પદ્ય : સાહિત્યિક અભિવ્યક્તિનો એક પ્રકાર. બીજો પ્રકાર તે ગદ્ય. કાવ્ય ગદ્ય અને પદ્ય બંનેમાં સંભવે; પરંતુ કાવ્યના રસાત્મક ભાવોને વહન કરવામાં ગદ્યની અપેક્ષાએ પદ્ય વિશેષ અનુકૂળ નીવડે છે. પદ્યનો ઉદ્દેશ કાવ્યગત ભાવને લાલિત્ય કે કલારૂપ બક્ષવાનો છે અને પ્રાચીન કાળથી પદ્ય એ હેતુસર કાવ્યરૂપમાં પ્રયોજાતું રહ્યું છે. વાણી સ્વયં અમુક ભાવકક્ષાએ પદ્યરૂપમાં આવિષ્કાર પામે છે. વસ્તુભાવને કાવ્યના વિશિષ્ટ સંસ્કારો આપવાની પદ્યની શક્તિ એને સાહિત્યનું પાયાનું તત્ત્વ ઠેરવે છે. ‘લંબાવેલા સ્વર મધુર આ વ્યોમ માંહે સરે છે’ (‘પૂર્વાલાપ’) – એમાં કવિનું ભાવવિશ્વ મંદાક્રાન્તા છંદના પંક્તિસ્વરૂપમાં જ કાવ્યની કક્ષા પામે છે, છંદવિહીન ગદ્યમાં તેની ચમત્કૃતિ ભાગ્યે જ અનુભવી શકાય.
પદ્ય છંદોબદ્ધ વાણીસ્વરૂપ છે. ભાષાના આશ્રયે નિયત લયનું આવર્તન તે પદ્ય. લયમાં શબ્દો ગોઠવાઈને કાવ્યપંક્તિ બને ત્યારે એ મૂર્ત થાય છે. નિયત લયમાં વિન્યસ્ત થયેલી પદાવલિ દ્વારા કાવ્યગત છંદ મૂર્ત થાય છે. લય પ્રત્યક્ષીકરણ માટે વાણીમાં રહેલ ઉચ્ચારણનાં એકમોનું – વર્ણો(syllables)નું – અવલંબન લે છે. આ વર્ણોના જુદા જુદા ક્રમલક્ષી અને સંખ્યાલક્ષી મેળમાંથી જુદા જુદા છંદો ઉદ્ભવે છે. દરેક છંદ લયની કોઈ એક વિશિષ્ટ તરેહને પોતાનામાં વ્યક્ત કરે છે. પદ્યની વિભિન્ન આકૃતિઓ તે છંદો. તેનું શાસ્ત્ર – તેના આદ્યરચયિતા પિંગળ ઋષિના – નામ પરથી પિંગળશાસ્ત્ર તરીકે ઓળખાય છે.
બધી ભાષાઓની ઉચ્ચારઘટના એકસરખી હોતી નથી. તેથી પદ્યરચનાના માપદંડો અલગ અલગ જોવા મળે છે. અંગ્રેજીમાં સ્વરભાર(accent)નું તત્ત્વ પદ્યરચનાનું નિર્ણાયક તત્ત્વ છે. ગુજરાતીમાં એમ નથી. તેમાં વર્ણોનાં ઓછીવધતી સંખ્યાવાળાં સંયોજનો અને તેમની ભિન્ન ભિન્ન પ્રકારની ક્રમયોજના દ્વારા સધાતા ગણોની અલગ અલગ આનુપૂર્વી દ્વારા જુદા જુદા છંદ ઉદ્ભવે છે. ગુજરાતી પદ્યરચનામાં અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ અને લયમેળ એ ચાર મુખ્ય છંદકુળો છે.
અક્ષરમેળ કે ‘વૃત્ત’ નામે ઓળખાતા છંદ પ્રકારમાં પંક્તિમાં અક્ષરોની સંખ્યા અને લઘુ-ગુરુનાં નિશ્ચિત સ્થાન એ નિર્ણાયક તત્ત્વ છે. અક્ષરમેળ છંદમાં લઘુ=લ અને ગુરુ=ગા સંજ્ઞા સ્વીકારાય છે. એમાં એક ગુરુ બરાબર બે લઘુ સ્વીકાર્ય નથી; માત્રામેળમાં એક ગુરુ બરાબર બે લઘુ થઈ શકે; કારણ તેમાં છંદમેળ ભિન્ન પ્રકારનો હોય છે. અક્ષરમેળ છંદમાં ગણરચના અને લઘુગુરુના ન્યાસથી થતા અક્ષરસંધિઓ રચનાબંધનાં પાયાનાં તત્ત્વો છે. તેથી અક્ષરમેળ છંદનો સાચો પરિચય ગણવિન્યાસ તેમજ સંધિવિન્યાસથી મળે છે. લઘુ-ગુરુનું સ્થાન અને અક્ષરસંખ્યાને આધારે ય, મ, ત, ર, જ, ભ, ન, સ એમ આઠ ગણની યોજના છે. પ્રત્યેક ગણમાં ત્રણ અક્ષર હોય છે અને પ્રત્યેક ગણ લઘુ-ગુરુની દૃષ્ટિએ પરસ્પર ભિન્ન સ્વરૂપનો હોય છે. ઉદા., ‘ય’ ગણમાં આદિ લઘુ અને મધ્ય તથા અંત્ય ગુરુ હોય છે. તો ‘મ’ ગણમાં આદિ-મધ્ય-અંત્ય ત્રણેય ગુરુ હોય છે. ગણના વિન્યાસમાંથી છંદએકમ રચાય છે; ઉદા., મંદાક્રાન્તા છંદમાં મ-ભ-ન-ત-ત ગણોના વિન્યાસમાં અંતમાં બે ગુરુ મળતાં 17 અક્ષરની રચના બને છે. અક્ષરમેળમાં એક જ સંધિનાં આવર્તન હોતાં નથી. બધી સંધિઓ લઘુ-ગુરુના નિયત સંયોજનથી બને છે. સંધિઓમાં કે સંધિઅંતર્ગત લઘુ-ગુરુમાં સ્થાનફેર થઈ શકતો નથી. સ્થાનફેરને કારણે છંદનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. મંદાક્રાન્તાનો સંધિવિન્યાસ આ મુજબ છે :
ગા ગા ગા ગા | લ લ લ લ લ ગા | ગા લ ગા ગા લ ગા ગા
મંદાક્રાન્તામાં યતિ 4, 10 અક્ષરે આવે છે. યતિ અક્ષરમેળ છંદોનું અંગભૂત ઘટક છે, યતિભંગ ક્યારેક નિર્વાહ્ય બને તો ક્યારેક ક્લેશકર પણ નીવડે. અક્ષરમેળ છંદોમાં ચાર ચરણના શ્લોકની રચના થાય છે. આવા છંદો સયતિક કે અયતિક હોય છે. સયતિક છંદોમાં એક કે તેથી વધુ યતિસ્થાનો હોય છે. કેટલાક છંદોની રચના ચરણોવાળી પંક્તિ રૂપે થાય છે. જ્યારે શ્લોકમાં ચારે ચરણ સરખાં હોય ત્યારે તે ‘સમ’; પહેલું અને ત્રીજું તથા બીજું અને ચોથું સરખાં હોય તો ‘અર્ધસમ’ અને ચારેય ચરણ અણસરખાં હોય તો ‘વિષમ’ છંદ કહેવાય છે. વૈદિક છંદોમાં ગાયત્રી, અનુષ્ટુપ, ત્રિષ્ટુભ જેવા પઠનક્ષમ છંદો હતા. ગુજરાતીમાં અર્વાચીન કાળથી અક્ષરમેળ છંદોનો પ્રચાર વધ્યો. ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, શાલિની, શિખરિણી, મંદાક્રાન્તા, પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત અને અનુષ્ટુપ જેવા છંદો ગુજરાતી કવિતામાં પ્રચલિત છે.
