પરમર્દી (ઈ. સ.ની 12મી સદી) : કલ્યાણીના ચાલુક્ય વંશનો પરાક્રમી રાજા. ગુજરાતના સોલંકી વંશના પ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. 1094-1142)ના સમયમાં કલ્યાણીના ચાલુક્ય વંશમાં વિક્રમાદિત્ય છઠ્ઠો રાજ્ય કરતો હતો. એ ઘણો પરાક્રમી હતો અને પરમર્દી તરીકે જાણીતો હતો. એણે સિદ્ધરાજના દરબારમાં પોતાનો રાજદૂત પણ મોકલ્યો હતો.
સિદ્ધરાજ જયસિંહે પરમર્દીનું મર્દન કર્યું એવો એક ઉલ્લેખ મળે છે. એ પરમર્દી કલ્યાણીના ચાલુક્ય વંશનો રાજા નહિ, પરન્તુ અન્ય કોઈ હોવાનું જણાય છે. તે સમયે અનેક સામંતો (ખંડિયા રાજાઓ) પણ પરમર્દી નામે ઓળખાતા હતા. સિદ્ધરાજે હરાવેલો પરમર્દી એમાંનો કોઈ સામંત હશે. સિદ્ધરાજે ચાલુક્ય નરેશ વિક્રમાદિત્ય પરમર્દીનું મર્દન કર્યું હોત, તો તેનો એ વિજય અતિ ગૌરવશાળી મનાયો હોત.
જયકુમાર ર. શુક્લ