સંસ્થાનવાદ : બીજા દેશના પ્રદેશો મેળવવા અથવા પોતાના પ્રભાવ હેઠળ બળપૂર્વક લાવી, તેનો ઉપયોગ પોતાના વેપારી, ઔદ્યોગિક કે રાજકીય સ્વાર્થ માટે કરવાની પ્રક્રિયા. યુરોપના દેશોના સાહસિક નાવિકોએ જ્યાં જ્યાં ભૂમિપ્રવેશ મેળવ્યો, ત્યાં ત્યાં પોતાની વસાહતો ઊભી કરી અને સંસ્થાનો સ્થાપ્યાં. તેમની આ પ્રવૃત્તિએ તેમને અમેરિકા, આફ્રિકા અને એશિયાના ઘણાખરા પ્રદેશો પર પોતાનું પ્રભુત્વ સ્થાપવાની સુવિધા કરી આપી. સંસ્થાનો સ્થાપનાર શરૂઆતમાં વેપારીઓ હતા, પરંતુ સમય જતાં તેમણે પોતાનાં હિતોના રક્ષણ માટે લશ્કરી તાકાત ઊભી કરી અને આખરે તેઓ તે પ્રદેશના શાસકો બની ગયા.

આધુનિક કાળમાં સંસ્થાનવાદ ભૌગોલિક શોધખોળોના ફલસ્વરૂપે અસ્તિત્વમાં આવ્યો. યુરોપના લોકોએ વેપાર વિકસાવવા વાસ્તે અમેરિકા, આફ્રિકા તથા એશિયાના પ્રદેશોમાં જઈને વસવાટ કર્યો, ત્યાં વેપારની કોઠીઓ નાખી અને સંસ્થાનો સ્થાપ્યાં. દુનિયાના આ ત્રણેય ખંડો પર યુરોપના લોકોએ સંસ્થાનો સ્થાપી વેપારનાં ક્ષેત્રો ઊભાં કરી, પુષ્કળ સંપત્તિ મેળવી.

સંસ્થાનો સ્થાપવા માટેનાં પરિબળો : ધર્મયુદ્ધો દરમિયાન યુરોપના લોકો એશિયાના દેશોના સંપર્કમાં આવ્યા, ત્યારે તેમને તે દેશોની સમૃદ્ધિ, સાધનસંપત્તિ તથા મોજશોખનાં સાધનોનો ખ્યાલ આવ્યો. તેમને આ બધું મેળવવાની ઇચ્છા થઈ. ભૌગોલિક શોધખોળોના પરિણામે યુરોપના લોકો સમુદ્રમાર્ગે વિદેશોમાં ગયા અને ત્યાં વેપારની કોઠીઓ સ્થાપી. ધીરે ધીરે તેમણે ત્યાં પ્રદેશો મેળવ્યા, ત્યાં સંસ્થાનો સ્થાપ્યાં અને વેપાર વિકસાવી સંસ્થાનોના લોકોનું શોષણ કર્યું. આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા તથા ધર્મપ્રચારના હેતુથી પણ સંસ્થાનો સ્થાપવામાં આવ્યાં હતાં.

