પયધારણ (lactation) : નવા જન્મેલા શિશુના આહાર માટે માતામાં થતી દૂધ-ઉત્પત્તિની પ્રક્રિયા. યૌવનારંભ(puberty)ના સમયે સ્ત્રીના સ્તનનો વિકાસ થાય છે. ત્યારબાદ દરેક ઋતુસ્રાવચક્રમાં ઇસ્ટ્રોજન નામના સ્ત્રીઓના એક અંત:સ્રાવ(hormone)ની અસરમાં તેની પયજનક ગ્રંથિઓ (mammary glands) વૃદ્ધિ પામે છે. તે સાથે સ્તનમાં ચરબી પણ જમા થાય છે; પરંતુ તેમની ખરી વૃદ્ધિ અને વિકાસ સગર્ભાવસ્થામાં થાય છે, જ્યારે તે દૂધનું ઉત્પાદન કરવાની ક્ષમતા મેળવે છે. સગર્ભાવસ્થામાં ઑર(placenta)માંથી પુષ્કળ પ્રમાણમાં ઇસ્ટ્રોજન લોહીમાં ભળે છે. તે સ્તનની ખરેખરી વૃદ્ધિ કરે છે. તે સમયે પયજનક ગ્રંથિઓ વિકસે છે અને ચરબી જમા થાય છે. ઇસ્ટ્રોજન, વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone), પયકારક અંત:સ્રાવ (prolactin), કોર્ટિસોન તથા ઇન્સ્યુલિન નામના અંત:સ્રાવો પયજનક ગ્રંથિની નલિકાઓની વૃદ્ધિ કરે છે અને તેમની શાખાઓ ઉત્પન્ન કરે છે. આ અંત:સ્રાવો પ્રોટીનનું ઉત્પાદન વધારીને પયજનક ગ્રંથિ અને તેમની નલિકાઓની વૃદ્ધિ કરવામાં ફાળો આપે છે. સ્તનને દૂધ ઝરતો અવયવ બનાવવામાં પ્રોજેસ્ટીરોન નામનો સ્ત્રીઓનો એક બીજો અંત:સ્રાવ પણ ઉપયોગી છે. જ્યારે નલિકાઓ બની ગઈ હોય ત્યારે પ્રોજેસ્ટીરોન બીજા અંત:સ્રાવો સાથે મળીને પયજનક કોષોનાં વચ્ચેથી પોલાં એવાં ઝૂમખાં બનાવે છે, જેને પયપોટા (alveoli) કહે છે. આવા પયપોટાઓના નાના નાના સમૂહો બને છે જેને ખંડિકાઓ (lobules) કહે છે. પ્રોજેસ્ટીરોન પયપોટાના કોષોમાંથી દૂધનું સ્રવણ (secretion) થાય તેવા ગુણધર્મો તેમનામાં વિકસાવે છે. પ્રોજેસ્ટીરોન આ જ રીતે ગર્ભાશયમાં પણ અંત:ગર્ભાશયકલામાં ઋતુસ્રાવના સ્રવણલક્ષી (secretary) તબક્કામાં ગ્રંથિઓનો વિકાસ કરે છે.
ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીરોન સ્તનનો વૃદ્ધિ-વિકાસ કરી તેની પયધારણક્ષમતા વધારે છે, પરંતુ તેમાં દૂધનું ઉત્પાદન થવા દેતા નથી. તે કાર્ય પયકારક અંત:સ્રાવ (prolactin) કરે છે. સગર્ભાવસ્થાના પાંચમા અઠવાડિયાથી માતાના મગજની નીચે ખોપરીમાં આવેલી પીયૂષિકા (pituitary) ગ્રંથિમાંથી પયકારક અંત:સ્રાવનું સ્રવણ વધીને 10થી 20ગણું થઈ જાય છે. આ ઉપરાંત ઑરમાંથી માનવ-ગર્ભપોષી દેહસ્તન-સંવર્ધક અંત:સ્રાવ (human chorionic somatomammotropin) પણ લોહીમાં ભળે છે, જે થોડાક અંશે પયકારક અંત:સ્રાવ જેવું જ કાર્ય કરે છે. આમ છતાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીરોનની અસર હેઠળ શિશુના જન્મ પહેલાં દૂધ બનીને બહાર આવતું નથી. સગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં સ્તનમાંથી આવતું પાતળું શ્વેત અપારદર્શક પ્રવાહી દૂધ નથી હોતું, પણ તેને પૂર્વપય (colostrum, fore milk) કહે છે. તેમાં પ્રોટીન અને પયશર્કરા અથવા દુગ્ધશર્કરા (lactose) હોય છે, પણ ચરબી હોતી નથી અને તેનો ઉત્પાદન-દર દૂધ કરતાં સોમા ભાગનો હોય છે. શિશુજન્મ પછી તેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીરોનનું સ્રવણ બંધ થાય છે અને તેથી પયકારક અંત:સ્રાવ(lactogenic)ની અસર હેઠળ 1થી 7 દિવસમાં સ્તનમાંથી પુષ્કળ પ્રમાણમાં દૂધ (પય) ઝરવા માંડે છે. દૂધનાં ઉત્પાદન અને સ્રવણમાં પયકારક અંત:સ્રાવ ઉપરાંત વૃદ્ધિકારક અંત:સ્રાવ, કોર્ટિસોન, ઇન્સ્યુલિન અને પરાગલગ્રંથિ(parathyroid)ના અંત:સ્રાવો પણ કાર્યરત હોય છે. આ અંત:સ્રાવોની મદદથી માતાના દૂધમાંથી ઍમિનોઍસિડ, મેદ-ઍસિડ, ગ્લુકોઝ અને કૅલ્શિયમ મળતાં હોય છે.
શિશુજન્મ પછી પયકારક અંત:સ્રાવનું પ્રમાણ ઘટીને તેના મૂળ સ્તરે આવે છે. ત્યારપછી જ્યારે જ્યારે માતા તેના શિશુને ધવરાવે છે ત્યારે ત્યારે બાળકની ચૂષકક્રિયા(suckling)ને કારણે ઉદ્ભવતી સંવેદનાઓને લીધે અધશ્ચેતક (hypothalamus) નાળ મગજના એક ભાગમાં તે સંવેદનાઓ પહોંચાડે છે અને તેના પ્રતિભાવ રૂપે પયકારક અંત:સ્રાવનું સ્રવણ વધે છે, જે 1 કલાક જેટલો સમય ચાલે છે. આ રીતે આવેલો પયકારક અંત:સ્રાવ દૂધનું ઉત્પાદન અને સ્રવણ વધારે છે, જે બીજી વખતે માતા તેના શિશુને ધવરાવે ત્યારે દૂધ પૂરું પાડે છે. અધશ્ચેતક કે પીયૂષિકા ગ્રંથિને ઈજા કે રોગ થાય અથવા માતા તેના શિશુને ધવરાવવાનું બંધ કરે તો પયકારક અંત:સ્રાવનું ઉત્પાદન અને સ્રવણ 1 અઠવાડિયામાં બંધ થાય છે. જો માતા તેના શિશુને ધવરાવવાનું ચાલુ રાખે તો ઘણાં વર્ષો સુધી દૂધનું ઉત્પાદન અને સ્રવણ ચાલુ રહે છે, પરંતુ 7થી 9 મહિના પછી તેનું પ્રમાણ ઘટી જાય છે.
અધશ્ચેતકમાંના કોષો ડોપામિન નામનો અંત:સ્રાવ, એક પ્રકારના ચેતાસંદેશવાહક(neurotransmitter)નું ઉત્પાદન કરે છે, જે અધશ્ચેતક અને અગ્ર પીયૂષિકાગ્રંથિ વચ્ચેના વિશિષ્ટ રુધિરાભિસરણ (નિવાહિકાતંત્ર, portal system) દ્વારા અગ્રપીયૂષિકા ગ્રંથિના પયકારક અંત:સ્રાવના ઉત્પાદનનું અવદાબન (inhibition) કરીને તેને અટકાવે છે.
જ્યાં સુધી નિયમિત સ્વરૂપે માતા તેના બાળકને ધવરાવે છે ત્યાં સુધી ઋતુસ્રાવચક્ર શરૂ થતું નથી. તેનું કારણ અંત:સ્રાવીય નિયમન છે કે ચેતાકીય નિયમન છે તે જાણમાં નથી, પરંતુ તે સમયે જનનપિંડ-ઉત્તેજક અંત:સ્રાવો(gonadotrophins)નું ઉત્પાદન અને સ્રવણ અટકેલું રહે છે. જોકે થોડા મહિના પછી જ્યારે શિશુ ફક્ત થોડાક પ્રમાણમાં માતાના દૂધ પર અવલંબતું થાય છે ત્યારે ફરીથી ઋતુસ્રાવ-ચક્રો શરૂ થાય છે.
