સંસ્કૃતીકરણ (culturalisation) : ભારતમાં સામાજિક પરિવર્તનના વિશ્લેષણ માટેની એક વિભાવના. આ વિભાવનાનો સૌપ્રથમ ઉપયોગ ભારતના સમાજશાસ્ત્રી ડૉ. એમ. એન. શ્રીનિવાસે ‘દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ’ નામના અભ્યાસમાં કર્યો હતો.

જ્ઞાતિ ઉપર આધારિત સ્તર-રચના એ અખિલ ભારતીય ઘટના છે. આ બંધ સ્વરૂપની સ્તર-રચનામાં પરિવર્તનને ખાસ અવકાશ નહિ હોવાનું મનાતું આવ્યું છે. પરંતુ શ્રીનિવાસે સંસ્કૃતીકરણની વિભાવના દ્વારા જણાવ્યું : ‘કોઈ વ્યવસ્થા સ્થિર ન હોઈ શકે.’

સંસ્કૃતીકરણ એવી પ્રક્રિયા છે કે જેથી કોઈ નિમ્ન ગણાતી હિંદુ જ્ઞાતિ, આદિવાસી જૂથો કે અન્ય જૂથો પોતાના રીતરિવાજો, ધાર્મિક વિધિઓ, વિચારસરણી અને જીવન-પદ્ધતિને કોઈ ઉચ્ચ અને ઘણી વાર ‘દ્વિજ’ લેખાતી જ્ઞાતિની દિશા કક્ષા અનુસાર બદલે છે.

આ પ્રક્રિયા જડ ગણાતી આવેલી જ્ઞાતિ-સંસ્થામાંની ગતિશીલતાનો નિર્દેશ કરે છે. અર્થાત્ સંસ્કૃતીકરણ સૂચવે છે કે એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં સંક્રમણને અવકાશ છે. શ્રીનિવાસે નોંધ્યું છે : એક નિમ્ન કે હલકી ગણાતી જ્ઞાતિ જો શાકાહાર અને મદ્ય-નિષેધ અપનાવે તેમજ પોતાના રીતરિવાજો અને દેવ-દેવીઓનું સંસ્કૃતીકરણ કરે તો કેટલીક પેઢીઓ પસાર થતાં તે જ્ઞાતિ, જ્ઞાતિ-કોટિક્રમમાં ઊંચે આવી શકતી. અલબત્ત, આવી જ્ઞાતિ મહદ્ અંશે બ્રાહ્મણિયા રિવાજો, વિધિઓ અને માન્યતાઓ અપનાવતી.

શ્રીનિવાસે શરૂઆતમાં ‘બ્રાહ્મણીકરણ’ શબ્દપ્રયોગ કર્યો; કેમ કે જ્ઞાતિસ્તર-રચનામાં બ્રાહ્મણો સૌથી ઊંચા છે અને સામાન્ય રીતે નીચી ગણાતી જ્ઞાતિ પોતાનાથી ઊંચા ગણાતા લોકોનું અનુકરણ કરતી હોય છે. પરંતુ પાછળથી બ્રાહ્મણ ઉપરાંતના અનુકરણના અન્ય નમૂનાઓ ધ્યાનમાં આવતાં ‘સંસ્કૃતીકરણ’ શબ્દ પ્રયોજવામાં આવ્યો. તેમણે નોંધ્યું છે : ‘સંસ્કૃતીકરણ’ શબ્દ વધારે વિશાળ છે. તેમાં ‘બ્રાહ્મણીકરણ’નો સમાવેશ થઈ જાય છે.

શ્રીનિવાસે પ્રસ્તુત વિભાવનાને વધારે સ્પષ્ટ કરતાં લખ્યું હતું : જૂના સંસ્કૃત સાહિત્યમાં પ્રબોધવામાં આવેલાં કર્મ, ધર્મ, પાપ-પુણ્ય, સંસાર, મોક્ષ-માયા, ધાર્મિક વિધિ-વિધાનો વગેરેનાં વિચારો, આહાર અને જીવનશૈલી જેવી વિવિધ બાબતો (જેને સમાજના ચડિયાતાં ગણાતાં જૂથો – ખાસ કરીને બ્રાહ્મણોએ અપનાવેલી હતી.) નિમ્ન ગણાતી જ્ઞાતિઓ દ્વારા અપનાવવામાં આવે અને એ જ્ઞાતિઓ પોતાના પરંપરાગત રિવાજો, ટેવો અને જીવનશૈલીમાં પરિવર્તન કરે તો તે સંસ્કૃતીકરણની પ્રક્રિયા છે.