પોર્ટુગીઝ લોકો (ફિરંગીઓ) : વિદેશોમાં સંસ્થાનો સ્થાપવાની શરૂઆત પોર્ટુગલના લોકોએ કરી હતી. ઈ. સ. 1498માં પોર્ટુગીઝ ખલાસી વાસ્કો-ડી-ગામા આફ્રિકાનું પરિભ્રમણ કરી, પૂર્વ તરફ આગળ વધી, ભારતના કાલિકટ બંદરે ઊતર્યો. ભારત સાથે, સમુદ્રમાર્ગે, યુરોપિયનોનો આ પ્રથમ સંપર્ક હતો. ત્યારબાદ તેમણે આલ્ફોન્ઝો આલ્બુકર્કને ભારતમાં પોર્ટુગીઝોની વેપારી કોઠીના વ્યવસ્થાપક તરીકે મોકલ્યો. તેણે મુસ્લિમોનો સામનો કરીને ઈ. સ. 1510માં ગોવામાં કોઠી નાખી. 1511માં તેણે મલાક્કા કબજે કર્યું. પ્રથમ પોર્ટુગીઝ વહાણ ચીનના કૅન્ટોન બંદરે 1516માં પહોંચ્યું. આમ ભારતનો સમુદ્રમાર્ગ શોધાયા બાદ ઘણા ઓછા સમયમાં પોર્ટુગીઝો ભારત, શ્રીલંકા, મલાક્કા, મલાયા તથા ચીનમાં પ્રસરી ગયા. આ દરમિયાન પોર્ટુગીઝોએ દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ દેશમાં પણ સંસ્થાનની સ્થાપના કરી. આ સંસ્થાનો સાથેના વેપારથી પોર્ટુગલ ઘણો શ્રીમંત દેશ બન્યો અને યુરોપના બીજા દેશો તેની ઈર્ષા કરવા લાગ્યા. ત્યારબાદ તેમણે આફ્રિકાના કિનારાના પ્રદેશોમાં પણ વેપાર તથા પાણી-પુરવઠો મેળવવા વાસ્તે 1783માં પોતાનાં મથકો સ્થાપ્યાં હતાં.

સ્પૅનિશ લોકો : ભૌગોલિક શોધખોળો કરવામાં સ્પેને પણ પોર્ટુગલની માફક નેતૃત્વ લીધું હતું. એવી જ રીતે ધર્મપ્રચાર, યશની લાલસા તથા સોનું મેળવવાની આતુરતાથી પ્રેરાઈને સ્પૅનિશ લોકો પણ સંસ્થાનો સ્થાપવામાં આગલી હરોળમાં રહ્યા હતા. સમુદ્ર ઓળંગીને અમેરિકાની નવી દુનિયાની શોધ કરવાનો યશ સ્પૅનિશ લોકોને ફાળે ગયો હતો. પોર્ટુગીઝોએ જ્યારે પૂર્વમાં ભારતમાં સંસ્થાનો સ્થાપ્યાં, ત્યારે સ્પૅનિશોએ પશ્ર્ચિમમાં અમેરિકામાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને ટૂંકા ગાળામાં તેમણે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ, મેક્સિકો તથા મધ્ય અમેરિકાનાં સંસ્થાનો સ્થાપ્યાં. મેક્સિકોના અખાતમાં 1518માં મોકલવામાં આવેલો સ્પેનનો નૌકાકાફલો એવી માહિતી લાવ્યો કે મેક્સિકોમાં સંસ્કારી લોકો રહે છે તથા તેમના શાસક પાસે પુષ્કળ સોનું છે. તે જાણીને કાર્ટેઝ નામનો સ્પૅનિશ સાહસિક નાવિક ઈ. સ. 1519માં 500 સૈનિકોની ટુકડી લઈને મેક્સિકો ગયો; ત્યાંના રાજાને હરાવ્યો તથા ઈ. સ. 1521માં મેક્સિકો કબજે કર્યું. ત્યારબાદ ત્યાંથી મોટા પ્રમાણમાં સોનું સ્પેન પહોંચી ગયું. એવી રીતે ઈ. સ. 1532માં પિઝારો નામના સ્પૅનિશ નાવિકે પેરૂમાં ત્યાંની ઇન્કા જાતિની પ્રજાને પરાજિત કરીને ત્યાં સંસ્થાનો સ્થાપ્યાં. સ્પેનવાસીઓ સુવર્ણપ્રાપ્તિ વાસ્તે આ સંસ્થાનોના મૂળ રહેવાસીઓ ઉપર અતિશય ત્રાસ ગુજારતા હતા. તેમને મેક્સિકો અને પેરૂમાંથી પુષ્કળ દોલત મળી. એક અંદાજ મુજબ, 1493થી 1640 સુધીમાં સ્પેન તેનાં સંસ્થાનોમાંથી આશરે 875 ટન સોનું તથા 45,720 ટન ચાંદી લઈ ગયું હતું. આ સંસ્થાનોમાં સ્પૅનિશોની વસ્તી થોડાં વર્ષોમાં ખૂબ વધી ગઈ હતી.

