હસરત, સુખપાલ વીરસિંગ (જ. 27 ઑગસ્ટ 1938, તેહસિલ ખાનેવાલ, મુલતાન – હાલ પાકિસ્તાનમાં) : પંજાબી ભાષાના નામી કવિ, નવલકથાકાર અને વિવેચક. તેમના કાવ્યસંગ્રહ ‘સૂરજ તે કહેકશાં’ને 1980ના કેન્દ્રીય વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1959માં તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી; ત્યાર બાદ પંજાબ સરકારના જાહેર સંપર્ક વિભાગમાં સંયુક્ત નિયામક રહ્યા. તેઓ લ્યાલપુર ખાલસા કૉલેજ, જલંધરમાં અધ્યાપક, 1971–80 પંજાબી સાહિત્ય કલા કેન્દ્ર; પંજાબી દરબારના જનરલ સેક્રેટરી; પંજાબી સાહિત્ય સમિખ્યા બોર્ડના સ્થાપક-જનરલ સેક્રેટરી રહ્યા. 1953માં તેમણે લેખનનો પ્રારંભ કર્યો અને 1956માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. તેમના 12 કાવ્યસંગ્રહો, 3 વિવેચનગ્રંથો અને 3 નવલકથાઓ પ્રગટ થયાં. તેમનાં કાવ્યો અનેક ભાષામાં અનુવાદ પામ્યાં છે. 1961ના વર્ષનો સાહિત્ય સમિખ્યા બૉર્ડ ઍવૉર્ડ તથા 1968 અને 1973માં તેઓ પંજાબ રાજ્યના સાહિત્યિક પુરસ્કારના વિજેતા નીવડ્યા હતા. તેમણે 1983–84 દરમિયાન ‘જાગૃતિ’ નામક પંજાબી સામયિકનું અને અંગ્રેજી માસિક ‘ઍડવાન્સ’નું પણ સંપાદન કર્યું હતું.
તેમના ઉલ્લેખનીય ગ્રંથો છે : પંજાબીમાં : ‘સરસાબાઝ પતિઝરણ’ (1956), ‘શક્તિનાદ’ (1965), ‘સૂરજ દા કાફલા’ (1972), ‘સૂરજ તે શિક્ષણ’ (1979), ‘દિલ દા દરવાઝા’ (1989), ‘સુંદરતા સંજોગ’ (1992), ‘દુશાત દામન ગોવિંદ ગુરુ’ (1994) તેમના કાવ્યસંગ્રહો છે, છેલ્લું મહાકાવ્ય છે. ‘આજ કી પંજાબી કવિતા’ (1958), ‘કાળદર્શન’ (1963) વિવેચનગ્રંથો; ‘કોસી રત્ત’ (1975), ‘સમ્માન તે સૂરજ’ (1990), ‘સગલ આનંદ’ નવલકથાઓ; તેમજ હિંદીમાં : ‘તૃષ્ણા કે પલ’ (1986), ‘હુશ્મન કા દરિયા’ (1994).
વિષયગત વૈવિધ્ય, સ્વયંસ્ફુરિત શૈલી, સૂક્ષ્મ કલ્પનો તથા ઊંચી કલ્પનાશક્તિ જેવી વિશેષતાઓને પરિણામે તેમનો પુરસ્કૃત કાવ્યસંગ્રહ પંજાબીમાં ગણનાપાત્ર ઉમેરણ ગણાય છે.
મહેશ ચોકસી