક્ષી પ્રકારો છે, એમ કહી શકાય. વળી કાવ્યના ઊર્મિ, કલ્પના ને વિચારને અનુસરી ઊર્મિપ્રધાન, કલ્પનાપ્રધાન ને વિચારપ્રધાન એવા પ્રકારો પણ આપી શકાય. ડોલરરાય માંકડ ઊર્મિપ્રધાન કાવ્યને રસધ્વનિકાવ્ય, કલ્પનાપ્રધાનને અલંકારધ્વનિકાવ્ય અને વિચારપ્રધાનને વસ્તુધ્વનિકાવ્ય તરીકે નિર્દેશે છે. સ્પષ્ટ છે કે બલવંતરાય ઠાકોર-નિર્દિષ્ટ વિચારપ્રધાન કવિતાના ખ્યાલથી ડોલરરાયનો વિચારપ્રધાન કવિતાનો ખ્યાલ ભિન્ન છે. વળી મહાકાવ્યો ને પદ્યનાટકો વગેરેમાં કવિદર્શનનું જે મહત્વ હોય છે તે જોતાં એવા પ્રકારોને ‘દર્શનપ્રધાન કવિતા’માં સમાવી શકાય. વળી, ચિંતન, મનન, વર્ણન, કથન, નાટ્ય-સંવાદ વગેરેને અનુલક્ષીને પણ કવિતાના પ્રભેદ થઈ શકે. ચિત્રકાવ્યોનોયે એક પ્રકાર ખરો જ. આ ઉપરાંત પ્રકૃતિ, પ્રણય, પરમાત્મા, અધ્યાત્મ વગેરેને તેમજ વ્યક્તિ, રાષ્ટ્ર વગેરેને અનુલક્ષતા કાવ્યપ્રકારો પણ પડે છે. ગેયતા ને પઠનક્ષમતા-ગુંજનક્ષમતાના આધારે પણ ગેય ને પાઠ્ય-ગુંજ્ય કાવ્યોનો ભેદ થઈ શકે. સંસ્કૃતમાં ‘કાદંબરી’ જેવી કથાઓ કે ‘હર્ષચરિત’ જેવી આખ્યાયિકાઓ કવિતાની પ્રકૃતિ ધરાવે છે. રામાયણ, મહાભારત જેવાં કાવ્યોને વિરાટકાવ્યો તો કાલિદાસના ‘રઘુવંશ’ ને ‘કુમારસંભવ’ જેવાં કાવ્યોને મહાકાવ્યો તરીકે નિર્દેશવામાં આવ્યાં છે. પશ્ચિમમાં જે ‘એપિક’ કવિતા મળે છે તેનો મહાકાવ્યમાં સમાવેશ થાય છે. એ ‘એપિક’ કવિતામાં પણ હોમરાદિનાં ‘એપિક’ને પ્રાથમિક (primary) અથવા વિકાસશીલ અથવા મૌખિક (oral) ‘એપિક’ અને વર્જિલથી શરૂ થતા બીજા પ્રકારનાં ‘એપિક’ને દ્વૈતીયિક (secondary) કે કલાત્મક કે સાહિત્યિક (literary) ‘એપિક’ કહેવામાં આવે છે. ‘એપિક’ના આ બે પ્રકારોને આર્ષ અને શિષ્ટ નામથી ઓળખી શકાય. રામાયણને આર્ષ કાવ્ય કહેવામાં આવ્યું જ છે. ‘એપિક’ મહાકાવ્યમાં સામાન્ય રીતે જીવન સમગ્રની વ્યાપકપણે રજૂઆત હોય છે. તેમાં માનવજીવનના ચતુર્વિધ પુરુષાર્થોની વાત હોય છે. આવાં મહાકાવ્યો વિશ્વસાહિત્યમાં ઝાઝાં નથી, પણ છે તે જમાનાઓથી માનવ-મનનું સંસ્કારસંવર્ધન – રસપોષણ કરતાં રહ્યાં છે. આવાં મહાકાવ્યોમાં રામાયણ, મહાભારત, ‘કુમારસંભવ’, ‘રઘુવંશ’ જેવાં તેમજ ‘ઇલિયડ’, ‘ઑડિસી’, ‘ઇનીડ’, ‘ડિવાઇન કૉમિડી’, ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ જેવી કૃતિઓનો સમાવેશ થાય છે. આવાં મહાકાવ્યોની સાથે જ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશની તથા ફારસીની કાવ્યપરિપાટીને અનુસરીને લખાયેલા પ્રબંધ, રાસા, ચરિય, છંદ, નામેહ કે નામા, પવાડા કે શલોકાનો વિચાર થઈ શકે. ગુજરાતીમાં નર્મદથી મહાકાવ્ય લખવાના પ્રયત્નો થતા રહેલા. ‘ઇન્દ્રજિતવધ’ (દોલતરાય પંડ્યા), ‘પૃથુરાજ રાસો’ (ભીમરાવ દિવેટિયા), ‘હમીરજી ગોહેલ’ (કલાપી), ‘કુરુક્ષેત્ર’ અને ‘હરિસંહિતા’ (ન્હાનાલાલ) અને ‘મહાત્માયન’ (મંગળદાસ જ. ગોરધનદાસ) જેવા પ્રયત્નો પણ થયા છે. પરંતુ પરિણત પ્રજ્ઞાના ફળરૂપ સર્વાંગસંપૂર્ણ એવું એકેય મહાકાવ્ય આજપર્યંત ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. તેથી જ ગુજરાતીમાં ‘મહાકવિ’ તરીકે ઓળખાવાતા પ્રેમાનંદ અને ન્હાનાલાલની સાચી ઓળખાણ તો અનુક્રમે શ્રેષ્ઠ આખ્યાનકવિ અને શ્રેષ્ઠ ઊર્મિકવિ તરીકેની જ છે. આ મહાકાવ્યો તેમજ પદ્યાત્મક નાટ્ય કે પદ્યનાટકોના પ્રયોગો નિમિત્તે ‘બ્લૅન્ક વર્સ’ની ગરજ સારતી, બલવંતરાય ઠાકોરે સપ્રયોગ દર્શાવી છે તેવી, ‘સળંગ અગેય પ્રવાહી પદ્યરચના’ કરવાનો પુરુષાર્થ કવિતા-ક્ષેત્રે ચાલ્યો અને તેના પરિણામ-સ્વરૂપે પૃથ્વી, અનુષ્ટુપ, મિશ્રોપજાતિ ને વનવેલી વગેરેના ધ્યાનાર્હ લયપ્રયોગો ગુજરાતીમાં થયા. ગુજરાતીમાં રાસા પ્રકારમાં ‘ભરતેશ્વર-બાહુબલિરાસ’ (શાલિભદ્રસૂરિ), ‘પંચપાંડવચરિત્રરાસ’ (શાલિભદ્રસૂરિ) જેવી તો પ્રબંધ પ્રકારમાં ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ (જયશેખરસૂરિ), ‘કાન્હડદેપ્રબંધ’ (પદ્મનાભ), ‘વિમલપ્રબંધ’ (લાવણ્યસમય) જેવી કૃતિઓ ઉલ્લેખનીય છે. ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ તો રૂપકકાવ્ય તરીકે રૂપકગ્રંથિની ર્દષ્ટિએ પણ નોંધપાત્ર છે. ‘પ્રબંધ’, ‘ચરિય’ જેવી સંજ્ઞાઓ શિથિલતાથી એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાઈ છે. છંદપ્રકારનાં દીર્ઘ કાવ્યોમાં શ્રીધરનો ડિંગલ શૈલીનો  રંગ દાખવતો ‘રણમલ્લછંદ’ જાણીતો છે. આ પ્રકારમાં લઘુ સ્તોત્રકાવ્યો પણ (જેવાં કે ‘અંબિકા છંદ’, ‘બહુચરાનો છંદ’ વગેરે) રચાયાં છે. નામેહ – નામા કાવ્યોમાં એરવદ રુસ્તમ પેશોતન જેવા પારસી કવિઓની ‘સિયાવક્ષ નામેહ’ જેવી કૃતિઓ નોંધપાત્ર છે. પવાડાના પ્રકારમાં ‘સતી સદુબાઈનો પવાડો’ ને શલોકાના પ્રકારમાં શામળકૃત ‘રણછોડજીના શલોકા’, ‘રુસ્તમનો શલોકો’ વગેરે સ્મરણીય છે. આ જ કાવ્યપ્રકારોનો ખંડકાવ્યની જોડાજોડ તુલનાત્મક ર્દષ્ટિએ વિચાર કરી શકાય. ગુજરાતીમાં કવિ ‘કાન્ત’નિર્મિત ખંડકાવ્યની પોતાની એક આગવી તાસીર છે (એ પૂર્વે નવલરામ જેવા વિવેચકો ‘છૂટક કવિતા’ના અર્થમાંયે ‘ખંડકાવ્ય’ સંજ્ઞા પ્રયોજતા હતા.) સંસ્કૃતમાં ‘મેઘદૂત’ જેવાં દૂતકાવ્યો પણ ખંડકાવ્ય જ લેખાતાં. એ રીતે અપભ્રંશનો ‘સંદેશક રાસ’ (અબ્દુર્ રહેમાન) અને ગુજરાતીમાં અર્વાચીન કાળમાંયે રચાતાં રહેલાં ‘ચંદ્રદૂત’, ‘અનિલદૂત’ જેવાં કાવ્યોને ખંડકાવ્યોની હરોળમાં મૂકી શકાય. આ સાથે જ પ્રેમલક્ષણા ભક્તિનો – વિરહભાવનો મહિમા કરતી ‘ઉદ્ધવસંદેશ’ કે ‘ભ્રમરગીતા’ સંજ્ઞિત રચનાઓનો પણ અત્રે નિર્દેશ કરી શકાય. ઉમાશંકર ખંડકાવ્યને માટે ‘કથનોર્મિકાવ્ય’ શબ્દ સાભિપ્રાય પ્રયોજે છે. આવાં ખંડકાવ્યોમાં ‘કાન્ત’ ઉપરાંત ‘કલાપી’, બોટાદકર, નરસિંહરાવ, ખબરદાર વગેરેથી આરંભી રા. વિ. પાઠક – ‘શેષ’, ‘સ્નેહરશ્મિ’, ‘સુન્દરમ્’, ઉમાશંકર, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, પ્રહલાદ પારેખ વગેરેનાં નામ-કામ ઉલ્લેખનીય છે. સ્વાતંત્ર્યોત્તરકાળની ‘બાહુક’, ‘જટાયુ’ જેવી કંઈક દીર્ઘ રચનાઓનો પણ આ પ્રકારના સંદર્ભમાં વિચાર થયો છે ખરો. આ ખંડકાવ્યની સાથે સાથે જ પ્રસંગકાવ્યો, કથાકાવ્યો, આખ્યાનકાવ્યો, પદ્યવાર્તાઓ અને ચાતુરીઓ જેવા પ્રસંગ-કથામૂલક કાવ્યપ્રકારો યાદ કરી લેવા ઘટે. નરસિંહ મહેતાના ‘સુદામાજીના કેદારા’માં આખ્યાનનાં બીજ વરતાયા બાદ પદ્યમાં આખ્યાનશૈલીમાં સંસ્કૃત ‘કાદંબરી’નો અનુવાદ કરનાર ભાલણ દ્વારા એ કાવ્યપ્રકારનાં મૂળ નખાયાં, પુરાણીઓ અને માણભટ્ટોની સંસ્થાએ તથા એ સાથે નાકર અને વિષ્ણુદાસ, વિશ્વનાથ વગેરે અન્ય કવિઓએ એ પ્રકારનું સંવર્ધન કર્યું અને પ્રેમાનંદે તે પ્રકારમાં પૂર્ણ વિકાસ સાધ્યો. પ્રેમાનંદનાં ‘સુદામાચરિત’, ‘મામેરું’ અને ‘નળાખ્યાન’માં આખ્યાનપ્રકારનાં શ્રી અને સામર્થ્યનું સ-રસ દર્શન થાય છે. એ પછી પણ આ આખ્યાનપ્રકાર ખેડાતો તો રહ્યો જ છે અને અર્વાચીન કાળમાં જેમ એ ગંભીરપણે તેમ કટાક્ષ માટેય ‘વૈશંપાયનની વાણી’ ને ‘નારદવાણી’ રૂપે પત્રકારત્વના ક્ષેત્રે પ્રાસંગિક સંદર્ભોમાં પ્રયોજાતો લોકપ્રિયતા પણ પામ્યો હોવાનું જોવા મળે છે. આ આખ્યાનપ્રકારના ઢાંચામાં ગુરુ-શિષ્ય-સંવાદરૂપે ઢળાઈને ‘ગીતા’ નામક જ્ઞાન-ભક્તિવિચાર-વિષયક રચનાઓ પણ થઈ છે. તેમાં નરહરિ, ગોપાલ, ધનદાસ, અખો, પ્રીતમ, મુક્તાનંદ આદિની અનુક્રમે ‘જ્ઞાનગીતા’, ‘ગોપાળગીતા’, ‘અર્જુનગીતા’, ‘અખેગીતા’, ‘સરસગીતા’, ‘સતીગીતા’ વગેરેનો તેમજ દયારામકૃત ‘રસિકવલ્લભ’નો નિર્દેશ કરી શકાય. જૈનેતર કવિઓ દ્વારા જો આખ્યાનનો તો જૈન કવિઓ દ્વારા પદ્યવાર્તાઓનો પ્રકાર પ્રમાણમાં ઘણો ખેડાયો છે. જોકે ઉત્તમ પદ્યવાર્તાકાર શામળ જૈનેતર છે, જેની ‘સિંહાસનબત્રીસી’ની – ‘વેતાળપચીસી’ની વાર્તાઓની લોકપ્રિયતા ઘણી રહી છે. શામળની આ અદભુતરસિક એવી પદ્યવાર્તાઓમાં બુદ્ધિચાતુર્ય ને નીતિ તેમજ કાવ્યવિનોદનો રસ અર્પતી સમસ્યાપૂર્તિઓ અને છપ્પાઓનું પણ આકર્ષણ નોંધપાત્ર છે. ‘છપ્પય શામળ ખાસ’ની ઉક્તિ પણ પ્રચારમાં છે જ. આ પદ્યવાર્તા તેમજ આખ્યાનપ્રકારમાં ડોલરરાય માંકડની ર્દષ્ટિએ માત્ર શૈલીભેદ છે તે અત્રે નોંધવું ઘટે. વળી લોકકથાઓમાં પણ દુહાત્મક કવિતાનું મહત્વનું આલંબન જોવા મળે છે. શેણી-વિજાણંદ, ઢોલા-મારુ જેવી કથાઓ આ સંદર્ભમાં સ્મરણીય છે. આ લોકકથાઓની કહેણી ને પ્રચારમાં ભાટ, મીર, મોતીસર, રાવળ વગેરે કોમોનું, નાથબાવાઓ તથા ભરથરીઓનું સારું પ્રદાન રહ્યું છે. રાવણહથ્થો કે સારંગી કે બીન જેવા તંતુવાદ્ય સાથે વાત કહેવાની આ એક અનોખી લોકકળા ગુજરાતમાં, ખાસ કરીને ગામડાંમાં હજુયે ટકી છે, જે મનોરંજન સાથે સંસ્કારરસ  કવિતારસ પણ લોકોને આપે છે.

