હળ : ખેતીનું પાયાનું ઓજાર. હળની ખેડ એ ખર્ચાળ કાર્ય છે. મનુષ્યે જમીન ખેડવા માટે વૃક્ષની વાંકી ડાળીમાંથી એક સાદું ઓજાર બનાવ્યું, તે બાબત, ખેતીના વિકાસમાં ખૂબ જ મહત્ત્વની હતી. સમય જતાં તેમાં સુધારાવધારા થતા ગયા અને હળનો વિકાસ થયો.

પ્રથમ તબક્કામાં ખેતીનાં બધાં જ કામ માટે એકમાત્ર હળ જ વપરાતું, હજુ પણ દુનિયાના કેટલાક ભાગમાં ખેડૂતો માટે માત્ર લાકડાનું હળ જ ખેતીનું મુખ્ય ઓજાર છે. હળમાં સ્થાનિક જરૂરિયાત પ્રમાણે સુધારાવધારા થયેલા છે. સંસ્કૃતિ અને હળનો વિકાસ યુગોથી નિકટનો સંબંધ ધરાવે છે. હળને ઘણી કૃષિસંસ્થાઓએ પોતાના ચિહન તરીકે અપનાવેલ છે તે યોગ્ય જ છે.

હળના પ્રકાર : હળના મુખ્ય બે પ્રકાર છે : (1) લાકડાનું હળ અને (2) લોખંડી હળ.

1. લાકડાનું હળ : બાવળ અને રાયણ જેવા સ્થાનિક મળી આવતા લાકડામાંથી સ્થાનિક સુથારે બનાવેલું ઓજાર છે. ખેડૂત પોતાના ગામમાં તેને સહેલાઈથી દુરસ્ત કરી શકે છે. પાકને વાવતા પહેલાં જમીનની પ્રાથમિક તૈયારી માટે હળથી સૌપ્રથમ જમીનને ખેડવા માટેનો મુખ્ય હેતુ છે. આ ઉપરાંત હળની સાથે ઓરણી-દાંડવા બાંધી અમુક પાકના વાવેતર માટે, ખાસ સંજોગોમાં આંતરખેડ કરવા માટે, નીકપાળા તૈયાર કરવા તેમજ પિયતના હેતુ માટે ધોરિયા બનાવવા માટે થાય છે.

આકૃતિ 1 : દેશી હળના જુદા જુદા ભાગ

લાકડાના હળના ભાગો અને કાર્ય : (i) તુંગું કે પાટ : તુંગું એ હળના કદ પર આધાર રાખતો જુદા જુદા માપનો લાકડાનો કાટખૂણ ટુકડો છે. એનું મુખ્ય કામ હળના બીજા બધા ભાગોને આધાર આપવાનું તેમજ કોશની અણીને જમીનમાં ઊંડી ખૂંચાવવા માટે વજન વધારવાનું છે.

(ii) ચવડું : ચવડું એ સાધારણ રીતે એક બાજુથી બીજી બાજુ તરફ સાંકડું બનતું પિરામિડ આકારનું હોય છે. કેટલીક વખત તે તુંગાનો જ એક ભાગ હોય છે, અથવા જુદો ટુકડો હોય તો તુંગાને અમુક ખૂણે જડેલો હોય છે. એનો આડો કાપ ત્રિકોણ જેવો હોઈ લાકડાના હળથી પડતો ચાસ હંમેશાં અંગ્રેજી અક્ષર (V)-આકારનો હોય છે. ચવડાનું કાર્ય કોશથી પડેલો ચાસ પહોળો કરવાનું અને નીકળેલી માટીને બાજુ ઉપર ધકેલવાનું હોય છે. આ ઉપરાંત ચવડું કોશને આધાર પણ આપે છે. ચવડાની નીચેના ભાગને તળિયું કહે છે કે જેના પર હળ ખસે છે. સૌથી વધારે ઘસારો આ ભાગને લાગે છે.

