પન્ના : મધ્યપ્રદેશ રાજ્યના સાગરવિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 23 45´ ઉ. અ. – 79 45´ પૂ. રે. અને 25 10´ ઉ. અ.– 80 40´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તે સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્યના બાંદા જિલ્લાની સીમા, પૂર્વે સતના જિલ્લો, અગ્નિ દિશાએ અને દક્ષિણે કટની જિલ્લો, નૈર્ઋત્ય અને પશ્ચિમે દમોહ અને વાયવ્યે છત્તરપુર જિલ્લા સીમા ધરાવે છે.

આ જિલ્લામાં પશ્ચિમી વિંધ્ય એક ડુંગરધાર સ્વરૂપે જોવા મળે છે. વિંધ્ય પર્વતીય હારમાળાની પન્ના શ્રેણી અહીંથી પસાર થાય છે. અહીંની સંરચનામાં ઘણી વિભિન્નતા જોવા મળે છે. તેનું ભૂપૃષ્ઠ ડુંગરાળ છે.

અહીંની આબોહવા અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધની કહી શકાય. જુલાઈમાં તાપમાન 26થી 42સે. જ્યારે જાન્યુઆરીમાં 13થી 29 સે. રહે છે. વર્ષ દરમિયાન વરસાદ 500 મિમી.થી 1000 મિમી. જેટલો પડે છે. આબોહવા પ્રમાણમાં ગરમ હોવા છતાં સ્વાસ્થ્યપ્રદ ગણાય છે.

અર્થતંત્ર : આ જિલ્લામાં લોકોની પ્રવૃત્તિ ખેતી અને જંગલોની વિવિધ પેદાશો મેળવવાની છે. અહીંની જમીન રાતી અને ખડકાળ છે. ખેતી વરસાદ અને સિંચાઈ પર અવલંબિત છે. ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકોમાં ઘઉં, ડાંગર, જુવાર અને હલકાં ધાન્ય ઉગાડાય છે. રોકડિયા પાકોમાં કપાસ, શેરડી, તેલીબિયાં અને સોયાબીન મુખ્ય છે. અહીંનાં જંગલોમાં સાગ, સાલ, સાદડ, હીમજ, આમળા, ટીમરુ મેળવાય છે. આ સિવાય આદિવાસી લોકો લાખ, ગુંદર અને ઇમારતી લાકડાના વેપાર સાથે સંકળાયેલા છે. ખેતી સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ વિકસી છે. આ જંગલોમાં માંસાહારી અને શાકાહારી પ્રાણીઓ પણ જોવા મળે છે. વાઘ, રીંછ, શિયાળ, સાબર, હરણ, નીલગાય વગેરે જોવા મળે છે. કેટલાક લોકો ખનનપ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે. પન્ના શહેરથી આશરે 80 કિમી. દૂર પન્ના ડાયમંડની ખાણ આવેલી છે. એશિયામાં ડાયમંડની એકમાત્ર ખાણ આ જિલ્લાના મજહાઓગાંવ (Majhagoan) પાસે આવેલી છે.

પરિવહન – પ્રવાસન : આ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 39 જે રેવા અને સતનાને સાંકળે છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગ નં. 49 અને જિલ્લાના માર્ગો પણ આવેલા છે. રાજ્ય પરિવહન અને ખાનગી બસોની સુવિધા છે. આ સિવાય સામાન્ય પ્રકારના પરિવહનના સાધનોનો પણ ઉપયોગ થાય છે. આ બધાં સાધનોની સગવડ જિલ્લામથકે પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

આ જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં અજયગઢનો કિલ્લો, અજય પલકા તળાવ, પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન જે વાઘ માટેના અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે. રાન્હે ધોધ, જે કેન નદી ઉપર આવેલો છે. આ સિવાય જુગલકિશોર મંદિર, પ્રાણનાથ મંદિર, નાચના કુથારા મંદિર જે ગુપ્ત વંશ દરમિયાન બન્યું હતું. (આશરે પાંચમીથી છઠ્ઠી સદી દરમિયાન) પાંડવ ધોધ અને ગથા ધોધ જે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી (2011 મુજબ) 10,16,520 છે. જ્યારે વિસ્તાર 7,135 ચો.કિમી. છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 907 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 66.08%, શહેરી વસ્તી 12.33% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 20.46% અને 16.81% છે. આ જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને જૈનની વસ્તી અનુક્રમે 95.89%, 3.46% અને 0.47% છે. આ જિલ્લામાં મહત્તમ બોલાતી ભાષા હિન્દી (69.08%) છે. આ સિવાય બુંદેલી (29.73%) તે મુખ્ય ભાષા છે. બુંદેલી અને હિન્દી મિશ્રિત ભાષાની ટકાવારી 72% થી 91% છે. જે લૅક્સિકન ભાષાને મળતી છે. આ જિલ્લો વહીવટી દૃષ્ટિએ 9 વિભાગમાં વહેંચેલો છે. મધ્યપ્રદેશમાં સૌથી ‘Backward Regions Grant Fund Programme’ મેળવતા 24 જિલ્લાઓ આવેલા છે તેમાંનો આ એક છે.

પન્ના (શહેર) : પન્ના જિલ્લાનું જિલ્લામથક અને મુખ્ય શહેર છે.