દીર્ઘ કાવ્યપ્રકારોમાં કેટલાક ફાગુઓ, કરુણપ્રશસ્તિ કાવ્યો અને સૉનેટમાળાઓ કે પદમાળાઓને પણ મૂકી શકાય. આ સાથે દુહા, છપ્પા, કુંડલિયા, સાખી, સવૈયા, ચોપાઈ વગેરેના સમુચ્ચયોવાળી વીસી, પચીસી, બત્રીસી, ચાલીસી જેવી કડીસંખ્યા-નિર્દેશક માળાઓ પણ યાદ કરવી જોઈએ. મધ્યકાલીન કવિતામાં મહદંશે જૈન કવિઓ દ્વારા ફાગુ કાવ્યપ્રકાર ખેડાયો, જેમાં ધાર્મિક કથાવસ્તુ પ્રાકૃતિક પરિવેશમાં રજૂ થતું હતું. પ્રકૃતિ  મોટાભાગે વસંત, પણ ક્યારેક વર્ષા – આ ફાગુકાવ્યોમાં ઉદ્દીપન વિભાવ તરીકે સ્થાન પામતી. આ ફાગુકાવ્યોમાં ‘સિરિથૂલિભદ્ર ફાગુ’ (જિનપદ્મસૂરિ), ‘રંગસાગર-નેમિનાથ ફાગુ’ (સોમસુંદરસૂરિ) જેવા જૈનોના તો ‘નારાયણ ફાગુ’ અને ‘વસંતવિલાસ’ જેવા સંભવત: જૈનેતરોના ફાગુઓ ઉલ્લેખનીય છે. ગુજરાતીમાં ફાગુકાવ્યોની પરંપરામાં મૂકી શકાય એવાં સંસ્કૃત પરંપરાના ઋતુવર્ણનનાં – ષડ્ઋતુવર્ણનનાં, બારમાસા – મહિના કે બારમાસી પ્રકારનાં કાવ્યોને પણ અત્રે યાદ કરવાં જોઈએ. આવાં કાવ્યોમાંયે પ્રકૃતિ ઉદ્દીપન વિભાવ તરીકે આવતી અને આવાં અનેક કાવ્યોમાં કૃષ્ણ-ગોપીનિષ્ઠ ભક્તિશૃંગારનું જ વિશેષે વર્ણન જોવા મળતું. રત્નાના ‘મહિના’ આ સંદર્ભમાં તુરત યાદ આવે. કરુણપ્રશસ્તિ કાવ્ય એ વસ્તુત: ‘એલિજી’ના પર્યાય તરીકે પ્રયોજાયેલી સંજ્ઞા છે. ગુજરાતીમાં રાજિયા-મરસિયાની લોકપ્રચલિત પરંપરા જરૂર હતી, પણ એનાથી આ કાવ્યપરંપરા જુદી, પાશ્ચાત્ય કવિતાના સંસ્કારે પ્રેરેલી અર્વાચીન છે. ગુજરાતીમાં કરુણપ્રશસ્તિ કાવ્યોમાં ‘ફાર્બસવિરહ’ (દલપતરામ), ‘પિતૃતર્પણ’ (ન્હાનાલાલ), ‘કલાપીનો વિરહ’ (ત્રિભુવન પ્રેમશંકર), ‘સ્મરણસંહિતા’ (નરસિંહરાવ), ‘દર્શનિકા’ (ખબરદાર) વગેરે સ્મરણીય છે.

ડોલરરાય માંકડે માનવજીવનના નિરૂપણને નજર સામે રાખી મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્ય એમ ત્રણ પ્રકારની શ્રેણી આપી. આ લઘુકાવ્યના વર્ગમાં સર્વ ઊર્મિકાવ્યો સમાવેશ પામે છે. આ ઊર્મિકાવ્યો માટે અંગ્રેજીમાં ‘લિરિક’ શબ્દ છે, જેમાં બલવંતરાય ઠાકોર ઊર્મિપ્રધાનતા અનિવાર્ય લેખે છે, પરંતુ ‘લિરિક’ પ્રકારમાં ઊર્મિપ્રધાન ન હોય એવાંયે કાવ્યો મળે છે. આમ ‘લિરિક’ના પર્યાયરૂપે આવેલી ‘ઊર્મિકાવ્ય’ સંજ્ઞાનો અર્થ પણ વિસ્તાર પામતો રહ્યો છે અને તેથી જ ‘ઊર્મિકાવ્ય’ની તુલનામાં ‘લઘુકાવ્ય’ સંજ્ઞા વધુ સાર્થક જણાય છે. વિષયને અનુલક્ષીને આ લઘુકાવ્યોમાં પ્રસંગને નિરૂપતી ટૂંકી રચનાઓ; માસ – મહિના, વાર, કક્કો, માતૃકા, તિથિ, પક્ષ વગેરેને લગતી ટૂંકી રચનાઓ; પ્રકૃતિ, પ્રણય અને પરમાત્મવિષયક રચનાઓ, ભજનો-કીર્તનો, સ્તોત્રો-સ્તવનો-સ્તુતિ-અષ્ટકો, પ્રાર્થનાઓ એમ અનેક પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. મધ્યકાલીન કવિતામાં ફાગ અને ફાગુકાવ્યોમાં, ઋતુવર્ણનનાં કાવ્યોમાં, ઉત્સવકાવ્યોમાં ઉદ્દીપન વિભાવ તરીકે પ્રકૃતિનું સંસ્કૃત શૈલીએ નિરૂપણ તો થતું જ હતું; પણ પાશ્ચાત્ય પ્રભાવે પ્રકૃતિને જ કેન્દ્રમાં રાખીને ઋતુવર્ણન કરવાની – કાવ્ય રચવાની અથવા પ્રકૃતિના નિરૂપણ દ્વારા માનવજીવનના નિગૂઢ સત્ય – રહસ્ય સુધી પહોંચવાની રીતિ તો અર્વાચીન કવિતામાં શરૂઆતમાં દલપતરામની ‘બાપાની પીપર’માં, નર્મદના ‘કબીરવડ’ જેવાં કાવ્યોમાં આછીપાતળી રીતે અને પછી ‘ગોલ્ડન ટ્રેઝરી’ના પ્રભાવે સર્જાયેલાં નરસિંહરાવ દિવેટિયાનાં ‘કુસુમમાળા’નાં કાવ્યોમાં સઘન રીતે ર્દષ્ટિગોચર થાય છે. સંસ્કૃત અને પાશ્ચાત્ય પ્રભાવવાળી ઊર્મિકવિતાનો ભેદ સદ્ય પ્રતીત થાય એવો છે. નરસિંહ મહેતા અને નરસિંહરાવ દિવેટિયાનાં ઊર્મિકાવ્યોની તાસીર એક નથી જ. ગુજરાતીમાં સંસ્કૃતના પ્રભાવે જેમ મહાકાવ્ય, ખંડકાવ્ય, દૂતકાવ્ય કે સંદેશકાવ્ય, ગીતાકાવ્ય જેવા પ્રકારો આવ્યા તેમ લઘુકાવ્યમાં મુક્તક – સુભાષિત, ગીતિ જેવા પ્રકારો પણ આવ્યા. પાશ્ચાત્ય કાવ્યના પ્રભાવથી જે લિરિક આવ્યાં તેમાંયે સૉનેટ, એપિગ્રામ – ‘માર્મિકણાં’ આદિ અનેક પ્રકારો ખેડાયા. ફારસી-ઉર્દૂના પ્રભાવે એક બાજુ કસીદા જેવા તો બીજી બાજુ ગઝલ, કવ્વાલી, રેખતા, હઝલ, રુબાઈ જેવા પ્રકારો આવ્યા. મુક્તકોમાં જેમ સંસ્કૃત શૈલીનાં તેમ ઉર્દૂ શૈલીનાં મુક્તકો પણ ગુજરાતીમાં સારા પ્રમાણમાં મળે છે. મરાઠીના પ્રભાવે ગુજરાતીમાં લાવણી, અભંગ, દિંડી જેવા કાવ્યપ્રકારોય ખેડાયા છે, જેનાં ઉદાહરણ અનુક્રમે નર્મદની તથા ભોળાનાથ સારાભાઈની કવિતા આપે છે. વળી હોરી, સાખી, ચાતુરીઓ, ફાગ જેવા પ્રકારો ગુજરાતીમાં વ્રજ-હિન્દીના તથા રાજસ્થાની-મારવાડીના પ્રભાવે ખીલ્યા હોવાનું લાગે છે. જાપાની કવિતાના હાઈકુ, તાન્કા જેવા પ્રકારો પણ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં ખેડાયા છે; જેમાં ‘સ્નેહરશ્મિ’નું પ્રદાન જાણીતું છે. ગુજરાતીમાં લઘુકાવ્ય-પ્રકાર અન્ય પ્રકારોની તુલનામાં મધ્યકાલીન તેમજ અર્વાચીન બેય યુગમાં સૌથી વધુ વૈવિધ્યસભર તથા સમૃદ્ધ જણાય છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પદ જ લઘુકાવ્ય-પ્રકારમાં કેન્દ્રસ્થાને છે. ‘પદ તો પ્રીતમનાં’ એ ઉક્તિ જાણીતી છે, પરંતુ આ પ્રકારની કવિતામાં નરસિંહ, ભાલણ, મીરાં, જૈન કવિ આનંદઘન, સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ, પ્રેમાનંદ ‘સખી’ જેવા તો કબીર સંપ્રદાયમાં ભાણસાહેબ, રવિસાહેબ, ‘દાસી’ જીવણ જેવા કવિઓ, ધીરો, ભોજો, બાપુસાહેબ, ગાયકવાડ, ગૌરીબાઈ, ગંગાસતી, રણછોડ, નરભેરામ, દયારામ વગેરે અનેક કવિજનો એવા મળે છે, જેમનાં પદો આજેય લોકજીભે જીવંત છે. ‘નરસિંહનાં પ્રભાતિયાં’, ‘ધીરાની કાફીઓ’, ‘ભોજા ભગતના ચાબખા’, ‘બાપુસાહેબના રાજિયા’, ‘લખીરામના પ્યાલા’, ‘દયારામની ગરબીઓ’ જેવી ઉક્તિઓ સુપ્રસિદ્ધ છે. વળી પદો-ભજનોમાં થાળ, આરતી, પ્યાલા, કટારી, ચેતવણી જેવા પ્રકારો પણ મળે છે. આ ઉપરાંત રામકથા ને કૃષ્ણચરિત્રના રામાવળા ને કૃષ્ણાવળાના નામથી ઓળખાતા ચંદ્રાવળા, કુંડળિયા (જેમ કે, દયારામના), દુહા ને સોરઠા, ચર્ચરી, રેણકી આદિ છંદ ને છપ્પા વગેરેનું કાવ્યસાહિત્ય પણ લોકહૃદયમાં વસેલું મળે છે. અંજની કાવ્યોના પ્રકારમાં પણ ‘કાન્ત’થી તે મનોજ ખંડેરિયા સુધીના કવિઓને રસ પડ્યો છે. વળી મધ્યકાલીન ભારતીય સંત-કવિતાએ ગુજરાતના મધ્યકાલીન કવિઓને પદ-કવિતા માટે વિષય, નિરૂપણ-રીતિ વગેરેમાં ઘણી પ્રેરણા, ઘણું માર્ગદર્શન પૂરાં પાડ્યાં જણાય છે. ગુજરાતીમાં કબીરરીતિની અવળવાણીની પણ એક આસ્વાદ્ય પરંપરા છે; અને તે કબીરપંથી કવિઓમાં તો ખરી જ પણ તે સિવાયના ધીરા જેવા વેદાન્તધારાના કવિઓ સુધી વિસ્તરેલી છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં કૃષ્ણ, રામ, શિવ અને શક્તિ-ભક્તિની પરંપરાની તથા જ્ઞાન અને વૈરાગ્યની બે પ્રબળ ધારાઓ જોવા મળે છે, જેમાં વેદાન્તી ધારાનો પ્રભાવ આગળ પડતો છે. વૈષ્ણવભક્તિના ફળરૂપ કૃષ્ણભક્તિ ને રામભક્તિનું પદસાહિત્ય તેમજ શક્તિભક્તિનું ગરબા-ગરબીનું સાહિત્ય વિપુલતા તેમજ ગુણવત્તાની ર્દષ્ટિએ ધ્યાન ખેંચે છે. અર્વાચીન કાળમાં તો રાષ્ટ્રભક્તિનું કાવ્યસાહિત્ય પણ, (નરસિંહરાવ દિવેટિયા જેવાના અસમર્થન છતાં) વિકાસ પામેલું જોવા મળે છે, અને ‘જય જય ગરવી ગુજરાત’થી જ નર્મદ દ્વારા તે સુપ્રતિષ્ઠા પામ્યું જણાય છે. જોકે જનનીપ્રેમની જેમ જન્મભૂમિપ્રેમ પારંપરિક કવિતામાં સાવ અસ્પૃષ્ટ રહ્યો નથી. મધ્યકાલીન સાહિત્યમાં જૈન પરંપરામાં વૈરાગ્ય, ઉપશમ વગેરેનો પ્રબોધ કરતી કવિતા પ્રબંધ, રાસા, ચરિત્ર, ફાગુ, પદ્યવાર્તા ઉપરાંત સજ્ઝાય, વિવાહલઉ, સ્તવન, ધવલ, ધોળ જેવા લઘુ કાવ્યપ્રકારોમાં પણ પ્રાપ્ત થાય છે. લોકસંગીતે – દેશી અને માર્ગી સંગીતે – ને તેમાંય પુષ્ટિ સંપ્રદાયના હવેલી-સંગીતે – મધ્યકાળના ગેય કાવ્યપ્રકારોના ખાસ તો લય-ઢાળગત વિકાસમાં વિધેયાત્મક ભાગ ભજવ્યો જણાય છે. શક્તિ-ભક્તિની પરંપરામાં સંગીત-નૃત્ય સાથે ઊજવાતા નવરાત્રિ પર્વે તથા શ્રીકૃષ્ણની રાસપરંપરાએ ગરબા-ગરબી, રાસ, હીંચ-હમચી વગેરેના સ્વરૂપ-વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું જણાય છે. રાસડા(‘બૅલૅડ’)ની પણ એક આકર્ષક પરંપરા ગુજરાતમાં છે. ગુજરાતી ગેય કવિતાની – ગીતની પરંપરા તો ઘણી સમૃદ્ધ છે. ઉસ્તાદી ગાયકી માટેની ચીજોથી માંડીને લગ્નગીતો, હાલરડાં, ખાયણાં સુધીની લોકગાયકીની પરંપરાને આવરી લેતી વૈવિધ્યપૂર્ણ ગેય કવિતા ગુજરાતીમાં છે. ગીતરૂપકો ને નૃત્યરૂપકો પણ મહદંશે આકાશવાણી તથા દૂરદર્શન વગેરેની આવશ્યકતાથી પ્રેરાઈને સર્જાતાં રહ્યાં છે. ભવાઈના વેશોમાં આવતાં ગાણાંની – ચોબોલા, હરિયાળીઓ વગેરેનો વળી અનોખો સ્વાદ છે. ધીમાનોના કાવ્યશાસ્ત્રવિનોદ માટેનુંયે પદ્ય-સાહિત્ય અત્રે ઉલ્લેખનીય છે : પ્રહેલિકાઓ, ઉખાણાં, સમસ્યાપૂર્તિ કે વરતની મજા આબાલવૃદ્ધ સૌ લેતાં હોય છે. વિક્રમ ને ભોજની કવિ-સભાઓની રસમય કથાઓ આ સંદર્ભે સ્મરણીય છે.