(iii) કોશ કે નરાશ : દેશી હળમાં માત્ર આ એક જ ભાગ લોખંડનો હોય છે. એ એક આંકડાથી અથવા કોશ પકડ અને કડીથી બરાબર રહે તેમ ચવડા ઉપર બેસાડેલો લોખંડનો લાંબો પાસ કે દાંડો છે. કોશનો એક છેડો અણીદાર કે સપાટ ધારવાળો હોય છે, જ્યારે બીજો છેડો બુઠ્ઠો હોય છે. અણીદાર કે ધારવાળા છેડાને સખત કરવા માટે યોગ્ય રીતે પાણી ચડાવવામાં આવેલું હોય છે. જેમ જેમ તે ઘસાતો જાય તેમ તેમ અવાર-નવાર પાણી પાવાની કે ઘસીને અણીદાર કરાવવાની જરૂર રહે છે. કોશનો આ અગ્રભાગ જમીનમાં દાખલ થઈને, તેને ખુલ્લી કરનાર હળનો આ પ્રથમ ભાગ છે. કોશને લીધે ચવડાની અણી સહેલાઈથી ઘસાઈ જતી બચે છે.

(iv) દાંડી : પાટમાં અમુક ખૂણે જડેલા લાકડાના લાંબા ટુકડાને દાંડી કહેવામાં આવે છે. દાંડી અને ચવડાથી બનતા ખૂણાને રચનાકોણ કહેવામાં આવે છે. દાંડીની ઉપર કે નીચે રાખેલી ફાચર બદલવાથી આ રચના કોણમાં ફેરફાર કરી શકાય છે. હળની દાંડી વાંકી કે સીધી હોય છે. દાંડીનું કાર્ય બળદના બળને હળના કાર્ય કરતા ભાગ તરફ લઈ જવાનું તથા હળના કાર્ય કરતા ભાગથી જાનવરને સલામત અંતરે રાખવાનું હોય છે.

(v) મૂઠ : કામ ચાલુ હોય ત્યારે હળને પકડવા તથા યોગ્ય દિશામાં હળને ફેરવવા માટે કામ લાગે છે. આ ભાગ ગૌણ ગણાય છે.

(vi) હાથો : તે મુખ્ય પાટનો જ ભાગ હોય છે અથવા જુદો જડેલો હોય છે. આ ભાગ ઓજાર ચાલુ કાર્યમાં હોય ત્યારે વજન દેવા અથવા ઓજારને ફેરવવાના તેમજ નિયંત્રણના કામમાં આવે છે.

(vii) કસમારો : આ ભાગ બાવળ જેવા મજબૂત લાકડામાંથી બનાવેલો હોય છે. તેની લંબાઈ સામાન્યત: 22 સેમી. જેટલી હોય છે. એક છેડો પાતળો ધારવાળો હોય છે અને બીજો છેડો ખાંચવાળો હોય છે; જેનાથી કસમારો બહારથી કાઢી શકાય છે. તે કોશને ચવડા સાથે સખત રીતે બેસાડવા માટે વપરાય છે.

આકૃતિ 2 : લોખંડી હળના જુદા જુદા ભાગો

(2) લોખંડી હળ : લાકડાના હળ અને લોખંડી હળ વચ્ચેનો મુખ્ય તફાવત જમીનને ઉપર નીચે કરવા બાબતમાં રહેલો છે. લોખંડી હળ જમીનને ફેરવી નાંખે છે, એટલે કે ખેડ કરવાથી ઉપલી માટી નીચે જાય છે અને નીચલી માટી ઉપર આવે છે. ઈ. સ. 1630ના અરસામાં વલંદા લોકોએ માટી કાપતી લોખંડી ધાર અને હાથા સાથેનું લોખંડના વળેલા ફળાવાળું હળ તૈયાર કરેલ હતું. લોખંડી હળના મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે : (અ) ફળાવાળાં હળ અને (આ) તવાવાળાં હળ.