આ પ્રક્રિયાએ લગભગ સ્થિર/જડ ગણાતી જ્ઞાતિ-વ્યવસ્થામાં આંતરિક ગતિશીલતાને શક્ય બનાવી છે. હિન્દુ સમાજ અનેક જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓનો બનેલો છે. પ્રત્યેક જ્ઞાતિ-જૂથ અન્યથી ચઢિયાતું હોવાનો દાવો કરે છે અને એ માટેનો સરળ માર્ગ કોઈક ઉચ્ચ જ્ઞાતિનાં – ખાસ કરીને બ્રાહ્મણોનાં રિવાજો, આદર્શો અને જીવનશૈલી અપનાવી લેવાં એ છે. જોકે સ્થાનિક સામુદાયિક જીવનમાં બ્રાહ્મણ સિવાયની અન્ય પ્રભાવશાળી જ્ઞાતિ કે વર્ગની જમીનની માલિકી ધરાવનાર, ધનવાન, આધુનિક ઉપકરણો ધરાવનાર, બળમાં ચઢિયાતી ક્ષત્રિય જેવી જ્ઞાતિ કે વૈશ્ય/વેપારી ગણાતી જ્ઞાતિની જીવનશૈલીનું અનુકરણ (જે એક રીતે નિમ્ન ગણાતી જ્ઞાતિ દ્વારા થતું અનુકરણ છે.) પણ થાય છે. કેટલાક સંજોગોમાં તીર્થસ્થાનોમાં રહેનારાઓ, ધાર્મિક કથાઓ અને પુસ્તકનાં પાત્રો કે કેટલાક ધાર્મિક સંપ્રદાયો સંસ્કૃતીકરણ માટેના નમૂનાઓ બને છે.

બ્રિટિશ અમલ દરમિયાન અને ત્યારપછી વાહન અને સંદેશાવ્યવહારનાં સાધનો વિકસતાં પ્રસ્તુત પ્રક્રિયાનો પ્રસાર વધ્યો છે. સંસ્કૃતીકરણની આ પ્રક્રિયાએ જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સાંસ્કૃતિક તફાવતો ઘટાડવામાં અને સાંસ્કૃતિક એકતા સર્જવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે; નિમ્ન કે હલકી ગણાતી જ્ઞાતિઓ માટે સ્થાન-પરિવર્તનની શક્યતા ઊભી કરી છે અને એ રીતે જ્ઞાતિ-વ્યવસ્થાના રૂઢિગત કોટિક્રમિક માળખામાં કંઈક અંશે ઊભી ગતિશીલતાની તક પૂરી પાડી છે. પરંતુ એ રીતે આ પ્રક્રિયાથી થતી ગતિશીલતાને લીધે જ્ઞાતિ-વ્યવસ્થામાં માત્ર દરજ્જા-પરિવર્તન આવે છે; અર્થાત્ એકાદ જ્ઞાતિ પોતાના પરંપરાગત સ્થાનમાં પરિવર્તન અનુભવે છે, પરંતુ તેથી સમગ્ર જ્ઞાતિ-વ્યવસ્થાનું રચનાકીય પાસું કે માળખું બદલાતું નથી. પરિણામે આ પ્રક્રિયાથી જ્ઞાતિનું માળખું અકબંધ રહે છે.

આ ઉપરાંત નિમ્ન કે હલકી ગણાતી જ્ઞાતિઓએ તેઓનાં પોતાનાં ગણાતાં પરંપરાગત રિવાજો અને જીવનશૈલીમાં ફેરફાર કર્યા અને સંસ્કૃત સાહિત્યમાં સૂચિત કરેલા અને ઉચ્ચ કહેવાતી જ્ઞાતિઓમાં પ્રચલિત બનેલાં ધોરણો; જેવાં કે, સ્ત્રીઓની જાતીય પવિત્રતા જાળવવી અને એ માટે નાની વયે એટલે કે રજોદર્શન પહેલાં દીકરીનું લગ્ન કરવું, વિધવાએ માથાના વાળ ઉતારવા સાથે તમામ શૃંગાર છોડી દેવા, વિધવા-પુનર્લગ્ન અને સ્ત્રીને માટે લગ્ન-વિચ્છેદનિષેધ વગેરેને અપનાવ્યાં. પરિણામે અગાઉ આ બધી બાબતે સ્વતંત્રતા ધરાવતી નિમ્ન જ્ઞાતિની સ્ત્રીઓ પર અંકુશો આવ્યા. આવા અંકુશો આધુનિક સમાનતા અને સ્વતંત્રતાનાં મૂલ્યોથી તદ્દન જુદી બાબત સૂચવે છે.

સંસ્કૃતીકરણ એક અત્યંત સંકુલ વિચાર છે. આ વિભાવના એક વ્યાપક સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાનું નામ છે અને ભારતની જ્ઞાતિ-સંસ્થામાં આવેલાં અને આવતાં પરિવર્તનોને સમજવામાં સંસ્કૃતિકરણના દરેક નમૂનાને સ્થાનિક વર્ચસ્ ધરાવતી જ્ઞાતિ અને અન્ય તત્ત્વોના સંદર્ભમાં તપાસવો જરૂરી થઈ પડે છે.

નલિની કિશોર ત્રિવેદી