અંગ્રેજી – પાશ્ચાત્ય કાવ્યસાહિત્યના વિવેચનથી પ્રેરાઈ કાવ્યના બોધક (didactic) કવિતા, કથાત્મક (narrative) કવિતા, વર્ણનાત્મક (descriptive) કવિતા, ગોપ (pastoral) કવિતા, નાટ્યાત્મક (dramatic) કવિતા જેવા પ્રકારોય કાવ્યવિવેચનમાં નર્મદથી ઉલ્લેખાતા રહ્યા છે. નર્મદે પ્રકૃતિ-કવિતાના સંદર્ભમાં ‘વનકવિતા’ જેવી સંજ્ઞા પ્રયોજેલી. હેઝલિટની કાવ્યવિભાવના ને વર્ડ્ઝવર્થની કવનરીતિ તરફ આ અર્વાચીન પ્રકૃતિ-કવિતાનો પક્ષપાત પણ રહેલો. એ પછી નર્મદની કવિતામાં ‘જોસ્સા’ની વાત રમણભાઈ દ્વારા ‘અંત:ક્ષોભ’ કે ‘ચિત્તક્ષોભ’ની વાત દ્વારા પુરસ્કૃત થઈને છેવટે આનંદશંકર ધ્રુવ દ્વારા ‘આત્માની અમૃતકલા’રૂપે – સંવિતની કલામય અભિવ્યક્તિરૂપે સમ્યક્તયા ઓળખાવાઈ. એ દરમિયાન ગુજરાતી કવિતાએ સર્જનાત્મક સ્તરે પણ નોંધપાત્ર વિકાસ સાધેલો જોઈ શકાય છે. ગુજરાતી કવિતા ‘નવરસરુચિરા’ હતી જ. જેમાં ધર્મ જ કેન્દ્રસ્થાને હતો અને જેમાં ભક્તિમહિમા, ભક્તિબોધ અને ભક્તિશૃંગારની; ભક્ત અને ભગવાનની; તીર્થંકરો, શ્રાવકો અને તીર્થસ્થાનોની; જ્ઞાનબોધ અને વૈરાગ્યબોધની કવિતાની બોલબાલા હતી એવી મધ્યકાલીન સમગ્ર કવિતાધારામાં જીવનના ઉલ્લાસને પોષક-દ્યોતક એવી રસસામગ્રી અવારનવાર પ્રતીત થાય છે. શૃંગારરસિક અને અદભુતરસિક, વીરરસિક અને કરુણરસિક કવિતાની અનેક કૃતિઓ ગુજરાતી ભાષાને એના આરંભકાળથી સતત મળતી રહી છે. એમાં હાસ્યરસિક કવિતાના જે ચમકારા પ્રેમાનંદ, દયારામ આદિમાં જોવા મળે છે તેની ઝાંખી અર્વાચીન યુગમાં દલપતરામથી આરંભીને ઠેઠ અત્યાર સુધીના અનેક કવિઓની રચનાઓમાં થાય છે. ખબરદાર તો પ્રતિકાવ્ય(parody)ના સફળ સર્જક હતા. તેમનાં ‘પ્રભાતનો તપસ્વી’, ‘ક્કુટદીક્ષા’, ‘અવરોહણ’ આદિ પ્રતિકાવ્યો જાણીતાં છે. ‘શેષ’, જ્યોતીન્દ્ર દવે, નટવરલાલ પ્ર. બૂચ વગેરેથી તે આજના ધીરુભાઈ પરીખ, નિર્મિશ ઠાકર સુધીના અનેકે પ્રતિકાવ્યો રચીને હાસ્યવિનોદની – વ્યંગ-કટાક્ષની કવિતાનું સંવર્ધન કર્યું છે. વળી અડવા જેવાં પાત્રો લઈ હાસ્યકટાક્ષ નિષ્પન્ન કરવાની હથોટી હરિકૃષ્ણ પાઠકે ‘અડવાપચીસી’માં દાખવી છે. આ પ્રકારની કેટલીક ધ્યાનાર્હ રચનાઓ લઘરો, મગન, આલા ખાચર જેવાં પાત્રોને અનુલક્ષીને રચાઈ છે. આ રચનાઓમાં વ્યંગ-કટાક્ષ, વિડંબના, અતિચિત્રણ, નર્મમર્મ, ઉપહાસ વગેરે હાસ્યવિનોદના અવનવા સંચારો જોઈ શકાય છે. વળી અંગ્રેજીમાં જેને ‘બ્લૅક હ્યુમર’ કહે છે એવી કવિતા પણ સાંપ્રત સમયમાં સર્જાતી રહી છે. એક પલ્લે સ્વભાવોક્તિસભર વાસ્તવચિત્રણના તો સામે પલ્લે વક્રોક્તિસભર આલંકારિક ચિત્રણના (જેમ કે, નાયક-નાયિકાભેદનાં વર્ણનાત્મક કાવ્યો) તથા વિડંબનાત્મક અતિચિત્રણના પ્રયોગોયે મળતા રહ્યા છે. રૂઢ વર્ણનો – વર્ણકોની પણ એક પરંપરા મધ્યકાલીન ગુજરાતી કવિતામાં સુપ્રચલિત હતી, જેનો ખ્યાલ ભોગીલાલ સાંડેસરા સંપાદિત ‘વર્ણક સમુચ્ચય’માંથી મળી રહે છે.

ગુજરાતી કવિતાએ બાળકો-કિશોરો, મહિલાઓ, પ્રૌઢો વગેરેનીયે ચિંતા કરી છે. ગુજરાતી બાળકાવ્યોનો વિકાસ ભલે અર્વાચીન કાળમાં લેખીએ, પણ બાળકોને પોતાની કવિતા વિના નહિ જ ચાલ્યું હોય. આંક, પલાખાંથી આરંભાયેલી રાગમાં ગાવાની ટેવે બાળકોમાં બાલકાવ્ય માટેની અભિરુચિયે ખીલવી જ હોય. જોડકણાં, વરત-ઉખાણાં, અભિનયગીતો – અનુકરણ ગીતો, ગમ્મતગીતો, નૃત્યગીતો જેવા ગીત-નૃત્ય સાથે માણી શકાય એવા અનેક પ્રકારો બાલકાવ્યમાં વિકસ્યા છે. ઝીણાભાઈ(‘સ્નેહરશ્મિ’)એ તો ‘નૉનસેન્સ રહાઇમ્સ’(‘નિજલીલાકાવ્ય’)નો કાવ્યપ્રકાર પણ ખેડી બતાવ્યો. વળી આ ગેય બાલકાવ્યોમાં દ્વંદ્વગીતો ને સમૂહગીતો, સંવાદગીતો ને ઉદબોધનગીતો જેવા પ્રકારો પણ મળે છે. બાલકાવ્યોમાં ગેય પ્રકારોની આવકાર્યતા ને વિપુલતા સમજી શકાય એવી છે. ગુજરાતીમાં બાલકવિતાના વિકાસમાં દલપતરામ, ન્હાનાલાલ, ત્રિભુવન ગૌરીશંકર, સુન્દરમ્, કેશવજી પરમાર, કૃષ્ણલાલ શ્રીધરાણી, ચન્દ્રવદન મહેતા, જુગતરામ દવે, રમણલાલ સોની વગેરેની તેમ સાંપ્રત કવિઓમાં સુરેશ દલાલ, રમેશ પારેખ, ચંદ્રકાન્ત શેઠ આદિની કામગીરી ઉલ્લેખનીય છે. પ્રૌઢો ને કિશોરો માટે તેમજ નાનાં ભૂલકાં  શિશુ માટેની પણ અલગ કવિતા હોવી જોઈએ. એ દિશામાં ગુજરાતીમાં થોડુંઘણું કામ થયું છે. એક જમાનામાં ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિએ, દક્ષિણામૂર્તિએ તેમજ સમાજશિક્ષણ સમિતિઓએ અને હાલમાં સાક્ષરતા અભિયાન જેવાં આંદોલનોએ પ્રૌઢ-કાવ્યસાહિત્યને વિકસવાની તક આપી છે અને તેથી આ દિશામાં પ્રગતિ થઈ છે.

ગુજરાતી કવિતાનો ઇતિહાસ વજ્રસેનકૃત ‘ભરતેશ્વરબાહુબલિ ઘોર’(ઈ. સ. 1169 લગભગ)થી આરંભીએ તો લગભગ નવસો વર્ષનો લેખાય. જોકે જે પરંપરામાંથી પ્રેરણા લઈ ગુજરાતી કવિતા આગળ ચાલી તેનો વિચાર કરીએ તો તો પાછે પગલે વેદકાલીન મંત્રકવિતા સુધી પહોંચી શકાય. પરંતુ ગુજરાતી ભાષાએ કવિતામાં પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રગટ કરવા માંડ્યું ત્યારથી જ તેનો વિકાસ દર્શાવી શકાય. ગુજરાતી કવિતાના મુખ્ય બે તબક્કા મધ્યકાલીન અને અર્વાચીન છે. મધ્યકાલીન કવિતાના પણ કે. કા. શાસ્ત્રી રાસયુગ, આખ્યાનયુગ જેવા પેટા તબક્કા દર્શાવે છે. ઈ. સ.ની 11-12મી સદીથી 14-15મી સુધીનો નરસિંહ પૂર્વેનો ગાળો તે રાસયુગ. નરસિંહ-ભાલણ પછી આખ્યાનયુગ પ્રવર્ત્યો. આ ગાળાની કવિતામાં સ્વાભાવિક રીતે જ હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહૈમ’માં ટાંકેલા પ્રેમશૌર્ય ને નીતિબોધના સુંદર દુહાઓ યાદ કરવામાં આવે છે. આ દુહાઓની ભાષા ‘ગુજરાતી ભાષાનો ગર્ભદશાકાળ’ સૂચવે છે એવું કેશવ હર્ષદ ધ્રુવના શબ્દોમાં કહી શકાય. આ ગાળામાં મળતી અનેક કૃતિઓમાં ‘ભરતેશ્ર્વર-બાહુબલિરાસ’ (1185), વિજયસેનસૂરિકૃત ‘રેવંતગિરિરાસુ’ (1231), ‘સપ્તક્ષેત્રિરાસુ’ (1271), વિનયપ્રભરચિત ‘ગૌતમરાસ’ (1356) અને શાલિભદ્રસૂરિકૃત ‘પંચપાંડવચરિત્રરાસ’ (1354) જેવા રાસો; વિજયચંદ્રકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા’ (તેરમી સદી) જેવાં બારમાસીકાવ્ય, જિનપદ્મસૂરિકૃત ‘સિરિથૂલિભદ્દ ફાગુ’ (1334), સોમચન્દ્રસૂરિકૃત ‘રંગસાગર નેમિનાથ ફાગુ’, ‘જંબૂસ્વામી ફાગુ’ (1374), ‘ફાગુ’ (1439) અને ‘વસંતવિલાસ’ (1452) જેવી ફાગુરચનાઓ; જયશેખરસૂરિકૃત ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ (પંદરમા શતકનું પહેલું ચરણ) જેવું રૂપકાત્મક પ્રબંધકાવ્ય, અસાઇતકૃત ‘હંસાઉલી’ (ચૌદમા શતકનો સાતમો દાયકો) અને ભીમકૃત ‘સદયવત્સચરિત’ (1410) જેવી વાર્તાઓ અત્રે નિર્દેશવી જોઈએ. વળી ‘હંસાઉલી’-કાર અસાઇતે ભવાઈના 360 વેશો રચ્યાની અનુશ્રુતિ પણ છે. આ જ ગાળામાં શ્રીધર વ્યાસ વીરરસનું ‘રણમલ્લછંદ’ (ચૌદમા શતકનો અંતિમ તબક્કો) જેવું કાવ્ય આપે છે. આ ગાળામાં ગદ્યમાં પ્રાપ્ત થતી ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ જેવી કથાને પણ ‘કાદંબરી’-ન્યાયે અત્રે કવિતામાં ઉલ્લેખી શકાય.

નરસિંહથી શરૂ થતા ભક્તિયુગના પ્રેરણા-સંસ્કારે જ આગળ જતાં આખ્યાનયુગનો પરંપરા-વિકાસ થાય છે. આ યુગમાં નરસિંહ મહેતાનાં ભક્તિશૃંગાર ને ભક્તિબોધનાં, જ્ઞાન અને અધ્યાત્મનાં ઉત્તમ પદો મળે છે. ગુજરાતી કવિતાના ઇતિહાસમાં તેથી જ એ ઉત્તમ કવિત્વશક્તિ દાખવનાર તરીકે આદિકવિ છે. એ પછી આ ગાળામાં પદ્યનાભ પાસેથી વીરરસનું કાવ્ય ‘કાન્હડદેપ્રબંધ’ (1456) આખ્યાનપિતા ભાલણનો ‘કાદંબરી’નો પદ્યાત્મક સંક્ષિપ્ત અનુવાદ તથા ‘દશમસ્કંધ’ અને ‘રામબાલચરિત’નાં વાત્સલ્યરસનીતરતાં પદો, ભીમકૃત ‘હરિલીલાષોડશકલા’ (1485) અને ‘પ્રબોધપ્રકાશ’ (1490), અખાના પુરોગામી માંડણકૃત ‘પ્રબોધબત્રીસી’ વગેરે કૃતિઓ મળે છે. સોળમું શતક મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મીરાંની ભાવમધુર પદકવિતા, નાકરનાં ‘વિરાટપર્વ’ આદિ આખ્યાનો, લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ’ (1512) કેશવદાસ કાયસ્થકૃત ‘કૃષ્ણક્રીડાકાવ્ય’ (1536), ગણપતિકૃત ‘માધવાનલ-કામકંદલા-દોગ્ધક’ (1528), જ્ઞાનાચાર્યકૃત ‘બિલ્હણપંચાશિકા’ તથા ‘શશિકલાપંચાશિકા’, મધુસૂદન વ્યાસકૃત ‘હંસાવતી-વિક્રમકુમારચરિત્ર’ (સોળમી સદીનો મધ્યભાગ), વચ્છરાજકૃત ‘રંજમંજરીની વાર્તા’ (1579), મતિસારકૃત ‘કર્પૂરમંજરી’ (1549), નયસુંદરકૃત ‘રૂપચંદકુંવરરાસ’ (1581) અને ‘નલદમયંતી-રાસ’(1609)ના કારણે કાવ્યસર્જનની ર્દષ્ટિએ ‘મંદયુગ’ લાગશે નહિ.

જો પંદરમી-સોળમી સદીનો ગાળો ભક્તિકવિતામાં સર્વોત્તમ છે તો સત્તરમી સદીનો ગાળો ગુજરાતી જ્ઞાનાશ્રયી અને આખ્યાનકવિતામાં સર્વોત્તમ હોવાનું જણાય છે. આ ગાળો ‘જ્ઞાનગીતા’કાર નરહરિ, ‘ગોપાલગીતા’કાર ગોપાલ, ‘અનુભવબિન્દુ’ અને ‘અખેગીતા’ (1649) જેવાં કાવ્યો ને ચોપાઈબદ્ધ તેજાબી છપ્પાઓ આપનાર વેદાન્તી કવિ અખો, ‘ગરબી’ શબ્દનો પ્રથમ પ્રયોગકાર ભાણદાસ, પ્રેમાનંદના પુરોગામી એવા વિષ્ણુદાસ ને ‘મોસાળાચરિત્ર’ (1652) તથા ‘પ્રેમપચીશી’-કાર વિશ્વનાથ તેમજ ‘ચંદ્રહાસાખ્યાન’ (1671), ‘ઓખાહરણ’, ‘સુદામાચરિત’ (1682), ‘મામેરું’ (1683), ‘રણયજ્ઞ’ (1685) અને ‘નળાખ્યાન’ (1685) જેવાં વિશિષ્ટ – ઉત્તમ આખ્યાનો આપનાર રસસિદ્ધ આખ્યાનકવિ પ્રેમાનંદને કારણે ઘણો સમૃદ્ધ છે. મધ્યકાલીન ગુજરાતી કવિતાનાં જે કેટલાંક ચિરંજીવ શૃંગો છે એમાંનાં બે અખો અને પ્રેમાનંદ આ સત્તરમી સદીને દીપાવે છે. આ ઉપરાંત આ ગાળાના રત્નેશ્વર, વીરજી, ‘રૂપસુંદરકથા’-કાર, ‘નલદવદંતીરાસ’-કાર સમયસુંદર; ‘શણગારનો ગરબો’, ‘કળિકાલનો ગરબો’ વગેરે આપનાર ઉત્તમ ગરબાકવિ વલ્લભ મેવાડો તથા જરથોસ્તનામેહ (1676), ‘સિયાવક્ષનામેહ’ (1680) જેવી રચનાઓ આપનાર રુસ્તમ પેશોતન વગેરે કવિઓને પણ યાદ કરવા ઘટે.

અઢારમી સદીમાં શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર શામળ ‘સિંહાસનબત્રીસી’, ‘સૂડાબહોતેરી’, ‘નંદબત્રીસી’ જેવી કથાત્મક કૃતિઓ તથા ‘અંગદવિષ્ટિ’ અને ‘રાવણમંદોદરી-સંવાદ’ જેવી રચનાઓ સાથે ઉપસ્થિત થાય છે. આ શામળ ઉપરાંત રત્નો, રાજે અને રણછોડ જેવા સુંદર પદ-કવિઓ આ ગાળામાં મળે છે. આ જ સદીમાં જ્ઞાની કવિ પ્રીતમ, ધીરો વગેરે આવે છે. પ્રીતમે જ્ઞાન-ભક્તિનાં પદોથી તો ધીરાએ ‘જ્ઞાનબત્રીશી’ તથા ‘આત્મજ્ઞાન’ની કાફીઓથી અધ્યાત્મતત્વની ઝાંખી કરાવવા પ્રયત્ન કર્યો છે. એ પછી ઓગણીસમી સદીમાં ધીરા ઉપરાંત નિરાંત, બાપુસાહેબ ગાયકવાડ, ભોજો, રણછોડજી દીવાન, નરભેરામ, ગુજરાતી રામાયણકાર ‘ગિરધર’, કબીરપંથી સંતકવિઓ ભાણદાસ, રવિદાસ, મોરારસાહેબ, ત્રિકમસાહેબ, જીવણ દાસી વગેરે; સ્વામીનારાયણ સંતકવિઓ મુક્તાનંદ, નિષ્કુલાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ (‘પ્રેમસખી’), ગૌરીબાઈ, રતનબાઈ વગેરે મળે છે, જેમણે તત્કાલીન ગુજરાતી કવિતાને વિશેષે કરીને પદપ્રકારથી સમૃદ્ધ કરી છે. આ સર્વમાં શિરમોર કવિ તો દયારામ છે, જેમની ગરબીઓ, પદો ગુજરાતી ગેય કવિતામાં રસમાધુર્ય ને કલાચાતુર્યના ગુણે ખૂબ જ લોકપ્રિય છે. તેમણે ‘રસિકવલ્લભ’ જેવી સાંપ્રદાયિક તત્વજ્ઞાનની કૃતિ પણ આપી છે.

મધ્યકાલીન ગુજરાતી કવિતા મહદંશે ધર્મ સાથે, જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય સાથે, સાંપ્રદાયિક વિચારમત સાથે સંબદ્ધ જણાય છે. આ કવિતામાં ગેય તત્વ, દેશીઓ, માત્રામેળ છંદો અને લોકપ્રચલિત લયઢાળોનોયે વિનિયોગ સવિશેષ થયો છે. અક્ષરમેળ વૃત્તો પ્રમાણમાં ઘણા ઓછા પ્રયોજાયા છે. આ કવિતા બહુધા જૈન સાંપ્રદાયિક સાહિત્ય અને રામાયણ, મહાભારત, ભગવદગીતા, ભાગવત આદિથી પ્રેરિત જણાય છે. ભારતીય સંત-કવિતાનોયે રંગ એમાં ભળ્યો છે. મોટાભાગના કવિઓ કવિયશ:પ્રાર્થી નહિ એટલા મુક્તિપદવાંછુ જણાય છે. આ કવિતામાં સમૂહભોગ્યતા, સુગમતા, પરંપરા સાથેની અનુબદ્ધતા અને સ્વાનુભવજન્ય ધર્મતત્વનિષ્ઠા સારા પ્રમાણમાં જોવા મળે છે. એમાં બુદ્ધિના મુકાબલે શ્રદ્ધાનું, વિચારના મુકાબલે ઊર્મિનું પ્રચલન સવિશેષ જોવા મળે છે. મોટાભાગે આ કવિતામાં ભદ્રવર્ગીય સંસ્કારો કરતાં આમવર્ગીય નિસબત સવિશેષ છે. યોગાદિનો પ્રભાવ પણ એમાં ખરો. આ કાવ્યોમાં આજના અર્થમાં આત્મલક્ષિતા નથી, પરંતુ આત્મતત્વલક્ષિતા – પરમાત્મલક્ષિતા વારંવાર જોવા મળે છે. આ કાવ્યોમાં ‘મૃત્યુની પયગંબરી’ કે ‘પારલૌકિકતાનો પયગામ’ જ નથી, સાર્થક જીવન માટેની પ્રબળ ચિંતા અને ચિંતન-ભાવનાયે છે. આ મધ્યકાલીન કવિતાએ યથાશક્તિ મનોરંજન કરવા સાથે વ્યાપક રીતે આત્મશિક્ષણ ને લોકશિક્ષણનું સંસ્કારકાર્ય પણ કર્યું છે. ગુજરાતના તત્કાલીન જનહૃદયની કાવ્યરસતૃષા છિપાવવાનો નિજ-ધર્મ – સ્વધર્મ બજાવવા સાથે આ કવિતાએ તેનું સંસ્કારસત્વ સાચવવા ને વિકસાવવાનો યુગધર્મ પણ યથાશક્તિ પાળ્યો છે.

અર્વાચીન કવિતાનો પ્રારંભ, ‘સુન્દરમ્’ નોંધે છે તેમ, દલપતરામકૃત ‘બાપાની પીપર’(1845)થી થયો. દલપતરામના કવિમાનસનું સવિશેષ અનુસંધાન તો પરંપરાગત કવિતા સાથે હતું; આમ છતાં એમના દ્વારા ગુજરાતી કવિતાને ઘણો વિશાળ વસ્તુ-વ્યાપ, છંદોલયની – ચિત્રપ્રબંધોની અને રજૂઆત-રીતિની અનેક વૈવિધ્યપૂર્ણ તરેહોનો લાભ મળ્યો. નીતિબોધની બાલોપયોગી અને હાસ્યવિનોદની સભારંજની શૈલીની કવિતામાં દલપતરામનું પ્રદાન પ્રશસ્ય છે. તેમનું ‘ફાર્બસવિરહ’ (1867) અને આખ્યાનશૈલીનું કાવ્ય ‘વેનચરિત્ર’ (1868) તેમના ચાતુર્યપૂર્ણ કવિતાકસબ સાથે તેમની રસાત્મકતાનો અનુભવ પણ કરાવી રહે છે. દલપતરામના ‘હુન્નરખાનની ચડાઈ’ (1851) કાવ્યમાં અર્વાચીન યુગની આ કવિની અભિજ્ઞતાનાં દર્શન થાય છે. ગુજરાતી કવિતામાં અર્વાચીનતાનો સીધો આવિષ્કાર નર્મદથી શરૂ થતો હોવાનું માનવામાં આવે છે. નર્મદે કવિતાની ભાવના અને વિષયમાં અનેક નવાં પ્રસ્થાનો કર્યાં છે. નર્મદે પ્રકૃતિ, પ્રણય અને સ્વદેશભક્તિના વિષયો કવિતાક્ષેત્રમાં પ્રભાવક રીતે રજૂ કર્યા. નર્મદની કવિતામાં આત્મલક્ષિતાનું લક્ષણ પ્રબળ છે. ‘જય જય ગરવી ગુજરાત’ જેવું અમર કાવ્ય આપનાર નર્મદનું ‘હિન્દુઓની પડતી’ કાવ્ય ‘સુધારાનું બાઇબલ’ ગણાયું. આ કવિએ મહાકાવ્યના પ્રયોગો પણ કરેલા, પરંતુ જોસ્સાના તરફદાર આ કવિનું મૂલ્યવાન પ્રદાન તો કેટલાંક પ્રેમ-શૌર્યનાં કાવ્યોમાં જ જોઈ શકાય છે. આ સિવાય અર્વાચીન ગુજરાતી કવિતાના 1845થી 1884ના પ્રથમ તબક્કામાં કવિ હીરાચંદ કાનજી, હરગોવનદાસ કાંટાવાળા, નવલરામ લ. પંડ્યા, કવિ શિવલાલ ધનેશ્વર, ભોળાનાથ દિવેટિયા, કેશવરામ હ. ભટ્ટ વગેરે કવિઓનું પણ કાર્ય થયેલું સાંપડે છે. દલપતરામે ‘દલપતપિંગળ’ તો હીરાચંદે ‘પિંગળાદર્શ’ આપ્યું. શિવલાલ ધનેશ્વરે ‘તુલસી રામાયણ’ ને ‘મેઘદૂત’ ગુજરાતીમાં અવતાર્યાં. નવલરામની ‘જનાવરની જાન’ પ્રસિદ્ધ છે. તેમણે જ ગુજરાતી કવિતાની પ્રકૃતિને સંસ્કૃત વૃત્તો અનુકૂળ નહિ હોવાનું જણાવી ‘મેઘદૂત’ના અનુવાદમાં ‘મેઘછંદ’ નામનો નવો છંદ પ્રયોજ્યો છે. ગુજરાતી કવિતામાં અભંગ અને દિંડીના પ્રયોગોમાં – અર્વાચીન ભક્તિરીતિની કવિતામાં પ્રાર્થનાસમાજી ભોળાનાથનું નામ સ્મરણીય છે. આ ગાળામાં દલપત અને નર્મદની કવનશૈલીના અનુકરણમાં લખનારા અનેક ગૌણ કવિઓ મળે છે, જેમાં દેખીતી રીતે જ દલપતશૈલીની પ્રભાવકતા – લોકપ્રિયતા ઘણી વધારે રહી છે. આ જ ગાળામાં મંચેરજી કાવસજી શાપુરજી (‘મનસુખ’), જમશેદજી નસરવાનજી પિતીત જેવા કેટલાક પારસી કવિઓની કવિતા પણ મળે છે. આ પારસી કવિઓએ એક બાજુ ફારસીની, તેમજ બીજી બાજુ અંગ્રેજીની અસર હેઠળ કલમ ચલાવી ગુજરાતી કવિતામાં વિષયવસ્તુ, સ્વરૂપ અને રજૂઆતરીતિમાં કેટલાંક નવાં તત્વો લાવવાની આવકાર્ય કોશિશ કરી.

‘સુન્દરમ્’ અર્વાચીન કવિતાનો બીજો તબક્કો નરસિંહરાવની ‘કુસુમમાળા’થી નહિ, પરંતુ બાળાશંકરની ‘ક્લાન્ત કવિ’(1885)ની રચનાથી શરૂ થયાનું દર્શાવે છે. તત્કાલીન નવી ગુજરાતી કવિતાએ કેવળ અંગ્રેજી જ નહિ, સંસ્કૃત તેમજ ફારસી કવિતાનાંયે અનેક તત્વો ગ્રહણ કરીને પોતાનો કાયાકલ્પ સાધ્યો છે. આ બીજા તબક્કાની સમયમર્યાદા 1885થી ઉમાશંકર જોશીનું ‘વિશ્વશાંતિ’ કાવ્ય આવ્યું ત્યાં સુધીની એટલે કે અંદાજે 1931 સુધીની મનાઈ છે. ‘સુન્દરમ્’ આ તબક્કામાં એક પેટા તબક્કો 1885થી 1898નો, બીજો ન્હાનાલાલના ‘વસન્તોત્સવ’(1895)થી અને ત્રીજો 1917માં બલવંતરાયના ‘ભણકાર’થી કે 1923માં ‘કાન્ત’ના ‘પૂર્વાલાપ’થી પાડી શકાય એમ જણાવે છે. જોકે વાસ્તવમાં ‘કાન્ત’નું ‘વસંતવિજય’ ને બલવંતરાયનું ‘આરોહણ’ જેવાં કાવ્યો અનુક્રમે 1889 ને 1902માં પ્રગટ થયેલાં મળે છે. આ ગાળામાં મસ્તરંગના કવિઓની કવિતાની વળી એક નિરાળી છટા છે. એમાં બાળાશંકર કંથારિયા (‘ક્લાન્ત કવિ’), મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ‘કલાપી’, ‘મસ્ત કવિ’ ત્રિભુવન પ્રેમશંકર અને ‘સાગર’નો સમાવેશ થાય છે. ગુજરાતી ગઝલના ઇતિહાસમાં બાળાશંકરની ગઝલોની પ્રતિષ્ઠા છે. ગુજરાતી ગઝલને ર્દઢમૂલ કરી તેને વિકસાવવામાં તેમનું સર્જનાત્મક પ્રદાન છે. આ ઉપરાંત ‘સૌન્દર્યલહરી’ને અનુસરી રચાયેલા ‘ક્લાન્ત કવિ’માં કવિના સંસ્કૃત કાવ્યસાહિત્યના ગંભીર અધ્યયનનું મનોહર પ્રતિબિંબ ઝિલાયું હોવાનું મનાયું છે. ગુજરાતીમાં સૂફીવાદના રંગને ઉઘાડ આપવામાં આ મસ્તરંગના કવિઓની કવિતાએ – ગઝલો વગેરેએ અગત્યનો ભાગ ભજવ્યો છે. ઊર્મિતત્વની પ્રબળતા અને હૃદયસ્પર્શિતા આ કવિઓની કવિતાનું પ્રમુખ લક્ષણ છે. મણિલાલ ન. દ્વિવેદીના ‘આત્મનિમજ્જન’(1885)ની કેટલીક ગઝલો ઘણી લોકપ્રિય થયેલી. ગુજરાતીમાં વિચારપ્રધાન રીતિનાં પ્રથમ કાવ્યો, બ. ક. ઠાકોરથીયે પહેલાં મણિલાલે આપ્યાં હોવાનો ‘સુન્દરમ્’નો અભિપ્રાય છે. ‘કલાપીનો કેકારવ’ (1903) નામનું કવિ ‘કલાપી’નું મરણોત્તર પ્રકાશન એમને ‘પ્રેમ અને આંસુના કવિ’ તરીકે, ‘યુવાનીના કવિ’ તરીકે સ્થાપે છે. તેમની ‘આપની યાદી’ જેવી ગઝલો ગુજરાતી ગઝલની એક રમણીય સિદ્ધિ છે. ‘કલાપી’નાં ‘ગ્રામ્ય(મ)માતા’, ‘બિલ્વમંગળ’ અને ‘ભરત’ જેવાં ખંડકાવ્યો પણ ધ્યાનાર્હ છે. ‘હમીરજી ગોહેલ’ (1913) એ એમનો સર્ગબદ્ધ મહાકાવ્ય લખવાનો અપૂર્ણ રહેલો પ્રયાસ છે. ‘મસ્ત કવિ’ ત્રિભુવન પ્રેમશંકરનો ‘કલાપીનો વિરહ’ (1913) જાણીતું કરુણપ્રશસ્તિ કાવ્ય છે. ‘સાગરે’, ‘દીવાને સાગર’માં વિપુલ પ્રમાણમાં કવિતા આપી છે, જેનું પરંપરાગત સંતબાની સાથે પણ અનુસંધાન સ્પષ્ટ છે.

કનૈયાલાલ મુનશીએ ગોવર્ધનરામ ત્રિપાઠીથી શરૂ થતા સમયને ‘સંસ્કૃત જાગૃતિનો કાળ’ કહેલો. આ સંસ્કૃત જાગૃતિનો લાભ લઈ કવિતા રચનારાઓમાં ‘ઇન્દ્રજિતવધ’ (1887) અને ‘પૃથુરાજ રાસા’ (1897) નામનાં મહાકાવ્યો રચવાનો મહત્ત્વાકાંક્ષી પુરુષાર્થ કરનારા અનુક્રમે દોલતરામ પંડ્યા અને ભીમરાવ ભોળાનાથ, ‘સ્નેહમુદ્રા’-કાર ગોવર્ધનરામ, ખાસ તો સ્વદેશભક્તિનાં કાવ્યોથી પ્રભાવક હરિલાલ ધ્રુવ, ‘કુસુમમાળા’(1887)નાં ઊર્મિકાવ્યો અને ‘સ્મરણસંહિતા’ (1915) જેવી કરુણપ્રશસ્તિ આપનાર નરસિંહરાવ, કેટલાંક નિજી શૈલીનાં સુંદર ખંડકાવ્યો તેમજ ઊર્મિકાવ્યો આપનાર અને એ રીતે અર્વાચીન કવિતામાં કળાનો ‘વસંતવિજય’ સાધનાર કવિ ‘કાન્ત’ ઉત્તમ ઊર્મિકાવ્યો – ગીતો તથા ડોલનશૈલીની સ્વકવિતા દ્વારા કાવ્યકળાનો વસંતોત્સવ મણાવનાર વસંતધર્મી કવિ ન્હાનાલાલ (‘પ્રેમભક્તિ’), રાષ્ટ્રભક્તિ કે વતનપ્રેમની કેટલીક સુંદર કવિતા આપનાર, ગુજરાતી કવિતાના છંદોવિધાનમાં સ્વરભારના તત્વનો વિશેષભાવે પક્ષ લેનાર, સુંદર પ્રતિકાવ્યોના તથા કરુણપ્રશસ્તિ પ્રકારનાં દીર્ઘ કાવ્ય ‘દર્શનિકા’ના સર્જક કવિ અરદેશર ફરામજી ખબરદાર, અને ગુજરાતીમાં ‘વિચારપ્રધાન’ કવિતા જ ‘દ્વિજોત્તમ જાતિ’ની એમ ઠોસપૂર્વક કહી એવી કવિતાની દિશામાં ‘આરોહણ’ જેવી રચના આપનાર, ઉત્તમ સૉનેટોથી ગુજરાતમાં સૉનેટ કાવ્યપ્રકારને રોપનાર ને ર્દઢમૂલ કરનાર તથા ‘સળંગ અગેય પ્રવાહી પદ્યરચના’ દ્વારા ગુજરાતી કવિતાના છંદોલયમાં – એના કલેવરમાં ક્રાન્તિ ફૂંકનાર, કવિતાકળામાં સભાનતાના આગ્રહી પક્ષકાર ‘ભણકાર’ના સર્જક બલવંતરાય ઠાકોર જેવા કવિઓ અત્રે ઉલ્લેખનીય છે. ન્હાનાલાલે ‘તેજે ઘડ્યા શબ્દો’માં કવિ અને કવિતાનો ભારે મહિમા કર્યો છે. વિજયરાય વૈદ્યે તો કહ્યું છે કે ‘ગુજરાતી કવિતાપ્રદેશની ર્દષ્ટિએ જોતાં, હજારેક વર્ષના આપણા સમગ્ર સાહિત્યનો અદ્વિતીય વસ્તુલક્ષી કવિ જો પ્રેમાનંદ, તો અદ્વિતીય આત્મલક્ષી કવિ ન્હાનાલાલ છે.’ રામનારાયણ પાઠક બલવંતરાયને ગુજરાતી કવિતાનું ‘એક સંકોચભેદક બળ’ લેખે છે. ઉમાશંકરે પણ એમના જમાનાની પ્રારંભિક કવિતાની વાત કરતાં એ કવિતામાં વસ્તુગત ભૂમિકાએ ગાંધીજીનો અને અભિવ્યક્તિગત ભૂમિકાએ બલવંતરાયનો જે પ્રભાવ રહ્યો તેની વિશેષભાવે નોંધ કરી છે. આ ગાળા દરમિયાન ગુજરાતી કવિતાએ ‘કાન્ત’ દ્વારા ખંડકાવ્યની દિશામાં, ન્હાનાલાલ દ્વારા કાવ્યાત્મક નાટકોની તથા મહાકાવ્યની દિશામાં કેટલાક પ્રશિષ્ટ તો કેટલાક ધ્યાનાર્હ પ્રયોગો કરી બતાવ્યા; આમ છતાં એનું મુખ્ય પ્રદાન તો ઊર્મિકવિતાના ક્ષેત્રે જ રહ્યું. છંદોબદ્ધ, ગેય અને ડોલનશૈલીની – એમ ત્રિવિધ પ્રકારની કવિતામાં વિચારપ્રધાન, ભાવ કે ભાવનાપ્રધાન અને કલ્પનાપ્રધાન – એમ સર્વ પ્રકારની અનેક વૈવિધ્યસભર રચનાઓ આ ગાળા દરમિયાન મળી. ગુજરાતી કવિતા એક બાજુ અર્થાનુસારી યતિવાળી સળંગતા પદ્યમાં સાધી શકી તો બીજી બાજુ ગઝલો, સૉનેટો જેવા પ્રકારોમાં પણ પોતાનું સ્થાન મજબૂત કરી શકી. છંદોરચના તેમજ છંદોમિશ્રણના અવનવા પ્રયોગો આ ગાળામાં થયા. દલપતરામના મહદંશે પિંગળગત રૂડપવાળા છંદ ‘કાન્ત’ જેવા કવિઓ દ્વારા કાવ્યગત રૂડપ પણ પામી શક્યા. આ તબક્કાની ઊર્મિકવિતામાં જે તે કવિના તત્વદર્શનની ઊંડાઈ, વ્યાપ ને સંકુલતા વધુ કલામય રીતે આવિર્ભાવ પામી શક્યાં. ગુજરાતી ગેય કવિતાએ – ગીતો-રાસોએ ન્હાનાલાલની કવિતામાં એક પ્રભાવક ઊંચાઈ સર કરી. આ જ ગાળામાં ‘સંચિત’, ‘જટિલ’, ‘લલિત’, ગુજરાતી ગૃહજીવનના માંગલ્યના ગાયક કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર, કરીમ મહમદ માસ્તર, કેશવ હ. શેઠ, ગુજરાતી ગઝલને ર્દઢમૂલ કરનાર કવિ ‘શયદા’, બાલકાવ્યોના ક્ષેત્રે ‘નવાં ગીતો’ (1925) દ્વારા ઉત્તમ પ્રદાન કરનાર કવિ ત્રિભુવન ગૌરીશંકર, સાદી-સરળ છતાં પથ્ય ને સુંદર કવિતાના સર્જક જુગતરામ દવે, કેટલાંક સરસ કાવ્યમૌક્તિકોના કવિ ગજેન્દ્રરાય બૂચ ‘કાશ્મલન’, કવિ દેશળજી પરમાર, ‘કુસુમાકર’ અને ‘વિવિત્સુ’ વગેરેનું કવિતા-પ્રદાન પણ કેટલીક રીતે રસપ્રદ છે.