પૂર્વ તથા પશ્ર્ચિમના દેશોમાં જ્યારે પોર્ટુગીઝ અને સ્પૅનિશ સંસ્થાનો સ્થપાયાં હતાં ત્યારે 15મી સદીનાં છેલ્લાં વરસોમાં યુરોપના બીજા દેશોના લોકોએ પણ સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધામાં ભાગ લીધો. તેઓમાં ફ્રાન્સના ફ્રેન્ચ લોકો, ઇંગ્લૅન્ડના અંગ્રેજો તથા હોલૅન્ડના ડચ લોકો મુખ્ય હતા. આ બધામાં અંગ્રેજોએ અનેક દેશોમાં સંસ્થાનો સ્થાપીને દુનિયામાં સૌથી મોટું સાંસ્થાનિક સામ્રાજ્ય સ્થાપ્યું હતું.

ડચ લોકો : હોલૅન્ડના ડચ લોકો, ભૌગોલિક પરિસ્થિતિને લીધે શરૂઆતથી જ સાહસિક દરિયાખેડુ હતા. ઈ. સ. 1592માં ઍમ્સ્ટરડૅમના વેપારીઓએ પૂર્વના દેશોમાં વેપાર કરવા વાસ્તે ડચ કંપની સ્થાપી હતી. તે પછી કેટલીક કંપનીઓનું જોડાણ કરીને ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપવામાં આવી. ઈ. સ. 1641માં ડચ લોકોએ પોર્ટુગીઝોના કબજા હેઠળનું મલાક્કા જીતી લીધું. એ રીતે ઈ. સ. 1658માં તેમણે પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા કબજે કર્યું. ત્યારબાદ, તેઓએ અગ્નિ એશિયામાં આવેલા જાવા, સુમાત્રા, બોર્નિયો વગેરે મસાલાના ટાપુઓમાં કોઠી નાંખી અને તેમના તથા મસાલાના વેપાર પર પોતાનું વર્ચસ્ જમાવ્યું. ભારતમાં તેઓેએ ચેન્નાઈને કાંઠે નેગાપટ્ટમમાં તથા બંગાળમાં ચિન્સુરામાં પોતાની કોઠીઓ સ્થાપી. પરંતુ તેઓ સ્પર્ધામાં અંગ્રેજોની સામે ટકી શક્યા નહિ. તેથી તેઓએ મસાલાના ટાપુઓમાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને ત્યાં પોતાનું વર્ચસ્ સ્થાપ્યું.

ફ્રેન્ચ લોકો : ફ્રાન્સના સાહસિક નાવિકોએ ઈ. સ. 1524થી 1540ના સમયગાળામાં અમેરિકામાં કેરોલિનાથી લાબ્રાડોર તથા સેન્ટ લૉરેન્સથી મૉન્ટ્રિયલ સુધીનો સમુદ્ર ખેડ્યો. ઉત્તર અમેરિકામાં કૅનેડાના ક્વિબેકમાં ઈ. સ. 1608માં ફ્રાન્સનું પ્રથમ સંસ્થાન સ્થાપવામાં આવ્યું. આ વિસ્તારમાં તેમણે ખ્રિસ્તી સભ્યતાનો પ્રચાર કરવા માંડ્યો. ‘ન્યૂ ફ્રાન્સ’ નામની એક વેપારી કંપની ઈ. સ. 1627માં સ્થાપવામાં આવી. ફ્રાન્સે, અમેરિકામાં આવેલાં પોતાનાં આ સંસ્થાનોમાંથી ફર(રુવાંટી)નો વેપાર કરીને પુષ્કળ નફો કમાવા માંડ્યો. ફ્રાંસે ઈ. સ. 1640માં મૉન્ટ્રિયલમાં પોતાનું મથક સ્થાપ્યું અને ક્રમશ: વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ પર અંકુશ મેળવ્યો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર સારી પેઠે વધ્યો. હાથીદાંત, કાચું સોનું, ફર તથા ગુલામોના વેપારમાં ફ્રેન્ચો અંગ્રેજો સાથે સ્પર્ધા કરવા લાગ્યા. તેઓએ ભારતમાં બંગાળના ચંદ્રનગરમાં, દક્ષિણ ભારતના પૂર્વકિનારે પુદુચેરીમાં અને તે પછી સૂરત તથા મછલીપટ્ટમમાં કોઠીઓ નાખી હતી.