તે 24 27´ ઉ. અ. અને 80 17´ પૂ. રે. પર આવેલું છે. જે સમુદ્રની સપાટીથી આશરે 411 મીટરની ઊંચાઈ ધરાવે છે. વસ્તી (2011 મુજબ) 59,091 છે. તે નૌગાંવથી સતના માર્ગ ઉપર આવેલું છે. આ શહેરથી છત્તરપુર 67 કિમી., નૌગાંવ 43 કિમી. અને સતના 70 કિમી.ને અંતરે આવેલું છે.

આ શહેર આજુબાજુના પહાડોથી આશરે 90 મીટર નીચે ખીણમાં વસેલું છે. ગ્રામ્ય વિસ્તારોની વિવિધ ખેતપેદાશો, લાકડું, કાપડ અને હસ્તકલાનું તે મુખ્ય કેન્દ્ર છે. અહીં હાથસાળ વણાટનો ઉદ્યોગ વિકસ્યો છે. ખૂબ મોટા વિસ્તારમાં ડાયમંડનો અનુમાનિત જથ્થો અહીં સંઘરાયેલો છે. વિંધ્ય હારમાળાથી 240 કિમી. દૂર આશરે 81,000 ચો.મી.(20 એકર)માં તે છવાયેલો છે. 1860માં સકારીઆ ખાતે ડાયમંડ મેળવવા ખોદકામ કરવામાં આવ્યું હતું. જે પન્ના શહેરથી 32 કિમી. દૂર છે. મોટી ચુલ તેમજ માણેક જે નારંગી, લીલા, જાંબુડી રંગના પ્રાપ્ત થાય છે. આજે અહીં ડાયમંડ ‘National Mineral Development Corporation’ યુનિટ દ્વારા મેળવાય છે. જાહેર હરાજીથી આ ડાયમંડનું વેચાણ થાય છે.

અહીંની આબોહવા ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. ઉનાળો અતિશય ગરમ, શિયાળો ઠંડો અને વર્ષાઋતુમાં વરસાદ વધુ પ્રાપ્ત થાય છે. ઉનાળાનું એપ્રિલ-મે માસનું તાપમાન આશરે 40 સે., ડિસેમ્બર-જાન્યુઆરી માસનું તાપમાન આશરે 8 સે. રહે છે. જ્યારે વરસાદની માત્રા 400 મિમી.થી 500 મિમી. જેટલી રહે છે.

પન્ના શહેરથી રેલવેસ્ટેશન ખજૂરાહો 45 કિમી. દૂર છે. જ્યારે નજીકનું હવાઈ મથક પણ ખજૂરાહો ખાતે આવેલું છે. બસોની વ્યવસ્થા અહીં ખૂબ સારી છે. મધ્યપ્રદેશ રાજ્ય પરિવહનની બસોની ઉપલબ્ધિ છે. આ સિવાય ખાનગી બસો જેમાં સ્લીપર કોચ, લકઝરી અને એસી. બસોની સગવડ હોય છે.

આ શહેરમાં સાક્ષરતાનું પ્રમાણ 64.79% છે. અહીં આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ ફૅકલ્ટીની કૉલેજો આવેલી છે. જેની સંખ્યા 9 છે. મોટે ભાગે તે બધી ખાનગી છે. અહીં અંગ્રેજી અને હિન્દી માધ્યમની શાળાઓ આવેલી છે. જે અંશતઃ ખાનગી શાળાઓ છે. સરકારી શાળાઓનું પ્રમાણ ખૂબ ઓછું છે. જેની સંખ્યા ફક્ત ત્રણ છે. જ્યારે 16 શાળાઓ ખાનગી છે. CBSE બોર્ડ અને સરકારી અભ્યાસક્રમને લગતી શાળાઓ આવેલી છે.

અહીં વાઘ આરક્ષિત ક્ષેત્ર પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. રાન્હે ધોધ, પાંડવ ધોધ, બૃહસ્પતિ કુંડ તેમજ અનેક મંદિરો આવેલા છે. જાણીતાં મંદિરોમાં જુગલકિશોરજી, પ્રાણનાથજી, જગન્નાથ સ્વામીજી, રામ મંદિર અને ગોવિંદજી મંદિર છે.

પન્ના બુંદેલા રાજપૂત રાજ્ય હતું. 13મીથી 17મી સદી સુધી ગોન્ડ જાતિના લોકોનો વસવાટ હતો. આ શહેર વિંધ્યાચળ હારમાળામાં આવેલ મધ્યપ્રદેશમાં આવેલું છે. આ શહેર છત્તર સાલ રાજ્યનું પાટનગર હતું. 1732ની સાલમાં આ રાજ્ય બે ભાગમાં વહેંચાયું. 19મી સદી પહેલાં પન્ના રાજ્ય બ્રિટિશરોને હસ્તક આવ્યું. મહેન્દ્ર યદવેન્દ્ર સિંધે પહેલી જાન્યુઆરી, 1950માં ભારતમાં જોડાવા માટે સંમતિ આપી. તે વિંધ્ય પ્રદેશનો ભાગ બન્યો. પહેલી નવેમ્બર, 1956ના રોજ તેનો સમાવેશ મધ્યપ્રદેશ રાજ્યમાં થયો. 1921માં અહીં મ્યુનિસિપાલિટીની રચના થઈ.

ગિરીશ ભટ્ટ

નીતિન કોઠારી