ઉમાશંકરના ‘વિશ્વશાંતિ’ (1931) કાવ્યથી સ્પષ્ટતયા ગુજરાતી કવિતાનો ત્રીજો તબક્કો – ગાંધીયુગની કવિતાનો – આરંભાય છે. જોકે ગાંધીયુગીન વલણોનો પ્રભાવ તો 1920 પછીની ગુજરાતી કવિતામાં યત્કિંચિત્ દેખાવા લાગે છે. નરસિંહરાવ, ‘કલાપી’ ને ન્હાનાલાલની તુલનાએ ‘કાન્ત’ અને બલવંતરાય ઠાકોરનો પ્રભાવ આ ગાળામાં પ્રબળ થતો જાય છે. કવિતામાં અગેયતા, અર્થપ્રાધાન્ય ને ચિંતનાત્મકતાનાં તત્વોનો પ્રભાવ વધે છે. લોકજીવન ને લોકસાહિત્ય તેમજ લોકવાણી પ્રત્યેની અભિમુખતા પણ આ ગાળામાં સવિશેષ છે અને તેનો ઉત્તમ પરિપાક ઝવેરચંદ મેઘાણીની કવિતામાં પમાય છે. ‘યુગવંદના’ કેટલીક રીતે ગાંધીયુગીન કવિતાનીયે પરિચાયક બની રહે છે. દીનદલિતવાત્સલ્યની, સામાજિક વિષમતાની કવિતા, ક્યારેક તો મુખર રીતે, આ ગાળામાં પ્રગટે છે. ગાંધીજી અને એમની પ્રવૃત્તિઓ પણ ગુજરાતી કવિતાનો ઠીક ઠીક ભાગ રોકે છે. આ ગાળાની કવિતામાં વિષય-વૈવિધ્ય તથા સ્વરૂપ અને શૈલીનું વૈવિધ્ય સારા પ્રમાણમાં ર્દષ્ટિગોચર થાય છે. આંતરરાષ્ટ્રીય વલણો – માર્કસવાદ – સામ્યવાદ, સમાજવાદ વગેરેનાં – વિજ્ઞાન તેમજ યંત્ર-તંત્રની પ્રભાવકતા, ઉદ્યોગીકરણનાં પરિબળો વગેરે આ ગાળાની કવિતાને પ્રગતિશીલ અને વિજ્ઞાનપૂત જીવનવિચાર તરફ પ્રેરે છે. ગુજરાતી કવિતા વધુ વાસ્તવલક્ષી, યુગલક્ષી અને લોકલક્ષી બને છે. રાષ્ટ્રીય આંદોલનના પ્રભાવે જે નવાં પરિબળો પ્રજાજીવનમાં રાષ્ટ્રજીવનમાં સક્રિય થયેલાં તેનો પ્રભાવ પણ આ કવિતામાં સીધો પ્રગટ થવા લાગ્યો. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ત્યાગ, સેવા, સમર્પણ વગેરેનાં મૂલ્યો કવિતામાં બળવત્તર થયાં. રાષ્ટ્રીયતા માટેના એલાને આ ગાળાની કેટલીક કવિતાને પ્રચારલક્ષી બનાવી. વળી આ ગાળાની કવિતામાં જીવનલક્ષિતા, નિરાડંબરતા, સરળતા વગેરે તત્ત્વોની આરાધના વધી. કલાકીય સભાનતાનું તત્ત્વ પણ આ ગાળામાં વધ્યું. વળી ગાંધીજીના જીવનદર્શન ઉપરાંત રવીન્દ્રનાથ, શ્રીઅરવિંદ વગેરેનાં જીવન-કલાદર્શન  કે કલાકર્મનો પ્રભાવ પણ ગુજરાતી કવિતામાં દેખા દેતો થયો. આ ગાળામાં રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ અને ચન્દ્રવદન મહેતા જેવાઓનું કવિતાક્ષેત્રે પ્રદાન રહ્યું. તે ઉપરાંત ‘સુન્દરમ્’, ઉમાશંકર જેવા કવિઓનું વિશેષભાવે પ્રમુખત્વ રહ્યું. ‘સુન્દરમે’ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’(1933)થી આરંભી એમની જે કાવ્યયાત્રા ચલાવી તે અવસાન પર્યંત વણથંભી ચાલી. ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’ જેવા કાવ્યસંગ્રહો ‘સુન્દરમ્’ને વીસમી સદીના ગુજરાતીના પ્રમુખ કવિ તરીકે સુપ્રતિષ્ઠિત કરે છે. સામાજિક પ્રતિબદ્ધતાથી માંડીને, પ્રણય તેમજ અધ્યાત્મનાં સુંદર ઊર્મિકાવ્યો  સૉનેટો, ગીતો, મુક્તકો વગેરે આપીને ગુજરાતી કવિતાને સાચા અર્થમાં તેમણે સમૃદ્ધ કરી છે. આ રમણીય પુરુષાર્થમાં તેમના ‘સારસ્વત-સહોદર’ ઉમાશંકરનો ફાળો પણ ઉત્તમ પ્રકારનો રહ્યો છે. ‘વિશ્વશાંતિ’થી આરંભી ‘સપ્તપદી’ સુધીની એમની કાવ્યયાત્રા વસ્તુત: ગુજરાતી કવિતાની ગાંધીયુગથી તે અનુગાંધીયુગ સુધીની વિકાસકથા છે. ‘વિશ્વશાંતિ’ના સર્જક ઉમાશંકરે જ ‘છિન્નભિન્ન છું’ (1956) કાવ્ય દ્વારા સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાના નૂતન વળાંકનું પણ નેતૃત્વ લીધું. તેમનો ‘નિશીથ’ કાવ્યસંગ્રહ તો 1967ના જ્ઞાનપીઠ પારિતોષિકનો અધિકારી થયો. ઉમાશંકરે પણ કેટલાંક સુંદર સૉનેટો – સૉનેટગુચ્છો, ગીતો – ગીત-ગુચ્છો અને મુક્તકો દ્વારા – કેટલાંક વિશિષ્ટ છંદોબદ્ધ કાવ્યો દ્વારા ગુજરાતી ઊર્મિકવિતાને શ્રીસંપન્ન કરી અને તે સાથે કવિતાના એલિયટનિર્દિષ્ટ ત્રીજા અવાજને પ્રગટ કરતી ઉત્તમ નાટ્યકવિતા ‘પ્રાચીના’ (1944) તથા ‘મહાપ્રસ્થાન’ (1965) દ્વારા આપી પોતાનું ચિરંતન અર્પણ નાટ્યપદ્યના – પદ્યનાટ્યના ક્ષેત્રે અંકિત કર્યું. ન્હાનાલાલ અને બલવંતરાય ઠાકોરનો પદ્યમુક્તિ અને મુક્તપદ્યની દિશામાં ગુજરાતી કવિતાને લઈ જવા  વિકસાવવામાં ફાળો છે. આ ઉપરાંત આ ગાળામાં કૃષ્ણલાલ શ્રીધરાણી ‘કોડિયાં’ દ્વારા, ઝવેરચંદ મેઘાણી ‘યુગવંદના’ અને ‘એકતારો’ વગેરે દ્વારા ગુજરાતી કવિતાના અવાજને કલામય ને બુલંદ કરે છે. ‘સ્નેહરશ્મિ’, મનસુખલાલ મ. ઝવેરી, સુંદરજી બેટાઈ, પૂજાલાલ, ‘પતીલ’, કરસનદાસ માણેક, ઇન્દુલાલ ગાંધી, ‘સ્વપ્નસ્થ’, ‘ઉપવાસી’, ‘બાદરાયણ’ વગેરે અનેક કવિઓએ આ ગાળાના કવિતાપ્રવાહને પુષ્ટ કર્યો છે. ગોવિંદ સ્વામી, ‘સ્વપ્નપ્રયાણ’ના કર્તા હરિશ્ચંદ્ર ભટ્ટ, રમણીક અરાલવાળા, સરોદ ને સુધાંશુ, મુકુન્દ ‘પારાશર્ય’ વગેરે કવિઓની કામગીરી પણ આ તબક્કામાં ને કેટલાકની તો તે પછીના ગાળામાં પણ નોંધપાત્ર રીતે આગળ વધેલી જોવા મળે છે.