પયકારક ગ્રંથિઓના પયપોટામાંથી દૂધ સતત ઝર્યા કરે છે; પરંતુ તેમાંથી તે નલિકાઓમાં તરત પ્રવેશતું નથી. ચેતાતંતુઓ અને ઑક્સિટોસિન નામના એક બીજા અંત:સ્રાવની અસર હેઠળ પયપોટામાંનું દૂધ નલિકાઓમાં ધકેલાય છે. તેને દૂધની વહનસુગમતા (let-down) અથવા પયક્ષેપ (milk ejection) કહે છે. જ્યારે શિશુ ધાવવાનું શરૂ કરે ત્યારે શરૂઆતમાં દૂધ આવતું નથી. પરંતુ તેની સંવેદના અધશ્ચેતક સુધી પહોંચતાં તે ઑક્સિટોસિનનું સ્રવણ કરાવે છે. ઑક્સિટોસિન પયપોટાની આસપાસ આવેલા સ્નાયુઅધિચ્છીય (myoepithelial) કોષોનું સંકોચન કરાવીને પયપોટામાંનું દૂધ નલિકાઓમાં ધકેલે છે. તે સમયે ત્યાં પારાનું 10થી 20 મિમી. જેટલું દબાણ ઉત્પન્ન થાય છે. શિશુ ધાવવાનું શરૂ કરે તેની 30 સેકન્ડથી 1 મિનિટમાં દૂધની ધારા બહાર આવવા માંડે છે. માનસિક કારણોસર માતાના ઑક્સિટોસિનનું પ્રમાણ ઘટે છે, માટે સ્તન્યપાન (breast feeding) કરાવતી માતાની મન:સ્થિતિ સામાન્ય (normal) રહે તે જોવાનું ખાસ સૂચવાય છે.
માતાના અને ગાયના દૂધની સરખામણી સારણી 1માં કરાયેલી છે.
સારણી 1 : માતા અને ગાયના દૂધની સરખામણી
ઘટક |
માતાનું દૂધ |
ગાયનું દૂધ |
|
1. | પાણી | 88.5 % | 87 % |
2. | ચરબી | 3.3 % | 3.5 % |
3. | લૅક્ટોઝ | 6.8 % | 4.8 % |
4. | કેઝિન (પ્રોટીન) | 0.9 % | 2.7 % |
5. | લેક્ટ-આલ્બુમિન અને અન્ય પ્રોટીન | 0.4 % | 0.7 % |
6. | રાખ | 0.2 % | 0.7 % |
માતાના દૂધમાં શર્કરા વધુ હોય છે જ્યારે ગાયના દૂધમાં પ્રોટીન વધુ હોય છે. વળી કૅલ્શિયમ અને અન્ય ક્ષારો ધરાવતી દૂધની રાખ માતાના દૂધમાં ઓછી બને છે. દરરોજનું 1.5 લિટર જેટલું દૂધ બને છે, પરંતુ જો જોડિયાં બાળક જન્મ્યાં હોય તો તેથી વધુ દૂધ પણ બને છે. તેથી દરરોજ માતા તેના દૂધમાં આશરે 50 ગ્રામ ચરબી, 100 ગ્રામ શર્કરા અને 2થી 3 ગ્રામ જેટલું કૅલ્શિયમ ફૉસ્ફેટ ગુમાવે છે. આને લીધે માતાને પુષ્કળ પ્રમાણમાં દૂધ તથા પૂરતા પ્રમાણમાં વિટામિન-ડી લેવાની સલાહ અપાય છે. જો પૂરતા પ્રમાણમાં કૅલ્શિયમ ન મળી રહે તો પરાગલ-ગ્રંથિ વૃદ્ધિ પામે છે અને તેના અંત:સ્રાવની અસર હેઠળ હાડકાંમાંનું કૅલ્શિયમ નીકળી જાય છે. તેથી સ્તન્યપાન કરાવતી માતાઓના હાડકાંમાંના કૅલ્શિયમનું પ્રમાણ ઘણું ઘટી જાય તેવું પણ બને છે.
શિલીન નં. શુક્લ
પ્રેમલ ઠાકોર