માત્રામેળ છંદની પંક્તિ નિશ્ચિત માત્રાની સંખ્યાથી રચાય છે. ત્રણ માત્રાની સંધિ ત્રિકલ, ચાર માત્રાની સંધિ ચતુષ્કલ એ રીતે ત્રિકલ, ચતુષ્કલ, પંચકલ, સપ્તકલ કે અષ્ટકલ સંધિનાં આવર્તન દ્વારા જુદા જુદા માત્રામેળ છંદો રચાય છે. માત્રામેળ છંદમાં લઘુ-ગુરુનાં સ્થાન નિશ્ચિત નથી હોતાં. એમાં લઘુ સ્વરની એક માત્રા અને ગુરુ સ્વરની બે માત્રાના ધોરણે બે લઘુને સ્થાને એક ગુરુ અથવા એક ગુરુને સ્થાને બે લઘુનો ઉપયોગ થઈ શકે એ પ્રકારની અન્યોન્ય વિનિમયક્ષમતા પ્રવર્તે છે. માત્રાસંધિનાં આવર્તનો નિશ્ચિત તાલ સાથે સંકળાયેલાં હોવાથી માત્રામેળ છંદોમાં ગેયતાનું તત્ત્વ આવે છે. માત્રામેળ છંદોમાં બે પંક્તિની પ્રાસબદ્ધ કડી પાયાનો રચનાએકમ છે. માત્રાસંધિનાં સળંગ આવર્તનોમાં પંક્તિના અંત્યપ્રાસથી, પંક્તિની અંત્ય સંધિને ચોક્કસ પ્રકારનું લયાત્મક રૂપ આપીને કે અંતિમ સંધિઓમાંની એકાદ-બે માત્રા ખંડિત કરીને પંક્તિખંડો પાડવામાં આવે છે. માત્રામેળમાં યતિ આવે, પરંતુ તે વિલમ્બન અર્થે કે પઠનવિચ્છેદનાત્મક સ્વરૂપે હોતી નથી. માત્રામેળનો આવર્તિત માત્રાયુક્ત લય, પ્રાસાદિ તત્ત્વો કાવ્યમાં ભાવપોષક બનીને કળાસાધક બને છે. હરિગીત, દોહરો, સવૈયા, ચરણાકુલ, ઝૂલણા, રોળા, છપ્પા, કટાવ, ઉધોર વગેરે ગુજરાતી કવિતામાં જાણીતા માત્રામેળ છંદો છે.
સંખ્યામેળ છંદો માત્રામેળનાં જ વિશિષ્ટ રૂપો છે. આ છંદસ્વરૂપમાં લઘુ-ગુરુનાં નિશ્ચિત સ્થાનો કે માત્રાનાં કોઈ માપનું નહિ પરંતુ અક્ષર-સંખ્યાના માપનું મહત્ત્વ હોવાથી તેને સંખ્યામેળ રૂપે ઓળખી શકાય. મનહર અને ઘનાક્ષરી આ પ્રકારના છંદો છે
મધ્યકાલીન સાહિત્યનાં પદ, આખ્યાન, ગરબા, ગરબી વગેરે સ્વરૂપોમાં જે દેશીઓ, રાગો કે ઢાળોનો વિનિયોગ થયો છે તેમાં કેટલીક દેશીઓમાં માત્રામેળનો સંધિવિન્યાસ હોવાથી પિંગળમાં ચર્ચિત પદ્યમાં તેનો સમાવેશ થઈ શકે. દેશીઓ તત્ત્વત: ગેય અને સંગીત પર આધારિત રચનાઓ છે. તેમાં ગેયતાને ઉપકારક ‘રે’, ‘જો’, ‘લોલ’ જેવાં તાનપૂરકો, ટેક, ગેય એકમોની સંખ્યા વધારનાર ધ્રુવ યા ધ્રુવખંડ, ધ્રુવપંક્તિ, પ્રાસ ને પ્લુતિમાત્રા ઇત્યાદિનો સંગીતપોષક વિનિયોગ થાય છે. આ તત્ત્વોની ગેય, ભાવપૂર્ણ હલકો, સંકુલ રાગરાગિણીઓ ને શબ્દાવલિની વિવિધ ભંગિઓ સર્જાય છે. આંતરો કે ધ્રુવપંક્તિનું ગ્રથન કે ટેકના એકમનું આવર્તન સંગીતતત્ત્વના વિન્યાસ સાથે દેશીની પંક્તિઓનો વિસ્તાર પણ સાધે છે. કેટલીક રચનાઓમાં પ્રાસ કે દેશીનાં તત્ત્વોથી ભાવને ઉઠાવ મળે છે ને કવિતા તથા સંગીતનો સુંદર સમન્વય થાય છે. કેવળ સંગીતવિન્યાસમાં નહિ, પરંતુ ભાવની અસરકારક સંક્રાન્તિમાં પણ આ દેશીઓ સફળ રહી છે.