અંગ્રેજો : ઇંગ્લૅન્ડના રાજા હેન્રી સાતમાનો પરવાનો લઈને જૉન કૅબટ નામનો સાહસિક નાવિક ઈ. સ. 1497માં દરિયાઈ સફરે સિધાવ્યો. તેણે તેની બીજી સફરમાં ન્યૂફાઉન્ડલૅન્ડનો પ્રદેશ શોધી કાઢ્યો. તે અંગ્રેજોનું પ્રથમ સંસ્થાન બન્યું; અને મત્સ્ય ઉદ્યોગ વાસ્તે પ્રસિદ્ધ થયું. સંસ્થાનો સ્થાપવામાં બીજા યુરોપીય દેશોની સરખામણીમાં તે પાછળ હતું; પરંતુ 17મી સદીમાં અંગ્રેજોએ સંસ્થાનો સ્થાપવામાં તથા વેપાર વધારવામાં ઘણો રસ લીધો. ઈ. સ. 1607માં અમેરિકામાં વર્જિનિયાના જેમ્સ ટાઉનમાં અંગ્રેજોએ પ્રથમ મથક સ્થાપ્યું. આ મથક સ્થાપનાર ‘લંડન કંપની’ નામની એક વેપારી પેઢી હતી અને એવી જ રીતે ‘પ્લિમાઉથ કંપની’એ હડસન નદીની આસપાસના વિસ્તારોમાં સંસ્થાનો સ્થાપવાનો પરવાનો મેળવ્યો.

ઇંગ્લૅન્ડના રાજા જેમ્સ પહેલાએ ઈ. સ. 1623માં વર્જિનિયાને બ્રિટિશ તાજના સંસ્થાન તરીકે જાહેર કરી ત્યાં પોતાનો ગવર્નર નીમ્યો. લૉર્ડ બાલ્ટિમોરે ઈ. સ. 1634માં મેરીલૅન્ડમાં સંસ્થાન સ્થાપ્યું. ઇંગ્લૅન્ડના કેટલાક પ્રોટેસ્ટન્ટો તેમના રાજાની ભેદભાવયુક્ત ધાર્મિક નીતિને લીધે પોતાની માતૃભૂમિ છોડીને ‘મે ફ્લાવર’ નામના વહાણમાં ઈ. સ. 1620માં અમેરિકા ગયા. તેઓએ અમેરિકામાં ન્યૂ પ્લિમાઉથ નામનું સંસ્થાન વસાવ્યું. ત્યાં પેન નામના અંગ્રેજે વસાવેલ સંસ્થાનનું નામ પેન્સિલવેનિયા રાખવામાં આવ્યું. ડચ લોકોએ વસાવેલું ન્યૂ ઍમ્સ્ટરડૅમ અંગ્રેજોએ જીતી લઈને, તેનું નામ ન્યૂયૉર્ક રાખ્યું. આ સંસ્થાનોએ ઇંગ્લૅન્ડના રાજા તથા પાર્લમેન્ટનું આધિપત્ય સ્વીકાર્યું હતું. આમ, 18મી સદીમાં અમેરિકાનાં 13 સંસ્થાનો પર ઇંગ્લૅન્ડનો અંકુશ હતો. ત્યારબાદ સપ્તવર્ષીય યુદ્ધોના પરિણામે ફ્રાંસે ઇંગ્લૅન્ડને કૅનેડા આપી દીધું. તેથી ક્વિબૅક સિવાયના અમેરિકાનાં બધાં સંસ્થાનો પર ઇંગ્લૅન્ડની સત્તા સ્થપાઈ. ક્વિબૅકના મૉન્ટ્રિયલ શહેરમાં હાલમાં ફ્રેન્ચ ભાષાનો વિશેષ ઉપયોગ થાય છે.

