કવિ ચિંતામણી (જ. 1600, કાડા જહાંનાબાદ, જિ. ફતેહપુર, ઉત્તરપ્રદેશ; અ. 1680-85) : હિંદીના રસવાદી પ્રમુખ કવિ. રાજા હમ્મીરના કહેવાથી તેઓ ભૂષણ અને મતિરામ સાથે તિક્વાંપુરમાં આવીને વસ્યા હતા. તેમને શાહજી ભોંસલે, શાહજહાં અને દારાશિકોહનો રાજ્યાશ્રય મળ્યો હતો.

તેમણે 9 ગ્રંથો રચ્યા હતા : ‘રસવિલાસ’, ‘છન્દવિચાર પિંગળ’, ‘શૃંગારમંજરી’, ‘કવિકુલકલ્પતરુ’, ‘કૃષ્ણચરિત’, ‘કાવ્યવિવેક’, ‘કાવ્યપ્રકાશ’, ‘કવિત્તવિચાર’ અને ‘રામાયણ’. તે પૈકી પ્રથમ 5 ગ્રંથો આજે ઉપલબ્ધ છે. ‘રસવિલાસ’ રસ-વિવેચનનો ગ્રંથ છે. તેમાં ભાનુદત્તની ‘રસમંજરી’ અને ‘રસતરંગિણી’ ઉપરાંત ધનંજયના ‘દશરૂપક’ તથા વિશ્વનાથના ‘સાહિત્યદર્પણ’નો આધાર લેવામાં આવ્યો છે. ‘શૃંગારમંજરી’ આંધ્રના સંત અકબરશાહની ‘શૃંગારમંજરી’ના સંસ્કૃત અનુવાદનો વ્રજભાષામાં અનુવાદ છે. તે નાયક-નાયિકાભેદનો ગ્રંથ છે. ‘કવિકુલકલ્પતરુ’માં મમ્મટના ‘કાવ્યપ્રકાશ’, વિશ્વનાથના ‘પ્રતાપરુદ્રયશોભૂષણ’, ધનંજયના ‘દશરૂપક’, અકબરશાહની ‘શૃંગારમંજરી’ તથા ભાનુદત્તની ‘રસમંજરી’ના આધાર પર કાવ્યનાં દશાંગોનું વિવેચન પ્રસ્તુત કર્યું છે. ‘છન્દવિચારપિંગળ’માં ‘પ્રાકૃતપૈંગલમ્’ તથા ભટ્ટ કેદારના ‘વૃત્તરત્નાકર’ના આધારે કૃષ્ણનું ચરિત્ર-વર્ણન કર્યું છે.

તેમણે રીતિ-નિરૂપણને અત્યંત ગંભીરતા અને નિષ્ઠાપૂર્વક ગ્રહણ કર્યાં છે. તેથી કવિત્વની ર્દષ્ટિએ તેમનું સ્થાન અત્યંત ગૌરવપૂર્ણ રહ્યું છે. તેઓ રસવાદી કવિ હોવાને કારણે તેમની કવિતામાં શૃંગાર, વીર, વાત્સલ્ય અને ભક્તિરસોનો સુભગ પરિપાક જોવા મળે છે.

તેમણે તેમની કૃતિઓમાં વ્રજભાષાનો સ્વચ્છ પ્રયોગ કર્યો છે. હકીકતમાં કેશવ પછી ભાષાનો નિયમાનુસાર વ્યવહાર કરનાર તેઓ પ્રથમ કવિ છે. પદાવલીમાં સામાન્ય રીતે લાલિત્ય અને અનુપ્રાસ-યોજના જોવા મળે છે. તેઓ રસવાદી હોવાને કારણે તેમણે અલંકારોનો પ્રયોગ રસોત્કર્ષ માટે કર્યો છે. છંદ-યોજના પણ સુંદર હોવા ઉપરાંત કવિત અને સવૈયાનો પ્રયોગ તેમણે અધિક કર્યો છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

બળદેવભાઈ કનીજિયા