કાવ્યના વસ્તુભાવની આંતરિક આવશ્યકતા અનુસાર છંદોવિસ્તાર, છંદોમિશ્રણ કે છંદોબંધારણમાં થોડા ફેરફારથી કવિ તેનાં અભિનવ રૂપો સર્જે છે. શિખરિણીમાં યતિથી પડતા બે પંક્તિખંડોમાં, જો પહેલો બેવડાય તો અભ્યસ્ત શિખરિણી અને બીજો બેવડાય તો ખંડ શિખરિણી બને છે. બ. ક. ઠાકોરે ગુલબંકી છંદમાં પંચ ચામરનો લગા અને ચામરના ગાલ બીજમાંથી અભિનવ રચના કરી છે. તેમણે દ્રુતવિલંબિતનો પહેલેથી આઠમો વર્ણ ‘લ’ ત્યજીને ગજછંદ નિપજાવ્યો છે. છંદોલયમાં મિશ્રોપજાતિ સાથે ‘વસંતતિલકા’નું મિશ્રણ હોય કે આવૃત્તસંધિ છંદો અને અનાવૃત્તસંધિ છંદોનું મિશ્રણ હોય એવા વિવિધ છંદોમિશ્રણના પ્રયોગો થયા છે. તેમાં ચરણ કે શ્લોકનાં નિયમબદ્ધ વ્યવધાનો વિના ભાવ યથેચ્છ વહે તેવા પરંપરિત છંદના પ્રયોગો ગુજરાતીમાં ‘મુક્તધારા’, ‘ઘનાક્ષરી’, ‘પયાર’ જેવા છંદોમાં રાજેન્દ્ર-નિરંજનયુગની કવિતામાં થયા છે.
અંગ્રેજી ‘બ્લૅન્ક વર્સ’ને અનુલક્ષીને અગેયતા, સળંગતા કે અખંડિતતા, યતિસ્વાતંત્ર્ય જેવાં લક્ષણવાળું પદ્યવાહન શોધવાના પ્રયત્નો-પ્રયોગો અર્વાચીન કાવ્યસાહિત્યમાં થયા છે. તેમાં નર્મદના ‘વીરવૃત્ત’ના પ્રયોગમાં, સંગીતપ્રધાન લાવણીના એક અષ્ટકલસંધિને સ્થાને બે અષ્ટકલસંધિ મૂકીને તત્ત્વત: છંદોવિસ્તાર સાધેલો છે. કે. હ. ધ્રુવે ‘ઘનાક્ષરી’નાં ચરણોની યતિ કાઢીને ચતુરક્ષર સંધિનાં આવર્તનોવાળું અગેય, પાઠ્ય ને પ્રવાહી એવું ‘વનવેલી’ છંદનું વાહન શોધ્યું. ન્હાનાલાલનો ડોલનશૈલીનો પ્રયોગ ‘ડોલન’ (રિધમ) પર નિર્ભર એવો વિલક્ષણ ગદ્યલયાત્મક પ્રયોગ છે, તે પદ્યપ્રયોગ નથી. ‘બ્લૅન્ક વર્સ’ની સૌથી નિકટ જઈ શકે એવો સફળ પ્રયોગ બ. ક. ઠાકોરનો પૃથ્વીનો છે. તેની પાઠ્યતા, રસાનુરૂપતા, યથેચ્છ યતિપ્રવણતા, પંક્તિવિસ્તારની ક્ષમતા જેવાં લક્ષણો તેને અર્થાનુસારી સળંગ અગેય પ્રવાહી પદ્યનું યથોચિત વાહન સિદ્ધ કરે તેવાં છે.
પ્રાચીન કાળથી છંદોબદ્ધ વાણીરૂપ પદ્યમાં ઉત્તમ કાવ્યસર્જન થયું છે તેમ પદ્ય-ઇતર વાહનોમાં પણ ઉત્તમ કાવ્ય સિદ્ધ થયું છે. એ જોતાં પદ્યની અપ્રતિમ કાવ્યોપકારકતા છતાં કાવ્ય માટે એ જ એકમાત્ર અનિવાર્ય વાહન નથી
જૉસેફ પરમાર