આફ્રિકામાં અંગ્રેજોએ આરંભમાં ઝામ્બિયા તથા ગોલ્ડ કોસ્ટના પ્રદેશોમાં પોતાનાં મથકો સ્થાપ્યાં હતાં. ઈ. સ. 1713 સુધીમાં ફ્રાન્સ તથા ઇંગ્લૅન્ડે તેમના બધા જ હરીફોને આફ્રિકામાંથી વિદાય કર્યા હતા. અમેરિકામાં સ્થાપેલાં પોતાનાં સંસ્થાનોમાં ખેતી વાસ્તે આવશ્યક મજૂરો મેળવવા, તેમણે આફ્રિકાના દેશોમાંથી ત્યાંના લોકોને પકડીને અમેરિકામાં ગુલામો તરીકે વેચવાનો નફાકારક ધંધો શરૂ કર્યો. ઇંગ્લૅન્ડનું લિવરપુલ નગર ગુલામોના વેપારનું મુખ્ય કેન્દ્ર બની ગયું. ઈ. સ. 1765માં લિવરપુલનાં વહાણોમાં 24,200 લોકોને આફ્રિકાના પ્રદેશોમાંથી પકડી લાવી, અમેરિકાનાં સંસ્થાનોમાં વેચવામાં આવ્યા હતા. ઇંગ્લૅન્ડને પ્રતિવર્ષ ત્રણ લાખ પાઉન્ડનો ચોખ્ખો નફો ગુલામોના વેપારમાંથી મળતો હતો. બ્રિટિશ પાર્લમેન્ટે ઈ. સ. 1807માં ગુલામોના વેપાર પર પ્રતિબંધ મૂક્યો. ઈ. સ. 1833માં સર્વે બ્રિટિશ સંસ્થાનોમાંથી ગુલામોનો વેપાર બંધ કરવામાં આવ્યો. ત્યારબાદ આફ્રિકામાં વેપાર કરવા તથા ત્યાંથી કાચો માલ મેળવવા અંગ્રેજોએ પ્રયાસો ચાલુ રાખ્યા હતા. આફ્રિકામાં ખાસ કરીને પૂર્વના દેશોમાં બ્રિટિશ હકૂમત સ્થપાઈ હતી.