ગાંધીયુગીન ગાળામાં જ કોળેલા અને કવિતા લઈ આવેલા ‘સુન્દરમ્’, ઉમાશંકર, કૃષ્ણલાલ શ્રીધરાણી અને ‘સ્નેહરશ્મિ’ આદિ કવિઓ સ્વાતંત્ર્યોત્તર કવિતાના પ્રવાહને મહત્વનું યોગદાન કરે છે. પ્રહલાદ પારેખે ‘બારી બહાર’ દ્વારા ‘આંખ, કાન, નાકની કવિતા’ આપી. કવિતામાં સૌન્દર્યરાગિતા અને ઇન્દ્રિયગ્રાહ્ય સંવેદના તરફનો ઝોક વધ્યો. એ દિશામાં સૌન્દર્યલુબ્ધ કવિ રાજેન્દ્ર શાહ જેવાના ‘ધ્વનિ’નો પ્રબળ પ્રભાવ રહ્યો. રાજેન્દ્ર શાહે યોગ અને અધ્યાત્મની સરહદોમાં રહીને કેટલીક ઉત્તમ પ્રકૃતિકવિતા – ભાવકવિતા આપી. નિરંજન ભગતે ગુજરાતી કવિતામાં નગરકવિતાનો – આધુનિકતાનો નવો જ મિજાજ છંદોલય, બાની અને સ્વરૂપમાં પ્રગટ કર્યો. એમનાં ‘પાત્રો’, ‘ગાયત્રી’ જેવાં કાવ્યો આ સંદર્ભમાં નમૂનારૂપ રહ્યાં. આ પછી તો નૂતન અભિવ્યક્તિના જે નોંધપાત્ર સંચારો કવિતામાં પ્રગટ થયા તેમાં ઉપર્યુક્ત કવિઓ ઉપરાંત જયન્ત પાઠક, ઉશનસ્, સુરેશ જોષી, મકરંદ દવે, બાલમુકુન્દ દવે, પ્રજારામ, પ્રિયકાન્ત મણિયાર, હસમુખ પાઠક, નલિન રાવળ, હરીન્દ્ર હવે, સુરેશ દલાલ, ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર, રઘુવીર ચૌધરી, રમેશ પારેખ આદિનાં નામ ઉલ્લેખનીય છે. આ ગાળામાં ગુજરાતી સૉનેટને સાંપ્રત કાળમાં સમૃદ્ધ કરવામાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, જયન્ત પાઠક, ઉશનસ્, પ્રજારામ વગેરેનું તો ગુજરાતી ગીતને સમૃદ્ધ કરવામાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, રતિલાલ છાયા, દેવજી મોઢા, મકરંદ દવે, વેણીભાઈ પુરોહિત, પિનાકિન ઠાકોર, બાલમુકુન્દ દવે, હસિત બૂચ, પ્રદ્યુમ્ન તન્ના, પ્રિયકાન્ત મણિયાર, હરીન્દ્ર, સુરેશ દલાલ, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, ચંદ્રકાન્ત શેઠ, રમેશ પારેખ, અનિલ જોષી, હરિકૃષ્ણ પાઠક, માધવ રામાનુજ વગેરેનું; ગુજરાતી ગઝલને સમૃદ્ધ કરવામાં ‘મરીઝ’, અમૃત ‘ઘાયલ’, ‘ગની’ દહીંવાળા, રતિલાલ ‘અનિલ’, ‘ગાફિલ’, ‘શૂન્ય’ પાલનપુરી, બરકત વીરાણી, શેખાદમ, ચિનુ મોદી, મનહર મોદી, ‘આદિલ’ મન્સૂરી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, શ્યામ સાધુ વગેરેનું તો અછાંદસ કવિતા-પ્રવાહને સમૃદ્ધ કરવામાં હસમુખ પાઠક, નલિન રાવળ, ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર, સિતાંશુ, રાવજી પટેલ, ચિનુ મોદી, ચંદ્રકાન્ત શેઠ વગેરેનું કાર્ય ઉલ્લેખનીય છે. આ ઉપરાંત પણ અન્ય અનેક કવિઓ જગદીશ જોષી, હેમંત દેસાઈ, દિનેશ કોઠારી, ભાનુપ્રસાદ પંડ્યા, ભાનુપ્રસાદ ત્રિવેદી, વિપિન પરીખ, ધીરુ પરીખ, ગીતા પરીખ, ઇન્દુ પુવાર, સરૂપ ધ્રુવ, વિનોદ જોશી, જયેન્દ્ર શેખડીવાળા, હરીશ મીનાશ્રુ વગેરે સક્રિય છે, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં દીર્ઘકાવ્યનો એક પ્રકાર પણ ખેડાતો રહ્યો છે. જેમાં ‘પ્રવાલદ્વીપ’ જેવાં કાવ્યોની પ્રેરણાયે હોઈ શકે. સુરેશ જોષીનું ‘એક ભૂલા પડેલા રોમાન્ટિક કવિનું દુ:સ્વપ્ન’, લાભશંકરનું ‘માણસની વાત’, રાવજીનું ‘સંબંધ (ક્ષયમાં આત્મદર્શન)’, સિતાંશુનું ‘મોંએ-જો-દડો’, ચિનુ મોદીનું ‘અંશુ, મારો છિન્ન અંશ’, યશવંત ત્રિવેદીનું ‘પારમિતા ! પારમિતા’ જેવી રચનાઓ આ ગાળાના કવિની મનોવેદનાનું વાસ્તવિક ચિત્ર આપી રહે છે. આ જ ગાળામાં હીરાબહેન પાઠક ‘પરલોકે પત્ર’માં પત્રશૈલીમાં શોકકવિતાનો એક ધ્યાનાર્હ પ્રકાર આપે છે. બાલકાવ્યમાંયે રમણલાલ સોની, બાલમુકુન્દ દવે, સુરેશ દલાલ, રમેશ પારેખ, ચંદ્રકાન્ત શેઠ, હરિકૃષ્ણ પાઠક, ધીરેન્દ્ર મહેતા વગેરે દ્વારા કેટલુંક રસપ્રદ કાર્ય થયું છે. આ ગાળા દરમિયાન ગુજરાતી કવિતામાં ખાસ તો વાગ્-લયના ક્ષેત્રે, પ્રતીક-કલ્પન-પુરાકલ્પનના વિનિયોગ બાબત, સ્વરૂપવિધાનને અનુલક્ષીને એટલા બધા પ્રયોગો થયા છે કે આ પૂર્વેના સર્વ તબક્કાઓની કવિતાના મુકાબલે સ્વાતંત્ર્યોત્તર કવિતા અભિવ્યક્તિની તરેહોમાં સૌથી વધુ સંકુલતા અને નવીનતા પ્રગટ કરે છે. ગુજરાતી ભાષાની અભિવ્યક્તિક્ષમતાનો જે પરચો સાંપ્રત કવિતા કરાવે છે તે વિશેષભાવે ધ્યાનાકર્ષક છે. બોલચાલની ભાષાના કે ગામઠી બોલીના પ્રયોગોથી માંડીને ભદ્રવર્ગીય બોલી સુધીના (‘કોલોક્વિયલ’ ગુજરાતીના પણ) પ્રયોગો ગુજરાતી કવિતામાં ઊતર્યા છે. ગઝલો ને ગીતોમાંયે ટૂંકા તેમજ પ્રલંબ લયોના, છાંદસથી અછાંદસ સુધીના અવનવા પ્રયોગો થયા છે. ઉશનસ્ જેવા કવિયે અછાંદસ ગઝલ લખવા પ્રેરાય છે ! આ ગાળામાં અક્ષરમેળ વૃત્તોની તુલનામાં માત્રામેળ વૃત્તોનું અને તેમાંયે પરંપરિત લયોનું તથા અછાંદસ લયનું ચલણ-વલણ કવિતામાં પ્રબળતર છે. નવકવિઓમાં ગીત-ગઝલનો ભારે જુવાળ જોવા મળે છે. આ કવિતામાં ભાવનાશીલતા કે ભાવુકતાની તુલનામાં આંતરમનનાં સંકુલ ને ગહન સંચલનોની માત્રા વધારે છે. કવિની અંતર્મુખતા સવિશેષ છે. બાહ્ય વાસ્તવિકતા કરતાં આંતર વાસ્તવિકતા – પરાવાસ્તવિકતા તરફ કવિમનની ગતિ જોવા મળે છે. જીવનમાં તંત્ર-યંત્રની ભીંસે જે ગૂંગળામણ છે તેની, દંભ-પાખંડ સામે વિડંબના અને કટાક્ષની ચિત્રણા આ કવિતામાં વધારે છે. સાંપ્રતકાલીન કવિતા લાક્ષણિક અર્થમાં ‘આત્મ’લક્ષી છે. એમાં ‘હું’ની સ્વત્વની ખોજ અને પ્રતિષ્ઠા માટેની મથામણ છે, અજંપો છે અને તેથી જ પોતાને ઉન્મૂલિત કરતી પરિસ્થિતિઓ સામેનો વિદ્રોહાત્મક અને કંઈક અનાસ્થાપ્રેરિત આક્રોશ પણ છે. આ સાંપ્રત કવિતામાં ક્ષણક્ષણની તરલ રૂપરમણા જેટલી પ્રગટ થાય છે એટલી શાશ્વતીના દર્શનથી પ્રેરિત અને પરિવર્ધિત, શ્રીમત્ ને ઊર્જિત તત્વોની બહુપરિમાણી ગહન-સંકુલ ચૈતન્યલીલા પ્રગટ થતી નથી એવું પણ લાગે. સાંપ્રત કવિતામાં દર્શનની અપેક્ષાએ વર્ણનનું પ્રાબલ્ય વધારે લાગે. કવિનું આત્મદર્શન જરૂર એમાં છે, પરંતુ તે શાશ્વતીના દર્શનને ઊંડળ લઈ લે એવું અખિલાઈભર્યું વ્યાપક, સંકુલ, ઉન્નત ને સાતત્યપૂર્ણ લાગતું નથી. આમ છતાં અન્ય સર્વ સાહિત્યસ્વરૂપોની તુલનામાં ગુજરાતી કવિતા અનેક રીતે અગ્રયાયી છે અને યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા વચ્ચેના તણાવને અને મનુષ્યના પોતાની જ સામેના મુકાબલાને ધારદાર રીતે રજૂ કરવામાં તે અન્ય ભારતીય કવિતા સાથે સગૌરવ ઊભી રહે તેમ છે.

ચન્દ્રકાન્ત શેઠ