લોખંડી હળનાં ભાગો અને કાર્ય : (i) તુંગું : તે મજબૂત, ઘન અનિયમિત આકારનો ટુકડો છે. તેની સાથે હળના બીજા ભાગો જડી લેવામાં આવે છે.

(ii) કોશ : તે જમીનમાં પેસતો ભાગ છે. જમીન કપાય તે માટે તેને ધારદાર રાખવામાં આવે છે.

(iii) ફળું : તે ફક્ત લોખંડી હળમાં જ જોવા મળે છે. દેશી અથવા લાકડાના હળમાં તેની ગેરહાજરી હોય છે. ફળું એ કોશ અથવા પાનાની તરત જ પાછળનો ભાગ છે. ફળું પાના સહિત ઢાળવાળી સપાટી બનાવે છે. ફળું એ હળનો અગત્યનો ભાગ છે; કારણ કે આ ભાગથી જ ચાસની માટી ઊંચકાય છે તથા અમળાઈને મરડાય છે અને છૂટી પડે છે; તેમજ બાજુ ઉપર ફેંકાઈ જાય છે.

(iv) લૅન્ડસાઇડ : તે ચાસની બાજુને અડીને સરકતો દાંડો કે પાટો છે. તેની ગેરહાજરીમાં હળ સ્થિર રહીને કામ આપતું નથી. ફળાં પર સરકતા ચાસનાં ઢેફાંને લીધે બાજુ પર થતા દબાણનો સામનો કરવામાં તે મદદરૂપ થાય છે. કેટલાંક હળમાં તે તુંગા સાથે ભળી ગયેલ હોય છે. તે ચાસને તળિયે અડીને આગળ ખસે છે. લૅન્ડસાઇડ ઘણી વખત જુદા ટુકડાનું પણ બનેલું હોય છે.

(v) દાંડી : હળના તળિયાને અને હળની ખેંચને જોડતી કડીનું કામ દાંડી બજાવે છે. તે હળના તળિયાના ભાગ સાથે જોડાયેલી હોય છે. સામાન્ય રીતે ભારે હળમાં અડચણ વગર કામ થઈ શકે તેવા સાફ અવકાશ માટે દાંડી વાંકી રાખવામાં આવે છે. હલકા હળમાં દાંડી સીધી હોય છે.

(vi) આંકડો : ચાસની ઊંડાઈ તથા પહોળાઈની ગોઠવણ માટે દાંડીને છેડે રાખેલી આ વિશિષ્ટ રચના છે. તેમાં ઊભો આંકડો, આડો આંકડો અને કડી હોય છે. ઊભા આંકડાથી ચાસની ઊંડાઈ તથા આડા આંકડાથી ચાસની પહોળાઈની વધઘટ કરી શકાય છે. જ્યારે કડીનો ઉપયોગ હળને ચલાવવું હોય ત્યારે સાંકળ જોડી ધૂંસરી સાથે બાંધવા માટે વપરાય છે.

(vii) હાથો અને મૂઠ : લોખંડી હળને અનુકૂળ મૂઠવાળા બે હાથા હોય છે. હાથાને દાંડી અને હળના તળિયા સાથે ચાપડાથી જડી લેવામાં આવે છે. હળને ચલાવવા તથા ઊંચકવા માટે હાથો આવશ્યક છે.

(viii) પૈડું : પૈડું એ દાંડીના આગળના છેડે આવેલું હોય છે. તેનું કાર્ય હળને સ્થિર રાખવાનું તથા કામમાં સરળતા પડે તે અંગેનું હોય છે. વધુમાં હળને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા તે ઉપયોગી છે. પૈડું એ હળનો આવશ્યક ભાગ નથી. તેની ગેરહાજરીમાં પણ હળથી ખેડ થઈ શકે છે. આથી પૈડાને હળનો સહાયકારક ભાગ ગણી શકાય.

મોહનલાલ નાનજીભાઈ વાઘાણી