એશિયાના દેશોમાં ભારત બ્રિટનનું સૌથી મોટું સંસ્થાન હતું. ઇંગ્લૅન્ડની રાણી એલિઝાબેથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઈ. સ. 1600માં પૂર્વના દેશોમાં વેપાર કરવાનો ઇજારો આપ્યો. મુઘલ શહેનશાહ જહાંગીરની પરવાનગી લઈને કંપનીએ ઈ. સ. 1613માં સૂરતમાં વેપારની કોઠી નાંખી. એવી રીતે ચેન્નાઈ (મદ્રાસ) મુકામે ફૉર્ટ સેન્ટ જ્યૉર્જનો કિલ્લો બાંધ્યો. તે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોલકાતા તથા હુગલી પર અંકુશ મેળવ્યો. ઇંગ્લૅન્ડનો રાજા ચાર્લ્સ 2જો, ઈ. સ. 1622માં પોર્ટુગલની રાજકુમારી કૅથેરાઇનને પરણ્યો. તે પ્રસંગે તેને મુંબઈનો ટાપુ દહેજમાં આપવામાં આવ્યો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળાના નવાબ પાસેથી દીવાનીના હકો મળ્યા. મુઘલ સત્તા નબળી પડવા લાગી અને મરાઠાઓના આંતરિક કુસંપને કારણે બ્રિટિશ કંપનીને ભારતમાં સત્તા વિકસાવવાનો શ્રેષ્ઠ મોકો મળી ગયો. આખરે ભારત, શ્રીલંકા તથા મ્યાનમાર પર બ્રિટિશ સત્તા સ્થપાઈ. એવી રીતે સિંગાપુર તથા ચીનમાં હૉંગકૉંગ જેવા પૂર્વના મહત્ત્વના ટાપુઓ પર બ્રિટિશ સત્તા સ્થપાઈ. અંગ્રેજ કૅપ્ટન કૂકે ઑસ્ટ્રેલિયા ખંડની શોધ કરી. ઈ. સ. 1787માં ઑસ્ટ્રેલિયાના પશ્ર્ચિમ કાંઠે ‘બૉટની બે’ નામનું સંસ્થાન સ્થાપવામાં આવ્યું. આ રીતે અંગ્રેજ પ્રજાની દીર્ઘદૃષ્ટિ, લશ્કરી તાકાત તથા પોતાના દેશની સરકારના સહકારના ફલસ્વરૂપે બ્રિટન વિશ્વમાં સૌથી મોટા સામ્રાજ્યનું માલિક બન્યું.

જર્મનીએ પૂર્વ આફ્રિકા તથા પશ્ર્ચિમ આફ્રિકાના દેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં. તેણે ચીનના શાન્ટુંગના પ્રદેશ પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. રશિયાએ સાઇબીરિયા તથા મંચુરિયાના પ્રદેશો પર પોતાનું વર્ચસ્ જમાવ્યું હતું. આમ, 20મી સદીના આરંભમાં વિશ્વના શક્તિશાળી દેશોએ દુનિયાના આશરે 2/3 ભાગના પ્રદેશ પર પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં હતાં.

પરિણામો : યુરોપનાં રાષ્ટ્રોએ પોતાનાં સંસ્થાનોમાંથી ઘણી ઓછી કિંમતે કાચો માલ મેળવીને, પોતાના દેશમાં તૈયાર કરેલા પાકા માલને, ઘણા ઊંચા ભાવે વેચવા વાસ્તે સંસ્થાનોમાં અંકુશિત બજારો ઊભાં કર્યાં. આમ, સંસ્થાનો યુરોપના લોકો વાસ્તે આર્થિક શોષણ માટેનાં સાધનો બન્યાં હતાં. સંસ્થાનોનું શોષણ કરીને યુરોપના દેશો સમૃદ્ધ અને તાકાતવાન બન્યાં, જ્યારે તેમનાં સંસ્થાનો કંગાલ બની પાયમાલ થયાં. તેમના વેપાર અને ઉદ્યોગો નાશ પામ્યા તથા લોકો ગુલામી ભોગવવા લાગ્યા.

સંસ્થાનોની સ્થાપનાથી પૂર્વ અને પશ્ર્ચિમની સંસ્કૃતિનો સમન્વય થયો. યુરોપીય પ્રજા મારફતે નૂતન વિચારો તથા વિજ્ઞાનનો ફેલાવો થવાથી સંસ્થાનવાસીઓમાં જાગૃતિ આવી, સ્વતંત્રતાની ભાવના જાગ્રત થઈ અને તેમણે આધુનિક જીવનપદ્ધતિ અપનાવી. ઉદ્યોગોની સ્થાપના, ઝડપી વાહનવ્યવહાર તથા આધુનિક વિજ્ઞાનલક્ષી શિક્ષણ વગેરે ફાયદા યુરોપના સંપર્કથી સંસ્થાનોને થયા.

જયકુમાર ર. શુક્લ