પયસ્વિની (1969) : મૈથિલી કવિ સુરેન્દ્ર ઝા ‘સુમન’(જ. 10 ઑક્ટોબર, 1910, અ. 5 માર્ચ 2002)નો કાવ્યસંગ્રહ. તેમાં પ્રાકૃતિક સૌંદર્ય તથા ગ્રામજીવનની સરળતાને લગતાં 25 ઊર્મિકાવ્યો છે. પ્રથમ શીર્ષકદા કૃતિ ‘પયસ્વિની’માં કવિ અવનવાં વન-ઉપવન અને ગોચરમાં વિહરે છે. વર્ષાઋતુની સરખામણી કવિ દુધાળી ગાય સાથે કરીને જણાવે છે કે વરસાદ પણ સમસ્ત સજીવ સૃદૃષ્ટિનું પોષણ કરે છે. કાવ્યમાં આ રૂપક સાદ્યંત જળવાયું છે.

બીજાં કેટલાંક કાવ્યો પૈકી ‘સરિતા વનિતા’માં કવિ કવિતા એ નદી છે અને નદી એ જ કવિતા એમ કહેવા માંગે છે પણ કાવ્યમાંથી એ પૂરેપૂરું ફલિત થતું નથી. ‘દીપક એકાકી’માં બલિદાનભર્યા જીવનનો તેમણે મહિમા ગાયો છે. ‘વનપર્વ’ કાવ્ય કુદરતને ખોળે જિવાતા જીવનની પ્રશસ્તિ રૂપે છે. ‘પૂજન ઉપાદાન’માં તે સમસ્ત જીવોના કલ્યાણ માટે જીવન સમર્પિત કરી દેવાનો પ્રભુભક્તિનો નવો માર્ગ ચીંધે છે.

‘ભિક્ષા-પાત્ર’માં કવિએ વિનોબા ભાવેનું ચરિત્રચિત્રણ કર્યું છે. ‘સત્ય સૂર્ય: વયસ પૂર્ય’ વૃદ્ધાવસ્થાનાં શાંત એકાંતમાં ઊભરાતાં ભૂતકાલીન સંસ્મરણોનું કાવ્ય છે. ‘સમવિષમ’ જૂની ગીતલઢણનો અભિનવ પ્રયોગ છે. મૂળ ગીતના પ્રણયના વિષયને સ્થાને તે શ્રમજીવીના નક્કર પરિશ્રમ અને સિદ્ધિનું કાવ્ય રચે છે. એ જ રીતે ‘ખંડ:અખંડ’માં તેઓ વિભાજનલક્ષી વિજ્ઞાન તથા સમન્વયલક્ષી કવિતાનો વિરોધ દર્શાવી કવિતાને ઊંચા પદે સ્થાપે છે. ‘વિડંબના’માં મોટી વ્યક્તિઓની ખુશામતની વ્યર્થતા આલેખાઈ છે. સંગ્રહનું આ કાવ્ય બધી રીતે સૌથી સફળ નીવડ્યું છે. ‘દ્વૈત ગીત’માં કવિ નમ્ર ભાવે પરમેશ્વરીને કહે છે કે પોતે તો નિમિત્ત માત્ર છે અને કર્તાહર્તા તો સ્વયં પરમેશ્વરી જ છે. એકંદરે કાવ્યસંગ્રહનાં કાવ્યો આસ્વાદ્ય રહ્યાં છે.

આ કૃતિને સાહિત્ય અકાદમીનો 1971ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી